કોબી બ્રાયન્ટનું નિધન અને કોહલીનું બ્રહ્મજ્ઞાાન
હોરાઈઝન - ભવેન કચ્છી
આયુષ્યનું આયોજન કરનારા આપણે કેટલા અજ્ઞાાની
મૃત્યુનો યોગ સર્જાય ત્યારે ભલભલા દિગ્ગજની સુરક્ષામાં યમરાજ છીંડા પાડી દે છે
બાસ્કેટબોલ લેજેન્ડ કોબી બ્રાયન્ટનું હેલીકોપ્ટર ક્રેશમાં માત્ર ૪૧ વર્ષની વયે નિધન થતા રમત વિશ્વમાં ભારે શોક સાથે સોપો પડી ગયો છે. જે રીતે ક્રિકેટમાં તેંડુલકર અને ધોની કે ફૂટબોલમાં મેસ્સી કે રોનાલ્ડો અને ટેનિસમાં ફેડરર,યોકોવિચ કે નડાલનું ઇતિહાસમાં સ્થાન છે તેવું જ બાસ્કેટબોલ અને ઓલટાઈમ ગ્રેટ સ્પોર્ટ્સમેનની યાદીમાં બ્રાયન્ટનું નામ હોવાનું. માઈકલ જોર્ડન,મેજિક જોન્સન ઉપરાંત કોબી બ્રાયન્ટ પણ અમેરિકાના બાળકોથી માંડી વયસ્કોમાં જાણે સુપર હ્યુમન હોલીવુડ કેરેક્ટર હોય તેવી ચાહના ધરાવતો હતો. અન્ય રમતોના વર્તમાન ટોચના ખેલાડીઓ અને કોર્પોરેટ જગતના ટોચના હોદ્દેદારોની પ્રેરણા પણ બ્રાયન્ટ હતો. તેના ક્વોટસ(પ્રેરક વાક્યો), સ્પીચ, પુસ્તકો, મર્કેન્ડાઇઝનું તગડું બજાર છે.
હાલતી ચાલતી પોતે જ જાણે કોર્પોરેટ કંપની હોય તેવી અબજોની સંપત્તિ,દંત કથા સમાન અદમ્ય ચાહના, સ્નેહાળ પરિવારને મૂકી આ મહામાનવ સમાન ખેલાડીએ અકાળ અને આ રીતે આકસ્મિક ચિરવિદાય લેતા જાણે રમત વિશ્વને ભારે આંચકા અને આઘાત સાથે ચમકારો થયો કે મૃત્યુલોકની નજરે બધા જીવો સમાન દરજ્જાના છે. ઊંચ નીચનો ભેદભાવ નથી. કોઈપણ ક્ષેત્રનો સુપર સ્ટાર ભલે વિશ્વમાં ઉપલબ્ધ સૌથી અદ્યતન ગેજેટ્સ અને ટેકનોલોજી સિસ્ટમ સાથેની સુરક્ષિત કાર, વિમાન અને હેલીકોપ્ટરમાં ફરતો હોય. ઝેડ પ્લસ કરતા પણ કમાન્ડો સજ્જ સિક્યોરીટી લઈને ફરતો હોય પણ મોતનો બુલાવો આવે ત્યારે તે ક્ષણે તેનું આવરણ કુદરત હટાવી લે છે. તે કે તેની સુરક્ષાની જવાબદારી જેની પાસે છે તે મુર્ખામીભર્યો નિર્ણય લે છે. તેની આંખો,કાન કે આપેલી ભયજનક સુચના, સંકેતો ,ભૂતકાળના ડેટા બધું જ નજરઅંદાજ થઇ જાય છે.
બ્રાયન્ટ હેલીકોપ્ટરમાં તેની ૧૩ વર્ષીય પુત્રી જીઆના અને અન્ય સાત ટીન એજ ખેલાડીઓને લઈને યુથ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. તે પુત્રી જીઆનાની ટીમનો કોચ હતો. ગત ૨૨ જાન્યુઆરી,રવિવારે સવારે સધર્ન કેલિફોનયાના ઓરેન્જ સીટીથી હેલીકોપ્ટરે ઉડાન શરુ કર્યું ત્યારે આકાશ સૂર્યપ્રકાશ સાથે સ્વચ્છ હતું. પાયલોટ પણ અનુભવી અને કુશળ હતો. આ હવાઈ માર્ગે બ્રાયન્ટ ઘણી વખત મુસાફરી કરી ચુક્યો હતો. હેલીકોપ્ટર ૨૩૦૦ ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે અગાઉ ક્યારેય નહીંને તે દિવસે અચાનક ઉડ્ડયન માર્ગમાં વાદળો-ધુમ્મસનું મોટું વર્તુળ સર્જાયેલું. આ વખતે તેની ગતિ કલાકના ૧૫૨ માઈલ હતી. હેલીકોપ્ટર વાદળોના વર્તુળમાં આવી જતા પાયલોટને દેખાવું બંધ થયું.
તેણે લેન્ડીંગ કરવા હેલીકોપ્ટર નીચે લીધું એમ કરતા હેલીકોપ્ટર ૧૦૮૫ ફૂટની ઉંચાઈએ તો આવ્યું પણ ત્યાં કાલાબાસાસની કોતરોમાં આવેલી ટેકરી જોડે ભારે ધડાકા સાથે અથડાયું. ઓન બોર્ડ હતા તે બધાના મૃત્યુ થયા. અકસ્માત પછીની તપાસ કરતા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડે જણાવ્યું કે હેલીકોપ્ટર લેન્ડીંગ થતા કોઈ જમીન, ખડક, ઝાડની નજીક આવે તો પાયલોટને ખાસ અવાજ સાથે સંકેત આપતી વોનગ સીસ્ટમ હોય છે જે આ હેલીકોપ્ટરમાં નહોતી. હેલીકોપ્ટર ઝાંખા કે શૂન્ય પ્રકાશમાં ઉડી શકવાની સજ્જતા ધરાવે છે તેવું જરૂરી સર્ટીફિકેટ પણ કંપની પાસે નહતું. ક્યારેય આવા હવામાનનો સામનો કરવાનો નહતો આવ્યો. બ્રાયન્ટ જેવા દિગ્ગજ માટે પણ તેના સ્ટાફે દરકાર નહતી રાખી.
બ્રાયન્ટ પોતે પણ આટલા વર્ષોથી હવાઈ મુસાફરી કરતો હોઈ એવુ જ માનતો હશે કે તેને અપાતું હેલીકોપ્ટર તમામ સલામતીના માપદંડોની રીતે સજ્જ જ હશે.આપણે પણ કોઈ કાર ભાડા પર લઈએ ત્યારે તેની બાહ્ય ચમકતી કંડીશન જ જોતા હોઈએ છીએ ને. ડ્રાઈવરની લાયકાત અંગે પણ પૃચ્છા નથી કરતા હોતા. જો કે જેમ વ્યક્તિ વીવીઆઈપી તેમ તેના માટે તો તમામ વિભાગમાં પૂરી ટીમ કાર્યરત હોય છે આમ છતાં વીવીઆઈપી કે સેલીબ્રિટીના મૃત્યુનો યોગ સર્જાય ત્યારે યમરાજા છીંડા પાડી જ દે છે.
બ્રાયન્ટ જેવી હસ્તીનું આ રીતે નિધન થાય ત્યારે અચાનક આપણે એ રીતે પણ સફાળા જાગીએ છીએ કે સુપર હ્યુમન મનાતા ધુરંધરો પણ સામાન્ય માણસની જેમ મૃત્યુ પામી શકે છે. ખબર નહીં કેમ આપણે સેલીબ્રીટીના આવા આંચકાજનક અવસાનનાં સમાચાર ન સાંભાળીએ ત્યાં સુધી તેઓ જાણે અમર છે તેમ જ માનતા હોઈએ છીએ. અથવા તો તેઓ લાંબા આયુષ્યના માલિક છે તેવી મનોમન ધારણા સેવતા હોઈએ છીએ.
બ્રાયન્ટના નિધન પછી ભારતીય ક્રિકેટ કેપ્ટન કોહલીએ સૌથી મર્મસભર જ્ઞાાન પ્રાપ્ત કર્યું. તમામ સેલીબ્રીટી કે મહાનુભાવોએ જ નહીં સામાન્ય નાગરિકે પણ તે તત્ત્વ જ્ઞાાન જીવનમાં ઉતારવા જેવું છે. કોહલીએ કહ્યું કે ''બ્રાયન્ટ મારો હીરો હતો. એન બી એની બાસ્કેટબોલની મેચો ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે રમાતી હોઈ હું તે બ્રાયન્ટની રમત માટે ખાસ જોતો હતો. તેના ક્વોટસમાંથી મને પ્રેરણા મળી છે. આ વયે આ હદની યશ, કીત, લેજેન્ડ જેવી આભા અને લાખો ડોલરની કમાણીનો કલદાર એવો બ્રાયન્ટ એક જ ક્ષણમાં આ દુનિયા છોડી જઈ શકે તેના પરથી મારા મનમાં જોરદાર ચમકારો થયો કે બ્રાયન્ટ જેવી અકાળ આકસ્મિક ચિરવિદાય કોઈની પણ થઇ શકે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં પૃથ્વી પરથી આપણે અલોપ થઇ શકીએ છીએ.''
કોહલી તે પછી ઉમેરે છે કે બ્રાયન્ટના આ રીતના મૃત્યુના સમાચાર સાંભળીને હવે મારી જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. અચાનક મૃત્યુ થઇ શકે છે તે ક્યારેય વિચાર્યું જ નહતું. મૃત્યુની તો એક ઉંમર હોય તેવી માન્યતા સહજ રીતે વણાયેલી હોઈ નિશ્ચિંત હતો. અત્યાર સુધી કારકિર્દીના લક્ષ્યાંકો સાથે જ દિવસ પૂરો કરતો અને જે સફળતા મળી તેનાથી ખુશ થતો રહ્યો. જીવનમાં કઈ હેતુપૂર્ણ કરવા માટે કે માણવા માટેનો વિચાર સુદ્ધા નહતો આવતો પણ હવે મને જ્ઞાાન થયું છે કે ગમે ત્યારે કંઇ પણ અજુગતું થઇ જાય તે પહેલા જીવનને વિવિધતા સાથે માણતા પણ રહેવું.
કોહલીનો કહેવાનો અર્થ એમ છે કે આપણે યશ, કીત, કમાણી અને હરિફાઈમાં છવાઈ જવાના મોહમાં સાધનને જ સાધના બનાવીને જીવન જીવી નાંખી મોટી ભૂલ કરીએ છીએ. આપણે ખબર નહીં કેમ આયુષ્યનું પણ આયોજન કરીએ છીએ કે આટલા વર્ષો સુધી કારકિર્દી અને કમાણી અને તે પછી આટલા વર્ષો જીવનમાં જે દિલથી ગમતું હતું તે કરીશું. નિવૃત્ત જીવન આમ વીતાવીશું અને તેમ વીતાવીશું. આપણું જીવનનું આયોજન સ્હેજે ૮૦ વર્ષ સુધીનું કરતા જ હોઈએ છીએ પણ આજની, અત્યારની ઘડી પણ છેલ્લી હોઈ શકે તેવો વિચાર કોહલીની જેમ આપણને સૌને આવવો જોઈએ. કારકિર્દી, નોકરી, ધંધો કે અભ્યાસમાં જ પૂર્ણ સમય આપવા કરતા જે મનપસંદ હોય તે રોજ કે અઠવાડિયામાં અમુક કલાકો સમાવી જ શકાય. મલ્ટી ટાસ્કીંગ ની સાથે મલ્ટી એકટિવીટી-મલ્ટી ડાયમેન્શન જીવન સમાંતર ધોરણે જીવી ન શકાય?
એક જ ધ્યેય પર ફોકસ રહેવા કરતા વિવિધા જીવનને પૂર્ણતા અર્પે છે... કલ ક્યા હોગા કિસકો પતા અભી જીંદગી કા લેલો મજા