Get The App

જીવ જગતની અદ્ભુત સંરચના અકસ્માતે થઈ નથી પણ અત્યંત બુદ્ધિશાળી પરમ ચેતનાથી થઈ છે !

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Dec 7th, 2019

GS TEAM

Google News
Google News
જીવ જગતની અદ્ભુત સંરચના અકસ્માતે થઈ નથી પણ અત્યંત બુદ્ધિશાળી પરમ ચેતનાથી થઈ છે ! 1 - image


જીવન એવું ચિત્રકાર છે જે પ્રકૃતિમાં રંગો ભરે છે, પુષ્પોમાં સુગંધ ભરે છે. એ એવું સંગીતકાર છે જે માનવી, પક્ષી વગેરેના કંઠેથી અદ્ભુત સ્વરાવલિઓ પ્રકટ કરે છે

તે જોબિંદુ ઉપનિષદ કહે છે - 'આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે કંઈ છે અને નથી તે બધું જ ચૈતન્ય જ છે. જડ તો કશું છે જ નહીં. તે ચૈતન્ય શક્તિ ચૈતન્યમય સમુદ્રમાં કંઈક ક્ષુભિત સ્વરૂપવાળી થાય ત્યારે એ અખંડ ચૈતન્ય એક જ આત્મારૂપ છે એમ હૃદયમાં દ્રઢ ભાવના કરવી.

જેમ સમુદ્રના સ્વચ્છ તરંગો તન્મય હોવાથી તેમાં જ પ્રકાશે છે તેમ આત્મસ્વરૂપ હૃદયાકાશમાં આત્મા રૂપે તે ચૈતન્ય શક્તિ પ્રકાશે છે.' એ રીતે યોગવાશિષ્ઠ મહારામાયણમાં પણ કહેવાયું છે - 'જે રીતે જળમાં તરંગોની ચંચળતા છે, પ્રજ્વલિત દીવામાં પ્રકાશ કિરણોની સ્ફૂરણા છે, અગ્નિમાં તણખા, ચંદ્રમાં કિરણો, વૃક્ષમાં પાંદડા - પુષ્પની શોભા પ્રકટેલી જોવા મળે છે એ જ રીતે સૃષ્ટિના અણુ-અણુમાં વ્યાપ્ત પરમ ચેતનાને જે નિહાળે છે અને અનુભવે છે તે જ ઈશ્વરનું સાચું જ્ઞાાન પ્રાપ્ત કરી શકે છે.

જગતમાં જેટલા અને જે પદાર્થો છે તે બધા આ ચેતનાથી જ ઉદ્ભવે છે.' મહોપનિષદ પણ કહે છે - 'સર્વાત્મવેદનં શુદ્ધં યદોદતિ તવાત્મકમ્ । ભાતિ પ્રસૃતિ દિક્કાલબાહ્યં ચિદ્રૂપદેહકમ્ ।। બધું ચૈતન્ય રૂપ આત્મા છે આવું શુદ્ધ અનુભવ જ્ઞાાન જ્યારે તારી અંદર પ્રકટ થશે ત્યારે તારો પોતાનો દેહ પણ દેશ, દિશા અને કાળથી બહાર રહેલા ચૈતન્ય રૂપ જ જણાશે.'

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં 'ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટ બાયોલોજી' પર ગહન સંશોધન કરનારા બ્રિટિશ જીવવિજ્ઞાાની, જનીનવિજ્ઞાાની અને ભૂ્રણ વિજ્ઞાાની કોનરેડ હાલ વાડિંગ્ટન (૮-૧૧-૧૯૦૫/૨૬-૯-૧૯૭૫) એમના પુસ્તકોમાં પ્રસ્થાપિત કરે છે કે આ જગત અકસ્માતે ઉત્પન્ન થયું નથી અને એની મેળે ચાલી રહ્યું નથી. અકસ્માતે તો દુર્ઘટના ઉત્પન્ન થાય, સર્જન ના થાય ! બ્રહ્માંડમાં સુવ્યવસ્થા અને સંતુલન પ્રવર્તે છે તે જ બતાવે છે કે એને બનાવનારી અને તેના પર નિયંત્રણ રાખનારી કોઈ અત્યંત બુદ્ધિશાળી અને શક્તિશાળી સત્તા છે.

મકાન હોય કે યંત્ર એને યોગ્ય ઘટકોથી વિચારી-સમજીને બનાવવામાં આવે છે, એ આપમેળે બની જતા નથી. તમે ઈંટોનો ઢગલો કરી દો અને એવી આશા રાખો કે કોઈવાર ધરતીકંપ થાય અને બધી ઈંટો ઉછળ્યા પછી એવી રીતે આપમેળે ગોઠવાઈ જાય કે જેનાથી અનેક ઓરડાવાળું સુંદર મકાન બની જાય ! શું આવું બનવું શક્ય છે ? જો એ શક્ય નથી તો આ જગત પણ કેવી રીતે અકસ્માતે ઉત્પન્ન થઈ જાય અને પાછું આટલું નિયમબદ્ધ, સુવ્યવસ્થિત રીતે ચાલતું પણ રહે ? સૃષ્ટિ રચના એક સાંયોગિક અકસ્માત નથી પણ ઈશ્વરની પરમ ચેતનાથી ઉદ્ભવેલ બુદ્ધિનો આવિષ્કાર છે.

કોઈ અદ્રશ્ય પરમ સત્તા એને ચલાવે છે એના આપણને અનેક પ્રમાણો જોવા મળે છે. સી.એચ. વાડિંગ્ટને 'એન ઈન્ટ્રોડકશન ટુ મોડર્ન જિનેટિક્સ', 'ધ સ્ટ્રેટેજી ઓફ ધ જિન્સ', 'ઓર્ગેનાઈઝર્સ એન્ડ જિન્સ', 'હાઉ એનિમલ્સ ડેવલપ', 'પ્રિન્સિપલ્સ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ડિફરન્સિએશન', ' હયુમન ઈવોલ્યુશનરી સીસ્ટમ્સ', 'વેલ્યુ ઓફ લાઈફ', 'ધ નેચર ઓફ માઈન્ડ', 'ધ ડેવલપમેન્ટ ઓફ માઈન્ડ' જેવા અનેક પુસ્તકો લખ્યા છે.

'ન્યૂયોર્ક સાયન્સ એકેડેમી'ના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. એ. ક્રેસી મોરિસન પણ કહે છે કે સૃષ્ટિના કોઈ સંચાલક છે એવું માનવાના અનેક કારણો છે. ગણિત શાસ્ત્રના નિયમોથી એ પ્રમાણિત થાય છે કે આ જગતનો નકશો કોઈ બુદ્ધિમાન અને કુશળ એન્જિનિયરે બનાવ્યો હોય એવો છે ! વિશ્વની રચના પ્રયોજનરહિત નથી, પ્રયોજનયુક્ત છે. સર્વત્ર તે સત્તા શક્તિના રૂપે ક્રિયાશીલ છે.

જીવન એનું જ સ્વરૂપ છે. જીવન એવું શિલ્પી છે જે બધા જીવિત તત્ત્વોને આકૃતિ આપે છે. મનુષ્ય અને મનુષ્યેતર પ્રાણી, નાના જીવજંતુઓ એની જ વિલક્ષણ, વિભિન્ન કલાકૃતિઓ છે. જીવન એવું ચિત્રકાર છે જે પ્રકૃતિમાં રંગો ભરે છે, પુષ્પોમાં સુગંધ ભરે છે. એ એવું સંગીતકાર છે જે માનવી, પક્ષી વગેરેના કંઠેથી અદ્ભુત સ્વરાવલિઓ પ્રકટ કરે છે. તે એવું રસાયણ વિજ્ઞાાની છે જે અન્ન, શાકભાજી અને ફળોમાં અવનવા સ્વાદ ભરે છે. ક્ષુદ્ર પ્રોટોપ્લાઝમ એની અંદર જીવનની અનંત સંભાવનાઓ છુપાવીને રાખે છે.

તમામ પ્રાણીઓ આ સૂક્ષ્મ દ્રવથી એમનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. નાના-મોટા બધા પ્રાણીઓ એનાથી જીવન પ્રાપ્ત કરે છે. પરમાત્માની સત્તા સ્વીકારવાનું એક બીજું મહત્ત્વપૂર્ણ કારણ છે જીવ-જગતની અદ્ભુત સંરચના. પ્રત્યેક પ્રાણીને સર્જકે એની જરૂરિયાત પ્રમાણે એવી વિશેષતા આપી છે જેનાથી એ એનું જીવન સારી રીતે ચલાવી શકે અને એનું રક્ષણ પણ કરી શકે છે ! તે એના સહજ, પ્રાકૃતિક જ્ઞાાનથી અથવા અતીન્દ્રિય કહેવાય એવી જ્ઞાાનશક્તિથી વિસ્મયકારી ક્રિયાઓ કરી શકે છે.

સાલમન નામની વિશિષ્ટ પ્રકારની માછલીને એના જન્મસ્થળથી હજારો માઈલ દૂર લઈ જઈને પાણીમાં છોડી દેવામાં આવે તોય નદીઓ, સમુદ્રોમાં થઈને તે પાછી પોતાના મૂળ સ્થાને આવી જાય છે. નિશ્ચિત સ્થાને પહોંચવામાં તે કદી ભૂલ કરતી નથી.

પશુ-પક્ષીઓને યોગ્ય રીતે કેળવવામાં આવે તો તે અપાર બુદ્ધિમત્તા, સમજદારી અને ચતુરાઈ દર્શાવે છે. અમેરિકાની મિનેસોટી યુનિવર્સિટીના કલેર બ્રેલેન્ડ અને મેરિયન નામના સહાધ્યાયીઓ એકસમાન રસ, રૂચિ અને ધ્યેય ધરાવતાં હતા. એમનું સંયુક્ત અભિયાન સિદ્ધ કરવા તે સાથે રહેવા લાગ્યા અને થોડા સમય પછી લગ્નગ્રંથિથી જોડાઈ પણ ગયા.

તેમનું આ અભિયાન હતું પશુ, પક્ષી, જીવજંતુ વગેરેની નવતર પદ્ધતિથી તાલીમ. આ માટે તેમણે અમેરિકાના અર્કન્સાસમાં ૨૬૦ એકરની જમીન લઈ ૫૦૦૦ જેટલા પશુ-પક્ષીઓ-જીવજંતુઓને તાલીમ આપવા પ્રશિક્ષણ કેન્દ્ર ખોલ્યું. અતીન્દ્રિય શક્તિ ધરાવતા આ પ્રાણીઓેને તાલીમ પ્રાપ્ત કરવામાં ખાસ વધારે સમય લાગતો જ નહોતો.

બ્રેલેન્ડ દંપતીએ રશિયન મનોવિજ્ઞાાની પાવલોવની 'કંડિશન્ડ રિફલેક્સ' પ્રયુક્તિનો ઉપયોગ કરી પશુઓને ગણિતના જવાબો કેવી રીતે આપવા તેનું પણ પ્રશિક્ષણ આપ્યું હતું. આ રીતે તેમણે એક સફેદ રંગના તંદુરસ્ત ઉંદરને માત્ર પંદર મિનિટમાં જ પ્રશિક્ષિત કરી તેની શક્તિનું નિદર્શન બતાવ્યું હતું.

એ પ્રયોગ દરમિયાન ઉંદરને પ્રશ્ન કરવામાં આવ્યો કે ૨૧ને ૭થી ભાગવામાં આવે તો શું મળે ? તેણે પોતાની ચાંચ ખાલી બોટલ પર ત્રણ વાર પછાડીને જવાબ આપ્યો હતો - 'ત્રણ.' એ રીતે તેને પૂછવામાં આવ્યું કે ૧૬નું વર્ગમૂળ કેટલું થાય ? તો તેણે ખાલી બોટલ પર ચાર વાર ચાંચ પછાડી 'ચાર' એવો સાચો જવાબ આપી દીધો હતો.

મોસ્કોના એક એન્જિનિયર આનાતોલી વાઈકોવે બે કબૂતરોને મશીનોના સારા અને બગડેલા ભાગોને ઓળખી લેવાનું પ્રશિક્ષણ આપ્યું હતું. ત્રુટિપૂર્તી ભાગોમાંથી અલગ રીતે જુદા કંપનો નીકળતા જેને અત્યંત સંવેદનશીલ આધુનિક મશીનો જ પકડી શકતાં. પણ આનાતોલીના થોડા પ્રશિક્ષણથી એમની અતીન્દ્રિય શક્તિ પ્રગટ થતાં જ તે કબૂતરો એ કંપનોનો તફાવત જાણવા સમર્થ થઈ ગયા હતા અને એમના માલિકને મશીનના કયા ભાગમાં ખરાબી છે તે જરાય ભૂલ વગર બતાવી દેતા. મશીનનો તે ભાગ ખોલીને જોવામાં આવે તો ત્યાં જ ખરાબી નીકળતી !

Tags :