સદ્બુધ્ધિ અને સમજદારીથી સારું થાય; કુબુદ્ધિ અને અણસમજથી તો બૂરું થાય
સદ્બુધ્ધિ-કુબુદ્ધિ - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
એક શેઠને એકનો એક દીકરો હતો, તેથી તેમણે લાડકોડથી ઉછેર્યો, મોટો થતાં પરિણામ એ આવ્યું કે તે શેઠના કહ્યામાં હવે ના રહ્યો. ખરાબ મિત્રોની સોબતે અનેક તેનામાં ખરાબ ટેવો પડી ગઈ.
પાણીનું એક ટીપું જો એ તાવડી ઉપર પડે તો એનું અસ્તિત્વ જ મટી જાય છે.
પાણીનું એક ટીંપુ જો કમળના પાન ઉપર પડે તો એ મોતી જેવું ચમકી ઉઠે છે. અને એ જ પાણીનું ટીપું જો છીપમાં પડે છે તો, એ મોતી જ બની જાય છે.
પાણીનું ટીપું તો એનું એ જ છે, પણ આટલો બધો તફાવત કેમ પડયો ? શેનો પડયો ? સહવાસનો.
તેથી માણસ માત્રે સારા માણસોનો સંગ કરવો જોઈએ. તેથી જ કહેવાયું છે કે, કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે, ચડે સંગ કુસંગ રંગ,
જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાજળ થશે કાજળ સંગ તોય.
માણસને સંગની અસર થાય જ છે. સફેદ વસ્ત્રને જેવા રંગમાં નાંખો તેવો રંગ તેનો બની જાય છે, એ ન્યાયે માણસ જેવી સોબત કરે છે, તેવી અસર થાય જ છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ ક્યારેય અણુમાત્ર પણ કુસંગ ના કરવો તેવું પ્રતિપાદન કરતાં ગઢડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં કહે છે કે, આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય, અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, ને તે હવેલીને વિષે કાચના તક્તા સુંદર જડયાં હોય, ને સુંદર બિછાનાં કર્યા હોય તેમાં નાના પ્રકારનાં આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, ને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડયા હોય, ને વેશ્યાઓ થઈથેઇકાર કરી રહી હોય, ને નાના પ્રકારના વાજિંત્ર વાજતાં હોય, ને તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે, અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહ વર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઇને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે, માટે સત્સંગને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે, તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, માટે ક્યારેય કુપાત્ર માણસની સંગત કરવી જ નહિં.
તેથી જ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહે છે કે,
કાંકરી ભલે નાની પડે સરોવરમાં, તરંગો તે પેદા કરે જ છે.
આંખમાં નાનકડું તણખલું પડે, તો પણ હિમાલય દેખાતો બંધ કરી જ દે છે.
ધંધામાં નાનકડી અમુક પ્રકારની ભૂલ કરો તો, લાખો રુપિયા તમારા ડુબાડી જ દે છે.
સાપનો નાનકડો ડંખ પણ તમને, દુઃખી કરે જ છે.
આ ન્યાયે માણસ થોડોક કુસંગ કરે, કે પછી નાના દોષને ટાળવા માટેની કાળજી ન લે તો, એ એક દિવસ મોટી આપત્તિ સર્જે છે. જીવનમાં માણસે સુખી થવું હોય તો, દુશ્મનની શક્તિ ઓછી આંકવાની ક્યારેય ભૂલ ના કરવી જોઈએ. આપણા દોષ ધીમે ધીમે બળવાન, બનતા જાય છે, પછી તેને ટાળવા બહુ મુશ્કેલ બની જાય છે. તેથી દોષો અને દુશ્મનને ઉગતા જ ડામી દેવા જોઈએ.
એક શેઠને એકનો એક દીકરો હતો, તેથી તેમણે લાડકોડથી ઉછેર્યો, મોટો થતાં પરિણામ એ આવ્યું કે તે શેઠના કહ્યામાં હવે ના રહ્યો. ખરાબ મિત્રોની સોબતે અનેક તેનામાં ખરાબ ટેવો પડી ગઈ. શેઠ તેથી ચિંતિત રહેવા લાગ્યા. દિકરાને આ ખરાબ આદતો છોડવા માટે નિત્ય પ્રેમથી સમજાવે. પરંતુ આ દિકરા ઉપર કોઈ અસર થતી ન હતી. બહુ શેઠ કહે તો એ કહેતો કે, ધીમે ધીમે હું છોડી દઈશ એમ કહીને શેઠને સમજાવી દેતો.
શેઠે અંતે થાકીને પોતાના ગુરુજી પાસે જઈને હકીકત જણાવી. તેથી તેમણે શેઠને કહ્યું કે,' કાલે તારા દિકરાને લઈને મારી પાસે આવજો.' બીજા દિવસે શેઠ પોતાના દિકરાને લઈને ગુરુજી પાસે આવ્યા એટલે ગુરુજી બાપ-દિકરાને સાથે લઈને એક જંગલમાં તેને ભ્રમણ કરવા લઈ ગયા. માર્ગમાં એક છોડ જોયો એટલે ગુરુજીએ આ દિકરાને કહ્યું કે,'રસ્તા ઉપર ઉગેલા આ છોડને તું ઉખાડી શકીશ ?' છોકરાએ કંઈ જવાબ આપ્યા વગર વાંકા વળીને એક જ ઝાટકે એ નાના છોડને ઉખાડી નાખ્યો અને ગુરુજીના ચરણોમાં મૂકી દીધો.
થોડેક આગળ ગયા પછી તેનાથી થોડો મોટો છોડ દેખવામાં આવ્યો. ગુરુજીએ આ છોડ ઉખેડવા માટે એ શેઠના દિકરાને કહ્યું, તેથી તેણે ઉખાડવાનો પ્રયત્ન કર્યો, થોડા પ્રયત્નને અંતે તેને તે ઉખાડી શક્યો, પરંતુ પરસેવો વળી ગયો.
જંગલમાં આગળ જતાં એક ઝાડ આવ્યું. ગુરુજીએ દિકરાને કહ્યું કે, તું આ ઝાડને ઉખાડી નાંખ. આ સાંભળીને શેઠનો દિકરો ગુસ્સે ભરાયો અને શેઠને કહે કે, આમને કાંઈ સમજણ પડે છે કે નહિ ? આ ઝાડ કંઈ ઉખડતું હશે. આપણે બધા ભેગા મળીને મહેનત કરીને મરી જઈએ, તો પણ આ ઝાડ ના ઉખડે.
ગુરુજીએ કહ્યું,'બસ મારે તને આ સમજાવવું હતું કે, આદતો નવી અને નાની હોય તો એને છોડવી ખૂબ સરળ છે પણ અમુક સમય પસાર થઈ ગયા પછી એનાથી છૂટકારો મેળવવો મહામુશ્કેલ હોય છે.'
તેથી સુખી થવું હોય તો કુસંગથી દૂર રહેવું જોઈએ અને કદાચ કોઈ સંજોગવશાત્ કુસંગ જીવમાં પેસી ગયો હોય, તો તેને મહેનત કરીને તરત કાઢી નાંખવામાં જ સૌનું હિત છે.