Get The App

ચલો ઉત્તરાખંડ સુરકંડા શક્તિ પીઠે

રસવલ્લરી - સુધા ભટ્ટ

Updated: Dec 7th, 2019

GS TEAM

Google News
Google News
ચલો ઉત્તરાખંડ સુરકંડા શક્તિ પીઠે 1 - image


કળાને નવજીવન બક્ષવામાં કદીય ઊણા ન ઉતરીએ

આપણા ભારત દેશને ભાવક દેશ પણ કહી શકાય. યુગોથી અહીં આસ્થાની સરિતા વહેતી આવી છે જે આજ દિન લગી ઠુમકતી ચાલે મલપતી, મલકાતી ચાલ્યા જ કરે છે. બસ; નિસર્યા જ કરે છે. આધુનિકતમ સમયમાં પણ આપણને આપણા પ્રાચીન વારસાનું ગૌરવ છે : એને સાચવવામાં, જાળવવામાં અને એનો વિસ્તાર પણ કરવામાં ભારતવાસીઓનો ઉમળકો ઉત્તરોત્તર વધતો જાય છે. માત્ર ધર્મ, શ્રધ્ધા કે ભક્તિ જ નહિં પરંતુ આ દેશવાસીઓને તો તેની સાથે જોડાયેલી કળાઓથી પણ ઘેરી-ઊંડી નિસ્બત છે.

પૌરાણિક કથાઓમાં કલ્પનાનો રંગ ભળ્યો હોય તો પણ શ્રધ્ધાના વૈવિધ્યપૂર્ણ થાનકો ખાતે જોવા-માણવા મળતો કલાવૈભવ આસ્થાળુઓના રૂદિયામાં ઊંચા સ્થાને બિરાજે છે અને તેથી જ સ્થાપત્ય, શિલ્પ, વાસ્તુ અને ચિત્રકળાનો દબદબો યથાવત્ રહ્યો છે. અરે ! સમયની થપાટોને સહેતાં સહેતાં એ કળાને ઝાંખપ પણ જો આવી ગઈ હોય તો એનું પુનરુત્થાન કરવા જીર્ણોધ્ધાર કરવા આપણે સદાય તત્પર હોઈએ છીએ. એમાં પાછી પાની કરે એ બીજા. એ તો ઠીક,એ કૃતિઓમાં પાછું નવું ઉમેરણ પણ કરતા જઇને, એના ઠસ્સાને બરકરાર રાખવામાં સુધ્ધાં આપણે રાજ્જા !

કનક સમાન ક્લેવર રક્તાંબર રાજે રક્ત પુષ્પ ગલમાલા કંઠન પર સાજે
'જય માતા સુરકંડા' એવો જયઘોષ કરતા ભાવકો પ્રસ્તુત સિધ્ધ પીઠ તરફ એક પછી એક સોપાન સર કરતા પર્વતે ચડતા નજરે ચડે છે તો સતી સ્થળ ઉત્તરાખંડમાં ધનૌલ્ટી ગામે છે. હરિદ્વારથી તે એંશી કિ.મી.ના અંતરે છે. ધનૌલ્ટીની પાસે પાનગર ગામ છે. તેની નજીક કુદ્દુકાલ નામે ગામ છે જ્યાં કોળાની વિપુલ ખેતી થતી. આ વિસતા ટેહરી ડેમને કારણે વિખ્યાત છે. ઘેરા જંગલથી ઘેરાયેલા આ સ્થળ પરથી પ્રત્યેક આકર્ષક દ્રશ્યોનો લાભ મળે. તેની ઉત્તરે હિમાચ્છાદિત શિખરોનાં રોચક દર્શન થાય. ટોચે પહોંચ્યા પછી મસૂરી, ચંબા, દેહરાદૂન, કુંજાપુરી, 

ઋષિકેશ, ચન્દ્રબદની, પ્રતાપનગર અને ચકરાતા જેવા વિસ્તારોની ઓળખ કરી શકાય. વૈવિધ્યપૂર્ણ રંગબેરંગી ફૂલો અને સ્થાનિક જડીબુટ્ટીઓનું અહીં બાહુલ્ય છે. પશ્ચિમી હિમાલયના અનેક ખૂબસૂરત પંખીડાં અહીં કલરવ કરતાં કાનરસ્તે મનને ભરી દે. જેઠ માસે (મે-જૂનમાં) ગંગા દશહરા પ્રસંગે આ તીર્થસ્થાનમાં મેળા લાગે. ધનૌલ્ટીથી માત્ર પાંચેક કિ.મી.ની મજલ પછી ૨,૭૫૦ મીટરની ઊંચાઈએ એક વાર પહોંચો એટલે બેડો પાર.

પ્રવેશદ્વારે મોટા ઓમ વાળું પેગોડા શૈલીનું મધ્યમકદનું અતિભવ્ય મંદિર ઝરૂખા સહિત પ્રાચીન-અર્વાચીન બાંધણીના સુભગ સમન્વય સમું ભારતે માતૃકાઓને ગમતા રાતા, પીળા, કેસરી, સોનેરી રંગોનો જાણે કે દરબાર ભરાયો હોય એવું લાગે. અને મંદિરની પછીતે ! હિમ શિખરોથી મઢાયેલી પર્વત શૃંખલા ! ગર્ભગૃહમાં શ્યામલ પથ્થરની માતાની સુંદર મૂર્તિ આપણને માથું ટેકવવાની પ્રેરણા આપે. બાજુમાં ચાંદીનો કૂંજો ચમકે. કદાચ એ માતૃવૈભવની નિશાની હશે !

પ્રાચીન કળાના અભ્યાસથી જન્મે અર્વાચીન કળા
સાંપ્રત સ્થાપત્ય અને શિલ્પ કળામાં છોગામાં ભળે ટેકનોલોજી અને તેથી જ પરિણામ દિલ લોભાવન મળે. નોખી નોખી શૈલીના શરણે જનારા કળાકારોને પોરસાવવા કળાના રક્ષકો તૈયાર જ હોય છે. ક્યાં ક્યાં હોય છે. આવાં સ્થાનકો ? પર્વતની ટોચ ઉપર આકાશમાં, જળરાશિની મહીં, પાતાળે અને અલબત્ત, જમીનસ્તર પર તો ખરા જ પાછા તેંત્રીસ કરોડ દેવતાઓની પોતીકી પસંદગીના વિધવિધ ડેરા-તંબુ તણાયા હોય હા, ઇચ્છિત મંઝિલે પહોંચવા થોડીક મહેનત તો કરવી પડે ને આપણે !? એટલે નીકળી પડીએ બોરીયા બિસ્તરા બાંધીને આપણા ચહીતા પ્રિય હિમાલયની ગોદમાં.

દેશમાં એકાવન શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ શ્રીમા જગદંબા સુરકંડા દેવીના ચરણસ્પર્શ અને દર્શન કરવા. પૈરાણિક કથાનુસાર, કૌટુંબિક મતભેદને કારણે શિવસંગિની સતીએ અગનજ્વાળા ઓઢી અને શિવે ત્રીજું નેત્ર ખોલી તાંડવનૃત્ય કર્યું. ઘટનાની ગંભીરતા પિછાણી વિષ્ણુજીએ સુદર્શન ચક્ર છોડયું તો દગ્ધ સતીના શરીરના એકાવન ટૂકડા થયા અને ભિન્ન ભિન્ન સ્થળે તે વેરાયા.

બસ; એ જ માતાની શક્તિપીઠો. આમાંની એક ઉત્તરાખંડમાં બિરાજતાં દેવી સુરકંડા. આ શ્રી સ્થળ અતિ પ્રાચીન સતયુગમાં અસ્તિત્ત્વમાં આવ્યાનું કહેવાય છે અને ૧૯૪૭માં સ્વામીશ્રી શિવાનંદે એનું પુનરુત્થાન કરાવડાવ્યું. અહીં સતીનું શિર પડયું હતું. 'સિરખંડા' એટલે કે મસ્તક ખંડિત થયું હતું. અપભ્રંશ થતાં લોકજીભે તે 'સુરકંડા' તરીકે પ્રચલિત થયું.

કાનન કુંડલ શોભિત નાસાગ્રે મોતી કોટિક ચન્દ્ર દિવાકર સમ રાજત જ્યોતિ

મા સુરકાંડાનો શણગાર એમની પ્રતિમાને પ્રભાવી બનાવે છે; તો મંદિરની શોભા પણ ન્યારી છે. મુખ્ય દ્વારને અડીને સૌથી મોટું છાપરૂં અને પછી ક્રમિક નાના થતાં જતાં અન્ય પાંચ છાપરાં કમનીય વળાંકો સાથે સરૂના વૃક્ષના આકારની છડી પોકારે છે. પૌરાણિક હિંદુ મંદિરોમાં પેગોડા શૈલીની બોલબાલા હતી. દરેક છાપરાના મોભે કુંભ, કળશ અને ત્રિશૂળ ક્રમશ: કદ પ્રમાણે તબક્કાવાર ગોઠવાયેલાં છે. એ બધું જ સોનેરી અને મોતી નીચેની ઝાલરો પણ સોનેરી. ભીંતો પર લાલ, કેસરી રંગનાં સંયોજનો અને ઝાલર ઉપરની કિનાર પર ફૂલ, પત્તી અને વળાંકદાર કોતરણી.

પથ્થરનું બનેલું મંદિર એની મૂળ સ્થિતિ ઇંગિત કરે છે. દરેક સ્તરે ઉભેલા સ્તંભ કેસરી કિનાર સાથે રંગ છટા રજૂ કરે. સૂર્યપ્રકાશમાં સોનેરી હિસ્સો ચમકે ત્યારે માતાનું વદન પણ તેજોમય ભાસે  છે.  છાપરા હેઠળ લટકતા સોનેરી ઘંટના રણકાર અતિ મીઠા લાગે અને એમાં માતાજી તેમજ પ્રકૃતિમૈયાના આશિષ અનુભવાય. ગુંબજ ઉપરના કળશ ઉપર લહેરાતો ધ્વજ ઉત્સુકોને પધારવાનું ઇજન આપે. પરિસરમાં કાળભૈરવ, હનુમાનજી, શિવ પરિવાર નંદી સહિત આપણું બહુમાન કરે અને યજ્ઞાકુંડમાંથી નીકળતી ધૂમ્રસેરો વાતાવરણને સુગંધથી ભરી દે ત્યારે ધન્ય જ થઇ જવાયને !

લસરકો: સચવાયેલી પ્રાચીનકળા ઉપર કરાતો નૂતનતાનો અભિષેક કળાને અજરામર બનાવે.

Tags :