Get The App

અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ એટલે દિપાવલી પર્વ...

Updated: Oct 23rd, 2019

GS TEAM

Google News
Google News
અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ એટલે દિપાવલી પર્વ... 1 - image


થયું આ એક મોંઘું વર્ષ,

ઓછું જિંદગીમાંથી,

સહુને સાનમાં સમજાવવા, 

આવી દિવાળી આ.

દીપોત્સવી પર્વ આપણા ભારતમાં અનેક વર્ષોથી પ્રકાશ અને પ્રગતિના સોપાન રુપે ઉજવાય છે. દિપાવલી એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ છે. દિવાળીને તહેવારોના રાજા માનવામાં આવે છે. દીપોત્સવી એટલે પ્રકાસનો ઉત્સવ- આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ. જે આસો વદ એકાદશીથી અમાવસ્યા સુધીનું ઉત્સવ પંચક છે.

દીપોત્સવી એટલે પાંચ-પાંચ દિવસ નવા વિચારો. નવા સંબંધો, નવી આશા.. નવા ઉત્સાહની ચેતના, નવા ઉમંગની અભિલાષા નવા અરમાન.. નવા સ્વપ્નોથી જીવનને મહેંકાવતું પર્વ. દિવાળી એટલે તે જ કે પ્રકાશ અને આ પ્રકાશનું પ્રતીક એટલે દીપક છે. આ દિવડો માત્ર અજવાળું આપતો દીવો નથી. પરંતુ અંધકાર પર પ્રકાશના, અજ્ઞાાન પર જ્ઞાાનના વિજ્યનું પ્રતિક છે.

દિવાળીનું પર્વ અનેક પ્રસંગોનો સમૂહ દિન છે. પશુ ભગવાને પૃથ્વીનું દોહન કરી રસકસ કાઢયા. સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા. ભગવાન મહાવીરનો નિર્વાણ દિન. પાંડવો વનમાંથી પાછા ફર્યા. ભગવાન કૃષ્ણે નરકાસુર અને ભૌમાસુરનો નાશ કરી પ્રજાને ત્રાસમાંથી મુક્તિ અપાવી. રામચંદ્રજીએ રાવણનો નાશ કરી આ દિવાળીના દિવસે અયોધ્યામાં આગમન કર્યું હતું. તેમ માનવામાં આવે છે.

આપણે દિવાળીના આ પર્વ ઉપર થોડો વિચાર કરવાની પણ જરૂર છે. હૃદયમાં રહેલાં અંધકારને દૂર કરીને દીપ પ્રગટાવાનો છે. આપણે ત્યાં દિવાળી આવે છે ત્યારે ઘણા માણસોને આપણે બોલતાં સાંભળ્યા હશે કે, મેં તો આવી ઘણી દિવાળી જોઈ નાંખી. તમારા કરતાં તો વધુ દિવાળીઓ અમે જોઈ છે. પરંતુ શું વધુ દિવાળી જોવાથી આપણે વધુ સમજણા બન્યા છે ખરા ? એનો વિચાર કરવા જેવો છે.

જેટલી આપણે દિવાળી જોઈ છે એટલી એના પ્રમાણમાં આપણે આપણી જીંદગી સારી બનાવી છે ? આપણામાં સુંસંકારો એટલા વધુ પ્રમાણમાં આવ્યા છે ? આપણે હિસાબ કર્યો ખરો કે ? વર્ષના બધા જ દિવસો આપણે સારી રીતે પસાર કરીએ છીએ ? જીવનમાં કાંઈક નવીનત્તમ કરીએ છીએ ? આપણા દોષોનું દહન કરીએ છીએ ? આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ છીએ ? જેમ જેમ દિવાળી જોયાની સંખ્યાનો આકંડો વધે છે તેમ તેમ આપણામાં કાંઈક ફેરફાર થાય છે ખરો ? કે, માત્ર દિવાળીની સંખ્યાના આંકડામાં જ ફેરફાર થાય છે ? આવો દુર્લભ મનુષ્ય જન્મ આપણને  મળ્યો અને આપણે શ્રી સ્વામિનારાયણ ભગવનનું ભજન, ભક્તિ ના કરી તો શું અર્થ સર્યો.

હવે, દિવાળી આવશે, નૂતનવર્ષનો પ્રારંભ થશે. તો આપણે પણ આ નૂતન વર્ષથી જીવનનો નૂતન રીતે પ્લાનીંગ કરીને જીવન જીવવાનો પ્રારંભ કરી દઈએ, દરરોજ નવો સૂર્યોદય થાય છે. દરરોજ વૃક્ષોમાં નવાં પાન પ્રગટે છે. દરરોજ પંખીઓ નવા ટહુકા કરે છે. તો પછી આપણે દરરોજ કેમ કાંઈક નવીન ના કરીએ ? નવીન અવશ્ય કરીશું એવા શુભ સંકલ્પ સાથે ખરા અર્થમાં દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી કરીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :