Get The App

નાની છોકરીની મોટી આશા

આજકાલ - પ્રીતિ શાહ .

Updated: Feb 8th, 2020

GS TEAM


Google News
Google News
નાની છોકરીની મોટી આશા 1 - image


મહાબલિપુરમાં છ અઠવાડિયામાં તેનું શૂટિંગ થયું અને ફિલ્મ તૈયાર થઈ. આ ફિલ્મને મુંબઇ ઇન્ટરનેશનલ શૉર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો

ચોવીસ મિનિટની આ શોર્ટ ફિલ્મ 'કમલી'માં પોતાની પુત્રી માટે તે સમાજ સામે સંઘર્ષ કરી રૂઢિવાદી પરંપરાઓને તોડે છે અને એને સ્કેટિંગની રમતમાં ચેમ્પિયન બનાવે છે

૨૦ ૧૮ના ડિસેમ્બર મહિનામાં મુંબઇના સિનેમા હૉલમાં તામિલનાડુની સુગંતી મૂર્તિ પોતાની નવ વર્ષની દીકરી કમલીનો હાથ પકડીને ફિલ્મ જોતી હતી, ત્યારે તે ખૂબ નર્વસ હતી. કારણકે મુંબઇ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બાર ફિલ્મ જોયા પછી 'કમલી' ફિલ્મની શરૂઆત થઈ, ત્યારે સુગંતી વિચારતી હતી કે અમારી વાર્તામાં કોને રસ પડશે ? પરંતુ ફિલ્મ પૂરી થતાંની સાથે જ બધાએ ઉભા થઇને એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સુગંતી કહે છે કે બાળકોના જન્મ પછીની સૌથી મોટી સિધ્ધિ આ ફિલ્મને મળેલો એવોર્ડ છે અને આ ક્ષણને તે ક્યારેય ભૂલી નહીં શકે.

તામિલનાડુના મહાબલિપુરમમાં માછીમારોની કોલોનીમાં સુગંતી એના બે બાળકો કમલી અને હરીશ સાથે રહે છે. ચોવીસ મિનિટની આ શોર્ટ ફિલ્મ 'કમલી'માં પોતાની પુત્રી માટે તે સમાજ સામે સંઘર્ષ કરી રૂઢિવાદી પરંપરાઓને તોડે છે અને એને સ્કેટિંગની રમતમાં ચેમ્પિયન બનાવે છે. તેની વાત હૃદયને સ્પર્શી જાય તેવી છે. મહાબલિપુરમની એક માત્ર છોકરી ચાઇલ્ડ સ્કેટબોર્ડર છે.

એકલા હાથે બે બાળકોને ઉછેરતી સુગંતી કહે છે કે જ્યારે તે પોતાનાં બાળકોને જોતી, ત્યારે તેના મનમાં તેનું પોતાનું બાળપણ પ્રતિબિંબિત થતું હતું. તે હંમેશા વિચારતી હતી કે સમાજની પરંપરાગત માન્યતાઓ અને રૂઢિઓને કારણે તેને જે કરવું હતું, તે કરી શકી નહોતી. તેની ઇચ્છાઓ મનમાં જ રહી ગઈ હતી, તેથી તે પોતાનાં સંતાનો સાથે એવું નહીં થવા દે. તે તેમને સ્વતંત્રતાનો સ્વાદ ચખાડવા માગે છે, જે એને પોતાને અનુભવવા મળ્યો નહોતો.

સુગંતી રોજ સવારે ઊઠીને પ્લાસ્ટીક સ્ટૂલ, પાણી ભરેલી બોટલો, સોફ્ટ ડ્રીંક, લીંબુ, સોડા વગેરે લઇને બીચ પર જાય છે અને ત્યાં તેનો સોડાનો સ્ટોલ ચલાવે છે. એ પહેલાં તો ઘેર ઘેર જઇને માછલી વેચતી હતી, જ્યારે કમલી સવારે સ્કૂલે જાય તે ચાર વાગ્યે આવે પછી ટયૂશન માટે જાય.

તેને અંગ્રેજી અને ગણિત ખૂબ ગમે છે. સુગંતીની આવક ઓછી, પરંતુ તે પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા ચાહતી નહોતી. તેની અને તેના ભાઈની એક જ ઇચ્છા છે કે તેઓ ભણ્યા નથી, પરંતુ બાળકોને સારામાં સારું શિક્ષણ આપવું છે. પોતાના બંને બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે અને તેનું તેને ગૌરવ છે.

કમલીના કાકા અને તેના મિત્રે કમલીને તેની ચાર વર્ષની ઉંમરે સ્કેટબોર્ડ ભેટમાં આપ્યું હતું. કમલીએ જ્યારે સ્કેટબોર્ડિંગ શરૂ કર્યું, ત્યારે ઘણા લોકોએ તેની માને ચેતવી હતી અને સલાહ આપતા હતા કે છોકરીઓને અનુરૂપ એવી રમતમાં ભાગ લેવો જોઇએ. સ્કેટબોર્ડ પરથી પડશે અને મોટી ઇજા થશે, તો તેની સાથે લગ્ન કોણ કરશે? મહાબલિપુરમમાં રહેતા આયરિશ એની એડવર્ડ એ કમલી અને કુટુંબના મિત્ર અને માર્ગદર્શક છે. એમણે સ્કેટબોર્ડના ચેમ્પિયન અમેરિકન જેમી થોમસ સાથે ઓળખાણ કરાવી.

જેમી થોમસે કમલીને થોડી ટ્રીક શીખવાડી અને તેનો વીડિયો વાયરલ કર્યો. ઍડવર્ડે કેલિફોર્નિયાની કંપની પાસેથી સ્કેટબોર્ડ મંગાવી આપ્યું. ખુલ્લા પગે ફ્રોક પહેરેલી કમલીને સ્કેટબોર્ડ પર જોતાં મશહૂર સ્કેટબોર્ડર ટોની હોકનું ધ્યાન ખેંચાયું અને એણે ફેસબુક પર તસવીર મૂકી. આ તસવીર મૂળ ન્યુઝીલૅન્ડની અને અત્યારે લંડનમાં રહેતી સાશા રેનબોએ જોઇ અને એણે નક્કી કર્યું કે આ બાળકી પર ફિલ્મ બનાવીશ.

મહાબલિપુરમાં છ અઠવાડિયામાં તેનું શૂટિંગ થયું અને ફિલ્મ તૈયાર થઈ. આ ફિલ્મને મુંબઇ ઇન્ટરનેશનલ શૉર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો, તો એટલાન્ટા ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળ્યો છે. ૨૦૨૦ના ઍકેડેમી એવોર્ડ માટે 'કમલી' શોર્ટલિસ્ટ થયેલી અને હવે તે બાફટા અર્થાત્ બ્રિટિશ ઍકૅડેમી ફિલ્મ ઍવોર્ડસમાં નામાંકિત થઇ છે.

કમલી સ્કેટબોર્ડિંગ વર્કશોપમાં બેગાલુરુ જાય છે. ૨૦૧૯ના મે મહિનામાં શાંઘાઈમાં સ્કેટબોર્ડર્સની વૈશ્વિક મીટમાં ભારત તરફથી એક માત્ર તેણીએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બધા પછી પણ ઘરઆંગણે કમલી અને સુગંતીની મુશ્કેલીઓ ઓછી નથી. સ્થાનિક સ્કેટિંગ રૅમ્પ પર એની જ ઉંમરના છોકરાઓ તેને પ્રેક્ટીસ કરવા દેતા નથી.

સ્કૂલમાંથી એટલું પ્રોત્સાહન મળતું નથી, તેથી કમલી મોડી સાંજે જ્યારે રૅમ્પ ખાલી થાય, ત્યારે પ્રેક્ટીસ કરવા જાય છે, પરંતુ સુગંતીને આનંદ એ વાતનો છે કે જે માતા-પિતા એને કમલીના લગ્ન અંગે સલાહ આપતા હતા તે હવે એની છોકરીઓને સ્કેટબોર્ડ શીખવવા કમલીને ભલામણ કરે છે.

કમલી શિક્ષક, ડૉક્ટર કે પશુચિકિત્સક બનવા માગે છે અને પ્રાણીઓની રક્ષા કરવા માગે છે. આશાવાદી કમલીને તમે કહેશો કે ભવિષ્યમાં તારો રૂમ ટ્રોફીથી ભરાઈ જશે, ત્યારે તે કહેશે કે માત્ર રૂમ નહીં આખું ઘર. કમલીને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે ઑલિમ્પિકમાં જઇને મેડલ મેળવશે.

આશાભર્યા સ્વપ્નોનો સર્જક

નાની છોકરીની મોટી આશા 2 - imageફોર્બ્સે એને બે વર્ષ પહેલાં ત્રીસ વર્ષની નાની ઉંમરના દુનિયાના '1000 વર્લ્ડ લીડર્સ ફોર હોપ'માં સ્થાન આપ્યું હતું, તો યુનેસ્કોએ એને સમાવેશી શિક્ષણનો એમ્બેસેડર બનાવ્યો હતો

લખનૌના મધ્યમવર્ગીય કુટુંબમાં સ્વપ્નીલ તિવારીનો જન્મ થયો અને એના કુટુંબમાં ચોતરફ હર્ષોલ્લાસ વ્યાપી ગયો. માતા-પિતા આ પુત્રને ખૂબ લાડકોડથી ઉછેરતા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આમીરખાનની ફિલ્મ 'તારે જમીં પર' જોઈ હતી તેમાં ન્યૂરોલોજિકલ ડિસઑર્ડરથી થતો ડિસ્બેકિસયા ધરાવતા બાળકોના જે પ્રશ્નો રજૂ થયા હતા, તેનો તેમને સામનો કરવાનો આવશે.

સ્વપ્નીલ સાત વર્ષનો થયો, ત્યારે ડૉક્ટરોએ એના માતા-પિતાને જણાવ્યું કે આપના પુત્રને ડિસ્લેક્સિયા છે. આ જાણ્યા પછી તેના માતા-પિતા એની ખૂબ કાળજી લેવા માંડયા, પરંતુ બહારની દુનિયા અલગ હતી. સ્વપ્નીલ પોતાની જ ઉંમરના બાળકો સાથે ક્રિકેટ રમી શક્તો નહોતો અને વર્ગમાં તેને વાક્ય વાંચવામાં પણ ખૂબ મુશ્કેલી પડતી હતી. તેની આવી નિર્બળતાને જોઇને સહુ તેને 'મૅડમેન' કહેવા લાગ્યા.

આથી એ ખૂબ દુ:ખી થતો, પરંતુ એનો ઉપાય એણે જ શોધી કાઢ્યો. એ પોતે જ એની જાતને 'મૅડમેન' કહેવા લાગ્યો. પરિસ્થિતિથી ડરવા કે નાસી જવાને બદલે તેને હસતે મુખે સ્વીકારીને જીવવાનો નિરધાર કર્યો ન હોય !

માતા-પિતાના પ્રેમ અને હૂંફથી એની જિંદગી ધીમે ધીમે ગોઠવાતી ગઈ, પરંતુ તેની બાર વર્ષની ઉંમરે તેના પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. કુટુંબ પર તો આપત્તિનો પહાડ તૂટી પડયો હોય તેવું લાગતું, પરંતુ સ્વપ્નીલને લાગ્યું કે હવે એના જીવનમાં કશું રહ્યું નથી, બધું ખતમ થઇ ગયું છે. તે ભાંગી પડયો.

તે એટલો બધો હતાશ થઇ ગયો કે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું. માતાની ઊંઘની ગોળીની શીશી તેના હાથમાં આવી અને તે ગળવા જ જતો હતો, ત્યાં એના મનમાં એક વિચાર ઝબકી ગયો. એને થયું કે, 'મારા હૃદયના ધબકારા બરાબર કેમ ચાલી રહ્યા છે ? જો મારું શરીર મરવા માગે છે તો એનું એક-એક અંગ જીવંત કેમ છે ? તેઓ ઇચ્છે છે કે હું જીવતો રહું, તો મારે મારી જાતને એક તક આપવી જોઇએ.'

આત્મહત્યા કરવાનો વિચાર છોડીને તે દ્રઢતા અને એકાગ્રતાથી અભ્યાસ કરવા લાગ્યો. લખનૌની સેન્ટ ફ્રાંસિસ કૉલેજમાં આઈએસસી કર્યા પછી બેગાલુરુ યુનિવર્સિટીમાંથી બાયોટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને ૨૦૧૦માં જયપુરિયા ઇન્સિટયૂટ ઑફ મેનેજમેન્ટમાંથી એમ.બી.એ. કર્યું. પરિણામે રિઝર્વ બેંકમાં નોકરી મળી ગઈ. નોકરી તો સારી હતી, પરંતુ સ્વપ્નીલ ખુશ નહોતો. સાત મહિના પછી નોકરી છોડીને હસ્તકળાના કારીગરો અને આદીવાસી શિલ્પકારો માટે ૨૦૧૧માં 'નૅકેડ કલર્સ' નામનું સંગઠન શરૂ કર્યું. આ દરમિયાન એક ટેલિફોને તેની જિંદગી બદલી નાખી.

બન્યું એવું કે સ્વપ્નીલે કામ માટે કારીગરને ફોન લગાડયો, પરંતુ એ ફોન કારીગરની પુત્રીએ ઉપાડયો. જ્યારે સ્વપ્નીલે એને એના પિતા અંગે પછ્યું, ત્યારે પુત્રીએ ગળગળા અવાજે કહ્યું કે તેઓ હવે આ દુનિયામાં નથી. પછી એણે સ્વપ્નીલને કહ્યું, 'ભૈયા, ગામનો મુખી રોજ રાત્રે મારી માતાને પોતાની સાથે લઇ જાય છે, અને એ પછી વહેલી સવારે મૂકી જાય છે. અને માતા આખો દિવસ રડતી રહે છે.' આ નાનકડી બાળકીના લાચારીભર્યા અને 

પીડાદાયક અવાજે સ્વપ્નીલને એટલો બેચેન કરી દીધો કે એક દિવસ તે સાઠ હજાર રૂપિયા લઇને મોટર સાઇકલ પર બિહારમાં આવેલા મધુબનીમાં એ પરિવારને શોધમાં નીકળી પડયો. એ ગામના કેટલાક અસામાજિક તત્ત્વોનો સામનો કર્યા બાદ પીડિત પરિવારને શોધવામાં એ બે બાળકો અને તેની માતાને દિલ્હી લાવવામાં એને સફળતા મળી. સ્વપ્નીલે તેમને મધુબની પેઇન્ટિંગ કરવા કહ્યું અને તેને વેચવામાં મદદ કરી.

'નેકેડ કલર્સ' નામની પોતાની સંસ્થા દ્વારા મધુબની, તંજાવુર અને ગોંડના કારીગરોને ખૂબ મદદ કરી. ત્યારબાદ તે મધ્યપ્રદેશના સતપુડાના જંગલોમાં ગયો, ત્યારે તેની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષની હતી, પરંતુ તેના ભીતરમાં વંચિત આદિવાસીઓ માટે કામ કરવાની તીવ્ર ઝંખના હતી, પરંતુ ત્યાંના નકસલીઓએ તેને પોલીસનો માણસ સમજીને ઘણા દિવસો સુધી કેદ કરી રાખ્યો અને ખૂબ હેરાન કર્યો, પરંતુ જ્યારે એમને અહેસાસ થયો કે તેઓએ કોઈ ખોટી વ્યક્તિને પકડીને ગોંધી રાખી છે, ત્યારે તેને છોડી દીધો. ત્યારબાદ દિલ્હી આવીને મહિલા સુરક્ષા અને પ્રેરણાત્મક પ્રવચનો આપવા લાગ્યો.

સ્વપ્નીલ 'લાઈવ મૅડ'ના બેનર અંતર્ગત સમાજમાં ખુશી, આશા અને મદદની વાત કરે છે. ફોર્બ્સે એને બે વર્ષ પહેલાં ત્રીસ વર્ષની નાની ઉંમરના દુનિયાના '૧૦૦૦ વર્લ્ડ લીડર્સ ફોર હોપ'માં સ્થાન આપ્યું હતું, તો યુનેસ્કોએ એને સમાવેશી શિક્ષણનો એમ્બેસેડર બનાવ્યો હતો. સ્વપ્નીલ કહે છે, 'હું ઇચ્છું છું કે મારા મૃત્યુ પછી લોકો મને જે આશા અને ખુશી એમને વહેંચી છે તેને માટે યાદ કરે, એમની સ્મૃતિનો ભાગ બનાવે.' જે એક દિવસ અત્યંત નિરાશ થઇને આત્મહત્યા કરવાનું વિચારતો હતો તે આજે અનેક ગરીબો અને વંચિતોના જીવનમાં આશાનો સંચાર કરે છે.

Tags :