Get The App

પ્રજાબંધુ 'પ્રજાજાગૃતિ'નું પ્રહરી બન્યું

અત્યાચારો અને અસ્પૃશ્યતા સામે ઝૂંબેશ

Updated: Dec 7th, 2019

GS TEAM

Google News
Google News
પ્રજાબંધુ 'પ્રજાજાગૃતિ'નું પ્રહરી બન્યું 1 - image


(ભાગ : ૩)  હિન્દુત્વવાદી 'રાષ્ટ્રવાદ'ની વાત :  બ્રિટિશ સરકારની રંગભેદ અને શોષણખોર નીતિની આકરી ટીકા

પ્રજાબંધુ મહાત્મા ગાંધીની વિચારસરણીને અનુસરતું અખબાર હતું

પ્રજાબંધુનું ઘડતર કરનાર માત્ર તેના તંત્રીઓ જ નહોતા. અંબાલાલ સાકરલાલ દેસાઈ, નરસિંહરાવ, આનંદશંકર બાપુભાઈ ધુ્રવ, રમણભાઈ નીલકંઠ અને વિદ્યાબહેન, ડો. સુમન્ત મહેતા અને શારદાબહેન દાદાસાહેબ માવલંકર, ગોવીંદરાવ આપાજી પાટીલ, ડો. જોસેફ બેન્જામીન, વૈદ્ય જટાશંકર લીલાધર અને બ. ક. ઠાકર જેવા બૌદ્ધિકો, વિદ્વાનો અને સાહિત્યકારો લેખો લખતા હતા. તેઓ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે બંધારણીય લડતો લડતા હતા અને રંગભેદની નીતિ સામે સંઘર્ષ કરીને નાગરિક અને રાજકીય અધિકારોની માંગણી કરતા હતા. વળી તેઓ પ્રજાબંધુના માધ્યમ દ્વારા બાળલગ્ન, દહેજપ્રથા, દૂધપીતી, સ્ત્રીઓ સામેના અત્યાચારો તથા અસ્પૃશ્યતા સામે પણ ઝુંબેશ કરતા હતા. 

૧૯૧૫માં ગાંધીજીએ તેમની કર્મભૂમિ તરીકે વ્યવહારલક્ષી અમદાવાદને પસંદ કર્યું હતું. ગાંધીજીએ એમના રાજકીય ગુરુ તરીકે ગોખલેને સ્થાપ્યા હતા

મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની નેતાગીરીને ઉપસાવવામાં પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનો ફાળો વિશેષ છે  

દરેક અખબારને પોતાનાં રાજકીય અને નૈતિક મૂલ્યો હોય છે. જેમ કે, લોકમાન્ય બાલ ગંગાધર તીલકે ૧૮૮૦માં સ્થાપેલા દૈનિકો 'મરાઠા' (અંગ્રેજી)માં અને 'કેસરી' (મરાઠી)માં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદની ભાવનાને વરેલા દૈનિકો હતા. એમને એકી સાથે વિદેશી અંગ્રેજો તથા દેશી મુસલમાનો પ્રત્યે નફરત હતી. બીજી તરફ ભગુભાઈ ફત્તેહચંદ કારભારી અને જીવણલાલ વ્રજલાલ દેસાઈએ ૧૮૯૮માં સ્થાપેલ પ્રજાબંધુ ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે અને ફીરોજશાહ મહેતાની લીબરલ મોડરેટ રાજકીય વિચારસરણીને વરેલું સાપ્તાહિક હતું.

તેનું શું કારણ હતું ? ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો પૂના અસલથી ઉગ્રવાદી રાજકીય નગર તરીકે વિકસતું હતું જ્યારે અમદાવાદ અસલથી શાંતિપ્રિય વ્યાપારી નગર તરીકે વિકસ્યું હતું. તેથી જ ૧૯૧૫માં ગાંધીજીએ તેમની કર્મભૂમિ તરીકે વ્યવહારલક્ષી અમદાવાદને પસંદ કર્યું હતું. ગાંધીજીએ એમના રાજકીય ગુરુ તરીકે ગોખલેને સ્થાપ્યા હતા. ગુજરાત સમાચાર આ પ્રકારના રાજકીય વાતાવરણમાંથી ૧૯૩૨માં જન્મ્યું હતું. ગાંધીજી અને સરદાર પટેલની નેતાગીરીને ઉપસાવવામાં પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનો ફાળો નાનોસૂનો નથી.

ગુજરાત સમાચારે અસલની લિબરલી મોડરેટ વિચારસરણીને આધારે જૂનવાણી સામાજિક વિચારસરણી સામે સંઘર્ષો કર્યા છે. તદ્દન તાજેતરનો દાખલો લઈએ તો ગુજરાત સમાચારે તા. ૩૦ નવેમ્બર ૨૦૧૯ના અંકમાં ભગવા વસ્ત્રધારી પ્રજ્ઞાા ઠાકુરને આકરા શબ્દોમાં ઝાડીને લખ્યું છે કે, ગાંધીજીને 'ખલનાયક' તરીકે અને એમના હત્યારા નાથુરામ ગોડસેને 'રાષ્ટ્રભક્ત નાયક' તરીકે ચીતરવા તે લોકશાહીની ઉપર સીધો પ્રહાર કરવા સમાન છે. પ્રજાબંધુ અને ગુજરાત સમાચારે અગાઉ પણ ગાંધીજીએ વિકસાવેલ મલ્ટી-કલ્ચરલ, મલ્ટી એથનીક અને મલ્ટી લીંગ્વલ મૂલ્યોને બીરદાવ્યા હતા.

ગુજરાત સમાચારના જૂના અંકો, તંત્રી લેખો ઉપરાંત પત્રકાર વાસુદેવ મહેતા, ચીનુભાઈ પટવા ('પાનસોપારી'), નીરૂભાઈ દેસાઈ ('વાસરીકા'), વીનોદિની નિલકંઠ ('ઘર ઘરની જ્યોત'), બકુલ ત્રિપાઠી (કક્કો અને બારાખડી), યશોધર મહેતા ('અગમનિગમ') અને જયભિખ્ખુ ('ઇંટ અને ઇમારત')ની કોલમો જોવાથી આ અખબારની માનવતાવાદી અને પ્રગતિશીલ વિચારસરણીનો ખ્યાલ આવી શકે. આ સૌ મહાનુભાવોને તેડી લાવીને તેમને સાંકળનારા ગુજરાત સમાચારના સુકાની શાંતિલાલ શાહ હતા. આ વાત જૂની છે પણ સોના જેવી કિંમતી છે. 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'

૫-૨-૧૮૯૯ના અંકમાં પ્રજાબંધુએ 'હિંદની આર્થિક પાયમાલી માટે વિદેશી શાસન જવાબદાર' હેડિંગ નીચે લેખ પ્રસિદ્ધ કર્યો 

પણ તેની સાથે એના એ જ અંકમાં તિલકના જલદ રાજકીય લખાણોનો વિરોધ કરીને ગોખલેને બિરદાવ્યા હતા

પ્રજાબંધુ 'પ્રજાજાગૃતિ'નું પ્રહરી બન્યું 2 - image

બાલગંગાધર તિલક

પ્રજાબંધુ 'પ્રજાજાગૃતિ'નું પ્રહરી બન્યું 3 - image

ગોપાલકૃષ્ણ ગોખલે

પ્રજાબંધુ ગુજરાત સમાચારની જેમ માત્ર સમાચાર પીરસતું અખબાર નહોતું તે પ્રજાજાગૃતિનું અહિંસક આંદોલન હતું તેમાં સર્વધર્મ સમભાવની ભાવના હતી. હિંદુત્વવાદી રાષ્ટ્રવાદની સામે એણે પ્રચાર કર્યો હતો. આ મુદ્દો સ્પષ્ટ કરવા નીચેની એક પ્રચંડ ઘટનાને અખબારી નીતિના સંદર્ભમાં સમજાવી છે.

૧૮૯૭માં સમગ્ર મુંબઈ ઇલાકામાં પ્લેગ ફાટી નીકળ્યો તેને દાબવા મુંબઈસરકારે રોગમુક્ત થવા ક્વોરન્ટાઇન (અલગ વિસ્તારો)ની વ્યવસ્થા ઉભી કરી પણ તેમાં પૂનાના પ્લેગ કમિશ્નર વિલિયમ રેન્ડે એવી તો સખતાઈ કરી કે પૂનાના ચિતપાવન નાતના દામોદર ચાપેકર અને તેના ભાઈઓ વાસુદેવ અને બાલકૃષ્ણએ રેન્ડ અને લેફ. આર્યસ્ટનું ગોળી મારીને ખૂન કર્યું.

જ્યારે એમને ફાંસી થઈ ત્યારે બાલ ગંગાધર તિલકે એમના 'કેસરી' અને 'મરાઠા' પત્રોમાં ચાપેકર બંધુઓને 'સાચા દેશભક્ત', 'હુતાત્મા' અને 'હિંદુ ધર્મના સાચા સપૂતો' તરીકે બિરદાવ્યા. સોળ વર્ષના સાવરકરે તો તે સમયે હિંદુ ધર્મને નામે પ્રતિજ્ઞાા લીધી કે, ''હું દેશની આઝાદી માટે બોંબ, બંદુક અને પિસ્તોલનો ઉપયોગ કરીને સશસ્ત્ર ક્રાંતિ કરીશ.''

સાવરકરે પણ ચોપેકર બંધુઓને 'ભારત માતાના સાચા સપુતો' તરીકે બિરદાવ્યા પણ પ્રજાબંધુ તિલકના અખબારોની જેમ જલદ અને ઉગ્ર નહોતું તે સમયે પૂનાના મહાન કોંગ્રેસી નેતા ગોપાલકૃષ્ણ ગોખલે પણ તિલકના રાજકીય વિરોધી હતા. ગોખલે, મહાગોવિંદ રાનડે અને ફિરોજશાહ મહેતાની જેમ રમણભાઈ નીલકંઠ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, શીવાભાઈ પટેલ અને ગોવિંદરાવ પાટીલ જેવા અમદાવાદના રાજકારણીઓએ જહાલવાદી નહીં પણ નરમ (મોડરેટ) રાજકીય નીતિને વરેલા હતા.

પ્રજાબંધુ દલપતરામની 'ધીમે ધીમે સુધારાનો સાર' નીતિને વરેલું અખબાર હતું એણે દુકાળો બદલ બ્રિટીશ સરકારની રંગભેદની તેમજ શોષણખોર નીતિની આકરી ટીકાઓ તો કરી જ પણ તેની સાથે સાથે ચાપેકર બંધુઓ તથા તિલકની પણ ઝાટકણી કાઢી. ૧૮ માર્ચ ૧૮૯૯ના પ્રજાબંધુના એડીટોરીયલે લખ્યું : 'આ પત્ર નૂતન લોહીનું છે, પણ ઉચ્છેદક વિચારનું નથી.

અમે રાજકીય ખૂનો અને હિંસામાં માનતા નથી. સરકાર કે કોઈ પણ વિરોધી વ્યક્તિની નીતિરીતિ પસંદ ન પડે તો વિરોધ કરવાના હિંસા સિવાયના ઘણાં ઉપાયો છે. તિલકે કરેલો ચાપેકર બંધુઓનો બચાવ લૂલો છે.' ૫ ફેબુ્રઆરી, ૧૮૯૯ના અંકમાં પ્રજાબંધુએ 'હિંદની આર્થિક પાયમાલી માટે વિદેશી શાસન જવાબદાર' હેડીંગ નીચે લેખ પ્રસિદ્ધ કર્યો પણ તેની સાથે એના એ જ અંકમાં તિલકના જલદ રાજકીય લખાણોનો વિરોધ કરીને ગોખલેને બિરદાવ્યા હતા. પાછળથી તો ગાંધીજીએ ગોખલેને એમના રાજકીય ગુરૂ તરીકે સ્થાપ્યા હતા.

૧૯૨૦- ૨૨ની અસહકારની લડત વખતે ગાંધીજીએ પ્રજાબંધુને 'નીડર પત્ર' તરીકે બિરદાવ્યું હતું. ગુજરાત સમાચાર પ્રજાબંધુનું જ નૂતન સ્વરૂપ હતું એ ગાંધીવાદી વિચારસરણી ધરાવતું હતું. ગાંધીજીનું જ્યારે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ખૂન થયું ત્યારે ૩૧ જાન્યુઆરીથી સતત એક મહિના સુધી ગુજરાત સમાચારે ફોટોગ્રાફો સહિત તંત્રીલેખો, રાષ્ટ્રગીતો, કાવ્યો અને નાટકો દ્વારા ગાંધીજીની અહિંસક ક્રાંતિને બીરદાવી હતી. એણે ગોડસે અને સાવરકર જેવા નકરા હિન્દુ બ્રાન્ડના રાષ્ટ્રવાદીઓની રાજકીય ખૂનબાજીની નીતિને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. ગુજરાત સમાચારના ૧ ફેબુ્રઆરી, ૧૯૪૮ના અંક મુજબ મુંબઈના શિવાજી પાર્કમાં આવેલા વી.ડી. સાવરના મકાન પર ૧૦૦૦ લોકોએ હુમલો કરીને તે બાળ્યું હતું.

ત્યારબાદ ૧૫-૧૧-૧૯૪૯માં ગોડસેને અંબાલા સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાયા પછી પણ ગુજરાત સમાચારે ગોડસે અને અન્ય કાવતરાખોરોની 'રાષ્ટ્રવાદ'ની સાંકડી અને રતાંધળી નીતિ અને કાર્યપદ્ધતિને ઉઘાડી પાડી હતી. આજે પણ ગુજરાત સમાચાર તેમજ પ્રજાબંધુએ પ્રસિદ્ધ કરેલા 'મરજીવાનું અમરત્વ', 'દેહ ઢળી પડયો ત્યારે', 'પ્રાર્થના કરવા જતા ગાંધીજી' જેવા સંખ્યાબંધ ફોટોગ્રાફો તેમજ લેખો તે જોનાર અને વાંચનારનું હૃદય હચમચાવી મૂકે તેવા છે. તેની સાથે સાથે ગુજરાત સમાચારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ રાષ્ટ્રદળ અને હિંદુ મહાસભા જેવી 'રાષ્ટ્રવાદ'ને નામે કોમી તનાવોને વધારે બહેકાવતી સંસ્થાઓ તેમજ મુસ્લીમ લીગ જેવી ધર્માંધ અને અલગતાવાદી સંસ્થાઓની ઘોર ખોદીને ભારતીય જનતાને સાચી, ઉદાર અને કાર્યક્ષમ લોકશાહી માટે જાગૃત કરી હતી.  (ક્રમશ:)

- મકરન્દ મહેતા

Tags :