Magazines

રોહિત બોઝ રોયને ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા ભજવવાની મજા આવે છે

By GS TEAM
6 Nov 20253 mins read
રોહિત બોઝ રોયને ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા ભજવવાની મજા આવે છે

- 'આમ તો હું 'કાબિલ'માં નઠારા માણસની ભૂમિકા સ્વીકારવાનો જ નહોતો, પણ એક દિવસ એવું બન્યું કે અચાનક મારો એક્ટર મિત્ર સંજય સૂરી મળી ગયો અને...'  

-  'કેમ તારે વર્સેટાઇલ અને અનુભવી અભિનેતા બનવું થવું? તારી અભિનયપ્રતિભાને ખીલવવી નથી?'

- હિ ન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો પ્રયોગશીલ હોય છે. હિન્દી ફિલ્મ જગતના અને ટેલિવિઝનના અભિનેતા રોહિત રોયનું નામ આવા પ્રયોગશીલ અભિનેતાની યાદીમાં મૂકી શકાય.  વાત જાણે કે એમ છે કે રોહિત બોઝ રોયે થોડા દિવસ પહેલાં બહુ મહત્વની વાત કરતાં કહ્યું છે કે હવે તો મને નેગેટિવ પાત્રો ભજવવાની મજા આવે છે.મને કોઇ નિર્માતા કે દિગ્દર્શક તેમની નવી ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા માટે આમંત્રણ આપે તો બહુ પ્રેમથી સ્વીકારું છે. મેં હજી થોડા દિવસ પહેલાં જ રજૂ થયેલી ફિલ્મ કન્ટ્રોલ (૨૦૨૫)માં સ્પાયડ્રોનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં મારી સાથે ઠાકુર અનુપ સિંહ, પ્રિયા આનંદ,રાજેશ શર્મા, ડેન્ઝિલ સ્મિથ વગેરે સહકલાકારો પણ છે. 

મૂળ બંગાળી પણ બાળપણ અમદાવાદમાં વિતાવનારો અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અને કોલેજમાં ભણેલો રોહિત બોઝ રોય (રોહિત અને  તેનો મોટાભાઇ  રોનિત બોઝ રોય  બંંને  કડકડાટ  - શુદ્ધ  ગુજરાતી  બોલી શકે છે)   મહત્વની સ્પષ્ટતા કરતાં કહે છે,ખરું કહું તો મને નેગેટિવ ભૂમિકાઓ કરવાની પ્રેરણા મારી મજેદાર ફિલ્મ કાબીલ (૨૦૧૭)થી મળી છે. મેં કાબીલ ફિલ્મમાં અમિત શેલારની ,જ્યારે મારા મોટાભાઇ રોનિત બોઝ રોયે માધવ રાવ શેલારની નેગેટિવ ભૂમિકા ભજવી છે.  મારા નમ્ર મત અને થોડા અનુભવ મુજબ કહું તો ખલનાયકની ભૂમિકામાં અભિનયનું આકાશ બહુ બહુ વિશાળ હોય છે. વિલનને બહુ સ્વતંત્રતા મળતી હોવાથી તે પોતાની ભૂમિકાને ભારોભાર ન્યાય આપી શકે છે. પોતાના પાત્રને બહુરંગી બનાવી શકે છે. દર્શકોને બે ઘડી વિચારતા કરી શકે છે.  મેં  કાબીલ ફિલ્મમાં પહેલી જ વખત વિલનનું પાત્ર સ્વીકાર્યું અને ભજવ્યું પણ ખરું. આમ તો હું કાબીલ ફિલ્મનું નઠારા માણસની ભૂમિકા સ્વીકારવાનો જ નહોતો. બન્યું જોકે એવું કે એક દિવસ અચાનક જ મારો મિત્ર સંજય સૂરી એક સલોનમાં મળી ગયો. કેમ છો ? તબિયત- પાણી કેમ છે. આજકાલ શું ચાલે છે વગેરે વાતો થઇ. મેં કાબીલ ફિલ્મના નેગેટિવ પાત્રની ઓફરની વાત કહી. સાથોસાથ  ખલનાયકની ભૂમિકા નહીં સ્વીકારવાની વાત પણ કહી. સંજય સૂરીએ તરત જ કહ્યું, અરે, શા માટે ના કહે છે ? કેમ તારે સારા અને અનુભવી અભિનેતા નથી થવું ? તારી અભિનય પ્રતિભાને ખીલવવી નથી ?  સંજય સૂરીએ મને આટલી ઉપયોગી  સલાહ આપીને તરત જ દિગ્દર્શક સંજય ગુપ્તાને ફોન કરવા કહ્યું. મેં સંજય ગુપ્તાને ફોન કરીને કહ્યું, સર, હું તમારી કાબીલ ફિલ્મમાં વિલન બનવા તૈયાર છું. બસ, પછી તો મેં  કાબીલ ફિલ્મમાં અમિત શેલાર નામના નઠારા ઇન્સાનનું પાત્ર ભજવ્યું. મારા માટે નેગેટિવ પાત્ર ભજવવાનો પહેલો જ પ્રયોગ હતો. મેં ખરાબ માનવી બનવા બહુ મહેનત કરી. મારી મહેનત  ફળી હોય તેમ  દર્શકોએ  પેલા બેડમેન અમિત શેલારને આવકાર્યો. મારા નેગેટિવ પાત્રના અભિનયની પ્રશંસા થઇ. બસ, મને કાબીલ ફિલ્મના તો સફળ પ્રયોગ બાદ વિલનની ભૂમિકા કેટલી વજનદાર અને અસરકારક હોય છે તે બરાબર સમજાયું.