સુખનિધાન સુવર્ણ - અમૃત
વૈવિધ્યમાં ય કેટલું બધું વૈવિધ્ય !
આ વિશ્વમાં કેટલી બધી વિવિધતા છે તેનો અંદાજ કોઈને હશે ? માનવ સહિતના દરેક જાતના જીવ, ત્રિલોક- આકાશ, પૃથ્વી, પાતાળ, અવકાશી તત્ત્વો, પ્રાકૃતિક તત્ત્વો, દૈવી તત્ત્વો, જળ, વનસ્પતિ- ફળ, ફૂલ, પાન, શાક, બીજ, મૂળ એ બધાંયને પોષતી માટી... યાદિ નહિ જ પરિપૂર્ણ થાય કોઈ દિવસ. માનવ જીવનને અસર કરતા પરિબળોનાં વૈવિધ્ય પણ અપાર છે. મૃત્યુની ઘડીનાં ય કેટલા વૈવિધ્ય ? જીવન અને મરણને સમજવા, તેની ફિલસૂફીમાં ઊંડા ઉતરવા માટે માનવો વિવિધ ધર્મોને અનુસરે છે.
એ ધર્મના બળે સારું જીવન અને ઉત્કૃષ્ટ મરણ પ્રાપ્ત થાય તેવી ઝંખના માણસ માત્રની છે. ધર્મ, આત્મા, વાણી, વર્તન, આચાર, વિચાર અને તેના ઉર્ધ્વીકરણ માટે માર્ગદર્શનના માર્ગો મોકળા કરી દે છે. જેને જે ધર્મ ફાવે તેને તે અનુસરે અને એનાથી જ તે પોષાતો રહે એવું માણસ માને છે. એ હિસાબે પોતાનો ધર્મ કે પંથ જ સર્વોત્કૃષ્ટ છે એવા ભાવથી તે એને અનુસરે એમાં કાંઈ ખોટું નથી.
હા, પોતાની રેખા મહેનતે લાંબી કરવાની છે. અન્યની કાપવાની નથી એટલું જો આપણે સમજતા થઈએ તો કલ્યાણમસ્તુ ! આમ તો આ આખો ય મુદ્દો સાપેક્ષ છે પરંતુ જો આપણી પાસે નીરક્ષીર વિવેક હોય તો દરેક ધર્મ કે પંથ પાસેથી કંઈક તો શીખવા મલે જ અને એમાં ય વિવિધ ધર્મસ્થાનો સાથે સંકળાયેલી કળાને પ્રેમ કરીએ તો આપોઆપ આત્મિક આનંદની અનુભૂતિ થાય - પ્રાપ્તિ થાય.
તળાવની ફરતે ભૌમિતિક ડિઝાઇનવાળો આરસનો પથ
સુવર્ણ મંદિરની વાસ્તુકળા- સ્થાપત્ય વિશ્વસ્તરે પ્રચલિત છે જેમાં ઇન્ડો ઇસ્લામિક (મુગલ) અને રાજપૂત સ્થાપત્યનું સંમિશ્રણ છે. તળાવની ફરતે મુખ્ય મંદિર ઉપરાંત અનેક અન્ય ઇમારતો પણ ખરી. કાર્યાલય, સંગ્રહસ્થાન અને સમૂહ ભોજન માટેનું લંગર ગૃહ મુખ્ય છે જે ધર્મનિરપેક્ષ છે. મુખ્ય મંદિરની અંદરની દીવાલો પર શીખ ગુરુઓની વાણી (ગુરુબાની) અને તેમના રૂપચિત્રો મૂકાયાં છે. સંગ્રહ સ્થાનમાં તલવાર, કિરપાલ, કાંસકી, ચક્ર જેવી કૃતિઓ અને સૈનિકો- શહીદોનાં ચિત્રો છે.
નજીકમાં જ ઘંટાઘર છે જેનું બાંધકામ મંદિરોને મળતું આવે છે. આ દરેક ઇમારત પર સફેદ નાના મોટા બુરજ અને મિનારા છે જેમાંના કેટલાક પર હાલ સોનાનો ઢોળ ચડાવવાનું કામ ચાલે છે. નજર ભરાય એવી ભવ્યતાની પરાકાષ્ટા અનુભવાય. મૂળ સુવર્ણ મંદિર ઉષ:કાળે દરરોજ અરૂણોદયથી અને સંધ્યાકાળ પછી રોશનીથી ઝગમગી ઉઠે છે. મોટો કેન્દ્રવર્તી ગુંબજ, ચાર છત્રીઓ, મોટા ગુંબજ પર કળશ, નીચે કમાનો, નાના ચાર ગુંબજો અને કમાનો પર અનેક નાનકા ઘુમ્મટો હારબંધ ઝળહળે.
ચોખંડા આ મંદિરની ઉપરથી નીચે પોણા ભાગ સુધીની દીવાલો સોને અને તાંબે મઢેલી છે. નકશીદાર ભીંતો, ગવાક્ષ, ગોખ, ઝરૂખા, બારી ઉપર કઠેડા, કમાન, ભૌમિતિક નકશીથી ભરપુર છે. ફૂલપત્તીને વળાંકદાર રેખાઓ પણ વિલસે. થાંભલીઓ કલાત્મક અને ચિત્તાકર્ષક લાગે. બાહરી ભીંતોનો બાકીનો ભાગ આરસનો છે જેમાં ચોકઠામાં લાલ, લીલા, કાળા રંગની બારીક લકીરો થકી ફૂલ, પાન, વૃક્ષ, કમાન, વલ્લરી, સૂર્ય અને ચન્દ્ર અનેરી આભા સર્જે. મુખ્ય દરવાજે પહોળી કમાન અને છજે છજે મદલ રસિકોને આમંત્રે. લચકદાર નકશી, કમળ ફૂલ થઈને ઝૂલે. શ્વેત સ્તંભ, કુંભી અને ચીણી સોનેરી- વાહ !
મૂળ ગામ રામદાસપુર અમૃત સરોવરને કારણે અમૃતસર તરીકે ઓળખાયુંસ
ભારતનું હર્યુંભર્યું ફળદ્રુપ રાજ્ય તે પંજાબ. પંચ + આબ એટલે કે પાંચ વિવિધ જળ- પાંચ નદીઓ જેને સમૃદ્ધ રાખે છે તે ખેતીપ્રધાન પ્રદેશ. એના અમૃતસર શહેરમાં હરિ અર્થાત્ ભગવાન વિષ્ણુનું મંદિર એવું 'હરમંદિર સાહેબ' ગુરુદ્વારા આવેલું છે જે 'ઇશ્વરનું નિવાસસ્થાન' તરીકે પણ ઓળખાય છે. સમસ્ત ભારતના શીખોનું (સાર્થ જોડણીકોશ પ્રમાણે) તે અગત્યનું અને પવિત્ર તીર્થધામ છે. પવિત્ર સભાગણને કારણે તેને 'દરબાર સાહિબ' પણ કહેવાય છે.
પંદરમી- સોળમી સદી દરમ્યાન ગુરુ રામદાસ અને ગુરુ અરજણના સન્નિષ્ઠ પ્રયાસોથી આ મંદિરનું સર્જન થયું. ૧૬૦૪માં ગુરુ ગ્રંથસાહેબની આદિગ્રંથ નકલ અહીં મૂકાઈ. ૬૮ તીર્થયાત્રીઓના ધર્મની ગાદીને 'અથ સાથ તીરથ' નામ અપાયું. અનેકવાર આ ગુરુદ્વારાનો જિર્ણોદ્ધાર થયેલો. ૧૮૦૯માં મહારાજા રણજિતસિંહે આ મંદિરને આરસ, ત્રાંબાથી મઢ્યું અને ૧૮૩૦માં ગર્ભગૃહમાં સોનાનો ઢોળ ચડાવાયો તથા મુખ્ય ટાવર પણ સોનેરી બન્યું ત્યારથી તે સુવર્ણ મંદિરના નામે પ્રસિદ્ધ અને લોકપ્રિય થયું.
દરેક ગુરુદ્વારામાં ગ્રંથ સાહેબની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એમાં ગોપિત જ્ઞાાનના ભંડારની પૂજા કરવામાં આવે છે.ઇશ્વરના નામે કોઈ સ્વરૂપ નહિ માત્ર નામ જાપ- જ્ઞાાન અને ફિલસૂફીની પાવન ધારા. ગુરુમુખી લિપિમાં સમાયેલું અદ્ભુત ચિંતન ! આવા ગ્રંથને કે ગુરુ કે પ્રભુની પદવી મળે એ કેટલી ઉંચી વિચારસરણી ! અમૃત સરોવરને કાંઠે આ મંદિર સોહે છે. માનવસર્જિત આ ચોરસ જેવા તળાવમાં પોતાનું ગરવું પ્રતિબિંધ જોઈ હરમંદિર સાહિબ એવા તો હરખાય છે !
મંદિર પરસાળમાં કલાત્મક કોતરણી- સોનેરી ફૂલદાની, ફૂલ, પાન, વેલ, જાળી.
તાંબા અનેે સોનાની રંગરમત તળાવને કિનારે છત્રીઓમાં છલકાય. ફૂલના અનેરા શણગાર સજાય અને 'પાણીમાં તરતું કૌતુક' જેવું કશુંક અનુભવાય. અરે, ચાલો નિજ મંદિરે - દર્શને ગુરુ ગ્રંથ સાહેબ સુંદર વ્યાસપીઠ પર લાલ- જરિયન ભભકદાર સોનેરી વસ્ત્ર ઓઢી બિરાજ્યા હોય. સ્નિગ્ધ- શ્વેત વીંઝણા વડે એમની સેવા થાય અને પશ્ચાદભૂમાં શબદ કીર્તન ગુરબાનીમાં અમૃત વર્ણવતા હોય : 'ફિરત ફિરત બહુતે જુગ હાર્યો... માનસ દેહ લહી:' ગુરુનાનક ગર્ભગૃહની છત સોને મઢી છે જેમાં કાંગરી,કમાનો, ફૂલપત્તી અને નકશી વચાળે કમળ, તેની મધ્યે સફેદ સ્ફટિકી કાચનું વિશાળ ઝુમ્મર ઝૂલે, ભીંત, બારસાખ, બોર્ડર, થાંભલી, કુંભી વિવિધ ભાતથી ભરચક ! તેના પ્રકાશે નિખરે ગુરુજી ઉપર ચાંદીનું છત્ર અને પાછળ પિછવાઈ.
અંદર પણ સોને મઢ્યું અને બહારની બાજુ પણ એકબીજામાં ગૂંથાયેલી ભાતનો શણગાર આરસ પર અને સોનેરી ગુંબજો અને ઘુમ્મટો પર. અંદર કીર્તન અને અરદાસ (પૂજન) પછી ગ્રંથસાહેબને શણગારેલી પાલખીમાં 'સુખાસન' (શયન) કાજે અન્યત્ર ખસેડાય અને સવારે 'પ્રકાશ' સ્વરૂપેે પરત લાવી 'મુખવાક' યોજાય તેમાં કોઈ પણ પાનું વાંચી તીર્થયાત્રીઓને તેનો લાભ અપાય અને તે કૃતકૃત્ય થઈ જાય.
''હુકમૈ અંદરિ સભુકો બાહરિ હુકમ ન કોઈ ।
નાનક હુકમૈ જે બુઝે તહઉમૈ કહે ન કોઈ''
લસરકો: ''૧ઉ'' પ્રતીક - ઓમ કાર દ્વારા શીખો માને છે કે ''ઇશ્વર એક જ છે, અનંત છે, સર્વોપરિ છે.''