એક જખ્મી દિલવાળી સાઠ વર્ષીય જનેતા શહેરના માર્ગો પર ઢૂંઢી રહી છે પોતાના ખોવાયેલા લાલને... !!
ઝાકળઝંઝા - પરાજિત પટેલ
જગો એનો એકનો એક દીકરો ! એનું કામ તો એક જ હતું : ગમે તે થાય પણ જગાને ઉછેરવો ! એને રાજી રાખવો ! એ ભણે તેટલું ભણાવવો ! એને મોટો માણસ બનાવવો !
'તમે ક્યાંય જોયો મારા દીકરાને ?'
જ્યાં જુઓ ત્યાં સંભળાય છે એક દુ:ખિયારી માનો સાદ ! હશે સાઠેક વરસની, ચહેરો ગોરો છે, પણ એ ચહેરા પર દુ:ખે ઉઝરડા કર્યા છે. પાતળું એકવડું શરીર છે...ને આંખોને ઝાંખપ આવી ગઈ છે ! અહીં ફરે છે, તહીં ફરે છે, શેરીએ શેરીએ અને મહોલ્લે ફરે છે ! સવારમાં તમે એને શહેરના તળાવ પાસે જોઈ હોય, તો બપોરે એ રેલ્વેસ્ટેશન પર જોવા મળે, ને સાંજે વળી શાકમાર્કેટના ખૂણા પર ઊભી હોય ! મા છે ને ! મા પાસે માનું રદિયું છે... ને એ રદિયામાં નરી મમતા ઠાંસોઠાંસ ભરી છે. મમતા ઉભરાય છે, મમતા છલકાય છે... બસ, આ જ મમતા એને લાચાર પણ બનાવી દે છે !
એ શોધે છે.
કોને ?
એના દીકરાને !
રસ્તામાં કોઈ જતું હોય તો એ સાદ દઇને ઊભો રાખે : 'ભઇ, ઉભા રહેજો જરા !'
પેલો ઊભા રહે.
પૂછે : 'શું છે, માડી ?'
'ભઈ, તમે ક્યાંય જોયો મારા દીકરાને ?'
'ના !'
'હત્તારી ! જેને પૂછું છું એ બધાય ના કહે છે...લો, ફોટો જોઇને એ તો કહો, કે જોયો છે ક્યાંય એને ?'
ને કબજાના ગજવામાંથી નાનકડો ફોટો કાઢીને બતાવશે ફોટો છે સાતેક વરસના નાના છોકરા નોં !
'જોયો ?'
'જોયો.'
'ફોટો મારા દીકરાનો છે, હોં !'
'ક્યાં ગયો છે... તમારો દીકરો ?'
'ખોવાઈ ગયો છે...'ને એ રડવા લાગી જાય છે. પછી રૂદન ભર્યા સ્વરે જ બોલે છે : 'બહુ વહાલો હતો મારો છૈયો ! બહુ રૂપાળો છે ! તમે એને જુઓ તો ખુશ થઇ જાવ... ગોરો ગોરો છે... કાચ જેવી આંખો છે. વાંકડિયા ઝુલ્ફાં છે, ને છે ય જાફલા જેવો ! મારા હૈયા જેવો છૈયો તો કોઇને નહિ હોય ! દૂશમૂશ ગોકુળનો કાનુડો જ જોઇ લો ! ભૈયા, ક્યાંય જુઓ તો મને જરૂર કહેજો !'
'કેટલો સમય થયો દીકરાને ખોવાયે ?'
'પચ્ચીસેકવરસ થઇ ગયાં ! અત્યારે તો મોટો આદમી થઇ ગયો હશે ! હજાર માણસ ઉભાં હોય, એમાં એ જુદો જ પડે ! મા, મા કરે... મને એ ખૂબ જ વહાલો હોં ! બહુ વહાલો ! તમને મળે તો મારી યાદ આપજો ને કહેજો કે તારી મા તને શોધી રહી છે.. કહેજો કે ગાંડા, આમ માને મેલી જતા રહેવાય ?'
પેલાને એમ જ લાગે કે આ પ્રૌઢ ઓરતનું દિમાગ ચસકી ગયું છે ! એ રડે છે, આવતાં જતાં ને ઊભાં રાખે છે, ને નજીક આવીને પાછી છોકરાની વાત કરે છે ! પણ પચીસ વર્ષ પહેલાં માથી છુટો પડી ગયેલો તે અત્યારે 'છોકરો'ન હોય ! એ તો બત્રીસેક વરસનો હોય ! એ જડે શી રીતે ? ફોટો છે એ તો છ-સાત વરસના બાબલાનો છે ! એને ઓળખવો શી રીતે ?
એક જણે તો એમ પણ પૂછ્યું : 'માડી, તમારા છોકરાની કોઈ નિશાની ખરી ?'
'હા, છે ને !'
'કહો.'
'એ હસમુખો છે !'
'એથી ન ઓળખાય !'
'એને મા બહુ વહાલી છે !'
'એ તો સૌને હોય... પણ શરીર પર કોઈ નિશાન ?'
'હા છે ને !'
'શું ?'
'એના ગોરા ગોરા કપાળ પર લાલ રંગનું ચીપિયા જેવું લાખું છે.'
'એ ચાલે.'
'તો એ જડી જાય, એટલે મને કહેજો ને, ભાઈ !'
'જરૂર કહીશ, મા !'
'એને કહેજો કે તારી મા તને યાદ કરે છે... તને શોધી રહી છે ! ભૂંડા આવું કરાય ?'
'એનું નામ ?'
'જગો...જગલો !'
'ઓહ ! એનું નામ જગો છે ? અત્યારે તો એ મોટો જગમોહન થઇ ગયો હશે !'
'થાય જ ને ! મારો જગલો એટલે જગલો જ ! એક જોશીએ કહ્યું હતું કે : 'તમારો આ દીકરો બહુ મોટો માણસ થઇ જશે !''
'એમ ?'
'હા.'
આખા શહેરમાં આ ઓરત ફરે છે. એના અંતરમાં એક આરત છે : પોતાના ખોવાયેલા દીકરાને જોવાની ! મા દુ:ખી છે જનેતા દુ:ખી છે ! એક જણે તો એમ પણ પૂછ્યું કે : 'માડી, તમારો દીકરો ખોવાયો શી રીતે ?'
એની ય એક કથા છે... આજની નહિ, પચીસ વરસ પહેલાંની વિધવા ગોમતી ત્યારે પોતાના એકના એક જણતરને ઉછેરી રહી હતી ! પતિ તો ત્રણેક વર્ષ પહેલાં સર્પદંશથી પંથકના ઘોડા પલાણી ગયો હતો... ને ગોમતી પોતાના દીકરા જગાની આશાના સથવારે જિંદગીનો રાહ કાપી રહી હતી ! જગો બાલમંદિરમાં ભણતો. હોશિયાર હતો. સાતમા વર્ષે તો એ બીજા ધોરણમાં આવી ગયો. શાળાના શિક્ષકો પણ ગોમતી સમક્ષ એની પ્રશંસા કરતા : 'ગોમતી બહેન, તમારો દીકરો જગો બહુ હોશિયાર છે... ખૂબ તેજસ્વી અને ચાલાક છે... જો જો ને, ભણતરમાં એ પોતાનું નામ ચમકાવશે. પોતાનું જ નહિ, શાળા અને ગામનું નામ પણ એ રોશન કરશે !'
રાજી રાજી થઇ જતી ગોમતી !
એના હર્ષનો પાર ન રહેતો !
અંદરના ઓરડે જઇ ભગવાનના ગોખલા સમક્ષ હાથ જોડી એ કહેતી : 'હે ત્રિલોકીનાથ વિષ્ણુ ! મારા દીકરાનું તકદીર સોળે કળાએ ચમકાવજો. સદાય એને સહાય કરજો. એના લગ્ન થયા પછી અમે બધાં તમારાં દર્શન કરવા માટે શામળાજી જરૂર આવીશું. મારી આ વિનંતી સ્વીકારજો. મારા ત્રિલોકીનાથ પ્રભુ ! પતિ નહોતો વાત સાચી. જીવનપંથ કંટક ભર્યો હતો, વાત સાચી. પતિના સથવારા વિના વિકટમાર્ગે આગળ વધવાનું હતું, વાત સાચી ! ને માંડ બે વીઘાં જમીન હતી, ને ખાસ કંઇ ઉપજ થતી નહોતી, એ વાત પણ સાચી ! કપરો કાળ હતો ! આવક બહુ પાતળી ! માંડ માંડ ઘર ચાલતું હતું... ચાલતું ન હતું, ખોડંગાતું હતું... આ બધું જ સાચું ! છતાં વિધવા ગોમતી આશાનાં ગલુડિયાં રમાડયા કરતી હતી અને મોટાં મોટાં સપનાં રચ્યા કરતી હતી, જોયા કરતી હતી, એ વાત પણ એટલી જ સાચી હતી !'
જગો એનો એકનો એક દીકરો ! એનું કામ તો એક જ હતું : ગમે તે થાય પણ જગાને ઉછેરવો ! એને રાજી રાખવો ! એ ભણે તેટલું ભણાવવો ! એને મોટો માણસ બનાવવો !
એ દિવસે શિવરાત્રિનો મેળો ભરાતો હતો. શહેરની નજીકમાં ! બધાં મા-બાપ પોતાનાં સંતાનોને લઇને મેળો મહાલવા જતાં ! કોઈ ફુગ્ગો લેતું, કોઈ મીઠાઈ લેતું, કોઈ ચોપડી ખરીદતું ! જગાએ કહ્યું : 'મા, ચાલને મેળો જોવા જઇએ...'
'તારે જવું છે ?'
'હા, મારે જવું છે !'
'ભલે, હાલ્ય ત્યારે ! '
ને શહેરના છેવાડેના વિશાળ ભૂભાગમાં ભરાયેલા મેળામાં મહાલવા મા-દીકરો ઉપડયાં - રાજી થતાં થતાં ! દીકરાને હતું : 'મા માની ગઈ ! માને હતું : 'દીકરો રાજી થશે !' બસ, હવે આ જ તો ઉદ્દેશ્ય હતો ગોમતીના જીવનનો ! દીકરાનો રાજીપો તો એના જીવનની સાર્થકતા હતી ! બીજુ છે પણ કોણ ? અત્યારે ભલે તકલીફોનાં તળાવડાં છલકાતાં હોય, પણ કાલ હોંકારા થશે ! કાલ મારો લાલ આગળ વધશે ! કાલ જગો જગમોહન બની જશે ! મોટો માણસ બનશે ! નોકરીએ ચઢશે ! સાહેબ બનશે ! સહુ એને સલામો કરશે ! પછી નાતમાંથી સરસ રૂપાળી ગુણવંતી છોકરી શોધીને એને પરણાવીશ ! પછી બે ય જણને લઇને શામળાજી જઈશ ! ત્રિલોકીનાથ વિષ્ણુનાં દર્શન કરીશું ! હાથ જોડીને હું કરગરીશ મારા ત્રણેય ભુવનના નાથને : 'હે મારા ત્રિલોકીનાથ,મારા દીકરા-વહુને સુખી કરજો !'
- ને બે જણાં શિવરાત્રિના મેળે ગયાં ! જગાને ગોમતીએ મીઠાઈ ખવડાવી ત્યાં જ જગાની નજર એક દુકાન પર પડતા એ રમકડાંની દુકાન હતી ! એક સરસ મજાનું રમકડું એણે જોયું : ચાવી આપો કે દોડવા લાગે અને તેમાંથી 'હાઉ આર યૂ ? હાઉ આર યૂ ?' એવા શબ્દો નીકળ્યા કરે. પણ કિંમત પૂછી તો ચારસો રૂપિયા : બાપ રે, ગરીબ ગોમતી રમકડા માટે આટલી મોટી રકમ ક્યાંથી લાવે ? ને પછી 'બેટા, આ તો બહુ મોઘું છે... તું અહીં ઊભો રહે, હું તારા માટે રમકડાની આગગાડી લઈ આવું.'
- અને આટલું કહીને ગોમતી મેળાની દુકાનો જોતી જોતી આગળ વધી ગઈ. આગગાડીનું સસ્તુ રમકડું લીધું. ને જગાને આપવા પાછી આવી ત્યાં જ એને ફાળ પડી : જગો ત્યાં નહોતો !
હેં ? જગો ક્યાં ગયો ? ને હાંફળી ફાંફળી બની ગઇ. મારો જગો ? ક્યાં ગયો મારો જગો ? આખાય મેળામાં એ ફરી વળી. ક્યાં ન મળ્યો જગો ! ક્યાંય ન જડયો જગો ! ફાળ પડી એને ? જગો ગુમ થઇ ગયો હશે ? કે પછી કોઈ ઉપાડી હો ? ક્યાં હશે મારો જગો ?
ને ત્યારથી આજદિન સુધી ઠેર ઠેર ફરે છે ગોમતી ! ઠેર ઠરે જાય છે ગોમતી ! જતાં આવતા માણસોને ઉભાં રાખે છે ગોમતી ! 'જોયો મારા દીકરાને ?' એવું પૂછે છે ગોમતી ! શહેરની શેરીએ શેરીએ, સોસાયટીએ સોસાયટીએ, માર્કેટમાં અને બગીચામાં જઇ જઇને પૂછે છે ગોમતી : 'મારા જગાને જોયો છે તમે ?' કોઇ કહે છે, એનું ચસકી ગયું છે ! કોઈ કહે છે : દીકરો ગુમ થતાં એ ગાંડી થઇ ગઈ છે ! જે હોય તે, એનો સવાલ સતત શહેરની હવામાં ઘુમરિયો લઇ રહ્યો છે. 'કોઈ એ જોયો છે મારા જગાને ?'
(વધુ આવતા અંકે)