Get The App

'હરદેવભા! ગાડુ ઉભુ રાખો.'

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

Updated: Oct 5th, 2019

GS TEAM

Google News
Google News
'હરદેવભા! ગાડુ ઉભુ રાખો.' 1 - image

વાઘજી ઠાકોરના મુખીના બોલથી અપમાનની આગમા ભડભડ સળગતા હરદેવભાએ ઓંસરીની ખીંટીએ ટીંગાતી તલવાર ઉપાડી મ્યાનમાંથી બહાર કાઢી.

હરદેવભાએ પોતાના ખળામાંથી ભરેલું બાજરાનું ગાડું દરવાજામાં હાક્યું. ગાડું બારોબાર હાકી જતા હરદેવભાને ગામના મુખીએ હાકલ મારી 'હરદેવભા! ગાડુ ઉભુ રાખો.'

બળદની રાશ તાણીને ત્રિપુડધારી ભુદેવે કરડી આંખ મુખી માથે માડી. ગરેડી જેવા ગળામાંથી ધોધરો અવાજ કાઢ્યો ?

'કા ?'

' કા તે શું ? આ જોતો નથી કાંટો માંડીને બેઠો છું. તે કાંઇ અમથો નથી બેઠો ! રાજભાગ લેવા બેઠો છું.'

'રાજભાગતો રાજની જમીન ખેડેએના માથે હોય, હું તો મારા ગરાસની જમીન ખેડુ છું. કાંઇ રાજની જમીન નથી ખેડતો ?'

હરદેવભાઇએ મુખીની સામે ચોખવટ મોડી એટલે મુખી જરા તરડાઇને બોલ્યો.

'વાઘ બાપુનો હુકમ છે કે રાજભાગ લીધા વગર કોઇના ગાડા ગામમા દાખલ કરવા નહિ.'

'બાપુ કોઇ દિ' એવું બોલે નહિ તમે ગોઠણેથી વાત ઘડો છો ?'

'લાખ વાતના ગાડા ભરાય રાજભાગનો બાજરો તોળી દયોને બાકીનો બાજરો ઘેર જઇને કોઠીએ ભરજો.' મુખીએ એકનું એક ગાણું ગાયું.

'રાજભાગતો હું દેવાનો નથી.'

'રાજભાગ લીધા વગર હું ગાડુ હાકવા નહિ દઉં.'

મુખી અને હરદેવભા વચ્ચે તંતે ચઢેલી વાતને ઠારવા માટે ગામના માણસો વચ્ચે પડયા.

'અરે, હરદેવભા!'

હઠ કો કરો તમે તો ખમતીધર છો ફાટ બાજરે કોઇ તમારી કોઠિયું ખુટશે નહિં.

'ભાઇ! ડોશી મર્યાનું દુ:ખ નથી. જમ ખોરડા ભાળી જાય એનોભો છે હું તો હમણાં આખુ ગાડું રાજભાગમા દઇને હાલ તો થાઉં. આવો ભાર ખમાય નહિ. મને વાંધો એ વાતનો છે'

'તો પછી તમે જાણો તે મુખી જાણે.'

એવું બબડીને ગામનું માણસ એક કોર તરી ગયું તુંડમિજાજી મુખી સત્તાના કેફને જીરવી ન શક્યો. 

'ગામમાંથી રાજભાગ જોખી દીધા પછી જ ગાડું હાલશે. પસાયતાઓ ગાડાને આતરી લ્યો.'

તરવાર પટ્ટાવાળા બે પસાતયા બળદના જોતર ઝાલીની ખડા થઇ ગયા. હરદેવભા ગાડાની ઊંધ માથેથી ઊતરીને ગાડું પડતું મૂકીને ઘર તરફ ડગલા દીધાં.

હરદેવભા ઔદિચ્ય બ્રાહ્મણ. મોરબી પરગણાના ઘાટિલા ગામમાં ગરાસની જમીન જાતે ખેડી ખાનારો ખૂંખાર માણસ, જેણે પગે ચાલીને ચારધામની જાત્રા કરીને જીવનને ધન્ય કરી જાણનારો જોરાવર જણ, વેદ અને પુરાણોનો પૂરો પંડિત, કદાવર કાયા, બેથડિયું ડિલ, વિશાળ લલાટ માથે એક હાથની ચોટલી, હરદેવ ભટ્ટ ચાર સંતાનના પિતા, ત્રણ પુત્રીઓ કૃષ્ણાર્પણ પરણાવી પરવારી ગયેલો શિવભક્ત ભૂદેવ ધૂવાંપૂવાં થાતો ઘેર આવ્યો કોંંઢ ગામમાં પરણાવેલી મોટી દીકરી રાધણિયામા રોટલા ટીપી રહી છે.

ઓસરીની થાંભલીએ જનમ રોગિયાના મોં જેવું હરિકેન પીળો પ્રકાશ પાથરી રહ્યું છે. તુલસીકયારાની દીવાની જતોય ડોલી રહી છે. ધણમાંથી આવેલી ગાય ગમાણે બંધાઇ ગયેલી છે. ઠાકર મંદિરના પુજારીનો આરતી પછીનો છેલ્લો આહલેક જે-જે સીતારામનો સંભળાઇને શમી રહ્યો છે.

વાઘજી ઠાકોરના મુખીના બોલથી અપમાનની આગમા ભડભડ સળગતા હરદેવભાએ ઓંસરીની ખીંટીએ ટીંગાતી તલવાર ઉપાડી મ્યાનમાંથી બહાર કાઢી.

'હર હર મહાદેવ!' બોલી તલવારને પોતાના ગળાની આરપાર કાઢી. એક જ ઘસરકે, ક્રોધને વીંધીને નીકળેલી તેગે પાછળ સાપણના મોં જેવું પીછું કાઠયુું. હરદેવ ભટ્ટની જોરાવરકાયા ઉપર રગતના રેલા ઊતર્યા. અણધાર્યો અવાજ સાંભળી દીકરી ઉજમબેન બહાર આવ્યા. બાપુનું રૌદ્ર રૂપ જોઇ ત્રાડ પાડી ઉઠયા.  હરદવે ભટ્ટ ઠાકર મંદિરે જઇને ભગવાનના ચરણમાં શીશ ઝૂકાવી લોહી બંબોળ બ્રાહ્મણ પૂગ્યો મુખીની ડેલીએ. હરદેવ ભટ્ટનું આવું ભયાનક રૂપ જોઇને ઝંઝાવાતમાં ઝાડવું કાપે એમ કંપતી કાયાએ ડેલીના બારણા ભીડયાં.

હરદેવભા મુખીની ડેલી માથે લોહીના થાપા મારી પાછા વળ્યા, 'ખમૈયા કરો મા'રાજ ખમૈયા કરો.'

અંતરમાંથી ઊઠતા આર્તનાદથી આકાશ ભરાવા લાગ્યું. બાઇયું પોતાના છૈયાને સોડમાં સંતાડવા લાગી. હસતા મોઢે હરદેવ ભટ્ટ 

ચોરાવાળા ચોકમાં પાછા વળ્યા. ચોકમાં ઉભા રહીને ગામ ઉપર નજર ઠેરવી. મીટ માંડી. ગળામાં ખોસેલી તલવારને પાછી તાણી ગળામાં પડેલ બેય કાણામાંથી લોહીની ધારા પડવા લાગી. પીઠ અને છાતી માથે જાણે લોહીના ધોરીયા મંડાઇ ગયા. ક્રોધ કરીને હરદેવ ભટ્ટ શાપ દીધો.

'મોરબી રાજ્યનો વંશવેલો જાતા દિ'એ જડામૂળ જાશે.'

ગામ લોકોને બે હાથ જોડી વંદન કરી. રાજભાગના બદલામા પોતાનો ભોગ આપવા ચોકમાં સોડ તાણી.

મુખી મોં સંતાડીને ભરાઇ રહ્યો. ગામ લોકોએ ભૂદેવને અગ્નિસંસ્કાર કર્યો.

વાઘજી ઠાકોરને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે પડયે ગળગળા થઇ ગયા અને બ્રાહ્મણો પરનો રાજભાગ લેવાનો હુકમ રદ કર્યો.

નોંધ: આ શૂરાપુરા હરદેવભટ્ટની ખાંભી આજે પણ મોરબી તાલુકાના જૂના ઘાંટિલા ગામના શંકર મંદિર (ચોરા) પર મોજુદ છે.