માતા પિતાની સેવા કરવી અને શ્રાદ્ધ કરવું તે પુત્રની ફરજ છે
આપણે ત્યાં ભાદરવા મહિનામાં કૃષ્ણપક્ષની એકમથી અમાસ સુધીના દિવસોને પિતૃઓના શ્રાદ્ધ માટેના દિવસો ગણવામાં આવે છે. મૃત્યુ પામીને પરલોકને પ્રાપ્ત થયેલ પિતા,પિતામહ વગેરે કુંટબીજનોને તૃપ્ત કરવા માટે શાસ્ત્ર કે વિધિ પ્રમાણે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. ઠેર-ઠેર કાગવાસ કરીને કાગડાઓને ખવડાવામાં આવે છે. આ બધી ક્રિયાઓ કરીને સંતાનો પોતાના પિતા માટે કાંઈક અમે કર્યું. તેમને અમે રાજી કર્યા તેવો સંતોષ મેળવે છે. પુત્રોને એમ લાગે છે કે, અમો પિતૃઋણમાંથી મુક્ત થયા.
સ્વામિનારાયણ સંપ્રદાયા સત્સંગીઓ મંદિરો ભગવાનને અને સંતોને રસોઈ આપીને તૃપ્ત કરે છે અને પિતૃઋણમાંથી મુક્ત થયાનો અહેસાસ કેળવે છે. આજેય ઘણાય એવા સંતાનો જોવા મળે છે કે, માતા પિતા મરી ગયા પછી તેને રોજ અગરબત્તીનો ધૂપ કરતા હોય છે, પરંતુ જ્યારે માતા-પિતા હયાત હોય ત્યારે તેમને ચૂપ કરતાં હોય છે. તેમની વેદના સાંભળતા પણ નથી હોતા. સામે પણ જોતાં નથી હોતા. તેમની સાથે નિત્ય પાંચ મિનિટ વાત કરવા પણ સમય ફાળવતા નથી.
આજેય ઘણાય એવા સંતાનો છે કે, તેમની માતા પિતાને ઘડપણમાં પાણી પીવડાવાનું પણ પોષાતું નથી. તેથી માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે. અને પછી માતા-પિતા મરી જશે ત્યારે તેમની પાછળ અનેકને દૂધ પાક કરીને જમાડશે. અનેક તીર્થોમાં તેમના અસ્થિ પધરાવવા માટે જશે. અને સમાજમાં બધાને કહેતા ફરશે કે, મેં મારા માતા પિતાની પાછળ આટલું બધું કર્યું..
ઘણી વખત તમને એવું પણ જોવા મળે છે કે, ઘણા દિકરાઓ મા-બાપને દેવમંદિરે લઈ જવાના બદલે ઘરડાઘરમાં મૂકી આવે છે. અરે- જે મા-બાપ રાતોની રાતો જાગીને દિકરાને મોટા કર્યા છે તે દિકરાઓના હૃદય આટલા નાના કેમ થઈ ગયા છે ? જે મા-બાપે પોતે ઓઢયા વિના રહીને સંતાનોને ઓઢાડયું છે. જે મા-બાપે ભૂખ્યા રહીને દિકરાઓને જમાડયું છે.
એ દિકરાઓ આજે મા-બાપને પુરું જમવા આપતાં નથી. એ મા-બાપની સાથે વાત કરવાનો પણ એમને સમય નથી. શું આજના દિકરા એ ભૂલી ગયા છે કે, એ પણ એક દિવસ નાના હતાં ત્યારે કેવી ચેષ્ટાઓ કરતાં હતા ? પરંતુ મા-બાપે શાંતિથી તેમને સાંભળ્યા છે. સમજાવ્યા છે અને સાચવીને ઉછેર્યા છે.
જે ગૃહસ્થ હોય તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.
આ દુનિયાના મોટાભાગના માતા-પિતાઓ પોતાના સંતાનો તરફથી આ એક આશા રાખતા હોય છે. તમારા માતા-પિતાએ પણ તમારા તરફથી એક આવી આશા રાખેલી છે. તમો તમારા માતા-પિતાના સંતાન હોવા તો તેમની આ આશાને તમો પૂરી કરશો ને ?
આજ ઉંગલી થામ કે તેરી, તુજે મેં ચલના સીખ લાઉં
કલ હાથ પકડના મેરા, જબ મૈં બૂઢા હો જાઉં...!
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ