Magazines

સાદ બિલગ્રામી અપમાનના ઘૂંટડા પીને આગળ વધ્યો

By GS TEAM
18 Sep 20252 mins read
સાદ બિલગ્રામી અપમાનના ઘૂંટડા પીને  આગળ વધ્યો

- 'મુંબઈ આવ્યા પછી  ઘણા મહિના હું એક કારખાનામાં  રહ્યો. રાતના સમયે  હું ત્યાં કામ કરતાં મજૂરો  સામે મિમિક્રી   કરતો અને તેઓ  મને ભોજન  કરાવતા.'

'ખુદા હાફિઝ-૧-૨' , 'પંચાયત', 'ગુલ્લક', 'લૂંટકાંડ'  અને 'ધડક-૨' માં કામ કર્યા પછી  અભિનેતા સાદ બિલગ્રામીને  દર્શકો પિછામવા લાગ્યાં છે. પરંતુ  રખે એમ માની  લેતા  કે આ કલાકાર માત્ર અભિનય કરી જાણે છે.  તેણે બાળકોને  શિક્ષણ આપવાથી  લઈને  મિમિક્રી, કોરિયોગ્રાફી, લેખન અને કન્ટેન્ટ સુધ્ધાં  ક્રીએટ  કર્યું  છે. અભિનેતા  કહે છે કે મૂળભૂત રીતે હું  ફૈઝાબાદનો  છું.  મારું  ઘર પ્રતિષ્ઠિત  ગીતકાર-પટકથા  લેખક જાવેદ અખ્તરના ઘરની સામે જ છે.  હું ત્રીજા ધોરણમાં  ભણતો હતો ત્યારે મારી મમ્મી  મને કહેતી કે તું બહુ નૌટંકી   કરે છે.  મોટા થયા પછી  મેં મારા ઘર પાસે આવેલી શાળામાં  બાળકોને  ભણાવવાનું  કામ કર્યું.  હું ડાન્સ  અને કોરિયોગ્રાફી  પણ કરતો.  પરંતુ નબળી  આર્થિક સ્થિતિને  પગલે અભિનય  વિશે  વિચારવાનું પણ જાણે  કે મોંઘુ લાગતું.  ખેર...., આખરે  તો જે થવાનું  હોય છે  તે થઈને જ રહે છે.  એક  વખત એવો આવ્યો જ્યારે મને અભિનય  સિવાય બીજું કંઈ ન સૂઝતું.  છેવટે  હું ભાગીને મુંબઈ આવી ગયો. મુંબઈ આવ્યા પછી  ઘણાં  મહિના સુધી   હું ઘાટકોપરમાં  આવેલા અસલ્ફા  ખાતેના  એક કારખાનામાં  રહ્યો.  રાતના સમયે  હું  ત્યાં કામ કરતાં મજૂરો  સામે મિમિક્રી   કરતો અને તેઓ  મને ભોજન  કરાવતા. હું કામ માટે લોકોને મેસેજ  કરતો.  તે વખતે મને  આરવીસેજેમાં જવાનો  મોકો મળ્યો.   હું સંચાલન, લેખન,  અભિનય  એમ સઘળાં  કામકરતો.  ત્યાં ચાર વર્ષ  નોકરી કર્યાં પછી હું ટીવીએફમાં  લેખક  તરીકે જોડાયો.  અહીં  કામ કરતાં જ મને 'ખુફા હાફિઝ' માં  અભિનય  કરવાનો અવસર  મળ્યો.  'લૂટકાંડ' પછી  મને કામ મળવા લાગ્યું. જો કે પ્રારંભિક  તબક્કે પણ મને  જે કામ પસંદનહોતું પડયું  તે મેં પાછું વાળ્યું  હતું. મેં એક વેબ સીરીઝ અને એક સુપરસ્ટાર સાથેની  ફિલ્મ નહોતી સ્વીકારી.  

    મને અસંખ્ય વખત રિજેક્શનનો  સામનો પણ કરવો પડયો હતો.  એક જાણીતી  હસ્તીએ  તો  મને  એટલે સુધી  કહી દીધું હતું કે તું મિમિક્રી કરવા સર્જાયો  છે, એક્ટિંગ કરવાનું તારું ગજું નથી.  તારે માત્ર મિમિક્રી જ કરવી  જોઈએ.  તે દિવસે  હું  ટેરેસ પર ઈને ખૂબ રડયો હતો. મેં આ વાત મારી  ડાયરીમાં નોંધી રાખી. ત્યાર   પછી  મેં  'ફિલ્મ એન્ડ ટેલિવિઝન   ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા' માં જોડાવાનો  નિર્ણય  કર્યો.  આ પ્રકારની વાતો  સાંભળ્યા પછી મને  પોતાને મારી ટેલેન્ટ  પર શંકા થવા લાગી હતી.  જો કે મારા મિત્રોના કહેવાથી હું આરવીસજે અને ટીવીએફ સાથે  જોડાયેલો  રહ્યો.  મેં ઘણા  વિડિયો  પણ કર્યાં.  હવે 'ધડક-૨' મહત્ત્વની  પુરવાર થઈ છે.