Get The App

અસ્તિત્ત્વના 75 વર્ષ પૂરા કરનાર સંયુક્ત રાષ્ટ્રસંઘ નાદારીને આરે

હોટલાઈન - ભાલચંદ્ર જાની

Updated: Dec 8th, 2019

GS TEAM

Google News
Google News
અસ્તિત્ત્વના 75 વર્ષ પૂરા કરનાર સંયુક્ત રાષ્ટ્રસંઘ નાદારીને આરે 1 - image


દેશ-વિદેશમાં એવી હજારો-લાખો સંસ્થાઓ છે જે લખલૂટ ખર્ચ કરે છે, મસમોટા બજેટ ધરાવે છે. આલિશાન ઑફિસ અને તગડો સ્ટાફ રાખે છે, આ સંસ્થાના વહીવટીમંડળમાં પણ શોભાના અનેક ગાંઠિયાઓ જુદા જુદા હોદ્દા પર બિરાજે છે. તેઓ કામ ઓછું કરે છે અને ઘોંઘાટ  વધુ કરે છે. છાશવારે હારતોરા કરી, એકબીજાનું અંદરોઅંદર સન્માન કરી અખબારમાં પ્રસિદ્ધિ મેળવવા હડકાયા થાય છે. આવી એકાદ સંસ્થા તમે પણ જોઈ હશે. જેનું નામ બડે દર્શન ખોટે જવું હોય છે. 

કાગળ પર યાદી બનાવવા જાવ તો તેની કામગીરી તો ખૂટે નહીં એટલી જણાય.  પણ વાસ્તવમાં કામને નામે મીંડુ હોય. આવી જ એક સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ એટલે કે યુનો) એ અસ્તિત્વના ૭૫ વર્ષ પૂરા કરી રહી છે. જગતના અનેક રાજકીય નિરિક્ષકો એ વાતની આત્મખોજ કરી રહ્યાં છે કે શું યુનો જેવી સંસ્થાની જરૂર છે ખરી? શું વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ફેલાવવાના ઉમદા ઉદ્દેશો યુનો પૂરાં કરી શકી છે?

હવે તો યુનોના માથે પણ આર્થિક સંકટના ઘેરા વાદળ છવાયા છે. કેટલાક રાજકારણીઓ આ સંસ્થાની ઉપયોગિતા પર પણ સવાલ ઊઠાવે છે અને વૈશ્વિક રાજકારણમાં યુનોનું વડપણ કોઇને માન્ય ન હોય તો આ સંસ્થાને તાળાં મારી દેવા જોઇએ  એવી ટકોર થાય છે ખરી વાત એ છે કે  જગત આખાનું વડિલ ગણાતું યુનો (યુનાઇટેડ નેશન્સ) અર્થાત સંયુક્ત રાષ્ટ્રસંઘ નાદારી નોંધાવવાને આરે આવી ગયું છે. અસ્તિત્વના ૭૫ વર્ષ પૂર્ણ કરનારી આ સંસ્થાની તિજોરી ખાલીખમ થઇ ગઇ છે. યુનોના વડા પણ કબૂલે છે કે અમે નથી જાણતા કે આ વિશ્વ સંસ્થા આગળ કેવી રીતે કામ કરશે ?

કહે છે કે યુનોના માથે ૨૩ કરોડ ડોલરનું દેવું થઇ ગયું છે. મહાસચિવ એંતોનિયો ગુતરેસે આ માહિતી આપતા જણાવ્યું છે કે અમારી પાસે યુનોના ૩૭,૦૦૦ કર્મચારીઓને  સમયસર પગાર-ભથ્થાં ચૂકવવા પૂરતાં નાણાં નથી. સર્વપ્રથમ તો આ વેતન ચૂકવવા માટે રકમનો બંદોબસ્ત કરવો પડશે.

યુનોના સભ્ય દેશોને ઉદ્દેશીને ગુતરેસે લખેલા પત્રમાં એવી સ્પષ્ટતા કરી છે કે આ સંસ્થાના સંચાલન માટે જરૂરી ફંડની ફક્ત ૭૦ ટકા રકમ 'મેમ્બર્સ કન્ટ્રી'એ જમા કરાવ્યા છે. જેને કારણે રોજે રોજના ખર્ચ માટે જરૂરી નાણાનો તીવ્ર અભાવ વર્તાય છે. એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે યુનોનું અનામત ભંડોળ પણ વપરાઇ ચૂક્યું છે. પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે યુનોના વડાએ તેમના અધિકારીઓને ખર્ચા ઘટાડવાના આદેશ આપવા પડયા છે. દેશ-વિદેશમાં યોજાતી કોન્ફરન્સ-મિટિંગોમાં દોડી જવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી માતબર સંસ્થા માટે કહેવાય છે કે  સાત દાયકામાં યુનોને જે કંઈ સફળતા મળી હશે તેથી તેની નિષ્ફળતાની યાદી ઘણી લાંબી થાય એમ છે. છતાં કેટલાંક ચબરાક રાજકારણીઓ યુનોની નિષ્ફળતાને અવગણવાનું કહી એવો મુદ્દો આગળ ધરે છે કે બીજું કંઈ નહી  તો  દેશ-વિદેશના આટલા બધા નેતાઓને એક મંચ પર ભેગાં કરવા એ જ યુનોની સિધ્ધિ છે. અન્ય ધ્યેય તો યુનો અબજ ડોલરના આંધણ પછી પણ પાર પાડી શકે એમ નથી.

વિશ્વમાં શાંતિ જાળવવી, વિવિધ રાષ્ટ્રો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો વિકસે તેમ જ આંતરરાષ્ટ્રીય સહકાર સિધ્ધ કરવો એ યુનોના મુખ્ય ઉદ્દેશો છે, પરંતુ એની પુરોગામી લીગ ઓફ નેશન્સની જેમ યુનો પણ સદંતર  નિષ્ફળ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ સંસ્થા નામથી તો બહુ બળકટ લાગે પણ વર્ષો વીતતા ગયા તેમ સાવ નપુંસક થઈ  ગઈ છે.  કેટલાંક એવો આરોપ પણ મૂકે છે કે યુનો તો અમેરિકાની દાસી છે. અંકલ સામ નચાવે એવો નાચ યુનો નાચે છે.

ન્યૂયોર્ક (અમેરિકા) માં ઈસ્ટ નદીને કાંઠે યુનાઈટેડ નેશન્સની ૩૯ માળની ગગનચુંબી ઈમારત છે. આ ભવ્ય ઈમારત જોતાં એવું લાગે કે જે વિશ્વનું પ્રતિનિધિત્વ આ ઈમારત કરી રહી છે એનું જગત પણ કેટલું સુંદર અને સમૃદ્ધ હોવું જોઈએ. 

પણ હકીકત એ છે કે યુનોના ૧૯૩ સભ્ય દેશોમાંથી ઘણા ખરા ગરીબીની રેખા નીચે સબડે છે. પોણી દુનિયા ભૂખી સૂએ છે.  અનેક દેશોમાં કાયમી દુકાળની  સ્થિતિ પ્રવર્તે છે તો અનેક રાષ્ટ્રોમાં વરસોથી લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે. યુનોના ૭૫ વર્ષના અસ્તિત્ત્વ દરમિયાન  જગતમાં  પોણા બસ્સો નાના મોટા યુદ્ધ થયા છે, કેટલાંક દેશોમાં અત્યારે પણ  યુદ્ધની સ્થિતિ પ્રવર્તે છે,  વિશ્વની શાંતિને ગમે ત્યારે જોખમાવે અને આખી દુનિયાનું ધનોપનોત કાઢી નાંખે તેવા અણુબોમ્બની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે અને યુનો એની સામે નાઈલાજ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) નો જન્મ બીજા વિશ્વયુદ્ધના અંતે સાનફ્રાન્સીસ્કોમાં મોટી આશાઓ સાથે ૧૯૪૫ના ઑક્ટોબરની ૨૬મી તારીખે થયો હતો. એક વિનાશક યુદ્ધ પૂરું થયું હતું. લાખો માણસો માર્યા ગયા હતા. લાખોે ઘવાયા હતા,  કાં અંપગ બન્યા હતા, છ વરસ લગી ચાલેલા બીજા વિશ્વયુદ્ધે અનેક દેશોને પૈસેટકે પાયમાલ કરી નાંખ્યા હતા. અર્થતંત્ર અસ્તવ્યસ્ત કરી  મૂક્યા હતા. દુનિયાના તમામ દેશો શાંતિ ઝંખતા હતા. દરેક દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા એક વિશ્વસંસ્થા  હોવાની અનિવાર્યતા ધીરે ધીરે બીજા દેશોને સમજાવવા લાગી.

બીજું વિશ્વયુદ્ધ ચાલું હતું  એ દરમિયાન જ લીગ ઓફ નેશન્સનું (કલંકિત) મરણ નીપજ્યું હતું. યુદ્ધમાં વિજયી નીવડેલી મહાસત્તાઓએ નવેસરથી લીગ ઓફ નેશન્સને જીવંત કરવાનો નિશ્ચય તો કર્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનાઈટેડ નેશન્સ) જનરલ એસેમ્બલીની (મહાસમિતિ)ની રચના કરી અને એ સાથે જ બીજી સંબંધિત  સંસ્થાઓ ઉપરાંત સિક્યોરિટી  કાઉન્સિલ (સલામતી સમિતિ) જેવી મહત્ત્વની સમિતિની રચના કરી.

આ સમિતિમાં પાંચ કાયમી સભ્ય અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સની નિમણૂક કરવામાં આવી. તદુપરાંત બીજા આઠ સભ્યો  નિમવામાં આવ્યા જે વારાફરતી ચૂંટાઈ આવે. સલામતી સમિતિમાં જે કોઈ ઠરાવ પસાર કરવામાં આવે એ પાંચ મહાસત્તાઓને વીટો આપવામાં આવ્યો. કોઈપણ જૂથના સભ્યોને બીજા કાવતરું કરવા કે લડી લેતા રોકવા માટે આમ કરવામાં આવ્યું હતું.

યુનોની સલામતી સમિતિમાં કાયમી બેઠક માટે ભારત છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રયાસ કરે છે. પરંતુ પહેલા અમેરિકા અને હવે ચીન તેને ફાવવા દેતું નથી. વારંવાર એવી દલીલ પણ ૅથઈ છે કે ૧૯૪૫થી યથાવત રહેલું સલામતી સમિતિનું માળખું બદલવા સુધારા  કરાવા જોઈએ. આ સમિતિના સભ્યોની સંખ્યા ૧૫થી વધારીને ૨૪ કરવાની દરખાસ્ત પણ હતી. પરંતુ પાંચ કાયમી સભ્યો આ વાત માન્ય રાખતા નથી. ભારત ઉપરાંત જાપાન, જર્મની અને બ્રાઝિલ આ સમિતિમાં પ્રવેશવા થનગની રહ્યાં છે.

પરંતુ શરૂઆતથી જ આ મહાસત્તાઓ અંદરોઅંદર કાદવઉછાળની મેલી રમત રમતી હતી. પશ્ચિમી દેશોે વાત વાતમાં રશિયાની ઝાટકણી કાઢતા. રશિયાએ મૂકેલી  દરેક દરખાસ્ત ઉડાવી દેવામાં આવતી. પશ્ચિમના મૂડીવાદી દેશો સલામતી સમિતિમાં બહુમતી (અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ) ભોગવતી હતી. અને ૪૫ સભ્યોની બનેલી મહાસમિતિમાં પણ તેની બહુમતી હતી, જ્યારે હાથ ઊંચો કરીને મતદાન કરવાનો સમય આવે ત્યારે સામ્યવાદી દેશો હંમેશા કંગાળ લઘુમતીમાં જ રહેતા, પરંતુ જેમ જેમ પરાધીન દેશો મુક્ત થવા લાગ્યા અને યુનોની સભ્ય સંખ્યા વધવા માંડી તેમ  મહાસમિતિમાં દરેકમુદ્દે ઘર્ષણ વધવાલાગ્યું. નવા સભ્યદેશો પોતાની વાતને ભારપૂર્વક વળગી રહી પશ્ચિમના હિતોના વિરોધમાં મતદાન કરતા રહ્યાં. આ દેશો પાછળથી અલિપ્ત રાષ્ટ્રો કે ત્રીજા વિશ્વના દેશો તરીકે ઓળખાવા લાગ્યા.

બીજી તરફ અમેરિકાએ સૌથી વધુ ફંડફાળો આપીને યુનોને પોતાની દાસી બનાવી રાખવા જાતજાતના પેંતરા કર્યા. કેનેડી પ્રમુખ હતા ત્યાં સુધી તો બધું બરાબર ચાલ્યું પરંતુ પ્રમુખ લિન્ડન જ્હોનસનના સમયમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકી દિલચશ્પીમાં ઓટ આવવા લાગી. આના મૂળમાં મુખ્યત્વે વિયેટનામ યુદ્ધ હતું.

અમેરિકા ઈચ્છતું હતું કે વિયેટનામ  સાથેના સંઘર્ષમાં યુનો કે તેની લઘુમતી સમિતિ કોઈ હસ્તક્ષેપ ન કરે. અમેરિકન પ્રમુખે રાષ્ટ્રસંઘના મહામંત્રી યુ થાંટને સ્પષ્ટ  શબ્દોમાં આ વાત સુણાવી પણ દીધી. યુ થાંટ સંપૂર્ણપણે લાચાર હતા અને ઉભય પક્ષે જાનહાનિ વધવા છતાં યુદ્ધ ચાલું જ રહ્યું. યુનોના બીજા સભ્યો ચૂપ બેસીને તમાશો જોતાં રહ્યાં. અહીંથી સંયુક્ત રાષ્ટ્રસંંઘની પતનની શરૂઆત થઈ.

વિશ્વના મોટાભાગના યુદ્ધો પાછળ સામ્યવાદી અને પશ્ચિમી વિચારસરણી વચ્ચેનો સંઘર્ષ જ જવાબદાર છે. આજેય અફઘાનિસ્તાન, ઈરાન, સિરિયા, ઇરાક, ઇઝરાયલ, આલ્બેનિયા, મધ્યપૂર્વેના દેશોમાં પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે.  અસંખ્ય યુદ્ધો લડાયા છતાં યુનો એમાં કંઈ કરી શક્યું નથી. બે ઝઘડતા રાષ્ટ્રોને શાંત પાડવા વડીલ બનીને યુનોએ જે ભાગ ભજવવો જોઈએ તે કદી અસરકારક હોતો નથી. કારણ કે  અમેરિકા, બ્રિટન,  રશિયા અને ચીન જેવા મોટા  દેશો જ યુદ્ધમાં સીધો કે આડકતરો પલીતો ચાંપતા આવ્યા છે. અનેક દેશોેમાં મહાસત્તાઓ પ્રોક્સીયુદ્ધ ખેલે છે. 

૧૯૯૧માં  કુવૈત-ઈરાક વચ્ચેના અખાતી યુદ્ધમાં તો લગભગ તમામ મહાસત્તાઓ  કુવૈતના પડખે ઊભા રહીને સદ્દામ હુસેૈનનો ઘડોલાડવો  કરવા તત્પર બની હતી.  ત્યારબાદ ફરી એકવાર અમેરિકાએ અફઘાનિસ્તાન અને ઈરાક સામે જંગ છેડ્યો. બધા દેશો પણ એક તરફ હતા અને યુનોનું સંચાલન પણ તેમના હસ્તક હતું. તેથી તેમણે જાતજાતના આકરા ઠરાવ ઝડપભેર પસાર કરીને ઈરાક પર ઠોકી બેસાડયા.  અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેન, તાલિબાની સભ્યો તથા ઈરાકમાં સદ્દામ હુસૈનને પકડવા અમેરિકી બોમ્બર વિમાનોએ સેંકડો નાગરિકોનો ખુરદો બોલાવ્યો છતાં યુનો ચૂપ રહ્યું. 

આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ યુનોમાં ઊંડી શ્રધ્ધા હતી. પરંતુ કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં જે રીતે ગૂંચવાયો તે જોયા પછી નેહરુનો યુનો વિશેનો ભ્રમ ભાંગી ગયો હતો. છેલ્લાં બે દાયકામાં નાનાં, વિકસતાં અને તટસ્થ રાષ્ટ્રોની સંખ્યા વધતી ગઈ તેમ મહાસમિતિ (જનરલ એસેમ્બલી) જોરાવર બની ગઈ છે. નાના રાષ્ટ્રોએ અમેરિકાની જોહુકમી સામે શિંગડા ભરાવવાં માંડયા એટલે અમેરિકાનું  વલણ હવે ઓરમાયું બની ગયું છે.

૧૯૮૪માં અમેરિકા 'યુનેસ્કો'માંથી ખસી ગયું હતું. યુનોની બીજી સંસ્થાઓને ફાળો આપવાનું પણ અમેરિકાએ કાં તો બંધ કર્યું છે અથવા કાપ મૂક્યો છે. યુનો માટે અમેરિકા સૌથી વધુ એટલે ૨૫ ટકા ફાળો આપતું આવ્યું  છે, જે ઘટીને ૨૦ ટકા  કરી નાખવાની ધમકી અમેરિકાએ અવારનવાર ઉચ્ચારી છે. ભૂતકાળમાં સોવિયેત સંઘ  યુનોના કુલ ખર્ચના ૧૨ ટકા આપતું હતું.  હવે  રશિયાનો ફાળો પણ ઘટી ગયો છે. અમેરિકાની ચાલબાજી એવી છે કે યુનોના સભ્યો હવે તેના દાબમાં રહેતા નથી તો પછી આ સંસ્થાને પણ નમાલી બનાવી દો.' 'ન હોગા બાંસ ન બજેગી બાંસુરી!'

યુનોના વડા  ગુતરેસે આ વર્ષની શરૂઆતમાં જ સભ્ય દેશોને પોતાનો ફાળો વધારવાની અપીલ કરી હતી પણ સભ્ય દેશોએ આ અપીલને ફગાવી દીધી હતી. 

સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોના ખર્ચને બાદ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮-૧૯માં આ વૈશ્વિક સંસ્થાનું સંચાલન ખર્ચ લગભગ ૫.૪ અબજ ડોલર હતું. જેની ૨૨ ટકા રકમ અમેરિકા દ્વારા આપવામાં આવે છે.  જોકે હવે અમેરિકા જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે.

જગતનો દાદો થઈને ફરતાં અમેરિકાએ એક તબક્કે તો એવી પણ માગણી કરી હતી કે યુનોના વડામથકને અમારા ન્યૂયોર્કમાંથી ખસેડીને અન્યત્ર લઈ જાવ. અમને યુનોના ઠાઠમાઠ પોસાતા નથી. સમાંતર યુનો સ્થાપવાની ધમકી પણ ભૂતપૂર્વ પ્રમુખ નિકસન આપી ચૂક્યા હતા.

નજીકના ભૂતકાળમાં ન્યૂયોર્કના સ્થાનિક વહીવટી તંત્રે રાજકીય કારણોસર યુનો ખાતેના રશિયન પ્રતિનિધિમંડળની હેરફેર પર પ્રતિબંધ મૂક્યા હતા. કેટલાંક દેશોએ પણ આ વાતને સમર્થન આપતાં એવં  કહ્યુ ં હતું કે યુનોનું વડું મથક કોઈ અલિપ્ત દેશમાં હોવું જોઈએ.

હકીકતમાં યુનોનું વડું મથક સ્થાપવા માટેનું આદર્શ સ્થળ એકમાત્ર વિશ્વસંસ્થા માટે જ ખરીદાયો હોય એવો કોઈ ટાપુ હોઈ શકે. પછી તે કદાચ  ભૂમધ્ય સમુદ્રમાં અથવા હિંદી મહાસાગરમાં પણ હોઈ શકે. જો મહાસત્તાઓ ડિયેગો ગાર્સિયા જેવા ટાપુનો લશ્કરી મથક બાંધવા માટે દુરુપયોગ કરી શકે, અથવા તો અણુશસ્ત્રોના પ્રયોગ માટે પેસિફિક વિસ્તારમાંના બિકીની જેવા ટાપુઓનો ઉપયોગ કરી શકે તો યુનોના વડામથકને સ્થાપવા  જેવા ઉમદા હેતુ માટે એક ટાપુ શોધી કાઢવો એ કંઈ મુશ્કેલ કામ નથી.

મહત્ત્વની વાત એ છે કે યુનોને કોઈ પોતીકી સંસ્થા ગણતું જ નથી. બધા સ્વાર્થના સગાં છે. આજે યુનોમાં ૧૯૩ સભ્યો છે. પરંતુ 'બીગ ફાઈવ' (પાંચ મહાસત્તા) ઓનો વીટો પાવર લઈ લેવામાં ન આવે ત્યાં સુધી આ યુનો આ મહાસત્તાઓની કઠપૂતળી કે ચાવીવાળું રમકડું બની રહેશે.

રશિયાએ હંમેશા યુનોના શાંતિદળની પણ અવગણના કરી છે.  તેઓ યુનોના પીસકીપિંગ ફોર્સને મજાકમાં વૉરકીપીંગ ફોર્સ કહે છે. યુનો સાવ નિરર્થક અને હાંસીપાત્ર બની ગયું છે એ વાત દોહરાવતા એકવાર નિકિતા ક્રુશ્ચોવે પગમાંથી બૂટ કાઢીને યુનોની સભાના ટેબલ પર પછાડયો હતો!

યુનોની મહત્તા ઘટી  ગઈ હોવા છતાં કેટલાંક સમજુ દેશો એવું માને છે કે નહિ યુનો કરતાં કાણુ, થોડું  નમાલું  યુનો સારું. સંયુક્ત રાષ્ટ્રસંઘની કામગીરી માટે ભલે શંકાકુશંકા સેવાતી હોય છતાં એક વાત તો સાચી છે કે કેવળ યુનો જ એક એવી સંસ્થા, એક એવું ફોરમ છે જ્યાં વિશ્વના દેશો તેમની ફરિયાદોને વાચા આપી શકે છે.  અને તેમની મુશ્કેલીની રજૂઆત કરી શકે છે.  આથી યુનોનું સમૂળગું ગળું ટૂંપી દેવાને બદલે તેને બેરે બેરે પણ ચલાવવી જોઈએ!

Tags :