Get The App

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થની સિદ્ધિને અપાવતો ગ્રંથ- શિક્ષાપત્રી

શ્રી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં 212 સદ્ઉપદેશો આપ્યા છે. જે આજના માનવીના માટે અત્તિ ઉપયોગી છે.

Updated: Jan 29th, 2020

GS TEAM

Google News
Google News
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થની સિદ્ધિને અપાવતો ગ્રંથ- શિક્ષાપત્રી 1 - image


(વસંતપંચમી- 194મી જયંતિ)

છઋતુઓમાં વસંતને 'ઋતુરાજ'ની ઉપમા આપવામાં આવી છે. ઋતુરાજ વસંતના પ્રેમાળ સ્પર્શથી નિસર્ગ ખીલી ઉઠે છે. મહા સુદ પાંચમના દિનથી વસંતનું આગમન થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન વસંતના ઉત્સવને ઉત્સાહથી ઉજવતા. વસંત પંચમીના શુભ દિને જ સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનું પ્રાગટય થયું છે. આ કારણથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનું મહત્વ અનેરૂં છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક ગ્રંથોનો સાર કાઢીને સંવત ૧૮૮૨ના મહાસુદ પંચમી વસંતપંચમીએ શિક્ષાપત્રી વડતલામાં લખીને સૌને સાચી દિશા બતાવવા માટે આચાર સંહિતા આપી છે.

એકવાર એક વ્યકિત હોકાયંત્ર સાથે અરીસો જોડીને તેને વેચવા નીકળ્યો. રસ્તે પસાર થતા એક વટેમાર્ગુએ આ જોયું. અને આશ્ચર્ય પામી પૂછયું, તમે આ હોકાયંત્ર સાથે અરીસો કેમ જડયો છે ? ત્યારે વેચનારાએ કહ્યું, હોકાયંત્ર ભૂલેલાને દિશા બતાવવા માટે છે, અને અરીસો કોણ ભૂલું પડયું છે તે બતાવવા માટે છે, દ્રષ્ટાંત નાનું છે પણ ખૂબ માર્મિક છે.

હું ભૂલો પડયો છું. એવું ભાન વ્યકિતને થાય પછી હોકાયંત્ર વાપરવાની વાત આવે છે.

આજે અરીસા સાથેનું એ હોકાયંત્ર માણસ માત્રને પકડવાની જરૂર છે. ભૂલો પડયો છે તેનું ભાન જેટલું વહેલું થાય તેટલું હિતમાં છે. આજે મનુષ્યનો આચાર જુઓ કે વિચાર, આહાર જુઓ કે વિહાર બધી જ રીતે દિશમોડ થયેલો છે. આવા દિશમોડ બનેલા જીવો ઉપર દયા કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી છે.

- શિક્ષાપત્રી એટલે કળિયુગમાં અલ્પબુદ્ધિ, અલ્પશક્તિ, અલ્પ આયુષ્યવાળા માનવી માટે ગાગરમાં સાગર સમો ઉપકારક ઉત્તમ ગ્રંથ.

- શિક્ષાપત્રી એટલે સંસારરૂપી ભવાટવીમાં ભગવાનથી ભૂલા પડેલાની રાહદર્શી.

- શિક્ષાપત્રી એટલે જગતના પાંચ વિષયના વિષથી બચવા માટેની સંજીવની.

જીવનના ચાર મુખ્ય પાયા સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને સદાચાર એ ચાર તો અવશ્ય હોવાં જ જોઈએ તેના ઉપર શિક્ષાપત્રીમાં ખૂબ જ ભાર મૂકાયો છે.

શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે,' આ શિક્ષાપત્રી  અમારૂં સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી જે માનવી  આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.' માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યે પાઠ કરવો અને જેને વાંચતાં ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવા કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી.

આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્તે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. અન્ન કે વસ્ત્રનું તેને ક્યારેય દુઃખ પડતું નથી. તેથી જ આજે શિક્ષાપત્રી ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં તથા સારાય વિશ્વમાં ફેલાયેલી છે. આવી અણમોલ શિક્ષાપત્રી રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને મુંબઈના ગર્વનર જ્હોન, માલ્કમને ભેટ આપી હતી જે આજે પણ સાચવવામાં આવેલી છે. આજે પણ જે મુમુક્ષુજનો ત્યાં જઈને તેનાં દર્શન કરવા ઇચ્છે છે તેને તે શિક્ષાપત્રીનાં દર્શન કરાવવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં ૨૧૨ સદ્ઉપદેશો આપ્યા છે. જે આજના માનવીના માટે અત્તિ ઉપયોગી છે. આ શિક્ષાપત્રી આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાા મુજબ નિત્ય વાંચીએ અને વિચારીએ અને તે શ્લોકોને અમલમાં મૂકીએ તો આપણું જીવન સુખમય બની જાય. કદાચ આપને પાસે આ શિક્ષાપત્રી ન હોય, તો શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર- અમદાવાદ પધારજો આપને આ શિક્ષાપત્રી વિના મૂલ્યે પ્રાપ્ત થશે. દરેક માનવીને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થની સિધ્ધિ પ્રાપ્ત કરાવતો ગ્રંથ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :