કાનો રમે છે મારી કેડમાં
સોના વાટકડી રે - નીલેશ પંડયા
'નટવર નાનો રે...' ગુજરાતનું અતિપ્રિય લોકગીત છે. એના સીધાં સાદા શબ્દો અને લિજ્જતદાર કમ્પોઝીશનને કારણે એ જે તે કાળમાં ગુજરાતીઓને હોઠે રમતું હતું,આજે પણ અનેકનું એ ફેવરીટ છે
નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં,
ફૂલકુંવર નાનો રે, ગેડીદડો કાનાના હાથમાં,
નંદકુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં.
કે તો ગોરી રે તને હાલારના હાથીડા મગાવી દઉં,
હાથીડાનો વો'રનાર રે, કાનો રમે છે મારી કેડમાં,
નટવર નાનો રે...
કે તો ગોરી રે તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં,
ઘોડલાનો વો'રનાર રે, કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે...
કે તો ગોરી રે તને ચિત્તલની ચુંદડી મગાવી દઉં,
ચૂંદડીનો વો'રનાર રે, કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે...
કે તો ગોરી રે તને નગરની નથણી મગાવી દઉં,
નથણીનો વો'રનાર રે, કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે...
કે તો ગોરી રે તને ટીકરની ટીલડી મગાવી દઉં,
ટીલડીનો વો'રનાર, રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે...
કે ટલાંક લોકગીતોનો અર્થ સ્વયં સ્પષ્ટ હોય છે તો કેટલાંકનો શોધવો પડે છે. કેટલાંય ગીતડાં કોબીજ જેવાં હોય, પડ ઉખેળ્યા કરો, અંત સુધી કાંઈ મળે જ નહીં: તો કેટલાંકની પાછળ સત્ય કે દંતકથા જોડાયેલી હોય છે. જો મતલબ ન સમજાય તો લોકગીતો અઘરાં કે અસ્પષ્ટ લાગે, ક્યારેક તર્કહીન કે શંકાજનક લાગે છે પણ ઢાળ મનમોહક હોવાને લીધે તો લોકોને શ્રવણ કરવા તો મજબૂર કરી જ દે એવાં છે, એમાંય જો અર્થ સમજાય તો તો એ આપણા ચિત્ત્ત પર કબજો કરી લેનારું સંગીત છે!
'નટવર નાનો રે...' ગુજરાતનું અતિપ્રિય લોકગીત છે. એના સીધાં સાદા શબ્દો અને લિજ્જતદાર કમ્પોઝીશનને કારણે એ જે તે કાળમાં ગુજરાતીઓને હોઠે રમતું હતું,આજે પણ અનેકનું એ ફેવરીટ છે. મુખડું વાંચીએ કે સાંભળીએ એટલે એમ સમજાય કે એ કૃષ્ણગીત છે, બાળકૃષ્ણને માતા જશોદાએ તેડયા હશે, એના નાનકડા હાથમાં રમકડાંનો ગેડીદડો હશે - એનું વર્ણન હોય એવું પ્રાથમિક તારણ નીકળે છે પણ આગળ વધીએ ને અંતરા પર નજર કરીએ કે ધ્યાનથી સાંભળતાં જશોદાજીવાળી વાતનો છેદ ઉડી જતો હોય એવું લાગે છે ને અર્થઘટન કાંઈક અલગ જ હોવાનો આભાસ થાય છે.
હા,એમ જ છે, આ લોકગીત કૃષ્ણગીત નથી, એમાં માતા યશોદા કે એનો લાલ ક્યાંય નથી, અહિ નટવર, ફૂલકુંવર, નંદકુંવર કોઈક બીજો જ છે! એક જાણીતી કથા મુજબ ગુજરાતના કોઈ પ્રાંતમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો છે, તબીબી વિજ્ઞાાન ત્યારે ઘણી જ પછાત અવસ્થામાં હતું અને લોકો ખૂબ અંધશ્રદ્ધાળુ હતા એટલે ખરો ઈલાજ ન થવાને કારણે સેંકડો લોકો મરણને શરણ થઇ રહ્યા હતા. એક પ્લેગગ્રસ્ત માતા છેલ્લાં ડચકાં ભરે છે પણ જીવ નથી જતો કેમકે એને પોતાના શિશુની ચિંતા સતાવે છે.
મારા મૃત્યુ પછી મારા બાલુડાનું કોણ? રોગગ્રસ્ત માનું શરીર હમણાં શ્વાસ છોડી દેશે એવું લાગે છે પણ બાળક પ્રત્યેની મમતા મોતને આઘું હડસેલી રહી છે! આ સમયે ત્યાં આવી ચડેલી એક નિરાધાર સગીર કન્યાને માએ પોતાનો જીવ કેમ નથી જતો એની ત્રૂટક કંઠે વાત કરી કે તરત જ એ ગુર્જર કન્યાએ મરતી માના બાળને તેડી લીધું ને કહ્યું, 'મા, તમે સદગતિ પામો, તમારો કાનો આજથી મારો...'
યુવાવસ્થાના ઉંબરે એણે કદમ મુક્યાં ત્યાં તો સમાજનો એક વર્ગ એને લલચાવવા -ફોસલાવવા લાગ્યો કે તું કહે તો તને હાલારના હાથી, ઘોઘાના ઘોડા, ચિત્તલની ચુંદડી, નગરની નથણી, ટીકરની ટીલડી -વગેરે અપાવું, એમાં વણકહી વાત એ હતી કે આ બધું તો મળે જો તું મારું ઘર માંડે!
કન્યા કોઈ લાલચમાં આવ્યાં વિના એક જ જવાબ આપે છે કે હાથી, ઘોડા, ચૂંદડી, નથણી, ટીલડી-આ બધું જ, મેં જેને તેડયો છે એ, મારી કેડમાં રમતો નાનકડો નટવર, ફૂલકુંવર, નંદકુંવર મોટો થશે ત્યારે મારા માટે વ્હોરી લાવશે. મરતી માતાને આપેલું વચનપાલન, સમાજની હીનદ્રષ્ટિ સામે અડીખમ રહેવાની મક્કમતા, કેડમાં જે રમે છે એને જ પોતાનું સર્વસ્વ માનવાની સંસ્કારિતા ગુજરાતની કન્યામાં હોય જ, એ જ તો એનું સશક્તિકરણ હતું...!