વાર્તા વિશ્વ: લાયર! .
લેન્નીંગે અધીરાઈથી વાતમાં વચ્ચે પડતા કહ્યું, ''તો હવે માત્ર આપણે ચાર છીએ, જે આ વાત જાણીએ છીએ. ઓલ રાઈટ ! આપણે આ બાબતે બહુ પદ્ધતિસર આગળ વધવું જોઈશે.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(નોંધ: આ વાર્તા 'એસ્ટાઉન્ડિંગ સાયન્સ ફિકશન' મેગેઝીનમાં પહેલી વાર છેક ઈ.સ. ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી. પહેલી વાર 'રોબોટિક્સ' શબ્દ પણ આ વાર્તા માટે સર્જાયો હતો. આજે આપણે રોબોટ, રોબોટિક્સ અને આર્ટીફીસિયલ ઇન્ટેલીજન્સની વાત કરીએ છીએ. પણ તે જમાનામાં સાયન્સ ફિક્શન વાર્તાઓનાં આ શ્રેષ્ઠ લેખકની આ અદ્ભૂત કલ્પના હતી.
લાયર ! એટલે જૂઠ્ઠાબોલો. એક યંત્રમાનવ જે જૂઠ્ઠું ય બોલે ! આ થોડી ટૂંકી વાર્તા છે. એને સંક્ષેપ કરીને રજૂ કરવાની જગ્યાએ લેખક આઇઝેક એસિમોવની ઓરિજીનલ વાર્તાનો સાંગોપાંગ અનુવાદ રજૂ કર્યો છે.)
આલ્ફ્રેડ લેન્નીંગે એની સિગાર સાવધાનીથી સળગાવી, પણ એની આંગળીઓનાં ટેરવાં હળવેથી કંપી રહ્યા હતા. એની ભૂખરી પાંપણો સહજ આશંકાથી ઝૂકી જ્યારે બે ધુમ્રસેરો વચ્ચે એ બોલ્યા.
'એ મનને બરાબર વાંચી લે છે - એ વિષે તો કોઈ શંકા નથી ! પણ શા માટે ?' એમણે ગણિતશાસ્ત્રી પીટર બોગાર્ટ સામે નજર કરી.
'વેલ ?' બોગાર્ટે એનાં કાળા વાળ બંને હાથે સીધા કરતા કહ્યું, 'આપણે બનાવેલો આ ચોત્રીસમો આરબી મોડેલ છે, લેન્નીંગ. બાકી તમામ મોડેલ્સ બિલકુલ રૂઢિગત જ છે.'
ટેબલ પર બેઠેલો ત્રીજો માણસ ઊંડા વિચારમાં પડી ગયો. 'યુ.એસ. રોબોટ એન્ડ મિકેનિકલ મેન ઇન્કોર્પોરેટ' કંપનીમાં કામ કરતો મિલ્ટન એશ સૌથી નાની વયનો ઓફિસર હતો અને એ બાબતે એને ગર્વ હતો.
'સાંભળ, બોગાર્ટ. એસેમ્બલીમાં શરૂથી લઈને અંત સુધી એક પણ અડચણ કે વિઘ્ન આવ્યું હોય, એવું નથી. હું એની ખાતરી આપું છું.'
બોગાર્ટનાં જાડા હોંઠ ઉપર એક મુરબ્બી હોવાનો ડોળ કરતું ઉપકારક સ્મિત આવી ગયું.
એણે કહ્યું, 'તું ખરેખર ? તું જો આખી એસેમ્બલી લાઈન માટે એવો ઉત્તર આપતો હોય તો તો મારે તારા પ્રમોશન માટે ભલામણ કરવી પડશે. બરાબર ગણીએ તો એક પોઝિટ્રોનિક બ્રેઇન બનાવવા માટે પચ્ચોત્તેર હજાર બસો ને ચોત્રીસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. દરેક પ્રક્રિયા એકબીજાથી જુદી છે અને એ સફળતાપૂર્વક પૂર્ણ થાય એ માટે પાંચથી લઇને એક્સો પાંચ પરિબળો જવાબદાર છે. એ પૈકી એકમાં પણ ખરાબી આવે તો 'બ્રેઇન' બરબાદ થઇ જાય. હું આપણા ઇન્ફર્મેશન ફોલ્ડરમાં જે લખ્યું છે એ ટાંકી રહ્યો છું, એશ.'
મિલ્ટન એશ ઉત્સાહમાં કાંઈ બોલવા જતો હતો પણ ચોથા અવાજે એનાં જવાબને કાપ્યો. 'જો આપણે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળાવાનું કરીશું તો હું જતી રહીશ.' સુસાન કેલ્વિનનાં બીડેલા હાથ એનાં ખોળામાં હતા અને એનાં હોંઠની નાનકડી પાતળી સફેદ રેખાઓ ઘેરી થતી જતી હતી.
'મનને વાંચી શકે એવો રોબોટ આપણી પાસે આવી ગયો છે અને મને લાગે છે કે શા માટે એમ કરે છે, એ શોધી કાઢવું વધારે અગત્યનું છે. જો આપણે મારો વાંક છે ! તારો વાંક છે ! એમ કર્યા કરીશું તો આવું શી રીતે થયું, એ આપણે ક્યારેય શોધી શકીશું નહીં.' એની ઠંડી ભૂખરી આંખો એશ ઉપર આવીને થંભી ગઈ અને એશ પરાણે હસી પડયો. લેન્નીંગ પણ હસ્યા અને, હંમેશ આવે સમયે થાય છે એમ, એનાં લાંબા સફેદ વાળ અને એની વિચક્ષણ નાની આંખો એક આદરણીય વડીલ તરીકેની એની છબી ઉપસાવી ગયા.
'સાચી વાત છે ડો. કેલ્વિન.' એનો અવાજ એકાએક નિર્ણાયક થઇ ગયો, 'અહીં સઘળું કેપ્સ્યુલ કોન્સન્ટ્રેટ ફોર્મમાં છે. આપણે એક એવું પોઝિટ્રોનિક બ્રેઇન બનાવ્યું છે, જે હોવું જોઈએ તો સાવ સાદું પણ એની પાસે એક નોંધપાત્ર ગુણધર્મ છે. એ માણસનાં વિચાર તરંગ સાથે ટયુન થઇ શકે છે. જો આપણને એ ખબર પડી જાય કે આમ બન્યું કઇ રીતે ? - તો રોબોટિક્સમાં એ શોધ આ દાયકાની સૌથી અગત્યની શોધ ગણાશે. અત્યારે આપણે જાણતા નથી પણ હવે આપણે એ શોધી કાઢવું જ રહ્યું. આ વાત આપ સૌને સ્પષ્ટ સમજાઈ ગઈ ?'
'હું એક સૂચન કરું ?' બોગાર્ટે કહ્યું.
'હા, બોલ.'
'હું કહું છું કે એક ગણિતશાસ્ત્રી તરીકે આ જટિલ ગૂંચવાડો- આ માટે જવાબદાર કોઇ શયતાની કારણ-નો ઉકેલ ન મળી આવે ત્યાં સુધી આપણે આરબી-૩૪નાં અસ્તિત્વની વાતને ખાનગી રાખીએ. હું માનું છું કે અન્ય સ્ટાફ મેમ્બર્સથી પણ. આપણે વિભાગીય વડાઓ છીએ. શક્ય છે કે આનો કોઈ ઉકેલ હોય જ નહીં. તો પછી એ સંજોગોમાં જેટલાં ઓછા લોકો આ વિશે જાણે એટલું સારું.'
'બોગાર્ટ સાચું કહે છે,' ડૉ. કેલ્વિને કહ્યું. 'જ્યારથી ઇન્ટરપ્લેનેટ કોડમાં સંશોધન થયું છે ત્યારથી આપણે અવકાશમાં મોકલતા પહેલાં રોબોટ મોડેલ્સને આપણાં પ્લાન્ટસમાં ટેસ્ટ કરીએ છીએ અને ત્યારથી આ એન્ટી-રોબોટ પ્રૉપગૅન્ડા વધી ગયો છે. જો એ વાત લીક થઈ જાય કે ભૂલભૂલમાં એવો રોબોટ બની ગયો છે, જે માનવ મનને વાંચી શકે છે તો આ બનાવ ઉપર આપણે સંપૂર્ણ કાબુ મેળવીએ તે પહેલાં આપણા વિરોધીઓને બહુ જોરદાર મસાલો મળી જશે.'
લેન્નીંગે સિગારનો ઊંડો કસ ખેંચ્યો અને ગંભીરતાપૂર્વક ડોકું ધુણાવ્યું. તેઓ એશ તરફ વળ્યા અને કહ્યું, 'મને યાદ છે ત્યાં સુધી તે એવું કહ્યું હતું કે તું એકલો હતો જ્યારે તને પહેલી વાર, આ મનને વાંચી લેવાની વાત વિશે, અણસાર મળ્યો હતો.'
'હા, હું એકલો જ હતો. આરબી-૩૪ને એસેમ્બલી ટેબલ પરથી તાજો જ ઉતારાયો હતો અને મારી તરફ મોકલાયો હતો. ઓબરમેન કશેક બહાર હતો એટલે હું મારી જાતે જ એને ટેસ્ટીંગ રૂમમાં લઇ ગયો. અથવા એમ કહી શકાય કે મેં એને ટેસ્ટીંગ રૂમમાં લઇ જવાની શરૂઆત કરી.' એશ અટક્યો અને એક નાનકડું સ્મિત એનાં હોંઠ ઉપર આવી ગયું, 'આપનામાંથી કોઈ કહો કે આપે માત્ર વિચાર દ્વારા થતી વાતચીત વિશે ક્યારેય વિચાર્યું છે ?- એ વાત જે વિષે આપ તદ્દન અજાણ હોવ ?'
કોઇએ જવાબ દેવાની દરકાર કરી નહીં, અને એણે વાત આગળ ધપાવી, 'આપ તો જાણો જ છો કે આપને પહેલાં તો ખ્યાલ ન જ આવે. પણ એણે જ્યારે મારી સાથે વાત કરવી શરૂ કરી ત્યારે... તમે કલ્પના કરો એ જ રીતે, એકદમ તર્કબદ્ધ અને એકદમ બુદ્ધિપૂર્વક, એકદમ વ્યવસ્થિત રીતે. અને જ્યારે હું એને લઇને ટેસ્ટીંગ રૂમ સુધી પહોંચ્યો અને... છેક ત્યારે મને સમજાયું કે હું તો કાંઈ બોલ્યો જ નહોતો. હા, એ સાચું છે કે હું ઘણું ઘણું વિચારું છું, પણ એ બધું બોલતો નથી.
બરાબર ને ?... અને એટલે મેં એને ટેસ્ટીંગ રૂમમાં લોક કરીને મુક્યો અને હું દોડતો લેન્નીંગ પાસે ગયો. અત્યારે હું વિચારું છું તો મને ખ્યાલ આવે છે કે એ જ્યારે મારી બાજુમાં ચાલતો હતો ત્યારે ખૂબ શાંતિથી એ મારા વિચારોમાં બારીકાઈથી ઘૂસણખોરી કરી રહ્યો હતો. મારા વિચારો પૈકી કેટલાંક વિચારને ચૂંટીને પસંદ કરી રહ્યો હતો એ. અને એ વાત જ્યારે મને સમજાઈ ત્યારે હું ગભરાઈ ગયો, ડરી ગયો.''
''હા, ડરી જવાય એવી જ વાત હતી.'' સુસાન કેલ્વિને વિચારપૂર્વક કહ્યું. એની આંખો એશની ઉપર કોઈ ઈરાદાપૂર્વક, વિચિત્ર રીતે સ્થિર થઈ ગઈ. ''આપણે આપણા પોતાનાં વિચારોને ખાનગી ગણવા ટેવાઈ જો ગયા છીએ.''
લેન્નીંગે અધીરાઈથી વાતમાં વચ્ચે પડતા કહ્યું, ''તો હવે માત્ર આપણે ચાર છીએ, જે આ વાત જાણીએ છીએ. ઓલ રાઈટ ! આપણે આ બાબતે બહુ પદ્ધતિસર આગળ વધવું જોઈશે. એશ, હું ઈચ્છું છું કે તું એસેમ્બલી લાઈન ઉપર શરૂઆતથી લઈને છેલ્લે સુધી ચેક કરી લે, બધું જ. જ્યાં ભૂલ થવાની શક્યતા જ ન હોય તેવાં તમામ ઓપરેશન્સની ચિંતા નથી પણ એવાં તમામ ઓપરેશન્સ કે જેમાં એવી શક્યતા છે, એની યાદી બનાવ, એનાં ગુણદોષ અને એનાં કદ અનુસાર.''
''આ વધારે પડતું કામ છે.'' એશે અસ્પષ્ટ અવાજે કણકણતા કહ્યું.
''સ્વાભાવિક છે ! અલબત્ત, તારી નીચે કામ કરનારા માણસોને તારે આ કામ માટે લગાવવા પડશે. જરૂરી જણાય તો એકે એકને... અને મને પડી નથી કે આપણે શિડયુલથી મોડા પડીએ. અને હા, તને તો ખબર જ છે કે આ શા માટે થઈ રહ્યું છે ? - એની કોઈને પણ ખબર ન પડવી જોઈએ.''
''હમમ્મ, યસ !'' યુવાન ટેકનીશ્યન વક્રતાથી પરાણે હસ્યો. ''તો ય આ ઘણું જ મુશ્કેલ કામ છે.''
લેન્નીંગે એની ખુરશી કેલ્વિન તરફ વાળી અને એની સામે જોઈને કહ્યું, ''તમારે આ અંગે એક અલગ જ દ્રષ્ટિકોણથી કામ કરવું પડશે. તમે પ્લાન્ટનાં રોબો-સાયકોલોજિસ્ટ છો. તમે રોબોટનો સ્ટડી કરો અને પ્રશ્નને ઊંધેથી સમજવાની કોશિશ કરો.
એવું શોધવાની કોશિશ કરો કે એને માનવ મનનાં વિચાર સમજાય છે કઈ રીતે ? કેવળ મનથી વિચારોની આપ-લે, એ અનુભૂતિ, એ દૂરસંવેદન સાથે બીજું શું જોડાયેલું છે ? આ અનુભૂતિ
કેટલે દૂર સુધી ફેલાયેલી છે ? રોબોટનાં સમગ્ર દર્શનને એ ક્યાં સુધી તરોડે મરોડે છે ? અને આના કારણે રોબોટનાં સામાન્ય ગુણધર્મને શી અસર થઈ છે ?'' લેન્નીંગે ડૉ. કેલ્વિનનાં પ્રતિભાવની રાહ જોઈ નહીં. અને કહ્યું, ''કામનું સમગ્રપણે સંકલન હું કરીશ અને ગણિતની દ્રષ્ટિએ એનાં અર્થઘટનની કોશિશ કરીશ.'' સિગારનો ઊંડો કેસ લઈને ધૂમાડા વચ્ચે હળવેથી બોલ્યા, ''બોગાર્ટ અલબત્ત મને ત્યાં મદદ કરશે.''
બોગાર્ટે એનાં એક હાથની આંગળીઓનાં નખ બીજી આંગળીઓ પર ઘસતા નમ્રતાથી કહ્યું, ''હું કહી શકું કે આ વિષે હું બહુ ઓછું જાણું છું.''
''વેલ, હું મારું કામ શરૂ કરું.'' એશે ખુરશી પાછળ ધકેલી અને એ ઊભો થયો. એનાં સામાન્ય રીતે ખુશખુશાલ યુવા ચહેરા ઉપર પરાણે કરેલા હાસ્યનાં સળ પડયા હતા. ''આપણા બધા પૈકી સૌથી અઘરું કામ મારું છે.'' એ અસ્પષ્ટ ઉચ્ચાર સાથે 'બાય, સી યૂ' કહીને જતો રહ્યો. ઉત્તરમાં સુસાન કેલ્વિને કાંઈ સમજાય નહીં એ રીતે ડોકું ધુણાવ્યું પણ એ જોતી રહી ત્યાં સુધી જ્યાં સુધી એ દેખાતો બંધ ન થયો અને લેન્નીંગ જ્યારે ગીન્નાઈને બોલ્યા કે ''તમે હવે આરબી-૩૪ને મળવા જશો, ડો. કેલ્વિન,'' ત્યારે કેલ્વિને એનો કોઈ જવાબ દીધો નહીં.
એક અલગ રૂમમાં આરબી-૩૪ પુસ્તક વાંચી રહ્યો હતો. પગરવનાં દબાયેલા અવાજો સાંભળીને એણે પુસ્તકમાંથી એની ફોટોઈલેક્ટ્રિક આંખો અળગી કરી અને એ ઊભો થયો, જ્યારે સુસાન કેલ્વિન રૂમમાં દાખલ થઈ. 'નો એન્ટ્રી'નાં મોટા બોર્ડને દરવાજા ઉપર લટકાવવા માટે સુસાન અટકી અને તે પછી એ રોબોટની પાસે ગઈ. ''હું હાઈપરએટોમિક મોટર્સનાં પુસ્તકો તારા માટે લઈ આવી છું. તારે એની ઉપર નજર નાંખવી છે, હર્બી ?''
આરબી-૩૪, જે સામાન્ય રીતે હર્બી તરીકે ઓળખાતો હતો, એણે ડૉ. કેલ્વિનનાં હાથોમાંથી ત્રણ દળદાર પુસ્તક પોતાનાં હાથોમાં લીધા અને તે પૈકી એક પુસ્તકનું ટાઇટલ પેઈજ ખોલ્યું અને બોલ્યો: ''હમ્મ્મ ! થીયરી ઓફ હાઈપરએટોમિક્સ.''
એણે પુસ્તકનાં પાના ફેરવ્યા અને જાત સાથે વાત કરતો હોય એમ કાંઈક બબડયો અને પછી અમૂર્ત ભાવવાચક અવાજે એ બોલ્યો, ''આપ બેસી જાવ, ડો. કેલ્વિન ! આ વાંચતા મને થોડી મિનીટ્સ લાગશે.''
સાયકોલોજીસ્ટ પોતે ખુરશી ઉપર બેઠાં અને ધ્યાનપૂર્વક હર્બીને જોતા રહ્યા. હર્બીએ ટેબલની સામેની બાજુએ ખુરશી ખેંચી અને બેઠો. અને પછી ત્રણે ત્રણ પુસ્તકોનો પદ્ધતિસરનો અભ્યાસ કરવા માંડયો. અર્ધો કલાક પછી એણે ત્રણે ત્રણ પુસ્તકોને બાજુ ઉપર મુક્યા અને કહ્યું, ''અલબત્ત, મને ખબર છે કે તમે આ પુસ્તકો શા માટે લઈને આવ્યા છો ?''
ડૉ. કેલ્વિનનાં હોંઠનો ખૂણો સહેજ ખેંચાયો. ''મને ડર હતો જ કે તને ખબર પડી જ જશે. તારી સાથે કામ કરવું અઘરું છે, હર્બી. તું હંમેશા મારાથી એક ડગલું આગળ જ રહે છે.'' (ક્રમશ:)
સર્જકનો પરિચય
આઈઝેક એસિમોવ
જન્મ: જાન્યુઆરી ૨, ૧૯૨૦ (પેત્રોવિચી, રશિયા)
મૃત્યુ: એપ્રિલ ૬, ૧૯૯૨ (ન્યુયોર્ક, અમેરિકા)
ગૂગલ પર સર્ચ કરો તો ગૂગલ કહેશે કે વિજ્ઞાાન વાર્તાઓનાં શહેનશાહ આઈઝેક એસિમોવનો જન્મ દિવસ ૨ જાન્યુઆરી, ૧૯૨૦ છે. કારણ કે આ તારીખ એમનાં જન્મદિવસ તરીકે ખુદ આઈઝેક એસિમોવે પોતે પસંદ કરી હતી. દરઅસલ તેઓ ૪ ઓક્ટોબર, ૧૯૧૯ થી લઈને ૨ જાન્યુઆરી, ૧૯૨૦ વચ્ચેની કોઈ પણ તારીખે રશિયામાં જન્મ્યા હતા, જેનો કોઈ બર્થ રેકોર્ડ મળતો નથી. એમનાં કુટુંબીજનોને પણ એની કોઈ ખબર નથી. વર્ષ ૧૯૨૩માં એસિમોવ કુંટુંબ અમેરિકા જઈને વસ્યું અને ન્યૂયોર્કમાં એનાં પિતાએ એક નાના કેન્ડી સ્ટોરથી શરૂઆત કરી. નાનકડો આઈઝેક ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો.
પાંચ વર્ષની ઉંમરે એ વાર્તા વાંચી શકતો, પંદર વર્ષની ઉંમરે એ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યો હતો અને ઓગણીસ વર્ષની ઉંમરે એણે એની પહેલી વાર્તા વેચીને પુરસ્કાર મેળવ્યો હતો. એક લેખક તરીકે એમણે કરેલું સાહિત્ય સર્જન વિશાળ હતું. પાંચસોથી વધારે પુસ્તકો અને નેવું હજાર પત્રો, જે એમણે લખ્યા કે સંપાદિત કર્યાં હતા. વિજ્ઞાાન વાર્તાઓ, ભવિષ્યમાં શું થશે? એની કાલ્પનિક કહાણીઓ.. અને દરેકમાં વિજ્ઞાાનનાં સિદ્ધાંત તો ખરાં જ. એમની વાર્તાઓ વાંચવા માટે વિજ્ઞાાનની જાણકારી હોવી જ જોઈએ એવું જરૂરી નહીં.
વર્ષ ૧૯૯૨માં બ્લડ ટ્રાન્સફ્યુઝન દરમ્યાન એચઆઈવી ઈન્ફેકશનને કારણે આઈઝેક એસિમોવ મૃત્યુ પામ્યા. લખવામાં, લખતા રહેવામાં એમને અનન્ય સુખ મળતું. લખવું એ એમનો સુખવાદ હતો. એક વર્ષમાં દસ પુસ્તકો લખવા કાંઈ સહેલી વાત નથી. તેઓ કહેતા કે ડોક્ટર મને કહે કે બસ તમારે જીવવા માટે હવે છ જ મિનીટ બાકી છે તો હું ચિંતા કે ચિંતનમાં ગરકાવ ન થઇ જાઉં. હું તો બસ, મારા ટાઈપ રાઈટર પર ઝડપથી આંગળી ચલાવવા માંડું, જેથી એટલું વધારે લખી શકાય.