Magazines

ખરી ઘૂળેટી .

By GS TEAM
27 Feb 20263 mins read
ખરી ઘૂળેટી                                        .

- 'એટલે જ કહું છું દીકરાઓ, કે ધૂળેટી રમવાની છૂટ છે જ, પણ જોઈને, સાચવીને, સંભાળીને. બીજા લોકોને નુકશાન ન થાય એ રીતે. હવે આન્ટી તમને બધાને મોટી પિચકારીઓ અને ઓર્ગેનિક કલરના પેકેટ આપશે...'

- જતિન ભટ્ટ 'નિજ'

હોળીનાં આગલા દિવસે મોન્ટુ સ્કૂલેથી સાંજે ઘરે આવ્યો. દરવાજો ખખડાવ્યો. પપ્પા તરુણભાઈએ બારણું ખોલ્યું, 'કોણ છે? કેમ બારણું ખખડાવ્યું? કોનો દીકરો છે? મોન્ટુ ઘરમાં નથી, પછી આવજે હાં!' 

મોન્ટુ કહે, 'પપ્પા, હું જ મોન્ટુ છું.'

અવાજ સાંભળીને તરુણભાઈ અને તારિકાબેનને ખબર પડી કે આ તો આપણો દીકરો મોન્ટુ જ છે! તેઓ મોન્ટુને ઓળખી જ ન શકે એટલી હદે એના કાળો રંગ એના મિત્રોએ ચોપડયો હતો. મોઢાં પર, હાથ-પગ પર... બધે કાળાશ જ કાળાશ. ફક્ત ખાલી આંખો જ બાકી રહી હતી. 

તરુણભાઈ અને તારિકાબેન તો હસી હસીને લોટપોટ થઈ ગયાં. તેમણે પૂછ્યું, 'કોણે આટલો બધો રંગ લગાવ્યો?' મોન્ટુએ કહ્યું, 'કાલે અને પરમદિવસે હોળી-ધૂળેટીની રજા છે એટલે આજે સ્કૂલમાં ધૂળેટી રમ્યાં...'

હોળીને દિવસે તરુણભાઈને એક વિચાર આવ્યો. એ ઘરે મોટી મોટી પિચકારીઓ અને એના મિત્રની દુકાનેથી ઓર્ગેનિક રંગોના (સુકાયેલાંફૂલોમાંથી પાવડર બનાવેલાં હોય તેવા રંગો) પેકેટ લઈ આવ્યા. મોન્ટુને કહ્યું, 'તારા બધા જ મિત્રોને આપણા ઘરે બોલાવી લાવ. આ પિચકારીઓ અને રંગો આપણે સૌને આપવાનાં છે.'

મોન્ટુ તો ખુશ થઈને મિત્રોને બોલાવી લાવ્યો. પિચકારીઓ અને રંગો મળવાનાં હતાં એટલે બધાં મિત્રો પણ ખુશ થતાં દોડી આવ્યા. તરુણભાઈએ બધાંને ડ્રોઈંગરુમમાં બેસાડયા. પછી કહ્યું, 'મારા બાળમિત્રો, આ બધી પિચકારીઓ અને રંગોના પેકેટ હું તમારા માટે જ લાવ્યો છું. આપતાં પહેલાં મારી વાત, મારી સલાહ તમારે માનવી પડશે. બોલો છે મંજૂર?'

'હા અંકલ...' બધા બોલી ઊઠયા.

'તો સાંભળો દીકરાઓ... તમે લોકો ધૂળેટી તો પુષ્કળ રમવાના જ છો, પણ મારું સૂચન એ છે કે જોઈને રમો, તમે બાળકો મજામજામાં એકબીજા પર રંગો નાખો છો, કાદવ નાખો છો, એકબીજા પર રંગીન પાણીનાં ફુગ્ગાઓ ફેંકો છો. તમને બધાને ધૂળેટી રમવાની છૂટ છે જ, પણ કોઈને નુક્સાન ન થાય એ રીતે...' 

થોડું અટકીને તેઓ આગળ વધ્યા- 

'તમને બધાને ખબર છે? ગયા વર્ષે આપણી બાજુવાળી સોસાયટીમાં રહેતા મહેતાઅંકલને મોટી કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવા જવાનું હતું. એમની સોસાયટીનાં તોફાની બાળકોએ ઈન્ટરવ્યુ આપવાના સમયે જ એમને રંગી કાઢયા. બિચારા ઘરે પાછા ન્હાવા ગયા એમાં ટ્રેઈન ચૂકી ગયા. એમનો ઈન્ટરવ્યુ લેવાયો જ નહીં. એમને હાથમાંથી સારામાં સારી નોકરી ગઈ.

'બીજો દાખલો આપું. મારા ઓફિસવાળા મિત્રને નાનો બાળક છે. એની આંખોમાં રંગ ગયો. તાત્કાલિક આંખના દવાખાને લઈ ગયા. એ તો સારું થયું કે આંખ બચી ગઈ. બીજા એક બાળકને કૃત્રિમ રંગની એલર્જી છે. એને પણ તાત્કાલિક ચામડીના ડાક્ટર પાસે લઈ જવો પડયો. આવા તો ઘણા બધા દાખલાઓ છે. એટલે જ કહું છું દીકરાઓ, કે ધૂળેટી રમવાની છૂટ છે જ, પણ જોઈને, સાચવીને, સંભાળીને. બીજા લોકોને નુકશાન ન થાય એ રીતે. હવે આન્ટી તમને બધાને મોટી પિચકારીઓ અને ઓર્ગેનિક કલરના પેકેટ આપશે...'

'થેન્ક્સ પપ્પા, તમે બહુ જ સરસ વાત કરી. ફ્રેન્ડ્ઝ, બરાબર ને?'

'હા મોન્ટુ. તારી વાત સાચી છે. અંકલ, તમે બહુ જ સારી વાત કરી. અમને ખૂબ સરસ શીખવાડયું. થેંકયુ અંકલ. અમે ધ્યાનથી ધૂળેટી રમીશું... પ્રોમીસ!'

મોન્ટુ, બીટ્ટુ, ચિન્ટુ, સત્તુ અને બીજા મિત્રો ખુશ ખુશ થઈ ગયાં. પિચકારીઓ અને રંગો લઈને તેઓ દોડી ગયા ધૂળેટીની તૈયારી કરવાં.,