ઑશ્વિત્ઝ : કેમ્પના નરબંકા કેદી!
સમયાંતર - લલિત ખંભાયતા
નાઝીઓે સ્થાપેલા કેમ્પ ઑશ્વિત્ઝમાં પહોંચ્યા પછી વહેલાં-મોડાં મોત થશે એ નક્કી હતું, માટે કેટલાક કેદીઓએ આફતને અવસરમાં ફેરવવાના ખેલ શરૂ કર્યાં
કેમ્પમાં રહેતા કેદી વિવિધ આવડતો ધરાવતા હતા. કોઈક મનોરંજક આવડત હોય એ કેદી બચી શકતા હતા. જેમ કે સાલામો અરોચ નામનો કેદી બોક્સર હતો. નાઝી અધિકારીઓ મનોરંજન માટે બોક્સિંગની મેચ યોજતા હતા. સલામોએ આવી ૨૦૦ મેચ જીતી હતી. બોક્સિંગની આવડતને કારણે જ તેને મારી નખાયો ન હતો.
કેમ્પમાં મહિલા મોટી સંખ્યામા હતી. અનેક મહિલાઓ પ્રેગનન્ટ અવસ્થામાં કેમ્પમાં લવાતી હતી. આવી મહિલાઓને પ્રસૂતિ માટે મદદ સ્તાઈસલાવા લેસ્ઝીન્સકા નામની પોલિશ મહિલા મદદ કરતી હતી. એ મહિલાએ કુલ મળીને ૩ હજારથી વધુ પ્રસૂતિ ઑશ્વિત્ઝમાં કરાવી હતી.
નરસંહાર માટે નાઝી અધિકારીઓે સ્થાપેલા ૪૦ ચોરસ કિલોમીટરના કદાવર ઑશ્વિત્ઝમાં કેદીઓ આવે એમાંથી ૭૦ ટકાને તો પહેલી ૨૪ કલાકમાં જ પતાવી દેવાતા હતા. એટલે પાંચ વર્ષમાં ૧૧-૧૨ લાખ યહુદી મરાયા. પશુઓની હેરાફેરી માટેની ટ્રેનમાં ઠાંસોઠાંસ ભરીને કેદીઓને કેમ્પમાં લવાતા હતા. અંદર પ્રવેશે ત્યાં સુધી તેમને ખબર પડતી ન હતી કે તેઓ ક્યાં છે, હવે તેમનું શું થશે? કેદીઓ જર્મન તાબાના વિવિધ દેશમાંથી આવતા હતા, પણ કોમન વાત એટલી જ કે મોટા ભાગના યહુદી હતા.
અહીં આવ્યા પછી જે કેદીઓ તંદુરસ્ત, શારીરિક રીતે સક્ષમ હોય એમને અલગ કરી દેવાતા હતા. એમના સદ્ભાગ્ય એટલા કે તેમનો જીવ ગેસ ચેમ્બરમાં પુરીને લેવામાં આવતો ન હતો. તેના બદલે તેમની પાસે રોજના ઓછામાં ઓછા ૧૧ કલાક સખત પરિશ્રમ કરાવાતો હતો અને એમાં જ ઘણાના જીવ જતો હતો. મજૂરી કરાવાતી હતી એમનું મૂલ્ય ચૂકવાય તો રકમ આજે ૧૨ કરોડ પાઉન્ડથી વધારે રકમ થાય!
કામદાર કેદીઓને રહેવા માટે બેરેક હતા. ૭૦૦ સમાઈ શકે ત્યાં ૧૨૦૦ કેદીઓને રખાતા હતા. કોઈ બેરેકમાં ટોઈલેટ, પાણી, લાઈટની સગવડ ન હતી. આખા દિવસમાં તેમને ૩ વખત ખાવા-પીવાનું મળતું હતું, જેમાં સવારે કોફી, બપોરે સુપ અને સાંજે ૩૦૦ ગ્રામ બ્રેડનો સમાવેશ થતો હતો. કેદીઓની સવાર સાડા ચાર વાગે પડી જતી હતી, સાંજે ૫.૩૦ કલાકે પુરી થતી હતી. કેટલાય કેદી માટે સવાર પડયા પછી સાાંજ પડતી ન હતી, એ પહેલા જ કામ કરીને, પાણીના અભાવે, સારવારના અભાવે મૃત્યુ પામતા હતા. કેમ્પ શરૂ થયા પછી પહેલા કેદીનું મોત પણ લાંબો સમય તડકામાં ઉભા રહેવાથી થયું હતું.
અહીં સવાર પડયા પછી સૂર્યાસ્ત જોવા જીવતા રહી શકાશે કે નહીં એ કોઈ જાણતુ ન હતું. એટલે કેટલાક કેદીઓએ જીવન-મરણનો દાવ ખેલવાનું નક્કી કર્યું.
કેમ્પમાં રહેલી એ લક્ઝરી કારનો ઉપયોગ નિયમિત રીતે કમાન્ડર રૂડોલ્ફ બર્લિન જવા માટે કરતો હતો. જુન ૧૯૪૨ના એ દિવસે કાર દરવાજા તરફ આગળ વધી રહી હતી. પહેરો ભરવા માટે ઉભેલા ચાર નાઝી દરવાનો સાહેબની ગાડી આવતી જોઈને સાવધ થયા. કાર માટે રસ્તો કરવા હલ-ચલ કરી. કાર નજીક આવી ત્યારે પહેરેદારને અંદર બેઠેલા બન્નેનો ચહેરો અલગ લાગ્યો.. પણ તેમણે નાઝી લશ્કરી પોશાક પહેર્યો હતો. માથે ટોપી ચડાવી હતી. દરવાજો ખુલવામાં વાર લાગી એટલે અંદરથી અવાજ આવ્યો, 'અરે ડફોળ જલ્દી દરવાજો ખોલ, બાકી તને ભડાકે દઈશ..' દરવાને ફટાફટ દ્વાર ખોલી નાખ્યા.. કાર આગળ વધી બહાર નીકળી અને રસ્તા પર દોડવા લાગી.
થોડા સમય પછી કેમ્પમાં ખબર પડી કે ચાર કેદી ભાગી ગયા છે. એટલું જ નહીં ભાગનારા કેદીઓએ નાઝી પોશાક અને કમાન્ડરની કાર ચોરવાની સગવડ પણ કરી લીધી હતી. એ બન્ને કેદી રૂડોલ્ફ, કેઝિમર્ઝ પિચોવેસ્કી અને તેના બે સાથીદાર હતા. ચો-તરફ નાઝી સામ્રાજ્ય ફેલાયેલું હતુ એટલે નાકા-બંધી, સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું. પણ એ ચારેય કેદી હાથમાં આવ્યા નહીં. ૧૯૧૯માં જન્મેલા કેઝિમર્ઝનું ૨૦૧૭માં ૯૮ વર્ષની પાકટ વયે નિધન થયું, ત્યાં સુધી તેઓ ગૌરવપૂર્વક નાઝીઓને છેતરવાની આ કથા કહેતા રહેતા.
એવો જ પ્રયાસ બીજા ચાર કેદીઓએ જરા અલગ રીતે કર્યો હતો. જાન કોમ્સ્કી અને તેના ત્રણ સાથીદારો દરવાજા તરફ આગળ વધ્યા. તેમની સાથે ઘોડાગાડી હતી. ચાર પૈકી એક કેદીએ નાઝી લશ્કરી ડ્રેસ પહેર્યો હતો. એ ઘોડાગાડી પર સવાર હતો. સાથે ૩ કેદી ચાલ્યા આવતા હતા. દરવાજે પહોંચીને અધિકારીએ પોતાના કાગળ બતાવ્યા અને બહાર નીકળી ગયા. દરવાનને લાગ્યું કે અફસર આ ત્રણેયને લઈને બહારથી કોઈ સામાન લેવા જાય છે. સાંજે ગણતરી વખતે ખબર પડી કે ચાર કેદી રવાના થઈ ગયા છે. ચારમાંથી બધા તો નહીં પણ માસ્ટર માઈન્ડ જાન ૧૬ દિવસ પછી પકડાઈ ગયો હતો.
કેમ્પ હોય કે જેલ.. કેદ થયા પછી સૌથી પહેલો વિચાર ત્યાંથી કેમ ભાગવું એમ જ આવે. એક પછી એક ફેન્સિંગ વાડ, ચારે-તરફ ઊંચા વૉચ ટાવર, હાથમાં ગન લઈને પહેરો ભરતા સાડા ચાર હજાર જેટલા ક્રૂર નાઝી સૈનિકો, તાળાબંધ દરવાજા.. ઑશ્વિત્ઝમાં એવી પહેરેદારી વચ્ચે કોઈ કેદી ભાગી ન શકે. પરંતુ એ પછીય ભાગવાનો પ્રયાસ કરે એનું નામ જ કેદી! પાંચ વર્ષ દરમિયાન અહીંથી એક-બે નહીં ૯૨૮ કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એમાંથી એક વખત તો એક સાથે ૪૩૯નું ટોળું ભાગ્યું હતુ (પોલેન્ડમાં આવેલા સોબિબોર નામના કેમ્પમાંથી ઑક્ટોબર ૧૯૪૩માં એક સાથે ૩૦૦ યહુદી ભાગવામાં સફળ થયા હતા). એ બધા પ્રયાસોના અંતે કેમ્પના ઇતિહાસમાં ૧૯૬ એવા નામ નોંધાયા જે સફળતાપૂર્વક બંધનો તોડી ભાગી શક્યા, ક્યારેય નાઝીઓના હાથમાં ન આવ્યા. કેમ્પની આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે ગયા અઠવાડિયે કેમ્પની ક્રૂરતા વિશે થોડી વાત કરી. આ વખતે આવા નરબંકા કેદીઓના બે-ચાર ઉદાહરણ...
ટાડસ વિજોસ્કી ઑશ્વિત્ઝનો કેદી હતો. ૧૯૪૦મી ૧૪મી જુને કેમ્પમાં દાખલ કરાયો હતો, કેદી નંબર ૨૨૦ આપી દેવાયો હતો. ટાડસ પોલેન્ડનો નાગરિક હતો. કેમ્પની બાજુમાં જ એક ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં પાંચ પોલિશ નાગરિકો કામ કરતા હતા. ટાડસનો સંપર્ક તેની સાથે થયો. તેમણે ટાડસને મદદ કરી, પોશાક આપ્યો. પરિણામે ટાડસ કેમ્પમાં દાખલ થયાનો એક મહિનો થયો ન હતો ત્યાં ૬ઠ્ઠી જુલાઈએ ભાગી ગયો. ઑશ્વિત્ઝમાંથી ભાગનારો એ પહેલો કેદી હતો!
બીજા દિવસે સવારે જ્યારે કેદીઓની ગણતરી થઈ ત્યારે નાઝીઓને ખબર પડી, કે એક કેદી ગુમ છે. ગુમ થવાની એ કેમ્પની પહેલી ઘટના હતી. તપાસ કરવામાં આવી. જેમના પર શંકા હતી એવા ૧૩૧૧ કેદીઓને ૨૦ કલાક સુધી ઉભા રાખવામાં આવ્યા. છેવટે ભાગનારને મદદ કરનારા પાંચેય ઈલેક્ટ્રિશિયનોને પકડી લેવાયા અને કેમ્પમાં જ કેદી બનાવી દેવાયા. અધિકારી જેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળી ગયેલા ટાડસ નામ-ઠામ બદલાવીને રહેતો હતો. એક વર્ષ સુધી તેની આ સ્વતંત્ર જીંદગી ચાલી. એ પછી ફરી નાઝીઓના હાથે ઝડપાયો અને એ વખતે તેને કેમ્પમાં મોકલવાની સજા કરવાને બદલે ગોળી મારી દેવાઈ.
કેદીઓને આસપાસના ખેતરમાં કામ કરવા લઈ જવાતા હતા. ખેતરમાં ખેડકામ કરતાં કરતાં લગભગ પચાસેક કેદીઓએ એક સાથે ભાગવાનુું ચાલુ કર્યુ. નાઝી સૈનિકો ત્યાં જ હતા. તેમણે બંદૂકો તાકી, ગોળી છોડી. ૪૦ તો મૃત્યુ પામ્યા પણ દસેક એવા નીકળ્યા જે અંધાધુંધીમાં ક્યારે અદૃશ્ય થઈ ગયા એ ખબર ન પડી. ઑગસ્ટ ક્વાલઝીક નામના કેદીને નજીકના ગામ સુધી પહોંચવામાં સફળતા મળી. પોલેન્ડના એ ગામવાસીઓને નાઝી પ્રત્યે નફરત હતી. માટે આવા ભાગનારાઓને મદદ કરતા રહેતા હતા. એટલે ઑગસ્ટને તેમણે મહિલાનો પોશાક પહેરાવી દીધો. પરિણામે એ ક્યારેય પકડાયા નહીં. એ કલાકાર હતા, એક્ટિંગ શરૂ કરી, નાટકો કર્યા, ફિલ્મો પણ કરી અને ૧૯૪૫ પછી ઑશ્વિત્ઝ શહેરમાં જ કેદીઓની મદદ માટેનું સારવાર કેન્દ્ર પણ સ્થાપ્યું. એ કેન્દ્રમાં જ ૨૦૧૨માં તેમણે છેલ્લા શ્વાસ લીધા.
વિશ્વયુદ્ધ ખતમ થયાના ચાર દાયકા પસાર થઈ ગયા. ૧૯૮૩ના કોઈ એક દિવસની વાત છે. ન્યુયોર્કમાં રહેેતા યહુદી દાદીના ઘરે આવેલી કામવાળી બાઈએ જણાવ્યું કે આજે તેણે ઑશ્વિત્ઝ પર બનેલી એક ડોક્યુમેન્ટ્રી જોઈ. તેમાં તમારા જેવાં અનેકની કહાની રજૂ થઈ હતી. વૃદ્ધ થયેલા સીલાદાદીની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં આંસુ આવ્યા... ૧૯૪૪માં તેઓ પણ ઑશ્વિત્ઝના કેદી હતા. એ સમય યાદ કરીને આંખો વધારે ભીની થાય એ પહેલા તો કચરા-પોતાં કરતાં કરતાં કામવાળી મહિલા કેટલાક નામ બોલી જે, તેણે ડૉક્યુમેન્ટ્રીમાં સાંભળ્યા હતા.
એક નામ સાંભળીને સીલાના વૃદ્ધ શરીરમાં તરવરાટ આવ્યો. નામ ફરી પૂછ્યું, ડૉક્યુમેન્ટ્રીમાં એ નામ ધરાવતા વ્યક્તિની શું વિગત આવી એ પણ જાણ્યું અને પછી ડૉક્યુમેન્ટ્રી સર્જકનો નંબર મેળવ્યો. પોલેન્ડના નાનકડા ગામમાં ફોન કર્યો.. સામે છેડેથી ઘોઘરો અવાજ આવ્યો.. એ અવાજ બિએલ્કીનો હતો.
બિએલ્કી અને સીલા બન્ને ઑશ્વિત્ઝના કેદી હતા. કેમ્પમાં સ્ત્રી-પુરુષ બન્ને હતા. પરંતુ બન્નેને એકબીજા પાસે આવવાની, વાતો કરવાની મનાઈ હતી. તો પણ બિએલ્કી અને સીલાએ આંખોના ઈશારાથી વાતો કરી લીધી. આંખોના ઈશારાથી બીજી તો શું વાતો કરવાની હોય! બન્ને પ્રેમમાં પડયા અને તક મળી ત્યારે કેમ્પમાંથી ભાગી પણ નીકળ્યા. ભાગીને બિએલ્કીના કાકાને ત્યાં આશરો લીધો. પરંતુ છૂપાઈને રહેવું પડતું હતું. કેમ કે ભાગેડુ ગુનેગારોની તપાસ માટે નાઝી પોલીસ ઠેર ઠેર ફરતી હતી. ગામેગામ, ઘરેઘરની તલાશ લેવાતી હતી. આ બન્નેએ સમજદારી વાપરી અને અલગ પડી ગયા. કેમ કે અલગ રહે તો પકડાવાની શક્યતા ઘટી જાય. પરંતુ આપણે ફરી મળીશું જરૂર. એવા વચનની આપ-લે કરીને બન્ને જૂદાં પડયાં.
યુદ્ધ ખતમ થયું, નાઝી સત્તા પુરી થઈ.. પરંતુ બન્ને એકબીજાને મળી શક્યા નહીં. સીલાને કહેવામાં આવ્યુ કે બિએલ્કીનું મોત થયું છે. દિવસો... મહિના... વર્ષો પસાર થયા. છૂટા પડયાના ચારેક દાયકા પછી છેક ૧૯૮૩માં તેમને ખબર પડી કે બન્ને જીવે છે. સીલાએ ફોન કર્યા પછી તેઓ પોલેન્ડમાં ભેગા થયા અને સાથે કેમ્પની મુલાકાતો પણ લીધી. ફરી મળ્યા એ વખતે બિએલ્કીનો પરિવાર વિસ્તરી ચૂક્યો હતો એટલે તેઓ એક ન થઈ શક્યા. તેમની કહાની પરથી જર્મન ભાષામાં 'રિમેમ્બરન્સ' નામની ફિલ્મ પણ બની છે.
એક તરફ કેમ્પમાં કેદીઓનો જીવ ટૂંકાવી દેવાતો હતો.. અને બીજી તરફ આવા નરબંકા કેદીઓ હતા, જેમણે અવસરને આફતમાં ફેરવવા પ્રયાસ કર્યો હતો અને ઇતિહાસ પણ રચ્યો.