કંપનીઓ કે અન્ય સંસ્થાઓના વિકાસના પાંચ તબક્કા હોય છે
મેનેજમેન્ટ - ધવલ મહેતા
કંપની કે વ્યવસ્થાતંત્રના ડેવલપમેન્ટ મોડેલના પાંચ તબક્કાઓની ચર્ચા કરી છે તેને નવા ઉદ્યોગ સાહસિકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
નવા અને જૂના સાહસો : જે લોકો નવા ધંધાકીય સાહસો સ્થાપવા માંગે છે તેમને માટે ધંધાનું પાંચ તબક્કાનું ડેવલપમેન્ટ મોડેલ જાણવું ઉપયોગી થઈ પડશે. કેટલી કંપનીઓ સારા ધંધાકીય આયોજનને અભાવે શરૂઆતના છ મહીના કે વર્ષમાં જ બંધ પડી જાય છે તેની અહીં વાત કરતા નથી. પરંતુ માનવ જીવનની જેમ જ ધંધામાં પણ ચઢતી પડતી આવે છે. ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓ પણ અમુક વર્ષની સફળતા બાદ તે યાદીમાંથી અદ્રશ્ય થઈ જાય છે. અમુક કંપનીઓનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે.
દા.ત. ઇંગ્લેન્ડમાં રાણીના ચાર્ટ હેઠળ છેક ઈ.સ. ૧૬૦૦માં સ્થપાયેલી ઈસ્ડ ઈન્ડીઆ કંપનીએ ઈ.સ. ૧૬૦૦ થી ૧૮૫૭ એમ ૨૫૭ વર્ષ સુધી ભારતમાં સત્તા ભોગવી અને ઈ.સ. ૧૮૫૮માં ઈંગ્લેન્ડની સરકારે ભારતનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધા પછી તેની પડતી થઈ અને અંતે તે બંધ થઈ ગઈ. અમદાવાદની એક વખતની સૌથી પ્રતિષ્ઠિત કેલીકો ટેક્ષ્ટાઈલ મીલ પણ બંધ પડી. અમદાવાદના માતબર અન્ય મીલ માલીકોની મીલો પણ બંધ પડી ગઈ.
લગભગ ૧૭૫ વર્ષ પહેલાં ઈંગ્લેન્ડની સૌથી પ્રતિષ્ઠિત ટુર એન્ડ ટ્રાવેલની થોમસ કુકની કંપની પણ આ વર્ષે જ બંધ પડી. કોઈપણ સમાજમાં જૂનાનો અંત આવે છે અને નવાનો ઉદય થાય છે. જો કંપનીનું મેનેજમેન્ટ સારું હોય તો તે ઘણાં વર્ષો કે દાયકાઓ બજારમાં ટોપ પર રહી શકે છે. નીચે કંપની કે વ્યવસ્થાતંત્રના ડેવલપમેન્ટ મોડેલના પાંચ તબક્કાઓની ચર્ચા કરી છે તેને નવા ઉદ્યોગ સાહસિકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
કંપની કે સંસ્થાનું ડેવલપમેન્ટ મોડેલ : આ ડેવલપમેન્ટ મોડેલના પાંચ તબક્કાઓ છે.
૧) પ્રથમ તબક્કો - નવી પ્રોડક્ટ કે નવી સેવા દ્વારા કંપનીની શરુઆત: કંપની કે સંસ્થાની શરૂઆત પહેલવૃત્તિથી થાય છે. નવી પ્રોડક્ટ કે સેવા (જેમકે સ્વીગી કે ઓન લાઈન શોપીંગ) દ્વારા કંપનીની શરૂઆત થાય છે. તેમાં કંપની સ્થાપનારાની કે સાહસિકતાની મોટી ભૂમિકા હોય છે. નવા ઉદ્યોગકારો જોખમ લેવા તૈયાર હોય છે. નાની નાની કંપનીઓ કે દુકાનો ભલે કોઈ નવા વિચાર સાથે દાખલ ના થાય પરંતુ તેઓ બજારમાં માંગનો ક્યાસ કાઢીને નવો ધંધો શરૂ કરે છે અને ધારી સફળતા પણ પ્રાપ્ત કરે છે.
દા.ત. જ્યાં કરિયાણાની દુકાનની સગવડ ના હોય ત્યાં કરિયાણાની દુકાન સ્થાપવી કે જ્યાં કાર રીપેરીંગની સગવડ ના હોય ત્યાં ગેરેજની સ્થાપના કરવી. જ્યાં તબીબી સારવારની સગવડ ના હોય ત્યાં ડોક્ટર પોતાની ડીસ્પેન્સરીની સ્થાપના કરે કે જ્યાં શાળાની બીલકુલ સગવડ ના હોય ત્યાં શાળા સ્થાપવી કે જ્યાં અનાજ દળવાની ઘંટી ના હોય ત્યાં તેની સ્થાપના કરવી, શાકભાજીની દુકાન સ્થાપવી વગેરે. સફળ ધંધા સ્થાપકોને ફાયનાન્સીયલ મેનેજમેન્ટમાં પારાવાર મુશ્કેલીઓ નડે છે.
આથી શરૂઆતના તબક્કે સફળ થયેલા ધંધા સ્થાપકો હંમેશા માનસિક તંગદીલીનો ભોગ બને છે. તેમની સફળતા તેમની દુશ્મન બને છે. આથી ઘણા ધંધા સ્થાપકો પોતાનો ધંધો વધારવા માંગતા નથી. ધંધામાંથી જે મળે તેમાં સંતોષ માને છે. ટૂંકમાં ધંધાનો વિકાસ થતા તેમાં એક જ વ્યક્તિની લીડરશીપની મર્યાદા છતી થઈ જાય છે. આને લીડરશીપ ક્રાઈસીસ કહે છે. ધારો કે ધંધો ઘણાં મિત્રોએ ભેગા મળીને શરૂ કર્યો હોય તો તેમાં વખત જતા વિખવાદ ઊભો થાય છે અને મિત્રાચારીના સંબંધો કડવાશમાં ફેરવાઈ જાય છે. નવો ધંધો શરૂ કરનાર મિત્રો હોય તો તેમણે એકબીજા માટે સહિષ્ણુતા રાખવી પડશે.
૨) બીજો તબક્કો - વ્યવસ્થા તંત્રની રચના દ્વારા વિકાસ : શરૂઆતમાં ધંધો જામી જાય તે પછી ધંધાનો વિકાસ વ્યવસ્થિત માળખાની રચના દ્વારા થાય છે. સત્તા માળખામાં સત્તા ઉપરથી નીચે જાય છે અને ધંધામાં બ્યુરોક્રસી એટલે કે અમલદારશાહી ઉભી થાય છે. સંસ્થામાં ઉપરી કર્મચારીઓ નિર્ણયો લે છે અને નીચેના માણસોએ આ નિર્ણયોનો અમલ કરવાનો હોય છે. કર્મચારીઓ તે માટે સત્તા માંગે છે. આમાંથી સ્વાયત્તતાની કટોકટી ઊભી થાય છે. નીચેના કર્મચારીઓ પહેલવૃત્તિ દેખાડતા નથી અને નિર્ણય પ્રક્રિયાનું કેન્દ્રીકરણ થાય છે. આ મુશ્કેલીમાંથી કંપની બચી જાય તો તેનો ત્રીજા તબક્કામાં વિકાસ થાય છે.
૩) ત્રીજો તબક્કો - સત્તાની વહેંચણી એટલે કે ડેલીગેશન દ્વારા વિકાસ : બીજા તબક્કામાં સત્તાનું કેન્દ્રીકરણ થતા કંપની નબળી પડે છે. ત્રીજા તબક્કામાં કંપનીના સત્તાધારકો સત્તાનું નીચે સુધી વિતરણ (ડેલીગેશન) કરે છે. નીચેના મેનેજરો અને સુપરવાઈઝરોને ડેલીગેશન દ્વારા વધુ સત્તા પ્રાપ્ત થાય છે. કંપનીમાં પ્રોફીટ સેન્ટર્સના વિચારનો અમલ થાય છે. પ્રોફીટ સેન્ટર્સના વડા માથે ઘણી જવાબદારી મુકવામાં આવે છે. કંપનીમાં સ્ટ્રેટેજીનું ઘડતર થાય છે.
માત્ર કંપનીની પોલીસીઝથી આ ઊંચો વિચાર છે. આ તબક્કે કંપનીમાં 'કન્ટ્રોલ'ની કટોકટી ઊભી થાય છે. કંપનીના ઉચ્ચ મેનેજરોને લાગે છે કે તેઓ ઉપરથી કાબુ ગુમાવી રહ્યા છે. કારણ કે દરેક ડીપાર્ટમેન્ટ કે ડીવીઝન પોતાને સ્વાયત્ત ગણીને કંપની માટેના નિર્ણયો લે છે. તમે તમારા નીચે કામ કરતા કર્મચારીને સત્તા ડેલીગેટ કરી શકો છો પરંતુ તે અંગે એકાઉન્ટેબીલીટી તો તમારી જ છે.
૪) ચોથો તબક્કો - સંકલન દ્વારા વિકાસ : ત્રીજા તબક્કાની કટોકટીનો સફળતાપૂર્વક સામનો કરીને સંકલન (કો ઓર્ડીનેશન) દ્વારા વિકાસ કરે છે. કંપનીમાં જુદી જુદી સીસ્ટમ્સનું નિર્માણ થાય છે. કંપનીના કેટલાક એકમોનું મર્જર થાય છે. કંપનીમાં જુદા જુદા સ્વાયત્ત ડીવીઝન્સ ઊભા થાય છે જેમકે સ્કુટર ડીવીઝન, બાઈક ડીવીઝન, કાર ડીવીઝન, જીપ ડીવીઝન, ટ્રક ડીવીઝન વગેરે. કંપની જો દવા બનાવતી હોય તો લીક્વીડ દવાઓ, ઈન્જેક્ટેબલ્સ, ટેબલેટ્સ, ઓઈન્ટમેન્ટ્સ વગેરે ડીવીઝન્સ ઉભા થાય છે. આ તબક્કે કંપનીમાં લાઈન મેનેજર્સ અને સ્ટાફ મેનેજરની વચ્ચે મોટા સંઘર્ષો ઊભા થાય છે. ઉપરાંત કંપનીમાં વડા મથક અને ફીલ્ડ સ્ટાફ વચ્ચે પણ ગેરસમજ અને સંઘર્ષો ઊભા
થાય છે. કંપનીમાં ઈનોવેશન્સ રૂંધાય છે. આ તબક્કે કંપનીમાં 'રેડ ટેપ'ની કટોકટી ઊભી થાય છે. નિયમોના જંગલને લીધે સરકારી ઓફીસોમાં બને છે તેમ નિર્ણય પ્રક્રિયાનું અમલીકરણ મંદ પડી જાય છે.
પાંચમો તબક્કો: કંપનીમાં કોલેબોરેશનની શરૂઆત
આ તબક્કે કંપની ચોથા તબક્કાની કટોકટી દૂર કરીને મેનેજરો વચ્ચે કોલેબોરેશન એટલે કે પરસ્પર સહકારની પરંપરા ઊભી કરે છે. ટીમ્સની અને રીઅલ-ટાઈમ માહિતી પ્રેષણની વ્યવસ્થા ઊભી થાય છે. રીઅલ-ટાઈમ માહિતી પ્રેષણ માટે કમ્પ્યુટર્સનો ભરપૂર ઉપયોગ થાય છે. કંપની એક સુગ્રથિત કલ્ચર ઉભું કરે છે અને કંપનીનો ડ્રાઈવીંગ-ફોર્સ તેનું કલ્ચર બને છે.