આંતરડાની વ્યાધિઓથી બચાવે રેષાવાળો આહાર
ફાઇબરયુક્ત ખોરાક માટે લો ફળો, શાકભાજી, કઠોળ અને સુકો મેવો
પૌષ્ટિક આહારની વાત ચાલતી હોય તો આપણને એક સલાહ અચૂક આપવામાં આવે કે રોજિંદા ભોજનમાં ફાઇબરયુક્ત, એટલે કે રેષાવાળો ખોરાક અચૂક લેવો જોઇએ. અને તેને માટે દરરોજ પૂરતા પ્રમાણમાં ફળો, શાકભાજી, કઠોળ ઇત્યાદિ લેવાં આવશ્યક છે. પરંતુ જો આપણે આ સલાહને અવગણીએ તો?
આના જવાબમાં તબીબો એક ઉદાહરણ આપતાં કહે છે કે એક દરદીને પેટમાં અસહ્ય દુખાવો થતાં તે અમારી પાસે આવ્યો. પહેલી નજરે અમને એમ લાગ્યું કે તેને એપેન્ડિસાઇટિસ હશે.પરંતુ તેનો એમઆરઆઇનો રિપોર્ટ ચોેંકાવનારો હતો. એ દરદી ડાઇવર્ટિકલ્ટીસથી પીડાતો હતો. ડાઇવર્ર્ટિકલ્ટીસ આંતરડાની એક પ્રકારની વ્યાધિ છે જેને આપણે સાદી ભાષામાં હરણિયા પહેલાની સ્થિતિ કહી શકીએ. અહીં આપણને સહેજે પ્રશ્ન થાય કે ડાયવર્ટિકલ્ટીસ થવાનું કારણ શું? આના જવાબમાં તબીબો કહે છે કે આજે આપણે વધારે પડતી રિફાઇન્ડ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતાં થઇ ગયાં છીએ.જ્યારે કોઇ ખાદ્ય સામગ્રીને વધારે પડતી શુધ્ધ કરવામાં આવે ત્યારે તેમાં રહેલાં રેષા નાશ પામે છે.
આપણને યોગ્ય રીતે રાંધેલા લીલા શાકભાજીના સ્થાને તીખાંતમતમતાં તૈલીય શાક ખાવાનું ગમે છે. ફળોનું સ્થાન ફાસ્ટ ફૂડે લઇ લીધું હોય એવો તાલ જોવા મળે છે. પરિણામે આપણા શરીરને પૂરતાં પ્રમાણમાં રેષા મળતાં નથી જે છેવટે ડાઇવર્ટિકલ્ટીસની સ્થિતિ સર્જે છે. તબીબો વધુમાં જણાવે છે કે પશ્ચિમી દેશોમાં વધારે પડતા રિફાઇન્ડ ફૂડનું ચલણ હોવાથી ત્યાં આ સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને ૪૦ કે ૫૦ વર્ષની વય પછી આ સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ વિડંબણા એ છે કે દરદીને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે તે ડાઇવર્ટિકલ્ટીસથી પીડાઇ રહ્યો છે. કોઇક કેસમાં
અન્ય કોઇક કારણસર જો કલોનોસ્કોપી કરવામાં આવી હોય તો આ વ્યાધિની જાણ સમયસર થઇ જાય છે. પરંતુ જો આ સમસ્યાની જાણ સમયસર ન થાય તોમોટા આંતરડામાંહાનિકારક બેક્ટેરિયા પેદા થાય છે. પરિણામે પેટમાં દાહ-બળતરા થાય છે કે ચેપ લાગે છે. અને જો આ ચેપની સારવાર સમયસર કરવામાં ન આવે તો દરદી આંતરડામાં ચાંદા પડવા, છિદ્ર પડવાં કે આંત્રવેષ્ટનદાહ જેવી ગંભીર સમસ્યાનો શિકાર બને છે.
આ વ્યાધિથી ગ્રસ્ત કેટલાંક મરીજોમાં વારંવાર પેટમાં અસહ્ય દુખાવો થવો, પેટ ફૂલી જવું, કબજિયાત અને ડાયેરીયા જોવેા મળે છે જેને તબીબી ભાષામાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિમ્પ્ટમ્સ (જઠરાંત્રિય લક્ષણો) કહેવામાં આવે છે. આ દરદીઓને સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સની સારવાર સાથે માત્ર પ્રવાહી ખોરાક પર રાખવામાં આવે છે. સારવાર બાદ તેમને રેષાવાળો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. અને સુકો મેવો, બીવાળાં ફળો ઇત્યાદિ ખાવાની મનાઇ કરવામાં આવે છે. જો દરદી તબીબની સલાહને ન અનુસરે તો તેને વારંવાર ડાઇવર્ટિકલ્ટીસના હુમલા આવવાની ભીતિ રહે છે.
એક અભ્યાસ મુજબ આ વ્યાધિથી બચવા ફાઇબરયુક્ત આહાર લેવો અત્યાવશ્યક છે. જેમ કે સફરજન અને પેર જેવાં ફળો, કાળી દ્રાક્ષ તેમ જ જરદાળું જેવો સુકો મેવો,લીલા શાકભાજી, કઠોળ ઇત્યાદિ. ઘણાં લોકોે ફળો સમારીને ખાવાને બદલે તેનું જ્યુસ પીવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે કોઇપણ ફળનું જ્યુસ કાઢવામાં આવે ત્યારે તેમાં રહેલા રેષાં કચરાની જેમ ફેંકાઇ જાય છે. પરિણામે આપણા શરીરને તેનો લાભ નથી મળતો.
પૂરતા પ્રમાણમાં ફાઇબરયુક્ત આહાર લેવાથી ડાઇવર્ટિકલ્ટીસ થવાનું જોખમ પાંચ ટકા જેટલું ઘટી જાય છે. જે મહિલાઓ રોજિંદા ભોજનમાં ૧૦ ગ્રામ જેટલું ફાઇબર લેતી હોય તેને આ વ્યાધિ થવાની ભીતિ ૧૦ ટકા જેટલી ઓછી થઇ જાય છે. આહાર શાસ્ત્રીઓ કહે છે કે પ્રવાહીમાં ઓગળી જાય એવા રેષા કરતાં ન ઓગળે એવું ફાઇબર શરીર માટે વધુ લાભકારક પુરવાર થાય છે. જોકે બ્લેક બીન્સ, એવોકેડો, રતાળુ બ્રોકલી ઇત્યાદિ બંને પ્રકારના ફાઇબરના ઉત્તમ સ્રોત છે. આ સિવાય છડયા વિનાના અનાજ, વટાણા-વાલ ઇત્યાદિની ફળીમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળી રહે છે.
રોજિંદા ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય તો મળમાં જળની માત્રા ઓછી થઇ જઇને કબજિયાત પેદા કરે છે. જે છેવટે આંતરડા પર દબાણ સર્જીને તેની દિવાલના સ્નાયુઓને નબળાં બનાવે છે. પરિણામે ડાઇવર્ટિકલ્ટીસની સમસ્યા સર્જાય છે.જોકે જરૂરી નથી કે ખોરાકમાં રેષાના અભાવે આ વ્યાધિ જ થાય. તેને કારણે કેટલાંક કેસમાં પેટમાં દાહ-બળતરા પણ થાય છે. ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં લેવામાં આવતા ફાઇબરના અન્ય પણ ઘણાં ફાયદા છે.રેષાવાળો આહાર લેવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.
તેને કારણે પેટ જલદી ભરાઇ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પરિણામે વજન પણ અંકુશમાં રહે છે. જે લોકો વજન ઘટાડવા ઇચ્છતા હોય કે પછી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તેમને માટે રેષાવાળો ખોરાક ઉત્તમ પર્યાય બની રહે છે. તેવી જ રીતે મધુપ્રમેહના દરદીઓમાં પ્રવાહીમાં ઓગળી જાય એવા રેષાવાળો ખોરાક બ્લડ સુગરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. 'નેશનલ એકેડમી ઓફ મેડિસીન્સ'ની ભલામણ મુજબ ૫૦ વર્ષ સુધીના પુરુષોએ દરરોજ ૩૪ ગ્રામ અને મહિલાઓએ ૨૫ ગ્રામ જેટલું ફાઇબર લેવું જોઇએ. જ્યારે પ૦ વર્ષથી વધુ વયના પુરુષોને દરરોજ ૩૦ ગ્રામ અને સ્ત્રીઓને ૨૧ ગ્રામ રેષા પૂરતાં થઇ રહે છે.
- ઋજુતા