Get The App

મગજ વિશે ઓછી જાણીતી અદ્દભૂત વાતો

ફિટનેસ - મુકુંદ મહેતા

Updated: Dec 7th, 2019

GS TEAM

Google News
Google News
મગજ વિશે ઓછી જાણીતી અદ્દભૂત વાતો 1 - image


'બ્રેઈન પ્લાસ્ટિસિટી'નો અર્થ કોઈ વ્યક્તિએ પોતાના હાથ અકસ્માતમાં ગુમાવ્યા હોય અને તેને પેઈન્ટિંગ કરવું હોય તો તે પગનો ઉપયોગ મગજની સુષુપ્ત શક્તિથી કરી શકે.

માનવ શરીરના અસંખ્ય કાર્યોનો કંટ્રોલ કરનારું તમારું મગજ અદ્ભૂત છે. અવર્ણનિય અને સામાન્ય સમજની બહાર છે. પરમેશ્વરે ફક્ત માનવ જાતને આપેલા ખાસ પ્રકારના મગજની અને તેના કાર્યોની વિગતવાર વાત કરીએ તો અસંખ્ય પુસ્તકો ભરાય પણ જેનાથી તમને નવાઈ લાગે અને તમે નથી જાણતા તેવી વાતો કરીએ તે પહેલા મગજની રચના વિષે જાણી લઈએ.

૧. ફોર બ્રેઈન (આગળનું મગજ) ૨. મીડ બ્રેઈન (વચ્ચેનું મગજ) ૩. હાઈન્ડ બ્રેઈન (પાછળનું મગજ) આ ત્રણેના જુદા જુદા ભાગને એ. ઓક્સીપીટલલોબ. બી. પેરાયેટલ લોબ અને સી. ફ્રન્ટલ લોબ કહે છે.

૧. ઓક્સિપિટલ લોબ જે મગજની પાછળના ભાગમાં આવેલો છે. તેને લીધે તમે જોઈ શકો છો અને બધાને ઓળખી શકો છો. ૨. ટેમ્પોરલ લોબ્સ મગજની બન્ને બાજુએ કાનની ઉપરના ભાગમાં આવેલા છે. ટેમ્પોરલ લોબ્સને કારણે સાંભળવાની ક્રિયા, યાદશક્તિ અને ભાષા શિખાય છે તેમજ લાગણીનો અનુભવ થાય છે. ૩. પેરાએટલ લોબ્સ ફ્રન્ટલ લોબની પાછળ, ટેમ્પોરલ લોબ્સની ઉપર અને મગજના પાછળના ભાગમાં ઉપર આવેલા છે.

માનવીને થતી બધી જ અસરો જેવી કે સ્પર્શ, સ્વાદ, દબાણ (પ્રેશર) અને શરીરનું ઉષ્ણતામાન તેમજ ભાષા જાણવાનું અને શીખવાનું તેમનાથી થાય છે. ૪. ફ્રન્ટલ લોબ મગજનો સૌથી આગળનો ભાગ જે બોલવા માટે, વિચારો માટે શરીરના હલન ચલન લાગણીઓ તેમજ નવી વસ્તુઓ જાણવા અને શીખવા માટે જવાબદાર છે. ૫. સેરીબ્રલ કોર્ટેક્ષ તમારા વિચારો ઉપર, ભાષા ઉપર, હલનચલન ઉપર કાબુ રાખે છે.

૬. સેરીબેલમ તમારા શરીરના હલન ચલન, બેલેન્સ ઉપર કાબૂ રાખે છે. ૭. હાઈપોથેલેમસ શરીરનું ઉષ્ણતામાન કાબૂમાં રાખવા ઉપરાંત શારીરિક લાગણીઓ જેવી કે ભૂખ લાગવી, તરસ લાગવી, ખોરાકનું પાચન થવું અને ઉંઘ ઉપર કાબૂ રાખે છે. ૮. થેલેમસ સેરીબ્રલ કોર્ટેક્સના સંકલનમાં રહી મગજને સંદેશા પહોંચાડે છે. ૯. પિચ્યુટરી ગ્રંથિ આખા શરીરની બધી જ 'હોર્મોનલ ગ્રંથિ' ઉપર કાબૂ રાખવા ઉપરાંત લીધેલા ખોરાકનું શક્તિમાં રૂપાંતર કરવાનું કામ કરે છે.

૧૦. પિનીયલગ્રંથિ શરીરનું વૃદ્ધિનું કામ કરે છે. ૧૧. એમીગ્ડેલાનું કામ તમારી લાગણીઓ પર કાબૂ રાખવાનું છે. ૧૨. હિપોકેમ્પસનું કામ તમારી યાદગીરી (મેમરી) સાચવવાનું છે.

૧૩. આખા શરીરના અનેક અંગોના અસંખ્ય કોષોને મગજમાંથી સંદેશા પહોંચાડવા માટે અને કોષોમાંથી મગજને સંદેશા પાછા મોકલવા માટે જે રચના શરીરમાં કરેલી છે તેને શરીરની 'નર્વસ સિસ્ટમ' કહે છે. નર્વસ સિસ્ટીમના બે ભાગ છે. એ. મગજ અને સ્પાઈનલ કોર્ડમાં રહેલી બધા જ પ્રકારની નર્વસને સેન્ટ્રલ નર્વસ સિસ્ટીમ કહે છે. અને બી. રેપિફ્રલ નર્વસ સિસ્ટીમ એટલે તમારા શરીરમાં દરેક અંગોને મગજ સાથે જોડનારી બધા જ પ્રકારની નર્વસ કોઈ પણ પ્રકારનો અનુભવ શરીરના અંગોના કોષોને થયો તે 'પેરીફ્રલ નર્વસ મારફતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટીમને ખબર પડે અને તેની મારફતે મગજને ખબર પડે છે.

હવે તમને નવાઈ લાગે તેવી થોડી વાતો :

૧. મગજમાં ૬૦ ટકા ચરબી છે. એટલે જ વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે રોજના ખોરાકમાં ચરબીનું પ્રમાણ ૪૦ ગ્રામ ઉપરાંત નોન વેજિટેરિયન આઈટેમ્સ (ફિશ ઓઈલ)માંથી મળતો ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ અથવા તેના સપ્લીમેન્ટસ મળે છે તેનું પ્રમાણ તમારા ડોક્ટરને પૂછીને લેવું જોઈએ. જેથી તમારા મગજને પોષણ મળે.

૨. મગજમાં ૮૬ ટકા પાણી છે. જો તમે રોજ પાણી અને બીજા પ્રવાહી (દારૂ નહીં) મળીને તેનું પ્રમાણ બેથી અઢી લિટર જેટલું ના પીઓ તો તેની અસર તમારી રોજની દિનચર્યા, કાર્યશક્તિ અને યાદશક્તિ પર પડશે આ નક્કી છે.

૩. વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે જેમ જેમ ઉમ્મર વધતી જાય તેમ તેમ થોડીવાર પહેલા જ બનેલો પ્રસંગ કોઈ મળવા આવ્યું હોય કોઈ વાત થઈ હોય અથવા પોતાની કોઈ વસ્તુ ક્યાં મૂકી હોય તે તરત યાદ ના આવે આને 'શોર્ટ ટર્મ મેમરી લોસ' કહેવાય આવું વારે વારે થાય.

૪. આનાથી ઉલટું તમે બે દિવસ પહેલા કોઈ સમાચાર પેપરમાં વાંચ્યા હોય તે યાદ રહે કે તમે કોઈને ફોન કર્યો હોય તે યાદ રહે.

૫. વૈજ્ઞાાનિકોએ જાણીતા ફિલોસોફર્સ અને સફળ બિઝનેસમેનના અને સામાન્ય વ્યક્તિના મગજના કદનો અભ્યાસ કર્યો ત્યારે તેમના અને સામાન્ય વ્યક્તિના મગજના કદમાં કોઈ ફેર નહોતો એવું નક્કી કર્યું.

૬. સંશોધકોએ નવાઈ લાગે એવી બીજી વાત પણ જણાવી છે કે 'આઈ.ક્યૂ.' (યાદશક્તિનું માપ) જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તમે જેમ જેમ તમારા મગજના કામમાં પ્રગતિ કરતાં જાઓ તેમ તમારો આઈ.ક્યૂ. અમુક બાબતમાં વધે પણ ખરો. સાથે એ વાત પણ ખરી કે નકામી વાતો પર ધ્યાન હોય તો આઈ.ક્યૂ. ઘટે પણ ખરો.

૭. 'બ્રેઈન પ્લાસ્ટિસિટી'નો અર્થ કોઈ વ્યક્તિએ પોતાના હાથ અકસ્માતમાં ગુમાવ્યા હોય અને તેને પેઈન્ટિંગ કરવું હોય તો તે પગનો ઉપયોગ મગજની સુષુપ્ત શક્તિથી કરી શકે.

૮. એક ટકાના અપવાદને બાદ કરતા તમારા મગજની બધા જ પ્રકારની શક્તિ ૨૫ વર્ષ પછી વધુ વિકાસ પામે છે.

૯. જેમ જેમ સમય જાય તેમ મગજનું કદ નાનું થતું જાય છે. 'સ્ટોન એજ'ની વ્યક્તિઓ કરતાં અત્યારના મગજની સાઇઝ ઓછી થતી જાય છે એવું વૈજ્ઞાાનિકો જણાવે છે.

૧૦. મગજનું વજન તમારા શરીરના કુલ વજનના ૨ ટકા જેટલું જ છે છતાં તમે શ્વાસોશ્વાસ મારફતે લીધેલા કુલ ઓક્સીજનનો ૨૦ ટકા ભાગ તમારું મગજ વાપરે છે એટલે મગજ વધારે કામ કરી શકે છે.

૧૧. પુરુષ સ્ત્રીના પરસ્પર આકર્ષણ (સાચો પ્રેમ-રોમેન્ટીક લવ) જ્યારે હોય ત્યારે વખતે વૈજ્ઞાાનિકોએ અભ્યાસ કરીને નક્કી કર્યું કે તે વખતે 'ડોપામાઈન' નામના 'ન્યૂરોટ્રાન્સમીટર' હોય છે.

૧૨. મગજને દબાવવાથી કે કોઈ ઓપરેશન વખતે જરૂર લાગે તો કાપવાથી દર્દીને કોઈ પ્રકારનો દુખાવો થતો નથી.

૧૩. થોડાક જ અભ્યાસથી તમે તમારી જાતને સુખી કરી શકો છો. આનો અર્થ તમે તમારી કોઈ પણ વિચાર, અનુભવ કે પ્રસંગ વખતે તમારી લાગણીઓ (એટીટયુડ)ને હકારાત્મક (પોઝિટિવ) રાખશો તો તમારી આખી જિંદગી તમને કોઈ વ્યક્તિ તેના વાણી, વર્તન કે વ્યવહારથી દુ:ખી નહીં કરી શકે. આ વાત ચોક્કસ માનજો કારણ મગજ એ રીતે બનેલું છે અને આ વાત પ્રયોગોથી સિદ્ધ થયેલી છે.

૧૪. તમારું મગજ દુનિયાના શ્રેષ્ઠ કોમ્પ્યુટરથી પણ વધારે કાર્યક્ષમ (એફિશિયન્ટ) છે એવું વૈજ્ઞાાનિકોએ પ્રયોગોથી નક્કી કરેલું છે.

૧૫. વાતાવરણના ફેરફારની ખબર તમારા મગજને વહેલી પડે છે એટલે શિયાળામાં શરીરની ધૂ્રજારી અને ઉનાળામાં પરસેવો લાવે છે.

૧૫. હજારો દર્દીઓના અભ્યાસ પછી સંશોધકોએ નક્કી કર્યું છે કે મોટાભાગના મગજને લગતા રોગોનું કારણ એકજ કે સરખા હોય છે.

૧૬. તમારા મગજની તન્દુરસ્તી તમારા આંતરડામાં રહેલા 'બેક્ટેરિયા' જે 'માઈક્રોબ્યોમ' તરીકે ઓળખાય છે તેની ઉપર આધાર રાખે છે. આ માટે તમારા ખોરાકમાં 'પ્રોબાયોટીક' અને 'પ્રિબાયોટીક' હોવા જરૂરી છે. વધારામાં વૈજ્ઞાાનિકો જણાવે છે કે 'માઈક્રોબ્યોમ' તમારા આંતરડામાં જેટલા વધારે હશે તેટલો તમારો મૂડ સારો રહેશે અને તે ઉપરાંત 'ડિપ્રેશન' નહીં આવે.

૧૭. ન્યૂરોફિઝિશયનો એ એક નવી વાત પણ જણાવે છે કે જ્યારે તમે સૂઈ ગયા હોય ત્યારે પણ તમારા મગજનો મોટો ભાગ સક્રિય હોય છે.

સંશોધકોએ જણાવેલી વાતો તમારા મગજને શું ગમે છે અને શું નથી ગમતું?

તમારા મગજને શું ગમે છે?

૧. તમને સારા સ્વપ્ન આવે તે વાત સારી ગણાય. ૨. 'ચ્યુઈંગ ગમ' ચાવવાની ટેવ સારી ગણાય. ૩ મિત્રોનું વર્તુળ જેટલું વધારે તેટલો તમારા મગજને ફાયદો. ૪. બહારગામ ફરવા અને નવી જગ્યાઓ જોવાનું ખૂબ ગમે. ૫. મેડિટેશન ફક્ત ૩૦ મિનિટ ખૂબ ગમે. ૬. ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય (બેલી લાફ્ટર) ખુબ જ ગમે. ૭. તમને ગમતી ૩૦ થી ૪૦ મિનિટની નિયમિત કસરત ખૂબ ગમે. ૮. શક્ય એટલો કુદરતી ખોરાક (મેડિટેરિયન ડાયેટ) શાકભાજી, ફળો, સૂકો મેવો, અનાજ, તેલીબિયા ખૂબ ગમે.

તમારા મગજને શું નથી ગમતું?

૧. ઊંઘ ઓછી લો તે ન ગમે. ૨. દારૂ અને સિગારેટ બિલકુલ ના ગમે. ૩. રોજ લેવાતા પ્રવાહી અને ખોરાકમાં ૨૫ ગ્રામથી વધારે ખાંડ કે ખાંડ વાળા પદાર્થો લો તે ના ગમે. ૪. વજન (બી.એમ.આઈ. ૨૫થી વધારે) બિલકુલ ના ગમે. ૫. એક સાથે અનેક પ્રકારનું વધારે પડતું કામ અને તેને લીધે થતો માથાનો દુખાવો ના ગમે. ૬. માનસિક તનાવ બિલકુલ ના ગમે. ૭. તમારી બેદરકારીથી ચેપી રોગો થાય તે ના ગમે.

Tags :