રુક્મિણીનો પત્ર .

- હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ ! કનનાં છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમ જ નેત્રોવાળાના નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ્જ થઈ આપમાં લાગ્યું છે.
શ્રીમદ્ ભાગવતજીના દશમ્ સ્કંધ ઉત્તરાર્ધના બાવનમાં અધ્યાયમાં રુક્મિણીજીએ ભગવાનને પત્ર લખ્યો છે. રુક્મિણીજીનો પત્ર આજે પણ દ્વારિકાના નિજ મંદિરમાં બ્રાહ્મણો વાંચે છે. કથા પ્રસંગને જોઈએ તો ભિષ્મક રાજા તેમનું શાસન વિદર્ભમાં હતું. આ ભિષ્મક રાજાને પાંચ દિકરા અને એક દિકરી. દિકરીનું નામ હતું રુક્મિણી. રુક્મિણીનું મન ભગવાન દ્વારિકાધીશ શ્રીકૃષ્ણમાં લાગ્યું હતું. પણ રુક્મિણીના ભાઈ રુક્મીની એવી ઈચ્છા હતી કે મારા બહેનના લગ્ન શીશુપાલ સાથે થાય. પણ રુક્મિણીજીએ સાત શ્લોકોમાં ભગવાનને પત્ર લખ્યો. પત્ર લઈ બ્રાહ્મણ દ્વારિકા ગયા. રુક્મિણીજીનો સંદેશો ભગવાનને વાંચી સંભળાવ્યો.
રુક્મિણીજી લખે છે કે, હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ ! કનનાં છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમ જ નેત્રોવાળાના નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ્જ થઈ આપમાં લાગ્યું છે. હે મુકુંદ !, હે પુરુષશ્રેષ્ઠ ! કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા નિરુપમ અને મનુષ્યલોકના મનને આનંદ આપનારા આપને કુળવાન, મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે પતિ તરીકે ન સ્વીકારે. માટે હે પ્રભુ ! આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે, તો આપ મને આપની પત્નિ બનાવો. પણ હે કમળનયન ! શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહિં, તેમ શિશુપાલ અહીં ઉતાવળો આવી આપ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકો. મેં વાવકૂવા બંધાવી, અગ્નિહોત્રાદિ કરી, સુવર્ણાદિનાં દાન આપી, તીર્થાટન વગેરે નિયમો પાળી, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરી, દેવ, બ્રાહ્મણ, ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય, તો શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણિગ્રહણ કરો.
હે અજિત ! આવતી કાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટળાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંધના સૈન્યનો પરાજ્ય કરી બળથી, પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસવિધિથી પરણજો. કદાચ આપ કહો કે, અંત:પુરની વચ્ચે રહેનારી તને તારાં સગાં-સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી શકું ? તો હું ઉપાય બતાવું છું કે અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે, તેમાં નવી વહુ થનારી કન્યા નગરની બહાર પાર્વતીજીનાં દર્શન કરવા જાય છે. અર્થાત્ અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીનાં દર્શન કરવા શહેરની બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારાં સગાંસંબંધીઓને મારવાનો પ્રસંગ નહિ આવે.
હે કમળનયન શ્રીકૃષ્ણ ! ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણકમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે, તે આપની કૃપા આ જન્મમાં હું નહિ મેળવું તો વ્રતો, ઉપાસ વગેરે કરી શરીર સૂકવી પ્રાણ તજીશ અને એમ કરતાં સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા પર થશે જ.
રુક્મિણીજીનો પત્ર - એમાં એક ગૂઢાર્થ એ સમજવાનો છે કે, તેમણે ભગવાનનું સ્વરૂપ જોયું નહોતું. તેમણે તો ભગવાનના સ્વરૂપ વિશે સાંભળ્યું હતું. ભક્તિના ૯ પ્રકાર છે. એમાં શ્રવણ ભક્તિ તે મુખ્ય છે. શ્રવણ કર્યાં પછી ભગવાનના દર્શનનો આનંદ વિશેષ છે. એ ભગવાન દ્વારિકાધીશની કૃપા આપ સૌ ઉપર રહે એ જ અભ્યર્થના.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી








