લાવાના લસરકાથી લખતા કવિ દુષ્યંતકુમાર
અંતર - રક્ષા શુકલ .
રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડયા જળ ત્યાગવાની જીદમાં.
જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.
વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.
લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.
છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.
- મિલિન્દ ગઢવીજ
'હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે. ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિય' સુપ્રસિદ્ધ શાયર દુષ્યંત કુમારની પ્રચલિત ગઝલનો અતિ પ્રચલિત આ શેર. આ ગઝલનું ફિલ્મ 'હલ્લા બોલ'માં ફિલ્માંકન થયેલું. ફિલ્મનું કથાવસ્તુ કૈંક આ પ્રમાણે હતું. ગામડામાંથી આવેલો અશ્ફાક ફિલ્મસ્ટાર બનવાના સપનાં જુએ છે. એક સ્ટ્રીટ થીએટરમા ં જોડાય છે.
જે લોક જાગૃતિ લાવવા નાટકને માધ્યમ બનાવતા હતા. અશ્ફાકની મબલખ મહેનત અને સેંકડો સંઘર્ષનો સરવાળો થતા એને ફિલ્મમાં બ્રેક મળે છે. સ્ક્રીનનું નવું નામ મળે છે સલીમખાન. જોતજોતામાં સુપરસ્ટાર બની જાય છે.
ચમકદમકની દુનિયામાં એ પોતાની મૂળ ઓળખ ભૂલી જાય છે. અંતમાં આત્મભાન થતા, સુપરસ્ટાર અને કોમનમેન વચ્ચેના આંતરદ્વંદ્વમાં કોમનમેન જીતે છે. સુપરસ્ટારનો અંચળો ફગાવી અશ્ફાક સામાજિક ચેતનાની મુહિમમાં લાગી જાય છે અને જનતા અને મીડિયાની મદદથી હત્યાના ગુના માટે ગુનેગારોને સજા અપાવે છે.
દુષ્યંતકુમારની અનેક ગઝલોમાં હલ્લાબોલ પડઘાય છે. એ અલ્લા બોલના નહીં પણ હલ્લા બોલના કવિ છે. કહેવાતા ખોટા રૂઢીરિવાજો સામે લાલ આંખ કરી છે. પરંપરાનાં નામે અઢારમી સદીમાં ધકેલાતા સમાજ માટે દુષ્યંતકુમાર કહે છે કે...
'ગઝબ હૈ સચ કો સચ કહ ેતે નહિ વો,
કુરાનો-ઉપનિષદ ખોલે હુયે હૈ'
ગઝલના આ સશક્ત અવાજને હિન્દી ગઝલના ગાલીબ કહી શકીએ એવું માતબર ખેડાણ કવિ દુષ્યંત કુમારે કર્યું છે. એની ગઝલનો એક શેર વાહ તો બીજો શેર આહ કહેવડાવે છે. 'ન હો કમીઝ તો ઘૂટને સે પેટ ઢક લેંગે...' કહી લાચારીને સચોટ રીતે શબ્દોમા ં દુષ્યંતકુમાર જ ઢાળી શકે. આજ ે એમના શેર અને ગઝલોને સાહિત્ય અને રાજકીય કાર્યક્રમો સાથે જોડવામાં આવે છે.
નીદા ફાઝલી દુષ્યંતકુમાર વિષે લખે છે કે 'દુષ્યંતની દૃષ્ટિ એના યુગની નવી પેઢીના ગુસ્સા અને નાજગીથી શણગારાયેલી છે. આ ગુસ્સો અને નારાજગી એ અન્યાય અને રાજનીતિના કુકર્મોની વિરુદ્ધ નવા મિજાજનો અવાજ છે જે સમાજમાં મધ્યમવર્ગીય જુઠાણાની જગ્યાએ પછાત વર્ગનો પરિશ્રમ અને દયાનું પ્રતિનિધિત્વ કરે છે.
સાહિત્યની દુનિયામાં દુષ્યંતકુમારે પદાર્પણ કર્યું તે સમયમાં ગઝલો પર ભોપાલના બે પ્રગતિશીલ શાયરો તાજ ભોપાલી અને કૈફ ભોપાલીનું રાજ હતું. હિન્દીમાં અજ્ઞોયજી તથા ગજાનન માધવ મુક્તિબોધની અટપટી અને અઘરી કવિતાની બોલબાલા હતી ત્યારે આમ આદમીની સીધી હૃદયને સ્પર્શતી રચનાઓ દ્વારા દુષ્યંતજીએ અપાર ખ્યાતી મેળવી. હિન્દીના ડા. કુમાર વિશ્વાસ જેવા નવોદિત કવિઓ માટે તેઓ પ્રેરણારૂપ છે.
માઈલસ્ટોન સમાન એમની હિન્દી ગઝલોની મૌલિક મુદ્રા ત્યારે કબુલવી પડે જ્યારે દુષ્યંત પહેલાંની ગઝલો અને દુષ્યંત પછીની ગઝલો એ રીતે તુલનાત્મક અધ્યયન થાય . ગઝલને ઘર બનાવનાર આ કવિએ ગઝલ ઉપરાંત ગીત, નાટક, નવલકથા વગેર ે જેવી અન્ય વિધાઓમાં પણ કામ કર્યું છે. પરંતુ ગઝલોની અનન્ય લોકાપ્રિયતાએ બીજી વિધાઓને પરદા પાછળ રાખી દીધી. સૂર્ય કા સ્વાગત, આવાઝો કે ઘેરે, જલતે હુએ વન કા વસંત વગેરે એમના કાવ્યસંગ્રહો છે. દુષ્યંતકુમાર કોઈપણ કાળમાં પ્રસ્તુત એવા કાળજયી કવિ છે.
એનો સ્વર સડકથી સંસદ સુધી ગૂંજે છે. એ વાસ્તવિક જીવનમાં ખુબ સહજ અને મનમોજી વ્યક્તિ હતા. તેઓ શરૂઆતમાં 'પરદેશી' ના નામથી લેખન કરતા. ગઝલના ગામમાં દુષ્યંત કુમાર પોતાને લોકપ્રિયતાના સૌથી ઉચ્ચ શિખર પર સ્થાપિત કરી શક્યા અને ગઝલસમ્રાટની ઉપાધિ પામી શક્યા એના કારણમાં કહી શકાય કે તેમણે એક તરફ ગઝલને તેના યુગના ધબકારા સાથે જોડી હતી અને બીજી તરફ તેને અભિવ્યક્તિની નવીનતા આપી હતી જે આશ્ચર્યજનક હતું. સાહિત્યમાં કોઈ વાત રજૂ કરવાની જે છટા કે વ્યક્તિગત શૈલી હોય છે, અભિવ્યક્તિની અનોખી અને નિરાળી આવડત હોય છે એ જ ચમત્કાર કરી બતાવે છે.
આ કેવળ શબ્દો દ્વારા શક્ય નથી. કારણ કે શબ્દો તો મોટાભાગે એ જ હોય છે. જે સાહિત્યકાર પોતાની રીતે પ્રયોજે છે. પરંત ુ કલમની શ્રીમંતાઈ જેને મળી હોય એ કલાકાર આ જ શબ્દોને એક નવા અને નોખા અંદાઝમાં પેશ કરી પોતાની એક અલગ છાપ ભાવકો પર છોડે છે અને અમર સાહિત્ય પીરસી જાય છે. દુષ્યંતકુમારમાં આ હુનર અસાધારણ હતો. એટલે જ એની ગઝલોનો પ્રભાવ અમિટ રહ્યો. તેના ગઝલસંગ્રહ 'સાયે મેં ધૂપદની કેટલીયે આવૃત્તિ છપાઈ ચૂકી છે. ગઝલપ્રેમીઓની જીભ પર આજે સૌથી વધુ દુષ્યંતકુમારના શેર રમતા હોય છે. દુષ્યંતકુમારે રોમેન્ટિક કવિતા લખી છે પરંતુ એમાં પણ વિદ્રોહ જોવા મળે છે. એમાં કોઈ ટીપીકલ શબ્દોની સાજસજ્જાનો મેકઅપ હોતો નથી. એ લખે છે...
'તુ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કીસી પુલ સા થરથરાતા હું.
એક જંગલ હૈ તેરી આંખો મેં,
મૈં જહાં રાહ ભૂલ જાતા હું.'
ભારત સરકારે ૨૦૦૯માં દુષ્યંતકુમારના ફોટા સાથેની ટપાલટીકીટ બહાર પાડેલી. ૧ સપ્ટેમ્બર, ૧૯૩૩માં જન્મી ૩૦ ડીસેમ્બર, ૧૯૭૫માં ચીર નિદ્રામાં પોઢેલા આ કવિ ૪૨ વર્ષના ટૂંકા ગાળામાં સાહિત્યમાં એવું અદભૂત પ્રદાન કરી ગયા કે આજે વર્ષો પછી પણ એ લાખો દિલોમાં વાસ કરે છે. લાઘવ એ કવિતાનો વિશેષ છે જે એમણે કવનની જેમ જીવનમાં પણ ઉતાર્યો હોય તેમ લાગે છે. ગાંધીજીના જન્મદિવસ પર દુષ્યંતકુમારે લખ્યું કે...
મૈં ફિર જનમ લૂંગા
ફિર મૈં
ઇસી જગહ આઉંગા
ઉચટતી નિગાહોં કી ભીડ઼ મેં
અભાવોં કે બીચ
લોગોં કી ક્ષત-વિક્ષત પીઠ સહલાઊઁગા
લંગડાકર ચલતે હુએ પાવોં કો
કંધા દૂંગા
ગિરી હુઈ પદ-મદત પરાજિત વિવશતા કો
બાંહોં મેં ઉઠાઊંગા
કાશ, ગાંધીજી માટે લખેલા શબ્દો એમણે પોતાના માટે જ લખ્યા હોત તો એક જુઠી આશાને પણ આપણે હૃદયના એક ખૂણે ઉછર્યા કરત કે ફરી એકવાર આ નોખી માટીનો કવિ આપણી સંવેદનાને વાચા આપશે... ફરી એના શબ્દોરૂપી ઘા બાજરિયાથી કોઈના ઘા રુઝાશે, કોઈની પીડાનો મોક્ષ થશે.
દુષ્યંતકુમાર અને અમિતાભના પિતા ડા. હરિવંશરાય બચ્ચન વચ્ચે ઘણો પ્રેમ હતો. 'દીવારદ ફિલ્મમાં તેમણે અમિતાભની તુલના સુપરસ્ટાર શશી કપૂર અને શત્રુઘ્ન સિન્હા સાથે પણ કરી હતી. દુષ્યંતકુમારે અમિતાભને લખેલા પત્રમાં કહેલ ું 'તને યાદ નહીં હોય પણ અલ્હાબાદમાં દુષ્યંતકુમાર નામનો એક નૌજવાન ઘણીવાર બચ્ચન સાહેબને મળવા આવતો ત્યારે તું ખૂબ નાનો હતો.
મને શું ખબર કે એમના એક સંતાનનું કદ એટલું ઊંચું થઈ જશે કે હું એને પત્ર લખીશ અને એનો પ્રશંશક બની જઈશ.' આ દુર્લભ પત્ર ૨૦૧૩માં દુષ્યંતકુમારની પત્ની રાજેશ્વરી ત્યાગીએ તેના જ નામથી સ્થાપિત સંગ્રહાલયને સોંપી દીધો છે.
'કાશ, મૈ ભગવાન હોતા' કાવ્યમાં કવિ નીર્ધનની સઘળી પીડાને હરી લેવા માગે છે.
કવિ દુષ્યંતકુમાર
આમ માનવીની પીડા જોઇને, અનુભવીને દુષ્યંતકુમાર એ માનવી સમાંતર પીડા અનુભવતા હોવા જોઈએ. એમને તમાશો જોઇને મૂંગા બેસી રહેતા લોકો સામે સખત ચીડ હતી. એ કહે છે કે...
'લહું-લુહાન નજારો કા જીક્ર આયા તો,
શરીફ લોગ ઉઠે દુર જા કે બૈઠ ગયે'
આપણા સમાજની વિટંબણા જ એ છે કે સજ્જનો મૌન છે. સ્વાતન્ત્ર્યોર ભારતના કોમન મેનની યાતના, નેતાઓના ડબલ ચહેરા અને ચારિત્રપતન જોઇને દુષ્યંતકુમાર સ્તબ્ધ અને ત્રસ્ત હતા. 'વહ આદમી નહિ હૈ, મુકંબલ બયાન હૈ, માથે પે ઉસકે ચોટ કા ગહરા નિશાન હૈ.' એવું કહેતા દુષ્યંતકુમાર 'માથાની ચોટદવાળા માણસને જ 'મુકંબલ બયાનદ બતાવીને પોતે કંઈ ન કહેતા બધું જ કહી દે છે. કવિ પોતે તો આટલો ઈશારો કરીને દૂર જઈને ઊભા રહી જાય છે. આ છે શબ્દો પરની એમની દાદાગીરી ! અન્યાય સામે અવાજ ઉઠાવવા એ સતત કહેતા પણ પછી એ લખે છે કે 'ઈસ શહર મેં તો કોઈ બારાત હો યા વારદાત,
અબ કિસી ભી બાત પર ખુલતી નહિ હૈ ખિડકીયાદ ગમે તેવી લોહીઝાણ પરિસ્થિતિમાં પણ સૌના હોઠ સીવાયેલા હોય છે. એ લખે છે કે.. 'મેરે દિલ પે હાથ રખ્ખો, મેરી બેબસી કો સમજો, મૈ ઇધર સે બન રહા હું, મૈ ઇધર સે ઢહ રહા હું ..'
પ્રજાના જ પૈસે તાગડધીન્ના કરી શોષણ કરનાર નેતા એ જ લાચાર આમ આદમી સામે કરગરીને વોટ માગે છે.. ત્યારે કવિ કહે છે કે...
'ઉનકી અપીલ હૈ કી ઉન્હે હમ મદદ કરે,
ચાકુ કી પસલીયો સે ગુઝારીશ તો દેખીયે.'
પ્રજાના અવાજને આક્રોશમાં દર્શાવતા કવિ કહે છે કે નેતાઓ માટે પ્રજા જાણે રમકડું છે.
'જિસ તરહ ચાહો બજાઓ ઇસ સભા મેં, હમ નહી હૈ આદમી, હમ ઝુનઝુને હૈ.'
ચુંટણી ટાણે વાયદાના વેપાર કરે ને કામ પતે તો ગુમ...માણસનો ઉપયોગ કરી પળવારમાં દૂધમાંથી માખીની જેમ ફેંકી દે છે. દુષ્યંત કુમારની આ પંક્તિઓને યાદ ન કરીએ તો કૈક ખૂટતું લાગશે ...'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહિ, મેરી કોશિશ યે હૈ કી એ સુરત બદલની ચાહિયે ''.મેરે સીને મેં નહિ તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહિયે ...''
દુષ્યંતકુમાર અભિનંદનના સાવ વિરોધી હતા. કોઈ લેખકને શું જુદો છે ? એને પાંખો લાગેલી હોય છે ? તેઓ માનતા કે અભિનંદન સ્વતંત્રતાના બાધક છે. એનાથી અમુક વર્ગને જ પ્રાધાન્ય મળે છે જે ખોટું છે. કોઈ પારિવારિક સંબંધ ન હોવા છતાં એક કારકૂન જિંદગીના મુલ્યવાન વર્ષો નિાપૂર્વક ફાઈલો પાછળ હોમી દે છે તો એનું અભિવાદન થવું જોઈએ. એક સોની, મોચી કે દરજીનું, મજૂર કે મહેતરનું પણ થવું જોઈએ જેમણે મહત્વપૂર્ણ સામાજિક ભૂમિકા નિભાવી હોય છે. અંતમાં આ અદભુત કવિની આ મહેચ્છા તો જુઓ...ઉદ્દાત ભાવના તો જુઓ. એ જાણે ભાવકને કહે છે...
જા, તેરે સ્વપ્ન બડે હોં.
ભાવના કી ગોદ સે ઉતર કર
જલ્દ પૃથ્વી પર ચલના શીખે
હંસે, મુસ્કુરાયે, ગાયે..
હર દીયે કી રોશની દેખ કર લલચાયે
ઉંગલી જલાયે
અપને પાંવ પર ખડે હોં
જા, તેરે સ્વપ્ન બડે હોં.
- રક્ષા શુકલ