Get The App

વારૂ શેહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
વારૂ શેહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે 1 - image


ઇતિહાસની સન્મુખ રહેવાને બદલે પ્રજા તરીકે આપણે એનાંથી સાવ વિમુખ રહ્યા. ઇતિહાસની સામે જોવાને બદલે આપણે એના તરફ પીઠ ફેરવી દીધી. આને પરિણામે આપણાં અનેક ગામો, કસબાઓ, સ્થાપત્યો, શિલાલેખો, લોકસાહિત્ય વિશે કાં તો સર્વથા અજ્ઞાાન પ્રવર્તે છે અથવા તો એ ભૂતકાળની થોડી ઝાંખી કરાવતી કથાઓ મળે છે. અત્યંત ઐતિહાસિક એવા વઢવાણ શહેરની કેટલીય પ્રાચીન કથાઓ અને ઘટનાઓ આજે વઢવાણની ભોગાવો નદીના સૂકા પટની જેમ આપણી ઇતિહાસદૃષ્ટિના અભાવે રેતાળ ભૂમિમાં ઘરબાઈ ગઈ છે. આ ભોગાવોનું પાણી ભાંભળું (ખરસૂરું-ખારું) કહેવાય છે.

એમ કહેવાય છે કે શ્રીકૃષ્ણના સમયમાં અહીં મણિપુર શહેર આવ્યું હતું અને ગાંડિવધારી અર્જુનનો પુત્ર બભુ્રવાહન આ શહેર પર રાજ કરતો હતો. જ્યારે જૈન શાસ્ત્રો કહે છે કે આ સ્થાન પર મહાવીરસ્વામી આવ્યા હતા અને આ સ્થાન એ સમયે અસ્થિગ્રામ તરીકે ઓળખાતું હતું, જ્યાં શૂલપાણી યક્ષે વેરભાવથી શહેરના ઘણા લોકો અને પ્રાણીઓને મારી નાખ્યા હતા. ગામમાં હાડકાંનો મોટો ઢગલો થઈ ગયો હોવાથી એ ગામને અસ્થિગ્રામ કહેવામાં આવતું હતું.

ભગવાન મહાવીરસ્વામીને આ શૂલપાણી યક્ષે અનેક ઉપસર્ગો કર્યા, પરંતુ અંતે મહાવીરસ્વામીના આત્મબળ આગળ એ નમી પડે છે અને એમનો શિષ્ય બને છે, એણે અહીં મહાવીરસ્વામીનાં પગલાંની સ્થાપના કરી અને આને કારણે તે તીર્થ તરીકે વિખ્યાત બન્યું. અસ્થિગ્રામ શહેરનું નામ બદલાઈને ભગવાન મહાવીર સ્વામીના મૂળ સંસારી નામ વર્ધમાન પરથી એનું નામ વર્ધમાનપુર રાખવામાં આવ્યું.

વઢવાણના ઇતિહાસમાં એક ઉલ્લેખ એવો મળે છે કે વઢવાણથી પૂર્વ તરફ ભોગાવા નદીના દક્ષિણ કિનારે આશરે અડધા ગાઉ ઉપર એક દેવળ આવ્યું છે. ત્યાં મહાવીરસ્વામીના પગલાં અને શૂલપાણી યક્ષનાં ચિહ્નો મળે છે. લોકવાર્તાકાર શામળે 'શુક્બહોતરી'ની વાર્તામાં લખ્યું છે કે 'જૈનધર્મના એક જતિએ વઢવાણની ઘણી જાત્રાઓ કરી હતી. ઉજ્જૈનના પ્રખ્યાત રાજા વિક્રમના પિતા ગંધર્વસેન એ આજે ખંભાતને નામે ઓળખાતી ક્રંબાવતી નગરીમાં રાજ કરતા હતા. એમણે પણ કેટલોક વખત વઢવાણમાં પણ રાજ્ય કર્યું હતું તેમ કહેવાય છે.

વિ.સં.૧૧૫૦ થી વિ.સં. ૧૧૯૯ સુધી સિદ્ધરાજ જયસિંહે પાટણમાં રાજ્ય કર્યું. તે દરમિયાન એણે જૂનાગઢ પર ચડાઈ કરી હતી, ત્યારે રસ્તામાં વઢવાણ આવ્યું હતું. અહીં એ કેટલોક સમય રહ્યા હતા અને કિલ્લો બંધાવ્યો હતો. એ પછી જૂનાગઢ જઈને સિદ્ધરાજે રા'ખેંગારને હરાવ્યો હતો અને સાથે એની રાણી રાણક દેવીને ( જે કાલડીના દેવડા રાજાની પુત્રી હતી ) લઈને નીકળ્યો હતો, તે આ ભોગાવા નદીમાં સતી થઈ હતી. આ પ્રમાણે સોરઠો બોલીને રાણક દેવી સતી થઈ હતી.

વારૂ શહેર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે,

ભોગવતો ખેગારરાણ, ભોગવ ભોગાવા ધણી.

એની યાદગીરી માટે સિદ્ધરાજે ભોગાવો નદીના દક્ષિણ કિનારા ઉપર એક દેવળ બંધાવ્યું હતું.

વઢવાણના ઇતિહાસના આલેખક પ્રાગજીવન વિશ્વનાથે ૧૮૮૬માં પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે ભોગાવો નદીમાં કેટલાંક કુંડ છે તે શેષશાયી ભગવાનના કહેવાય છે અને લોકમાન્યતા પ્રમાણે તે સિદ્ધરાજે બનાવ્યા છે. આ કુંડમાં શેષશાયીની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી, જેમાં વિ.સં. ૧૧૯૨ના વર્ષનો એક લેખ મળ્યો હતો. વળી શેષશાયીની પ્રતિમાના બેસણા ઉપર લખ્યું હતું કે ૧૧૯૨ની શ્રાવણવદી અગિયારસે આ દેવાલય બંધાવવામાં આવ્યું હતું. તો વઢવાણના જૈનોના મુખ્ય દેરાસરની હેઠળ વિ.સં. ૧૧૯૪ના વર્ષનો શિલાલેખ મળે છે. આ વઢવાણમાં જ્યારે વડરો વિશલ વાઘેલો રાજ કરતો હતો ત્યારે વિ.સં.૧૨૧૫માં મૂળી રાજ્યની સ્થાપના થઈ. મૂળી અને સાયલા વચ્ચે એ સમયે લાંબી લડાઈ થઈ હતી અને એને વિશે ભાટ- ચારણોમાં ઘણી કવિતા મળે છે. વઢવાણમાં લાખુ વાવ અને ગંગા વાવ એમ બે વાવ વિશળ વાઘેલાની બે ખવાસણો લાખુ અને ગંગાએ બંધાવેલી કહેવાય છે.

જુદી જુદી વાવમાં પણ વઢવાણના ઇતિહાસની માહિતી આપતા શિલાલેખો મળે છે. એમાં વિ.સં.૧૩૫૦ની માધા વાવ એ રીતે મહત્ત્વની છે કે પાટણના છેલ્લા રાજવી કરણ વાઘેલાના માધવ અને કેશવ બે કારભારીઓ હતા. માધવની પત્નીનું રાજાએ બળજબરીથી હરણ કર્યું હતું અને માધવના ભાઈ કેશવને હણી નાખ્યો હતો. પરિણામે માધવ દિલ્હી ગયો અને અલ્લાઉદ્દીન ખીલજીની ફોજને નિમંત્રણ આપ્યું અને કરણ વાઘેલાનો પરાજય થયો.

એક સમયે વઢવાણ શહેરના પશ્ચિમ ભાગમાં સૌથી મોટી વાવ તે માધા વાવ હતી અને માધા વાવમાં માધવ અને એની પત્નીની પ્રતિમાઓ હતી. કરણ વાઘેલાનું રાજ્ય અસ્ત પામ્યા બાદ વિ.સં.૧૩૫૨માં આ વાવ બંધાવી હતી.

વઢવાણના દરબારી મહેલની બાજુમાં એક મસ્જિદ આવેલી હતી. આ મસ્જિદ અમદાવાદના સુલતાન અહમદશાહના દીકરા મહમદશાહે બનાવી હતી. વઢવાણની પૂર્વ દિશાએ ચાર ગાઉ ઉપર આવેલા દેદાદરા ગામની નજીક ગંગવા નામનો કુંડ આવ્યો હતો, જ્યાં દર વર્ષે ભાદરવા વદ અમાસના રોજ મેળો ભરાતો હતો. આ અત્યંત પવિત્ર કુંડ એક સમયે દધિચી ઋષિનો આશ્રમ હતો એમ કહેવાય છે.

વઢવાણની આસપાસ આવેલી વાવ એ સમયના ઇતિહાસ ઉપરાંત અનેક પ્રાચીન કથાઓનો ખજાનો છે. એ સમયે પ્રવર્તતી (આજે પણ) ભૂતપ્રેતની માન્યતાની ઘણી કથાઓ મળે છે અને એના ઉપદ્રવો શાંત કરવા માટે ચામુંડા અને કાળકા માતાની પ્રતિમાઓ બેસાડવાના ઉલ્લેખ મળે છે. વઢવાણના વાયવ્ય ખૂણામાં આશરે આઠ ગાઉ દૂર ખોડુ ગામ આવેલું છે, જે વઢવાણમાં રાજ્ય સ્થાપાયા પહેલાની રાજધાની ગણાય છે. આ ખોડુ ગામ ઝાલા વંશના કોઈ રાજવીના તાબામાં હતું તેમ એના શિલાલેખો કહે છે.

વિ.સં.૧૬૬૦માં હળવદના રાજવી ચંદ્રસિંહજીના મોટા પુત્ર પૃથ્વીરાજજીએ વઢવાણના હાલના રાજ્યની સ્થાપના કરી. એ પહેલાં વઢવાણ પર કોનું આધિપત્ય હતું એની વિગતો મળતી નથી. માત્ર એક સોરઠાની પંક્તિઓ જનસામાન્યમાં સાધારણ રીતે પ્રચલિત છે તે સોરઠો આ રીતે છે.

'વળા ને વઢવાણ,

પાટણ શેહેર પછી વસ્યું.'

એનો અર્થ એ થયો કે વિ.સં. ૮૦૨ની સાલમાં પાટણ વસ્યું, તે પહેલાં વઢવાણ શહેર વસ્યુ હતું, એટલું જ નહીં, વળા (વલ્લભીપુર) અને પાટણ જેવા રાજધાનીના શહેરોના જેવો દરજ્જો પણ વઢવાણનો હશે એમ માની શકાય. આ રીતે ગામેગામનો ઇતિહાસ એના શિલાલેખો વાવ, મંદિરો, લોકજીભે વહેતી કથાઓ અને કવિતાઓમાં ધરબાયેલો પડયો છે. એ વર્ષોથી કોઈ સંશોધકની રાહ જોઈ રહ્યો છે.

મનઝરૂખો

નોકરીની શોધમાં ન્યૂયોર્ક આવેલા નાના છોકરા થોમસ લિપ્ટને ઘણી મહેનત કરી, પણ નોકરી મેળવવામાં સફળતા હાથ લાગી નહીં.

આવે સમયે એ છોકરાને એ વાતનું સ્મરણ થયું કે જહાજમાં બેસીને એ જ્યારે ન્યૂયોર્ક તરફ આવતો હતો, ત્યારે પ્રવાસીઓમાં સતત એક ચર્ચા ચાલતી હતી કે અજાણ્યા ન્યૂયોર્કમાં આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં ઊતરીશું ? એ હોટલ સસ્તી હશે કે મોંઘી, સલામત હશે કે જોખમી ?

નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં થોમસ લિપ્ટને એક નવો વિચાર કર્યો. એ હોટલના માલિક પાસે ગયો અને એમને કહ્યું,'હું તમને મહિને પ્રચાસ પ્રવાસીઓ લાવી આપીશ. એના બદલામાં તમારે મને ભોજન અને નિવાસની સગવડ આપવાની.'

આ છોકરાની વાત પર પહેલાં તો મેનેજરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી કહ્યું કે, 'પચાસ તો ઠીક છે, પણ ચાલીસ પ્રવાસીઓ લાવીશ તોય તને એક મહિના સુધી ભોજન અને નિવાસની સગવડ આપીશ.'

પેલો છોકરો સામાન મૂકીને તરત ન્યૂયોર્કના બંદર તરફ રવાના થયો. એ બંદર પર એક જહાજ આવ્યું હતું. એમાંથી ઊતરતા પ્રવાસીઓ પાસે જઈને આ છોકરાએ પોતાની હોટલમાં કેવી કેવી સગવડો છે એની વાત કરી. એનું ભાડું કેટલું ઓછું છે તે સમજાવ્યું અને એમાં મળતી વિશેષ સગવડોનું વર્ણન કર્યું.

આમ પહેલા દિવસે જ આ છોકરો એકસાથે ચાલીસ કરતાંય વધુ પ્રવાસીઓને લઈને પોતાની હોટલ પર આવ્યો. એની આ કામયાબીથી મેનેજર ખુશ થઈ ગયો અને હોટલમાં નોકરીએ રાખી લીધો.

ધીરે ધીરે આ છોકરાએ પોતીકો ધંધો વિકસાવ્યો અને પોતાની અટકની બ્રાન્ડ સાથે ચાની કંપની શરૂ કરીને 'લિપ્ટન ચા'ને દુનિયાભરમાં જાણીતી કરી.

ક્ષણનો સાક્ષાત્કાર

દલીલ એ જ એની દુનિયા. કોઈ પણ મુદ્દો હોય, કોઈ સમસ્યા હોય કે પછી કશુંય ન હોય, તો પણ કેટલીક વ્યકિતઓ માટે જોરદાર દલીલ કરાવી એ જ જીવનનું એકમાત્ર ધ્યેય હોય છે. મનમાં જાગેલા કોઈ જુદા વિચારને તર્કનો ઢોળ ચડાવીને એને આગ્રહપૂર્વક રજૂ કરવો, એ આવા દલીલબાજોનો શોખ હોય છે. એમના જ્ઞાાનના અહંકારથી કે પોતાની મૌલિક વિચારશક્તિના ગર્વથી દલીલની બરાબર ધાર સજાવે છે. દલિલ કરનાર પોતાની વાતને જાણે એવી રીતે રજૂ કરે છે કે આ કોઈ એનો તર્ક કે તરંગ નથી, પરંતુ એ જગતનું કોઈ ગુપ્ત રહસ્ય કે સત્ય પ્રગટ કરી રહ્યો છે. એમાં એની બોલવાની છટાદાર શૈલી અને સતત બોલ્યે જવાની વૃત્તિ બંનેની એ મદદ લેતો હોય છે. દલીલ કરતી વખતે એનો વાણીપ્રવાહ સતત એટલો બધો વહેતો હોય છે કે સામેની વ્યકિતના ચહેરા પરના ગમા કે અણગમાને એ જોઇ-વાંચી શક્તો નથી.

હકીકત એ છે કે દલીલ કરનાર પોતાનો તર્ક, તરંગ, વાત કે વિચારને સામી વ્યકિતના મન પર ઠસાવવા માગે છે. એના ચિત્ત પર પોતાની વાતનું પ્રભુત્વ જમાવવા માગે છે, પરંતુ આમ કરવા જતાં એ ઘણી મોટી થાપ ખાય છે. સામેની વ્યકિતને પોતાની દલીલ સમજાવવાને બદલે ઠસાવવાનો પ્રયત્ન કરવા જતાં એ સાંભળનારના ચિત્તમાં શંકા, અશ્રદ્ધા, અણગમો કે ઉદાસીનતા ઉત્પન્ન કરે છે, આથી જ પોતાના ભાથામાં દલીલના તીરો લઈને ફરી રહેલા 'વીરપુરુષો' તરફ એક પ્રકારનો અણગમો જોવા મળે છે.

વળી બને છે એવું કે દલીલ ઠસાવવાનો પ્રયત્ન કરવા જતા એ ક્યારેક ઉકળી ઉઠે છે, ક્યારેક ગુસ્સાથી હાથ ઉછાળે છે, ભવાં ચડાવે છે, આક્ષેપો કરવા લાગે છે અને એ રીતે આખાય વાતાવરણને કલુષિત અને પ્રદૂષિત કરી નાખે છે. આવા દલીલબાજો કોઈ સભામાં જાય ત્યારે એમને દલીલ કરવાની સતત ખંજવાળ આવતી હોય છે. તેથી પ્રસ્તુત હોય કે અપ્રસ્તુત, પણ દલીલ કર્યા વિના રહી શક્તા નથી. પોતાની બોલકી હાજરી પુરાવવાનું એમને ગમે છે, પરંતુ આવા દલીલબાજો વિશે કોઈને માન હોતું નથી અને અંતે તો એમને પીછેહઠ કરવી પડે છે. તમારો તર્ક, વિચાર કે મુદ્દો અન્ય વ્યકિતને પહોંચાડવો હોય તો આવી દલીલબાજીથી દૂર રહેવું જોઈએ, કારણકે એનાથી તમે ક્યારેય તમારી વાત પૂરા સંદર્ભ સહિત અન્ય વ્યકિત સુધી પહોંચાડી શક્તા નથી.

Tags :