Get The App

સામે કાંઠે વેલડી આવે રે, આવતાં દીઠી વાલમિયા!

સોના વાટકડી રે - નીલેશ પંડયા

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
સામે કાંઠે વેલડી આવે રે, આવતાં દીઠી વાલમિયા! 1 - image


'સામે કાંઠે વેલડાં આવ્યાં ને આવતાં દીઠાં નાયક્જી, વેલડાનો હાંકનાર નાનો નાહોલિયો નાનો નાયક્જી...' આમ પણ કેટલાક કલાકારો ગાય છે પરંતુ બંનેમાં ભાવ એક જ છે બાળવર સામે બંડનો...

સામે કાંઠે વેલડી આવે રે, આવતાં દીઠી વાલમિયા!

વેલડીનો હાંકનાર નાનો, નાવલિયો નાનો વાલમિયા!

ઘડીક ઉભલાં રો'તો કડલાં પે'રું વાલમિયા!

પે'ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા!

                                     સામે કાંઠે...

ઘડીક ઉભલાં રો'તો દાણિયું પે'રું વાલમિયા!

પે'ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા!

                                     સામે કાંઠે...

ઘડીક ઉભલાં રો'તો ચૂડલી પે'રું વાલમિયા!

પે'ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા!

                                     સામે કાંઠે...

ઘડીક ઉભલાં રો'તો નથણી પે'રું વાલમિયા!

પે'ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા!

                                     સામે કાંઠે...

મન પર બોજ હોય, ચિંતા હોય, કોઈ એવી વાતનો સામનો કરવાની સ્થિતિ આવી હોય જે કોઈને કહેવી કે કેમ એ વિચારવું પડે એમ હોય- આવી ધર્મસંકટ શી અવસ્થામાં પણ આપણી માનુનીઓએ પોતાનું દુઃખ ગેયરૂપમાં વહેતું મૂકી દીધું હતું. તમે એવું ક્યાંય જોયું છે કે દુઃખની વાત પણ કોઈ ગાતાં ગાતાં વર્ણવે? બીજે ક્યાંય બન્યું હોય કે નહીં, ગુજરાતમાં તો એ યુગપર્યંત બનતું રહ્યું કે વૈયક્તિક સમસ્યા ગાઈને સર્વવિદિત કરી નાખવામાં આવતી જેથી ગાનાર સ્ટ્રેસ ફ્રી થઇ જાય ને સાંભળનારમાંથી અનેકાનેક મહિલાઓ આગળ આવીને સ્વીકારે કે બહેન! તું એકલી નથી, અમે આપણે સૌ સમદુઃખી છીએ!

'સામે કાંઠે વેલડી આવે રે...' કજોડાંની કથની વર્ણવતું લોકગીત છે. કન્યા કરતાં વર ઘણો જ નાનો હોય અથવા તો બાળવર હોય એ સામાજિક સમસ્યાનું નિરૂપણ આ લોકગીતમાં છે. વેલડું લઈને કન્યાને લેવા વર તથા સાજન-માજન આવી પહોંચ્યા પણ કન્યાના મનમાં એ વાતનો સતત ખટકો છે કે પોતાનો નાવલિયો તો નાનકડો છે, એની સાથે કેમ જીવાશે? વડીલોએ નાતરું કરી નાખ્યું ત્યારે દીકરી વિરોધ ન કરી શકી, સ્ત્રીઓને એવો હક્ક પણ ક્યાં હતો? છતાં એને વર સ્વીકાર્ય નથી એ પણ સાબિત કરવું છે એટલે ગીતના સ્વરૂપે પોતાનો અણગમો વ્યક્ત કરે છે.

કન્યા કહે છે કે તમે બધાં મને લેવા આવ્યા છો પણ હું હજુ તૈયાર નથી થઇ, મારે શુકનવંતા વસ્ત્રો અને આભૂષણો પહેરવાનાં બાકી છે માટે તમે સૌ થોડીવાર થોભજો. અહીં એ સવાલ ઉઠે છે કે વર અને એનું ઘર કન્યાને લેવા આવ્યું તોય કન્યાને હજુ શણગાર સજવાનો બાકી કેમ છે? બસ, એ હરકત જ પોતાના મૂંગા વિરોધની ચાડી ખાય છે. આગળ ઉપરતો એ એમ કહે છે કે મનેચૂંદડી, કડલાં, દાણિયું, ચૂડલી, નથણી વગેરે પહેરવાનો ખૂબ જ શોખ છે પણ શું કરું મારો પતિ તો નાનકડો છે, હું કોના માટે સાજ સજું?

'સામે કાંઠે વેલડાં આવ્યાં ને આવતાં દીઠાં નાયક્જી, વેલડાનો હાંકનાર નાનો નાહોલિયો નાનો નાયક્જી...' આમ પણ કેટલાક કલાકારો ગાય છે પરંતુ બંનેમાં ભાવ એક જ છે બાળવર સામે બંડનો...


Tags :