ક્રાંતિવીર બંદાસિંહ .

- 'ખાતરી રાખ, અમૃતા, કે તમારો દેશ આઝાદ થઇને જ રહેશે. જ્યાં મનજીત જેવી બાહોશ, બહાદુર અને દેશદાઝવાળી સ્ત્રીઓ વસતી હોય એ દેશ કદી ગુલામ રહી શકે નહિ. કદી નહિ.'
(ગતાંકથી ચાલુ)
પરિસ્થિતિ વિકટ બનતી જોઈ એકદમ સોહનસિંહ આગળ આવી ગયો. તે કહે- 'મનજીત! આ શું કરે છે? રીડ સાહેબ સામે પિસ્તોલ તાકે છે? ગોરા સાહેબ સામે ગોળી...?'
દાંત ભીંસીને હસી ઊઠી મનજીત તે કહે - 'ઓહ! આ બધા કાવતરા પાછળ આપ છો. મને પહેલેથી જ તમારા રંગઢંગ બદલાયેલા લાગતા હતા. ગોરાઓએ દોસ્તીના દાવે ઠીક નશો કરાવ્યો. શરાબ પાઈ પાઈને તમારી બધી દેશદાઝ સમાપ્ત કરી નાખી અને પચાસ હજારે તમને સાવ ભ્રષ્ટ કરી નાખ્યા દેશદ્રોહી બનાવી દીધા.'
સોહનસિંહ કહે - 'મનજીત! વિવાદનો સમય નથી. પિસ્તોલ મૂકી દે. બંદાસિંહને આમે ય મરવાનું હતું...'
અંદરથી બંદાસિંહ બધી વિગતો જાણી ગયો. તે ઊઠી શક્યો નહિ. તેણે ત્યાંથી બૂમ પાડી - 'ભાભી! ભાઈની વાત સાચી છે. મારે તો આમેય મરવાનું હતું. સારું થયું કે હું કુટુંબને ખાતર...'
'અંદર આવો, રીડ સાહેબ!' સોહનસિંહે કહ્યું
'ખબરદાર જો એક કદમ કોઇએ આગળ મૂક્યું છે તો!' મનજીતે હવે પિસ્તોલ બરાબર ખેંચી.
સોહને આગળ વધતાં કહ્યું - 'ગાંડપણ ન કર મનજીત! જો તારા હાથ કાંપે છે.'
તેણે યુક્તિ કરી આગળ વધવા માંડયું. મનજીતે પડકાર કરતાં કહ્યું - 'મારા હાથ દ્રઢ છે, ત્યાં જ રહેજો શ્રીમાન! નહિ તો તમારા રીડ પહેલાં તમને જ...'
સોહનસિંહ પોકારી ઊઠયો - 'તું મને ગોળી મારશે? મને? તારા પતિને? શું તું તારે હાથે તારું સિંદૂર ભૂંસી નાખશે?'
'એક સ્ત્રીને મન પોતાના સિદૂર કરતાં દેશના સિંદૂરની કિંમત ઘણી વધારે હોય છે. પાછા હઠો તમારા રીડને લઇને, નહિ તો...''
'એમ તું નહિ માને, ખરું?' સોહનસિંહે કૂદકો મારતા કહ્યું
ઘાંય! ધાંય!! ધાંય!!!
ઉપરાઉપરી ત્રણ ગોળી છૂટી. મનજીત બોલી ઉઠી - 'મેં કહ્યું હતું કે મારા હાથ દ્રઢ છે.'
ધાંય...!
હજી સોહનસિંહ પડયો હતો ત્યાં જ એક રાઈફલ ગર્જી ઊઠી. પતિ સાથે જ મનજીત પણ લોહી નીકળતી દશામાં ફસડાઈ પડી.
ભાભીના હાથમાંથી પિસ્તોલ લેવા જતી અમૃતાને ગોરા રીડે કહ્યું - 'રહેવા દે છોકરી! તારે હજી વાર છે.'
અમૃતાની ચારે બાજુ પોલીસ ગોઠવાઈ ગઈ હતી. તેમના હાથમાં લાંબી નાળની રાઈફલો હતી.
'ક્યાં છે બંદાસિંહ?' કેપ્ટન રીડે બૂમ પાડી.
'હું અહીં છું કેપ્ટન રીડ!' બંદાસિંહે કહ્યું - 'ચાલ્યા આવો... પણ તમને મને આસાનીથી નહિ લઇ જઇ શકો. તમારે મને સિંહાસન ઉપર જ ઉપાડવો પડશે.'
વાત ખરી હતી. બંદાસિંહના પલંગને સિંહાસનની જેમ જ ઉપાડવો પડયો.
અમૃતા તેની પાછળ દોડી તો બંદાસિંહે તેને વહાલસોયું આશ્વાસન આપ્યું અને ખુદ કેપ્ટન રીડે કહ્યું - 'અમૃતા! આજે હું ધન્ય થઇ ગયો. જે દ્રશ્ય મેં જોયું છે એ ન ભૂલાય તેવું છે. મારે આ વાત અમારી લંડનની સરકારને લખવી જ પડશે. મારા તરફથી ખાતરી રાખ, અમૃતા, કે તમારો દેશ આઝાદ થઇને જ રહેશે. જ્યાં મનજીત જેવી બાહોશ, બહાદુર અને દેશદાઝવાળી સ્ત્રીઓ વસતી હોય એ દેશ કદી ગુલામ રહી શકે નહિ. કદી નહિ.'
એક ગોરાએ આપેલા આ અભિનંદન હતાં. એક ગોરા શત્રુની આ અંજલિ હતી. એ વાતને સાચી પડતાં અલબત્ત ત્યાર બાદ તો નેવું વર્ષ લાગ્યાં પણ ભારત આઝાદ થઇને જ રહ્યો.
- હરીશ નાયક








