Get The App

વિવેકી માણસ ક્યારેય અળખામણો થતો નથી !

ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

Updated: Dec 7th, 2019

GS TEAM

Google News
Google News
વિવેકી માણસ ક્યારેય અળખામણો થતો નથી ! 1 - image


સંસ્કારી માણસ પોતાની આસપાસના ઘણાલોકોને રાજી રાખતો હોય છે ! સંસ્કાર અને અહંકાર એ બંને માણસની લાક્ષણિકતા છે ! એ બેમાંથી કઇ લાક્ષણિકતા કેળવવી એ માણસે નક્કી કરવાનું હોય છે.

ખરાબ સ્વભાવવાળા માણસને સમર્થકો મળતા નથી. સારા સ્વભાવનો માણસ આર્થિક રીતે નબળો હશે પણ સમર્થકોની બાબતમાં એ બળવાન હોય છે ! અહંકારી માણસ એકલો એકલો રાજી થતો હોય છે.

આ મ તો આપણે બધા માણસ છીએ, છતાં બધા એક સરખા નથી. માણસ માણસ વચ્ચે પણ તફાવત હોય છે ! આ તફાવત શાનો છે ? બધાના ચહેરા એક સરખા નથી એટલે ? બધાના નાકનકશામાં સામ્યતા નથી એટલે ? કોઇના કદ એક સરખા નથી એટલે ? ગરીબી અને અમીરીનો પ્રશ્ન છે ? સરકારી નોકરી અને ખાનગી નોકરીનો પ્રશ્ન છે ? કારોબારનો પ્રશ્ન છે ? પહેરવા ઓઢવાને કારણે માણસ માણસથી જુદા પાડે છે ? દેખીતી રીતે આવા બધા પ્રશ્નો બે માણસ વચ્ચે તફાવત સર્જે છે ! પણ એ તફાવતથી માણસ અળખામણો થઇ જતો નથી. માણસ અણખામણો થઇ જાય, એ સૌથી મોટો તફાવત છે અને એને જ તફાવત કહી શકાય.

ચહેરામોહરાની કે રૂપરંગની ભિન્નતા ક્યારેય કોઇને સહ્ય અથવા અસહ્ય લાગતી નથી. અથવા અજુગતી લાગતી નથી અને એથી જીવન પર સારી અથવા માઠી અસર થતી નથી. જીવનરીતિમાં અસરરૂપ થાય એ તફાવત માણસના વાણીવર્તનમાંથી જન્મે છે. વાણીવર્તન બે માણસને નોખા પાડે છે. વાણીવર્તન સાથે વિવેકપૂર્વકની સકારાત્મકતા માણસને લોકપ્રિય બનાવે છે. જેની પાસે વાણીવર્તનમાં વિવેક છે, એ માણસ ક્યારેય અળખાણમો થતો નથી.

સારા વાણી વર્તનથી સારા સ્વભાવનું ઘડતર કરે છે. સારો સ્વભાવ આકર્ષક હોય છે. એની પાસે લોકો હર્ષભેર જાય છે અને ખરાબ સ્વભાવના માણસ પાસે ન છુટકે જ લોકો જતા હોય છે ! વિવેકી માણસ નકારાત્મકને નજરઅંદાઝ કરીને સકારાત્મકતાને જ સમર્થન આપે છે. સકારાત્મકતા માણસમાં સંસ્કારનું ઘડતર કરે છે. નકારાત્મકતા માણસને અહંકારી બનાવે છે ! આ સંસ્કાર અને અહંકાર એ જ નોંધપાત્ર તફાવત છે. એ જ તફાવત મૂળભૂત તફાવત છે !

તમે પૈસાપાત્ર છો પણ અહંકારી છો, એ અહંકાર તમારા સ્વભાવને અપ્રિય બનાવે છે. નોકરીમાં સારા હોદ્દા પર હોય, કારોબાર ધમધોકાર ચાલતો હોય ને છતાં એ વિશે અહંકારી ન હોય એવા માણસની દુનિયામાં કદર થાય છે. ખરાબ સ્વભાવવાળા માણસને સમર્થકો મળતા નથી. સારા સ્વભાવનો માણસ આર્થિક રીતે નબળો હશે પણ સમર્થકોની બાબતમાં એ બળવાન હોય છે ! અહંકારી માણસ એકલો એકલો રાજી થતો હોય છે. સંસ્કારી માણસ પોતાની આસપાસના ઘણાલોકોને રાજી રાખતો હોય છે ! સંસ્કાર અને અહંકાર એ બંને માણસની લાક્ષણિકતા છે ! એ બેમાંથી કઇ લાક્ષણિકતા કેળવવી એ માણસે નક્કી કરવાનું હોય છે. એ માટે માણસની વિવેકબુધ્ધિ કામ લાગે છે.

માણસને જીવવા માટે શ્વાસ જરૂરી છે. માણસ પાસે બધું જ હોય ને શ્વાસ ખૂટી જાય તો એ ખોટ પૂરવા તમારી સાધનસંપન્નતા કામ લાગતી નથી. છતાં માણસ પોતાની સાધન સંપન્નતાનો જેટલો ખ્યાલ રાખે છે એમાંના એક અંશ જેટલો ય ખ્યાલ એને શ્વાસ માટે આવતો નથી. કોઇ પણ માણસ સવારે ઉઠતાંની સાથે શ્વાસ ચાલે છે કે નહિ, એ અંગે ક્યારેય કશો ધ્યાન આપતો નથી ! નોકરી, ધંધો, સંબંધો, માનમોભો, વિગેરેને સાચવવાની જેટલી કાળજી રાખે છે એટલી શ્વાસની કાળજી રાખવાનો એને ખ્યાલ આવતો નથી ! એને પગાર ગણવાનો અને વકરો ગણવાનો શોખ છે.

એ એના આનંદનો પણ વિષય છે. એ માટે એની પાસે સમય છે. પરંતુ શ્વાસ ગણવાની એને ફુરસદ નથી અથવા શ્વાસ ગણવાની એને જરૂર લાગતી નથી ! કોઇ દિવસ ઘરાકી ઓછી હોય ને વકરો ઓછો આવ્યો હોય તો એક છાનીછૂપી ઉદાસી એની માનસિકતામાં આંટો મારી જતી હોય છે. વકરો ઓછો થયાની ચિંતા કરનારને ક્યારેય એ વાતનો ખ્યાલ નથી આવતો આજે કેટલા શ્વાસ વપરાયા અને શ્વાસની મૂળભૂત સિલકમાંથી કેટલા શ્વાસ ઓછા થઇ ગયા એ અંગે એ ક્યારેય ચિંતા કરતો નથી.

એ અંગે એ વિચારતો પણ નથી ! કેટલા શ્વાસ વપરાયા ને કેટલા બાકી રહ્યા એ અંગે વિચારતો હોય તો એ અંગે એને ચિંતા થાય છે. જેને પોતાના શ્વાસ પ્રત્યે ધ્યાન નથી એ માણસ શ્વાસ દેનારનો ઉપકાર પણ ગણતો નથી ! શ્વાસ દેનારનો ઉપકાર ધ્યાનમાં રાખનાર માણસ ક્યારેય અહંકારી હોતો નથી ! બસ આમ જ જીવાય છે ને આમ જ સમય પસાર થાય છે !

આ સમય પણ કમાલનું તત્વ છે ! કોઇને સમય ઓછો પડે છે. કોઇને સમય ખૂટતો જ નથી. એને સમય પસાર કરવા જાતજાતના પ્રયત્નો કરવા પડતા હોય છે ! આમ સમય દ્વિઅર્થી પણ છે. કોઇની પાસે સમય હોતો નથી કોઇનો સમય હોતો નથી ! સમયને પલ્ટાઇ જતાં પરવાર લાગતી નથી. બરાબર રાજ્યાભિષેકના સમયે જ રામની વનવાસનો આદેશ મળે છે ! ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીનો સમય હતો અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા ! અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, એવું કહેવાતું હતું.

એ  ઇન્દિરા જે સંસ્થાનાં સર્વેસર્વા હતા એ કોંગ્રેસનો આજે સમય નથી ! જેમ ઇન્દિરા વિશે કહેવાયુ તેમ આજે 'મોદી હૈ તો મુમકિન હૈ' કહેવાતું થયું છે. એટલે કે મોદી ધારે તે કરી શકે છે ! આ પ્રકારની માન્યતા જ્યારે સામુહિક રીતે મજબૂત લોકમાન્યતા બની જાય છે ત્યારે એની આડઅસર થવા માંડે છે. એ વ્યક્તિની લોકપ્રિયતા ઘટવા માંડે છે. મોદી ધારે તે કરી શકે છે એવું મોદીની પ્રશંસા માટે કહેવાતું હોય છે પણ એ પ્રશંસા સમાજમાં ધાકનું રૂપ ધારણ કરે છે ! મોદી ક્યારે કોનું શું કરી બેસે એ અંગેની ધાક પ્રવર્તમાન બને છે અને લોકપ્રિયતાને કાટ ચડવા માંડે છે ! ધારે તે કરી શકવાની ખુમારીને પડકારરૂપ માનસિકતા લોકોમાં કેળવાય છે.

આ કોઇ એક કુટુંબકબીલા પૂરતી વાત હોયને પરિવારના આગેવાન અથવા કબીલાના સરદાર વિશે ધારે તે કરી શકે છે એમ કહી શકાય. પણ આ કુટુંબકબીલાની વાત નથી. આ ભારત જેવા એક વિશાળ દેશની લોકશાહીને સ્પર્શી જતી વાત છે. લોકશાહી શાસનમાં વ્યક્તિગત રીતે કોઇપણ એક વ્યક્તિને ધારે તે કરવાનો અધિકાર હોતો નથી. એનું ઉલંધન કરનારને સમય ઓળંગી જતો હોય છે.

છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં જે રાજકારણ રમાયુ એ એક મજબૂત ઉદાહરણ છે ! પશ્ચિમ બંગાળમાં અમિત શાહે રીતસર પડાવ નાખીને ત્યાંના રાજકીય વાતાવરણને બદલી નાખવા જે પ્રયાસો કર્યા, અથવા જે ઉધામા કર્યા એ પછી પશ્ચિમ બંગાળ વિધાનસભાની એક બેઠક માટેની ચૂંટણીમાં ભાજપને પરાજય મળ્યો. એનો અર્થ એ કે અમિત શાહનાં પ્રયત્નોની આડઅસર ભાજપને વેઠવી પડી ! કર્ણાટકમાં જે ખેલ રચાયો એની પણ આડઅસર ભાજપને વેઠવી પડી અને છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં જે કાંઇ થયું એ ભાજપની પડતી માટે મજબૂત ઉદાહરણ છે ! ઉધ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રની ગાદી ચાકડે બેઠેલા મદદની માફક સહેલાઈથી મળી ગઈ. અને તે પણ તદ્દન વિરોધી વિચારધારાના અગ્રણીઓના ટેકાથી શક્ય બને તો એ ખરેખર નવાઈની વાત છે.

કોંગ્રેસનું અને શિવસેનાનું સાથે બેસવું જ કલ્પના બહારની સચ્ચાઈ છે. શિવસેનાની પડખે ઊભા રહેવાનું કોંગ્રેસે સ્વીકાર્યું એની પાછળ ભાજપને સત્તાથી દૂર રાખવાના હેતુ કરતા કોઈ વિશેષ શક્તિશાળી બળ કામ કરી ગયું હોવાનું લાગે છે. અને એ કયું બળ છે એ જાણવા બહુ સમય પણ ખર્ચવો પડયો નથી. ઉધ્ધવ ઠાકરેની સરકારની શપથવિધિનાં ટાંકણે જ શિવસેનાને ટેકો અપાવનાર એ છૂપા બળનાં દર્શન પણ થઈ ગયા ! આ પ્રસંગે પોતાની પત્ની સાથે સજોડે ઉપસ્થિત રહેતા મુકેશ અંબાણીની હાજરીને તમે ક્યું નામ આપશો ?

ભાજપ અથવા કોંગ્રેસ જેવા રાષ્ટ્રીયપક્ષની સરકારની શપથવિધિમાં કોર્પોરેટ ક્ષેત્રની હાજરી સ્વાભાવિક લેખાય ! પરંતુ લોકશાહીની વિચારધારાથી વિપરિત વિચારધારા ધરાવતા શિવસેના જેવા કંઈક અંશે વગોવાયેલા પ્રાદેશિક પક્ષની સરકારની શપથવિધિને કોર્પોરેટ ક્ષેત્રના વધામણા પ્રાપ્ત થાય તો એ ઐતિહાસિક ઘટના બને છે અને ઉંડાણપૂર્વક વિચારવા માટે આપણને મજબૂર કરે છે ! ઉધ્ધવ ઠાકરને મુખ્યમંત્રી બનાવવા પાછળ એન.સી.પી.ના શરદ પવાર અને કોંગ્રેસનાં સોનિયા ગાંધીનો જ ટેકો પૂરતો નહોતો.

એ માટે ઉદ્યોગપતિનો ટેકો કામ કરી ગયો છે.અંબાણી પરિવાર દેશના સૌથી અગ્રણી અને મોટા ગજાના ઉદ્યોગપતિ ગણાય છે. ઉદ્યોગપતિઓના આગેવાન એવા મુકેશ અંબાણી ઉધ્ધવ ઠાકરેની પડખે ઊભેલા હોવાથી એક વાત પુરવાર થાય છે કે કોર્પોરેટ લોબીએ ભાજપ પ્રત્યેથી મોઢું ફેરવી લીધું છે. મુકેશ અંબાણીની હાજરી એટલે માત્ર રિલાયન્સની જ હાજરી નહિ, સર્વ કોર્પોરેટની હાજરી હોવાનું માની શકાય. ને એવું એટલા માટે માની શકાય કે વળતે દિવસે બીજા અગ્રણી ઉદ્યોગપતિ બજાજે જાહેરમાં કહ્યું કે ભાજપની સરકારે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે સરકારની ટીકા કરનારને વેઠવું પડે છે.

એવું ભયનું વાતાવરણ ઊભું કર્યું છે કે સરકાર સામે આંગળી ચીંધનારને હેરાન પરેશાન કરી નાંખવામાં આવે છે. બજાજ જેવા એક અગ્રણી ઉદ્યોગપતિને આવો કડવો અનુભવ થયો હોય તો સામાન્ય પ્રજાની શી દશા થતી હશે. સામાન્ય માણસ સરકાર સામે આંગળી ચીંધવાની હિંમત કરી શકે ખરો ? સામાન્ય માણસ ચૂપ છે. ભયનો માર્યો એ બોલી શકતો નથી, એનો અર્થ એ નથી કે એને સરકાર સામે કશી ફરિયાદ જ નથી ! પણ બજાજ સામાન્ય માણસની વાત નથી કરતા ! ઉદ્યોગપતિઓ ભયમાં જીવતા હોવાની વાત કરી અને સાથે સાથે કોંગ્રેસની પ્રશંસા કરતાં જણાવ્યું કે કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકારમાં જે વાતાવરણ હતું તે હાલમાં જોવા મળતું નથી ! ત્યારે ગમે તેને ગાળ દઈ શકાતી નથી. આજે આંગળી ચીંધવાની પણ કોઈ હિંમત કરતું નથી ! એમણે એમ પણ કહ્યું કે આ સ્થિતિ અમારા ઉદ્યોગપતિ મિત્રોના મગજમાં છે.

પણ કોઈ કશું બોલતું નથી ! રાહુલ બજાજે સાધ્વી પ્રજ્ઞાા ઠાકુરના મુદ્દે ભાજપની નીતિની પણ ટીકા કરી. આ વાત ઘરના ખૂણે બેસીને ટ્વીટર પર કહેવામાં આવી નથી. સમારંભમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલની ઉપસ્થિતિમાં રાહુલ બજાજે મોઢા મોઢ જે કહેવાનું હતું તે કહ્યું ! અને ઉધ્ધવ ઠાકરેના શપથવિધિ સમારંભમાં સજોડે ઉપસ્થિત રહીને રિલાયન્સના અગ્રણી મુકેશ અંબાણીએ ભાજપ પ્રત્યે નારાજ હોવાનો મૌન સંકેત આપ્યો છે. એને રાહુલ બજાજના  મંતવ્યને એડવાન્સ સમર્થનની દ્રષ્ટિએ જોવામાં આવશે !રાજકારણમાં કિન્નાખોરી ચાલે છે. એ લોકો એકબીજાની વિરોધ બોલતા હોય છે. પણ એમના શબ્દો અસરકારકતા ગુમાવી ચૂક્યા છે.

રાજકારણીઓને એકબીજાની ટીકા કરવાનીં કુટેવ હોય છે એમ સમજીને લોકો એમની વાતને બહુ ધ્યાનમાં લેતા નથી. પણ રાહુલ બજાજે વાત કરી એ વિશે ઘણાં લોકો વિચારતા થઈ ગયા છે. બજાજની વાતમાં ક્યાંય રાજકારણ આવતું નથી કે એને કિન્નાખોરી કહી શકાય ! એમણે કોંગ્રેસની યુપીએ સરકારની પ્રશંસા કરી એમાં પણ કોઈ રાજકીય હિત હોવાનું જણાતું નથી. રાહુલ બજાજે આ વાત અત્યંત નિર્ભયપણે અને નિખાલસા પૂર્વક સરકારની હાજરીમાં જ કહી હોય તો તેને ખંડિત કરવા ખુલાસા કરવાને બદલે એ વાતને સ્વાભાવિક ટીકાના રૂપમાં જોવામાં આવે અને જે આક્ષેપ થયો છે એવા ભયનું વાતાવરણ વિશે શાંતિથી વિચારવું જોઈએ.

પશ્ચિમ બંગાળમાં ભાજપ તરફી વાતાવરણ ઊભું કરવા ગૃહમંત્રી અમિત શાહે ત્યાં ખડભડાટ મચાવી મૂક્યો હોવા જતા ત્યાંની વિધાનસભાની એક સીટ માટે તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને શાથી પરાજય વેઠવો પડયો એ અંગે વિચારવું જરૂરી છે. કર્ણાટકમાં જે થયું એની પાછળના કારણો શોધીને એનું નિવારણ કરવું જોઈએ. અને છેલ્લે મહારાષ્ટ્રમાં આટલા વર્ષોની સરકાર શાથી ગુમાવવી પડી અને શિવસેનાને એન.સી.પી. અને કોંગ્રેસનું સમર્થન કેમ મળ્યું એ શોધી કાઢવું જોઈએ.

આક્ષેપ પ્રતિ આક્ષેપ થી કશું વળવાનું નથી ! ટીકા થાય ત્યારે એટલું માની લેવાનું કે આગ લાગ્યા વગર ધુમાડો ન નીકળે, એમ ટીકા થાય છે તો એમાં ક્યાંક કશું તથ્ય હશે. એમ વિચારીને એ મુદ્દે તપાસ થવી જોઈએ. નાનકડું કાણું આખા જહાજને ડૂબાડી શકે છે. મોદી સરકારે કાશ્મીરની ૩૭૦ કલમ હટાવી, એ વિશે કોઈએ કશો વાંધો લીધો ? ઉલ્ટાની મોદી સરકારની પ્રશંસા થઈ. રામ મંદિર વિશે અદાલતનો ચુકાદો પણ મોદીની તરફેણમાં જ ગયો છે ! આવી પ્રશંસનીય કામગીરી ચાલતી હોય ત્યારે સાધ્વી પ્રજ્ઞાા ઠાકુરને ટિકિટ આપવાની કે એને જીતાડીને ડિફેન્સ સમિતિમાં સ્થાન આપીને ટીકાપાત્ર થવાનું શું યોગ્ય કહેવાય ? આટલા બધા સારા કામો થઈ રહ્યાં છે.

લોકમત મળી રહ્યો છે. મોદી સરકાર બીજી ટર્મ પર રાજ કરી રહી છે આવી ઉજળી સ્થિતિમાં પ્રજ્ઞાા ઠાકુરને પક્ષમાં ન લેવાથી પક્ષનું ક્યું ધનોતપનોત નીકળી જવાનું હતું ? વર્તમાન સમય ભાજપ માટે પ્રશંસા પામવાનો સમય છે અને એ સાથે વિચારવાનો પણ સમય છે. મહારાષ્ટ્રમાં જે રાજકીય રમત રમાઈ એના પ્રત્યે ક્રોધિત થવાને બદલે એ રમત કેમ રમાઈ, એ વિશેના કારણો શોધવાનો અને કારણોનું નિવારણ કરવાનો સમય છે. આ રાજકારણ છે. એકવાર ગાડી પાટા પર દોડવા માંડે ત્યારે પાટા જે જમીન સાથે જોડાયેલા રહે છે એ જમીન સાથે આપણે જોડાઈ રહેવું પડે ને એના જોડાતા અને છૂટા પડતાં સાંધાઓ પર પણ ધ્યાન રાખવું પડે નહિ તો ગાડી બીજા પાટે ચડી જવાની સંભાવના નકારી ન શકાય !

ભરોસો ના કરો સ્હેજે સૂકાની જેવા કાતિલ પર

ડૂબાડી દેશે તમને છેક પહોંચાડીને સાહિલ પર

Tags :