જીભ સુધરી જાય તો, જિંદગી સુધરી જાય
જો આ દુનિયામાં માણસે સુખી થવું હોય તો હંમેશા વિનય અને વિવેક સભર મીઠી વાણી બોલવી જોઈએ કે જેથી કોઈના હૃદયને આઘાત ન લાગે
માણસની ઉન્નતિ અને અધોગતિનો તમામ આધાર જીભ ઉપર છે માટે આપણે વાણી ઉચ્ચારતાં પહેલાં વિચાર કરવો કે મારી વાણી કલરવ સર્જશે કે કોલાહલ ? મારા શબ્દો કોઈના ઘા માટે મીઠું બનશે કે મલમ ? કૌટુંબિક જીવનમાં શાંતિ, પ્રેમ અને સંપ ચાહતા હોઈએ તો બને ત્યાં સુધી ઓછું બોલવું. બોલવું તોય મીઠાશ ભર્યું બોલવું.
શબ્દો વાપરવામાં પૂરી કંજૂસાઈ કરવી. સારામાં સારી સોનાની લગડી કોઈને દેવી હોય તો ધગધગતી ગરમ કરીને આપી શકાતી નથી. તેવી રીતે સાચી અને સારી વાત આપણે સામેની વ્યકિતને કહેવી હોય તો પણ કડવાશ ભર્યા શબ્દોમાં ના કહેવી જોઈએ. આપણે તો સૌને નમ્ર ભાવે, મીઠાશથી કહેવું.
શરીર રોગની ખાણ છે, સંસાર શોકની ખાણ છે, વાણી દુ:ખની ખાણ છે અને વિવેક સુખની ખાણ છે. વૃધ્ધિ અને વિનાશ બન્ને જીભને આધીન છે. જીવ આપીને જે જશ મેળવી શકાતો નથી તે સારી જીભ વાપરીને મેળવી શકાય છે. તેથી આપણે હંમેશા વાણી બોલવામાં વિવેક રાખવો જોઈએ.
વાણીનો અદ્ભુત પ્રભાવ છે. કડવું બોલવાવાળાનું મધ પણ વેચાતું નથી અને મીઠું બોલનારાનું મરચું પણ વેચાઈ જાય છે. જો આપણે હળવાશથી બોલીએ તો કોઈની સાથે કડવાશ નહિ થાય. તેથી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહે છે કે, માણસની જીભ સુધરી જાય તો, જિંદગી સુધરી જાય.
જે કાર્ય પૈસા આપતાં પણ ન થાય તે કાર્ય મધુરવાણી બોલવાથી સહેલાઈથી થઈ જતું હોય છે. તેથી જ તુલસીદાસજીએ આ જગતને સચોટ બોધ આપતાં એક સાખી કહી છે કે,
તુલસી મીઠે બચન સે, સુખ ઉપજત યહુ ઔર, યેહિ બસી કરન મંત્ર હૈ, તજીએ બચન કઠોર.
જો આ દુનિયામાં માણસે સુખી થવું હોય તો હંમેશા વિનય અને વિવેક સભર મીઠી વાણી બોલવી જોઈએ કે જેથી કોઈના હૃદયને આઘાત ન લાગે. કોઈનું હૃદય દુભાય નહીં. આ જગતને જો વશ કરવું હોય તો તેનો એક માત્ર ઉપાય છે કે, તમો બીજાને કઠોર વચનો ક્યારેય ન કહેશો. આપણે વિચારીશું તો જરૂર જણાઈ આવશે કે ગઈ કાલની લડાઈ. આજની લડાઈ અને આવતીકાલની લડાઈમાં માત્ર કારણ મળશે આ કઠોર વાણી જ. તપાસીયે આપણી જીંદગીનેયયય મોટે ભાગે આપણા જીવનમાં જે લડાઈ થઈ છે, કે હાલમાં ચાલી રહી છે તેની પાછળ બીનજરૂરી ચલાવેલી જીભનો જ ફાળો મહત્ત્વનો હશે !
મહાભારત અને રામાયણમાં જે યુધ્ધો થાય છે એ શેના કારણે થયા છે ?
દ્રોપદીજીએ દુર્યોધનને અંધના અંધ હોય એમ કહ્યું માટે મહાભારત થયું અને સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે, હે લક્ષ્મણ ! તું એમ સમજે છે કે રામ મરશે પછી હું તને વરીશ પણ હું તો આ ગોદાવરી નદીમાં ડૂબી મરીશ, કાં તો પડીને મરી જઈશ. પરંતુ તને તો કદાપિ નહીં વરું..
સીતાજીની આવી હૃદય છેદનારી કઠોરવાણી સાંભળી લક્ષ્મણજી ચોધાર આંસુએ રડી પડયા અને સીતાજીએ એકલાં મૂકીને જવાની ઇચ્છા ન હતી, છતાં રામ પાસે ગયા. પરંતુ પછી તો પરિણામ એ આવ્યું કે ભિક્ષા માંગવાના બહાને સાધુના વેશે આવીને રાવણ સીતાને ઉપાડી ગયો ને સીતાજીને અતિ દુ:ખો ભોગવવાં પડયાં અને અંતે મહાયુદ્ધ પણ થયું.
'આવા દ્રૌપદીજી અને સીતાજી જેવાં મોટા-મોટાં હતાં છતાં તેમણે પણ જો કઠોરવાણી વાપરી તો તેમને પણ કઠોરવાણીનાં કઠોર પરિણામો ભોગવવાં પડયાં છે. તો પછી સામાન્ય માનવી કઠોરવાણી બોલે તો તેને કઠોર પરિણામો ભોગવવાં પડે તેમાં શું કહેવું ?'
શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીમાં ૨૦મા અને ૨૦૧માં શ્લોકમાં માટે જ આવી કઠોરવાણી ન બોલવા સામે લાલબત્તી ધરી છે કે,' કોઈના હૃદયને દુ:ખ થાય તેવાં કઠોર વચન ન બોલવાં તથા ક્યારેય અપશબ્દ કે ગાળ ન બોલવી.' કારણકે તેવી વાણી, ઉચ્ચારવાથી તેવી વાણી બોલનારની જ કિંમત થાય છે.
દુધમાં જરૂરી પૂરતી ખાંડ નાખનારા આપણે, દાળમાં જરૂર પૂરતું મીઠું નાખનારા આપણે. કપડાંમાં જરૂર પૂરતી ગળી નાખનારા આપણે, વ્યવહારમાં જરૂર પૂરતા શબ્દો બોલનારા આપણે બની જઈએ તો આપણી જીંદગી આનંદ અને સુખથી ભરાઈ જશે.
આપણે વાણીને બહુ જ વિચારીને વાપરવી જોઈએ. ઝાંઝર અવાજ કરે છે એટલે તેને સ્થાન મળ્યું છે પગમાં, અને હાર મૌન રહે છે તેને સ્થાન મળ્યું છે ગળામાં, આ આપણને શું શીખવે છે ? બહુ બોલ્યામાં મજા નહિ.
વાણીને આપણે દૂધની જેમ વાપરવી જોઈએ, પણ પાણીની જેમ નહિ.
તેથી આપણે આપણી જીભ ઉપર સંયમ કેળવવા માટે પ્રયત્નશીલ બનીએ, જેટલો જીભ ઉપર સંયમ કેળવીશું તેટલા આપણે વધુ સુખી થઈશું...
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ