અચ્છે હો તો અચ્છા બોલોગે, કચ્ચે હો તો બુરા બોલોગે...
દોબારા દોબારા - અલતાફ પટેલ
દોસ્તોંને મુઝે ક્યા જાને ક્યા ક્યા જાના જીસ્કા જો ઝર્ફ થા, ઉસને મુઝે વૈસા જાના... બંદા નવાઝ
મિત્રો તો ઘણા હોય. કોઇના વધારે તો કોઇકના ઓછા. પૈસાદારોના ઘણા એવા જોવા મળે કે ... તેનો એક આંસુ ટપકે તો સાથે સાથે રોવા બેસી જનારા ય હોય. એ હસે તો બધા હસવા માંડે કોઈ ત્યાંથી ખસવા ના માંડે. કેમકે એમને ખબર છે ધનિક મિત્ર ખુશ હોય ત્યારે મારા ભાઈ પાર્ટી ગોઠવાઈ જ જાય. જલસા થઇ પડે. જ્યારે કંગાલમિત્રના ગાલ પર પર લાલાશ ન હોવાથી કોઈલાલા ભાગ્યે જ મિત્ર બનવા તૈયાર થાય.
હાં મજુરી કરાવવાનો સમય આવી પડે ત્યારે હંગામી સસ્તી દોસ્તી કરવામાં અડધા નહીં પૂરા પાવરધા લોકોનો અહીં તોટો નથી. પણ આ ધનિક ને કંગાલ વચ્ચે એવાય સજ્જન મિત્રો હોય જેમનો જોટો ન મળે. નિઃસ્વાર્થપણે ડાબે જમણે જે દિશામાં કહો તે દિશામાં કોઈ પણ જાતના નશા વગર તમારા કામ માટે આખું નગર ફરી વળે. અહીં ખાસ વાત એ કે મિત્રો એક બીજાના પ્રશંસક કે વિવેચક હોવાના.
સ્વભાવે સુંદર હોવા છતાં ઉંદરની જેમ તેના સારા ગુણોને પણ કાતરી કાતરીને બીચારાને ઘણીવાર બદનામ પણ કરી મૂકે. જબરા મિત્રો જડબાતોડ જવાબ આપી દેશે એ ભયથી તેનો વાંક ગુનો હોય છે છતાં નામ લેતા થથરે... આપણા સમાજમાં નબળા ને અબળાની સ્થિતિ કરુણામય હોય છે... પણ યાદ રાખવું જેવો મિત્ર હશે તેવો જ તમારા માટે અભિપ્રાય આપશે. ઈશ્વરે આપેલ સુંદર બુધ્ધિ, સમજ (ઝર્ફ) ધરાવતા મિત્રો તમારી ટીકા નહી પણ સુંદર ગુણો ગાશે પણ જેની બુધ્ધિ જ અવળી હોય એની જીભે કોઈ વાત સવળી હોય જ નહીં.
એ ભૂંડું બોલવા એટલો ટેવાયેલ હોય કે તેના માથામાં કોઈ કૂંડું ઝીંકી દે તો ય આપણને સહેજે દુઃખ થાય નહીં. સારા મિત્રો સારાને સારા જ ગણવાના ને નઠારા હશે તો કોઈ પણ મિત્રને નઠારા ગણીને જ હાશકારો લેવાના. ગમે તેટલો જીવ બાળો પણ જ્યાં સુધી સમાજમાં માનસિક એકતા, પ્રેમનો ફાળો નહીં હોય ત્યાં સુધી વાદ-વિવાદ, વૈમનસ્ય જેવા દુષણો હાલતા ચાલતા ફાલતા જ રહેશે...
દોસ્તોંસે ઈત્ની તો ઉમ્મીદે-વફા કી જા શક્તી હૈ અલતાફ વો પ્યાર ના દે શકે ઉસ્કી મરજી, ખાર ન હો ઝબાનમેં બસ...