રૂ.500ની નોટ! .

- જે રીતે 200ની નોટની જન્મદાતા મોદી સરકાર ગણાય તે રીતે, 500ની નોટની જન્મદાતા રાજીવ ગાંધી સરકાર ગણાય!
- રાજીવ ગાંધી સરકારમાં જેનો શુભારંભ થયેલો તે 500ની નોટ કરતાં મોદી સરકારની 500ની નોટ કઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ કરવો ખૂબ જ રસપ્રદ રહેશે ! મોદી સરકારની 500ની નોટ 10મું વર્ષ પાર કરી રહી છે!
- કૌશિક કુમાર દીક્ષિત
આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યારે દેશમાં ત્રણ કરન્સી અસ્તિત્ત્વમાં હતી...રૂપિયો-આનો અને પૈસો. ૧ રૂપિયો એટલે, ૧૬ આના તેમજ ૧ આનો એટલે ૪ પૈસા...અને, ૧ પૈસો એટલે, ૩ પાઈ! જયારે આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે દેશમાં સૌથી વધુ કિંમત ધરાવતું ચલણી નાણું સામાન્ય નાગરિકો માટે '૧ રૂપિયો' હતું. વળી, અત્યારે રૂપિયા અને પૈસા એમ બે જ (હિસાબમાં) આવે છે પણ, ગુલામીના દિવસોમાં રૂપિયા-આના-પૈસા-પાઈ એમ ચાર-ચાર (હિસાબમાં) આવતાં!
અલબત્ત, દેશ ગુલામ હતો ત્યારે પણ ૧-૨-૫-૧૦-૫૦-૧૦૦-૫૦૦-૧,૦૦૦-૧૦,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં હતી. આમ, દેશ આઝાદ નહોતો ત્યારે ૧૦,૦૦૦ની નોટ સૌથી મોટી નોટ ગણાતી.પણ, બ્રિટીશ સરકારે ૧૯૪૬ દરમ્યાન (બીજા વિશ્વયુદ્ધ પછી) ૫૦૦-૧,૦૦૦-૧૦,૦૦૦ની નોટો કાળાં બજારના ડરથી બંધ કરી દીધી હતી. એટલે, આઝાદી મળી ત્યારે આપણા દેશમાં મહત્તમ કિંમત ધરાવતું ચલણી નાણું ૧૦૦ની નોટ હોવાનું સમજી શકાય!
સ્વતંત્ર ભારતમાં વળી પછી, ૧૦,૦૦૦ની નોટને ૧૯૫૪ દરમ્યાન (જવાહરલાલ નહેરુના રાજમાં) બહાર પાડવામાં આવી હતી જે ૧૯૭૮ દરમ્યાન વડા પ્રધાન મોરારજી દેસાઈ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી! મોરારજીએ ૧૦,૦૦૦ની સાથે ૫,૦૦૦ની નોટો પણ બંધ કરી દીધી હતી.
વર્તમાન મોદી સરકાર અને ૫૦૦ની નોટ!
દેશ ઉપર તા.૨૬-૫-૨૦૧૪થી મોદી સરકાર રાજ કરી રહી છે... મોદી સરકારે ૨૦૧૬ દરમ્યાન એક રાતે અચાનક જાહેરાતો કરીને ૫૦૦-૧૦૦૦ આ બે નોટોને રદ કરી દીધી હતી... બે નંબરના ધંધાઓને વિકસાવતી રહેતી મોટી નોટોને બંધ કરવાના સરકારના ફેસલા બરાબર જ હોય છે પણ, મોદી સરકારે બે મોટી નોટો બંધ કરીને પછી, તરત જ વધુ બે મોટી નોટો (૫૦૦-૨૦૦૦) શા માટે બહાર પાડી તે પ્રજા હજુ સુધી સમજી શકી નથી અને તે પાછળનો ઉદ્દેશ સરકાર હજુ સુધી નાગરિકોને સમજાવી પણ નથી શકી. કોઈ મોટી નોટ બંધ કરીને સરકાર જો, તરત જ તેનાથી વધુ કિંમતની 'મોટી' નોટ બહાર પાડે તો સરકારની ભૂમિકા શંકાના દાયરામાં જતાં બચી શકતી નથી. મોદી સરકારે ૫૦૦ની જૂની નોટ બંધ કરીને પછી તરત જ ૫૦૦ની નવી નોટ બહાર પાડી તે વાત તો એક વાર સમજમાં આવી શકે છે પણ, ૧,૦૦૦ની નોટ બંધ કરીને નવી ૨૦૦૦ની નોટ તરત જ બહાર પાડવી તે કામ 'અર્થશાસ્ત્રના સ્થાપિત સિદ્ધાંતો'ની વિરુદ્ધનું ગણાય! જો,કે પોતે જ બહાર પાડેલી મોટી '૨,૦૦૦ની નોટ'ને મોદી સરકારે તા.૧૦-૧૧-૨૦૧૬ના રોજ જન્મ આપ્યો અને તા. ૨૦-૫-૨૦૨૩ના રોજ આ ફાની દુનિયામાંથી તેને દૂર કરી દીધી હતી! મોદી સરકારે પોતે જ બહાર પાડેલી ૨,૦૦૦ની નોટ બહુ જ ટૂંક સમયગાળામાં પોતાને જ હાથે પછી ખેંચી લીધી હતી. તો પણ, ૨,૦૦૦ની નોટ ખાસ્સું સાડા છ વરસ ચાલતી રહી હતી...
૫૦૦ની નોટ દેશમાં સહુ પ્રથમ ક્યારે બહાર પાડવામાં આવી હતી?
૫૦૦ની નોટ દેશમાં સહુ પ્રથમ વાર ૧૯૮૭ દરમ્યાન બહાર પાડવામાં આવી હતી અને ત્યારે રાજીવ ગાંધી દેશના વડા પ્રધાન હતા...દેશમાં ૫૦૦ની નોટ શરુ થયાને ૩૦ વર્ષ નજીક હતાં ત્યારે જ એ ૩૦ વર્ષ પૂરાં થાય તે પહેલાં જ મોદી સરકારે ૫૦૦ની ઉપરાંત, ૧,૦૦૦ની એમ બંને નોટોને રદ કરી દીધી તેમજ નવી ૫૦૦ની નોટોએ જૂની ૫૦૦ની નોટોનું સ્થાન લઇ લીધું! દેશમાં જેમ ૫૦૦ની નોટની જન્મદાતા રાજીવ સરકાર ગણાય તેમ, ૨૦૦ની નોટની જન્મદાતા મોદી સરકાર ગણાય! મોદી સરકારે જ રૂપિયા ૨૦૦ની નોટ સહુ પ્રથમ વાર શરુ કરી!
'રાજીવ ગાંધી સરકાર'ની ૫૦૦ની નોટ તેમજ 'મોદી સરકાર'ની ૫૦૦ની નોટ વચ્ચેનો તફાવત
રાજીવ ગાંધીની સરકારમાં શરુ થયેલી જે ૫૦૦ની નોટ ૩-૩ દાયકા સુધી ચાલતી રહી તે ૭૩ મિ.મી. ઊભી અને ૧૬૭ મિ.મી. આડી હતી જયારે મોદી સરકાર વાળી ૫૦૦ની નોટ ૬૬ મિ.મી. ઊભી તથા ૧૫૦ મિ.મી. આડી જોવા મળી રહી છે...આમ, રાજીવ ગાંધી સરકાર કરતાં મોદી સરકારમાં ૫૦૦ને નોટનું કદ નાનું થઇ ગયું ગણાય. વળી, રાજીવ ગાંધી સરકારમાં ૫૦૦ની જે નોટ શરુ થઇ તેમાં 'સ્વચ્છ ભારત'નો લોગો જોવા મળતો નહોતો જયારે મોદી સરકારની ૫૦૦ની નોટમાં તે જોવા મળી રહ્યો છે! રાજીવ ગાંધી સરકારમાં શરુ થયેલી ૫૦૦ની નોટમાં ૫૦૦નો આંકડો દેવનાગરી લિપીમાં હતો જ નહિ જયારે મોદી સરકારમાં ૫૦૦નો આંકડો દેવનાગરી લિપીમાં જોવા મળી રહ્યો છે. રાજીવ ગાંધી સરકારમાં ૫૦૦ની જે નોટ શરુ થઇ તેમાં ગાંધીજીની દાંડી યાત્રાનું ચિત્ર જોવા મળતું હતું જયારે મોદી સરકારમાં જે ૫૦૦ની નવી નોટ આવી તેમાં એ ચિત્ર જતું રહ્યું અને, ભારતીય ધ્વજથી સજ્જ લાલ કિલ્લાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. રાજીવ ગાંધી સરકારમાં જેનો આરંભ થયો તે ૫૦૦ની નોટ ઉપર સિરીઝ નંબર એક જ સાઈઝના અંકો દ્વારા રજૂ થઇ રહ્યો હતો... જયારે, મોદી સરકારમાં જે ૫૦૦ની નવી નોટ આવી તેમાં સિરીઝ નંબર ડાબેથી જમણે ચડતી સાઈઝના અંકો દ્વારા રજૂ થઇ રહ્યો છે! ઉપરાંત, બંને સરકારોમાં આવેલી ૫૦૦ની નોટનાં રંગ-દેખાવ-ભાત વગેરેમાં પણ ખાસ્સો તફાવત માલમ પડી રહ્યો છે.
હાલ, દેશની સૌથી મોટી નોટ!
હાલને તબક્કે દેશમાં ચલણી નાણું તરીકે ૫૦૦ની નોટ જ સૌથી મોટી નોટ છે, ૫૦૦ની ઉપરનું મૂલ્ય ધરાવતી કોઈ નોટ-કોઈ સિક્કો આપણા દેશમાં અસ્તિત્વમાં નથી.
ઈ.સ. ૧૯૪૫ બાદ, અમેરિકાએ ૧૦૦ ડોલરથી ઉપરની કોઈ નોટ છાપી નથી-કેનેડાએ ૧૯૩૮થી ૫૦૦ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું અને, છેવટે ૨૦૦૦ની સાલમાં તેને રદ પણ કરી દીધી હતી...આમ, ત્યાં પણ ૫૦૦ની કોઈ નોટ હાલ અસ્તિત્વમાં નથી-યુરોપમાં પણ તમને ૫૦૦ની કોઈ નોટ હાલ જોવા મળી નથી રહી! યુનાઈટેડ કિંગડમમાં ૫૦થી ઉપરની કોઈ નોટ બહાર પાડવામાં આવતી નથી! ચીનમાં પણ ૧૦૦ની ઉપરની કોઈ નોટ જોવા મળતી નથી! આમ, ભારત એક અગ્રણી દેશ હોવા છતાં સરકારે ચાલીસેક વરસ પહેલાં રાજીવ ગાંધી સરકારમાં જેનો આરંભ થયેલો તે ૫૦૦ની નોટ છાપવાની પરંપરા હજુ પણ જાળવી રાખી છે તે એક સારી વાત છે.
૫૦૦ની નોટ એટલે દેશના વર્તમાન અર્થજગતની કરોડરજ્જુ!
૫૦૦ની નોટને હાલ આપણે દેશના વર્તમાન અર્થજગતની કરોડરજ્જુ તરીકે ઓળખીએ તો કશું જ ખોટું નથી! દેશ પાસે હાલ ૫૦૦ની ૭૦.૫ બિલિયન નોટ છે એટલે કે, તેને આંકડામાં લખવું હોય તો ૭૦,૫૪,૮૨,૦૦,૦૦૦ (સિત્તેર અબજ ચોપ્પન કરોડ ૮૨ લાખ નોટો થઇ!) દેશમાં હાલ જેટલી પણ નોટો (જેમ કે, ૫-૧૦-૨૦-૫૦-૧૦૦-૨૦૦ની નોટો) અસ્તિત્વમાં છે તે બધીઓમાં સૌથી વધુ સંખ્યા આ ૫૦૦ની નોટોની છે. દેશની કુલ ચલણી નોટો પૈકી ૪૧.૨% નોટો ૫૦૦ની નોટ છે. દેશમાં હાલ, વિવિધ મૂલ્યોની નોટોના કુલ મૂલ્યનો ૮૬% હિસ્સો આ ૫૦૦ની નોટોએ રોક્યો છે! આમ, સંખ્યાની દૃષ્ટિએ તેમજ મૂલ્યની દ્રષ્ટિએ પણ ૫૦૦ની નોટ સૌથી વધુ વજનદાર છે એમ તમે સમજી શકો છો. દેશની તમામ ૫૦૦ની નોટો જો, તમારા એકલાના હાથમાં આવી જાય તો તમે ૩૫.૨૭ લાખ કરોડ રૂપિયાના માલિક થઇ ગયા એમ કહેવાય! ૩,૫૨,૭૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાના તમે એકલા માલિક!...૩.૫૨૭ ટ્રિલિયન રૂપિયા!
હોવાની...!
(હઝલ)
ધીરે ધીરે ઘરની વાતો જગમાં હોવાની,
સારીનરસી આંખે આખી નગરી જોવાની.
ફરવા જાશું એ નક્કી છે,
ખાઉં તારા સમ?
આ વૅકેશનમાં સઘળી બસ છે ખેનન ગોવાની.
જો તું કાંઈ ના બોલે તો હું, લે! આ ચાલ્યો,
તારી પાછળ મારે આખી રાત્રી ખોવાની?
તું ચાહે તો આપું તુજને આજે છૂટાછેડા,
ઝંઝટ નહિ રે' તારે રોજે કપડાં ધોવાની.
ત્રેવડ નો'તી તોપણ એના શોખ કર્યા પૂરા,
તોય જુઓ ને રાતો આવી ખૂણે રોવાની.
રોજ ભલે સૌ ફરતાં 'સંગી' મૂછે તાવ દઈ,
બંધ બારણે હાલત સૌની સરખી હોવાની.
- સંજય બાપોદરિયા 'સંગી'

હાજી મસ્તાનના 7 Ever Green ડાયલોગ!
કોઈને જરા સરખુંય પરેશાન કર્યા વગર-મારપીટ કે મારામારી કર્યા વગર જેણે 'ડોન-ગીરી' કરી હતી!
'કોંગ્રેસ ઔર બી.જે.પી. એક હી સિક્કે કી દો બાજુએં હૈં!' ...હાજી મસ્તાન તા. 25-6-1994ના રોજ મૃત્યુ પામ્યો હતો, પોતાના મૃત્યુ પૂર્વે તેણે આ ડાયલોગ એક ઇન્ટરવ્યુ દરમ્યાન માર્યો હતો જયારે દૂર-દૂર સુધી બી.જે.પી. સત્તામાં નહોતી!
જ્ઞાન કેવળ સજ્જનોમાં જ પ્રગટે એવું નથી હોતું, તે તમે જેમને દુર્જન સમજો છો તેઓમાં પણ ઘણીવાર પ્રગટતું જોવા મળે છે. બુદ્ધિ માત્ર સારી વ્યક્તિઓમાં જ ઈશ્વર ભરતો રહે છે એવું નથી હોતું, ઈશ્વર અમુક વાર તમારી દ્રષ્ટિએ ખરાબ હોય તેવી વ્યક્તિઓમાં પણ સારી એવી માત્રામાં બુદ્ધિ ભરતો રહે છે. સારા વિચારો ઉપર માત્ર પુણ્યાત્માઓનો ઈજારો નથી પણ, તમે જેને પાપી ગણી રહ્યા છો તેવા લોકોને પણ ઘણી વાર સારા વિચારો આવી જાય છે. જો, આ બધું તમને સાચું લાગી રહ્યું હોય તો તમારે દુર્જનો-ખરાબ માણસો-પાપી લોકો વગેરેમાં પણ જ્ઞાન-બુદ્ધિ-સદવિચાર વગેરે શોધવાનું જાળવી રાખવું જોઈએ.
હાજી મસ્તાન એવો એક માત્ર 'ડોન' હતો જેણે કોઈને પણ માર્યા વગર (મારામારી કર્યા વગર!) -અરે, જરા સરખુંય પરેશાન કર્યા વગર ડોન-ગીરી કરી! પૂરાં અડસઠ વરસનું આયુષ્ય ભોગવ્યું. કટ્ટર હિન્દુવાદી સ્વ. બાળાસાહેબ ઠાકરેનો તે પાક્કો મિત્ર હતો. (તમને નવાઈ લાગી શકે !) હાજી મસ્તાનનો જન્મ તામિલનાડુમાં થયેલો પણ, પોતે આઠેક વર્ષનો હતો ત્યારથી જ પોતાના બાપ સાથે મુંબઈ આવીને મુંબઈમાં જ વસી ગયો હતો. હાજી મસ્તાને નાના-મોટા અનેક ધંધા કર્યા...પોતે ફિલ્મનિર્માતા પણ બન્યો અને, નાના-મોટા ફિલ્મ-નિર્માતાઓને ફાયનાન્સ પણ આપ્યું. પરંતુ. તે સૌથી વધુ પ્રખ્યાત (કે પછી, કહો કે કુખ્યાત!) હતો દાણચોરી માટે!
ઇન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટી વખતે હાજી મસ્તાનને જેલમાં પૂરવામાં આવ્યો હતો. અને, જેલમાંથી છૂટીને હાજી મસ્તાને રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. હાજી મસ્તાન જો, હયાત હોત તો ચાલુ વર્ષે તે પોતાની ઉંમરનાં ૧૦૦ વર્ષ પૂરાં કરીને ૧૦૧મા વર્ષમાં પ્રવેશ્યો હોત! હાજી મસ્તાન એક ખૂબ મોટો સોદાગર હતો અને, તેના મુખેથી અલગ-અલગ ઠેકાણે સહજભાવે નીકળી ગયેલા ૭ ડાયલોગ તમને અહિ જણાવવા છે...આ ડાયલોગની ખાસીયત એ છે કે તે એવરગ્રીન છે અને તેમનો મહિમા ક્યારેય ઓછો થવાનો નથી :
(૧) વખ્ત કી ફિતરત મેં હી બેવફાઈ હૈ, આજ તેરી ગોદ મેં હૈ...કલ હમારી ગોદ મેં હોગા!
(૨) સોચ સમઝકર પ્યાર કરના લાલા, તાશ મેં બાવન પત્તે હોતે હૈં...હર કોઈ બેગમ નહીં હોતી!
(૩) તમાશા દેખને કા મઝા તબ આતા હૈ લાલા,માહોલ અપને ખિલાફ હો ઔર અપને કિસી ઔર કે સાથ હો!
(૪) કોંગ્રેસ ઔર બીજેપી એક હી સિક્કે કી દો બાજુએં હૈં!
(૫) લાલા, હમારે પૈર કે જૂતે ભી તુમ્હારી નીયત સે જ્યાદા સાફ હૈં!
(૬) દોસ્તી સરફિરોં સે હોની ચાહિયે, સમજદાર લોગ બુરે વખત મેં સાથ નહીં દેતે!
૭) જો હમેં આજમાને આતે હૈં વો ભી હમારે દીવાને બન જાતે હૈં!








