આઘાતમાંથી નવસર્જન .
આજકાલ - પ્રીતિ શાહ .
શરૂઆતમાં તે પોતાના ઘર પર દાનમાં મળેલી ચીજો એકત્રિત કરતી અને જરૂરિયાતવાળા લોકોને પહોંચાડતી, પરંતુ ધીમે ધીમે કામ વધતું ગયું તેથી એણે 'ઝમાન ઈન્ટરનેશનલ' સંગઠનની સ્થાપના કરી
અમેરિકાના સ્વતંત્ર વાતાવરણમાં જન્મેલી નજાહ બાઝી પોતાના પરિવાર સાથે ખૂબ આનંદથી રહેતી હતી, પરંતુ તે સમજણી થઇ, ત્યારથી તેના બિમાર ભાઇને જોઇને અત્યંત દુ:ખી રહેવા લાગી. એના ભાઇને સ્નાયુઓની એવી બીમારી હતી કે તે હરીફરી શકતો નહોતો. ભાઇની આવી પરિસ્થિતિ જોઇને તે હંમેશા ડૉક્ટર બનવાનું વિચારતી અને છેવટે એણે કારકિર્દી માટે નર્સિંગનું ક્ષેત્ર પસંદ કર્યું. મૂળ આરબ દેશમાં રહેતો એનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી અમેરિકામાં રહેતો હતો. એના પિતા લશ્કરમાં હતા અને કોરિયાઇ યુદ્ધમાં અમેરિકા તરફથી વીરતાપૂર્વક લડયા હતા, જેની ખૂબ પ્રશંસા થયેલી.
નજાહ બાઝીએ નર્સિંગનો અભ્યાસ કરીને તે ક્ષેત્રમાં ઘણી કાબેલિયત હાંસલ કરી. એક હોંશિયાર નર્સ તરીકે એની પ્રતિષ્ઠા વધતી ગઇ. નજાહ બાઝીને આ ક્ષેત્રના જુદા જુદા વિષયના વ્યાખ્યાન માટે ઘણી જગ્યાએથી નિમંત્રણો મળવા લાગ્યા. એક દિવસ એ કોઇ સરકારી હોસ્પિટલમાં વર્કશોપ માટે ગઇ હતી, ત્યાં એક નર્સ એને મળવા આવી. એની આંખો આંસુથી છલકાઇ ગઇ હતી. એણે સાવ રડમસ અવાજે કહ્યું, 'બાઝી, હું તમને કંઇક દેખાડવા માગું છું.' એમ કહીને તે નજાહ બાઝીને હોસ્પિટલની પેથોલોજી લેબોરેટરીમાં લઇ ગઇ.
ત્યાં બસોથી વધુ નવજાત શિશુઓના મૃતદેહ પડેલા હતા. નજાહ બાઝી આ દ્રશ્ય જોઇને હેબતાઇ જ ગઇ. એ કહે છે કે એને માટે આ હૃદય પર આઘાત પહોંચાડે તેવો બેહદ અનુભવ હતો. એનું કારણ જાણતાં ખબર પડી કે આ બાળકોના માતા-પિતા એટલા બધા ગરીબ હતા કે પોતાના બાળકોને દફન કરવા માટે એમની પાસે પૈસા નહોતા, તો કેટલાંક તે માટે જે વહીવટી કાર્યવાહી હોય તે કરી શક્યા નહોતા. નજાહ પર આ દ્રશ્યની એવી અસર થઈ કે એણે 'પ્લૉટ્સ ફૉર ટૉટ્સ' નામની સંસ્થાની સ્થાપના કરી, કે જે ગરીબ મા-બાપને પોતાની મૃત બાળકને દફનાવવામાં મદદ કરે.
આ બધા કાર્ય કરતાં કરતાં નજાહના જીવનમાં નવો વળાંક આવ્યો ૧૯૯૬માં. ત્યારે તે બોમન્ટ ડિયરબૉર્નની હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. એ સમયે ઈરાક યુદ્ધને કારણે શરણાર્થીઓ અમેરિકામાં આવી રહ્યા હતા. નજાહ જ્યાં કામ કરતી હતી ત્યાં એક ઈરાકી દંપતી પોતાના જોડિયાં બાળકોને લઇને પહોંચ્યું, પરંતુ એમાંથી એક બાળક મૃત્યુ પામ્યું હતું અને બીજા બાળકની હાલત પણ અત્યંત ગંભીર હતી. ડૉક્ટરોએ ઘણી કોશિશ કરી, પરંતુ ડૉક્ટરો અને હોસ્પિટલના અધિકારીઓને લાગ્યું કે આ બાળક બચાવી શકાશે નહીં, તેથી તેથી વેન્ટીલેટર પરથી ખસેડી લેવું જોઇએ. મા-બાપને તો આવું ક્યાંથી મંજૂર હોય ? બાળકના પ્રત્યેક ધબકાર સાથે તેઓ આશાથી મીટ માંડીને બેઠા હતા.
ડૉક્ટરોની વાત સાંભળીને માતા લગભગ બેભાન અવસ્થામાં સરી પડી. નજાહને પણ ડૉક્ટરોની વાત યોગ્ય નહોતી લાગતી. નજાહ જાણતી હતી કે આ બાળક થોડા દિવસ જ જીવી શકે તેમ છે, પરંતુ એણે એ ઈરાકી દંપતીને સાથ આપવાનો નિર્ણય કર્યો અને હોસ્પિટલના સત્તાવાળાઓને સમજાવીને બાળકને વેન્ટીલેટર અને ફીડિંગ ટયૂબ સાથે ઘરે જવાની મંજૂરી આપી.
નજાહ બાળકને લઇને એના ઘરે પહોંચી. એણે જે દ્રશ્ય જોયું તે નજાહ આજેય ભૂલી નથી. એ પરિવારનું આખું ઘર ખાલી હતું. જમીન પર માત્ર એક શેતરંજી હતી, જેના પર એ લોકો સૂતા હતા. નજાહ કહે છે કે ગરીબીનું આવું આઘાતજનક સ્વરૂપ એણે સ્વપ્નાંમાં પણ જોયું નથી. એ સીધી પોતાના ઘરે દોડી અને માને કહ્યું કે ઘરમાં જે વધારાનું ફર્નીચર, કપડાં, વાસણ અને અન્ય જરૂરી સામાન છે તે આપી દે, જેથી તે પરિવારની મદદ કરી શકાય.
એણે બધો સામાન એક ટ્રકમાં ભર્યો અને શરણાર્થી પરિવારને પહોંચાડયો. આ સમગ્ર ઘટનાએ નજાહના વેદનાગ્રસ્ત હૃદયને કરુણાથી ભરી દીધું અને એના જીવનની દિશા બદલાઇ ગઇ. શરૂઆતમાં તે પોતાના ઘર પર દાનમાં મળેલી ચીજો એકત્રિત કરતી અને જરૂરિયાતવાળા લોકોને પહોંચાડતી, પરંતુ ધીમે ધીમે કામ વધતું ગયું તેથી એણે 'ઝમાન ઈન્ટરનેશનલ' સંગઠનની સ્થાપના કરી, જે ગરીબ શરણાર્થીઓ, એકલી રહેતી સ્ત્રીઓ અને બેસહારા બાળકોને મદદ કરે છે.
નજાહ અમેરિકાના મિશિગનના ડેટ્રોઇટમાં રહે છે, જે અમેરિકાના ગરીબ શહેરોમાંનું એક ગણાય છે. નજાહ ડેટ્રોઇટમાં એવા લોકોની મદદ કરે છે જે લાચારી ભરી જિંદગી જીવે છે. ગરીબ સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવામાં, ભૂખ્યા લોકોને અન્ન આપવા ઉપરાંત જીવનમાં હતાશ થયેલા લોકોના જીવનમાં આશા જગાડવાનું કામ કરે છે.
આજે 'ઝમાન ઈન્ટરનેશનલ' સંગઠન પાસે મોટું વેરહાઉસ છે. છ હજારથી વધુ સ્વયંસેવક આ સંસ્થા સાથે જોડાયેલા છે અને તેનું વાર્ષિક બજેટ ચૌદ કરોડ રૂપિયા છે. આજ સુધીમાં અઢી લાખથી વધુ લોકો આ સંગઠન દ્વારા લાભાન્વિત થયા છે. ૨૦૧૯ના સીએનએન હીરો માટે નામાંકિત થયેલી નજાહ કહે છે કે લોકોની તકલીફો જોઇને નહીં, પરંતુ તેમની પીડાઓને આશા તરફ જતી જોઇને અઠવાડિયામાં ઘણી વાર આંખમાં આસું આવે છે.
સમર્પણ અને અર્પણ
આજે ૯૪ વર્ષના રામ સુતાર પોતાના પુત્ર અનિલ સુતાર સાથે ઉત્તર પ્રદેશના નોઈડામાં રહે છે. આમ તો રામ સુતાર એક સામાન્ય સુથાર હતા, પરંતુ તે પોતાનું દરેક કામ બહુ કલાત્મક રીતે કરતા હતા
અ યોધ્યાની વિવાદિત રામજન્મભૂમિના ચુકાદા વખતે કરોડો લોકોની સાથે સાથે પદ્મભૂષણથી સન્માનિત મૂર્તિકાર રામ વંજી સુતારની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સરયૂ નદીના કિનારે ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જે કદાચ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ - આશરે ૨૫૧ મીટરની હશે એમ માનવામાં આવે છે. મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના ગોન્દુર ગામમાં ૧૯૨૫માં વિશ્વ પ્રસિદ્ધ મૂર્તિકાર રામ વંજી સુતારનો જન્મ થયો હતો. આજે ૯૪ વર્ષના રામ સુતાર પોતાના પુત્ર અનિલ સુતાર સાથે ઉત્તર પ્રદેશના નોઈડામાં રહે છે.
આમ તો રામ સુતાર એક સામાન્ય સુથાર હતા, પરંતુ તે પોતાનું દરેક કામ બહુ કલાત્મક રીતે કરતા હતા. સામાન્ય ફર્નિચર ઉપરાંત લાકડાંની મૂર્તિ પણ બનાવતા હતા. એમની આવી સર્જન-ક્ષમતા જોઇને સ્કૂલના અભ્યાસકાળ દરમિયાન એમના ગુરુ શ્રી રામકૃષ્ણ જોશીએ એમને પ્રેરણા આપી અને એમના માર્ગદર્શનમાં સૌપ્રથમ મહાત્મા ગાંધીજીની સિમેન્ટની એક મૂર્તિ બનાવી. આ મૂર્તિ ગામમાં મૂકવામાં આવી અને એમાં સો રૂપિયા પણ મળ્યા. ત્યાર બાદ ગામના લોકોએ બીજી મૂર્તિ બનાવડાવી અને એના ત્રણસો રૂપિયા મળ્યા.
એમની શક્તિ જોઇને એમના ગુરુએ એમને મુંબઇની જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રવેશ આપ્યો. એમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી દર મહિને એમને પચીસ રૂપિયા પણ મોકલતા હતા. ૧૯૫૩માં રામ વંજી સુતારે સુવર્ણચંદ્રક સાથે આર્ટ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ અજંતા-ઈલોરાની ગુફાઓમાં મૂર્તિઓને સમારવાનું કામ કર્યું અને ત્યાંથી સૂચના તથા પ્રસારણ મંત્રાલયમાં ૧૯૫૯ સુધી કામ કર્યુ. સરકારી નોકરી છોડીને પોતાનું કામ શરૂ કર્યું.
તે સમયે મધ્યપ્રદેશના ગાંધી સાગર ડેમ માટે ચમ્બલ નદીને સમર્પિત એવી મૂર્તિ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો. આવી મૂર્તિ કેવી રીતે બનાવવી તેનો ખૂબ વિચાર કર્યા પછી તેઓ એવા તારણ પર આવ્યા કે ચંબલ નદી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડે છે, તેથી ચંબલ નદીને માતાના સ્વરૂપમાં દર્શાવીને એની સાથે બે બાળકો બનાવ્યાં, જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાઇચારાના પ્રતીક સમા છે. તે સમયે પિસ્તાળીસ ફૂટની ચંબલ નદીની પ્રતીકાત્મક મૂર્તિ બનાવી તે એમની કારકિર્દીનું સૌથી મોટું કામ હતું. એક જ પથ્થરમાંથી બનાવેલી આ મૂર્તિનું આજે પણ એમના માટે અત્યંત મહત્ત્વ છે. આ મૂર્તિ પછી શિલ્પકલા ક્ષેત્રે એમનું નામ જાણીતું થઇ ગયું.
દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે સરકાર કિંગ જ્યોર્જ પાંચમાની મૂર્તિ હટાવીને ગાંધીજીની મૂર્તિ મૂકવા માગતી હતી. તેની બે ડિઝાઇન બનાવીને રામ સુતારે સરકારને આપી. તેમાંથી ધ્યાન-મુદ્રા વાળી ડિઝાઇન પસંદ થઇ. તે મૂર્તિ ઈન્ડિયા ગેટ પર ન મૂકવાના વિવાદને કારણે સંસદમાં મૂકવામા ંઆવી અને બીજી ડિઝાઇન 'અસ્પૃશ્યતા વિરોધી' વિષયથી પ્રેરિત હતો તે મૂર્તિનું નિર્માણ બિહાર સરકારે કરાવ્યું અને ૨૦૧૩માં પટનાના ગાંધી મેદાનમાં ચાળીસ ફૂટની આ મૂર્તિ મૂકવામાં આવી. ગાંધીજીની મૂર્તિ પછી સંસદમાં રામ સુતાર દ્વારા બનેલી સોળ જેટલી મૂર્તિ મૂકવામાં આવી છે. રામ વંજી સુતારે આજ સુધીમાં ગાંધીજીની જુદી જુદી ડિઝાઇન, આકાર અને મુદ્રાઓમાં આશરે સાડા ત્રણસો મૂર્તિઓ બનાવી છે, જે ૧૫૦ જેટલાં દેશોમાં સ્થાન પામી છે.
આજ સુધી આશરે આઠ હજાર મૂર્તિઓ બનાવનાર રામ વંજી સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'નું નિર્માણ કર્યું છે. સિમેન્ટ, લોખંડ, સ્ટીલ અને કાંસાથી બનેલી સરદાર પટેલની આ મૂર્તિ ૧૮૨ ફૂટ ઊંચી છે. આટલી વિશાળ પ્રતિમાની નિર્માણ વખતે સૌથી મહત્ત્વનું ધ્યાન તેના પરિમાણનું રાખવાનું હોય છે. તેના માટે પ્રથમ ત્રણ ફૂટ, પછી અઢાર ફૂટ અને પછી ત્રીસ ફૂટની પ્રતિમાનું નિર્માણ કર્યું. રામ સુતાર કહે છે કે જે વ્યક્તિની મૂર્તિ બનાવવી હોય તે વ્યક્તિનો ઊંડો અભ્યાસ કરવો પડે છે.
તેના જુદી જુદી રીતે પાડેલા હજારો ફોટોગ્રાફ જોઇને અભ્યાસ કર્યા પછી કયા ચહેરા કે ભાવ સાથે જવું તેનો ખ્યાલ આવે છે. તે વ્યક્તિનું ઈતિહાસમાં મહત્ત્વ અને પ્રદાન તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. રામ સુતાર સંશોધક કરતા વધુ તો કલા પ્રત્યે સમર્પિત વ્યક્તિ છે. તેઓ માને છે કે પહેલાં અને આજની પેઢી વચ્ચે મહેનત અને ધીરજનો ફેર છે. તેમને જલદીથી કંઇક અનોખું કરીને મશહૂર થવું છે, પરંતુ તેને માટે સતત મહેનત કરવી પડે છે. ૯૪ વર્ષના રામ સુતાર આજે પણ સક્રિય છે તેઓ કહે છે કે કલાકારે જાતે પોતાનો માર્ગ કંડારવાનો હોય છે. જેને જેટલી ભૂખ હોય તેટલું કામ મળી જાય છે. મને હંમેશા કામની ભૂખ રહેતી અને કામ મળતું ગયું. બસ, મહેનત કરતા રહો.