કેન્સર અંગેના સંશોધનનો ભેખધારી
આજકાલ - પ્રીતિ શાહ .
કેન્સરના રોગની વહેલી જાણકારી કેવી રીતે મળે તેના માટે અને ઓછી કિંમતે કેમોથેરપી કેવી રીતે આપી શકાય તેના માટે અને પ્રયત્નશીલ છે. કારણ કે તે માને છે કે કૅન્સર એ માત્ર મેડિકલ રોગ નથી, આર્થિક રોગ પણ છે
પશ્ચિમ બંગાળના ગરીબ ખેડૂત પરિવારમાં સોવોન આચાર્યનો જન્મ થયો. કૉલકાતાથી દોઢસો કિ.મી. દૂર આવેલા એના ગામની સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેની બાર વર્ષની ઉંમરે એના કાકીને બ્લડ કૅન્સર થયું, ત્યારે પહેલીવાર એણે કૅન્સર એવો શબ્દ સાંભળ્યો. બહુ થોડા સમયમાં એમનું અવસાન થયું, ત્યારે સોવોનના મનમાં કેટલાય પ્રશ્નો ઊઠયા, પરંતુ આટલી નાની વયે તેને કંઈ સમજાતું નહોતું, પરંતુ એના મન પર ઘેરી એક આ દુ:ખદ છાપ રહી ગઈ.
સ્કૂલના અભ્યાસ પછી આર્થિક મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ કરી શકે તેમ નહોતો, પરંતુ આ વર્ષોમાં એના મનમાં માનવીના શરીર વિજ્ઞાાન અને કૅન્સર વિશે જાણવાની ઉત્કંઠા વધતી ગઈ. તેથી એણે વિચાર્યું કે અન્યત્ર નોકરી કરવા કરતાં હૉસ્પિટલમાં જ નોકરી કરું તો કેવું અને એને કૉલકાતાની એ.એમ.આર.આઇ. મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હૉસ્પિટલમાં નોકરી મળી ગઈ. ત્યાં એણે દર્દીઓના ડોક્યુમેન્ટ ચેક કરવાનું, માર્ગદર્શન આપવાનું અને ફોર્મ ભરવાનું જેવા કામો કરવાના હતા.
આ હૉસ્પિટલમાં રોજ જાતજાતના રોગ ધરાવતા આશરે સાઠ દર્દીઓ આવતા. સોવોન રોગના નામ જાણતો, ડાયરીમાં એની નોંધ ટપકાવતો અને રાત્રે ઇન્ટરનેટ પર એના વિશે માહિતી મેળવતો. ડોક્ટરો પણ એના પ્રશ્નોના જવાબ આપી એની જિજ્ઞાાસાને સંતોષતા. તે શરીર વિજ્ઞાાનનું સેકન્ડ હેન્ડ પુસ્તક લઈ આવ્યો અને વાંચવા લાગ્યો. બંગાળી માધ્યમમાં ભણેલો સોવોન થોડું અંગ્રેજી પણ શીખવા લાગ્યો, પરંતુ દુર્ભાગ્યે ડિસેમ્બર ૨૦૧૧માં હૉસ્પિટલમાં આગ લાગી અને આશરે સો વ્યક્તિ મૃત્યુ પામી.
એણે કૉલકાતાના ન્યૂ ટાઉન એરિયામાં આવેલી ટાટા મેડિકલ સેન્ટર કૅન્સર હૉસ્પિટલમાં નોકરી માટે અરજી કરી. એણે વિચાર્યું કે જો અહીં નોકરી મળશે તો કૅન્સરના રોગ વિશે કંઈક વધુ જાણી શકાશે. તેથી એણે ટેલિફોન ઓપરેટર તરીકેની નોકરી માટે અરજી કરી. એને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે, અહીં વીસ ડૉક્ટરો છે. કયા દર્દીને કયા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ આપવી તેનો તમને ખ્યાલ આવશે ? ત્યારે સોવોને પોતાના અનુભવને આધારે સારા અને સાચા જવાબ આપ્યા.
આ નોકરી એના જીવનને વળાંક આપવામાં સીમાચિહ્નરૂપ બની રહી. અહીં ઘણા વિજ્ઞાાનીઓ અને ડૉક્ટરોનો મેળાપ થયો. ઘણી વખતે એના મનમાં સતત ઉઠતા પ્રશ્નોનો જવાબ આપીને ડૉક્ટરો પણ કંટાળી જતા. અહીં પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં જવા મળ્યું, જોવા મળ્યું અને જાણવા મળ્યું. એનો ઉત્સાહ અને તેની જ્ઞાાનપિપાસા જોઈને ત્યાંના બે ડોક્ટરોએ આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું.
એણેે આગળ અભ્યાસ કરવા સમગ્ર દેશમાં તપાસ કરી, પરંતુ બોર્ડની પરીક્ષા આપ્યાને ત્રણ વર્ષ થઈ ગયા હોવાથી ક્યાંય પ્રવેશ મળે તેમ નહોતો. એણે શિક્ષણ વિભાગનો સંપર્ક પણ કર્યો, પરંતુ એની વિનંતીને વાહિયાત ગણીને હસી કાઢવામાં આવી. એવામાં એને ખબર પડી કે કાનપુર યુનિવર્સિટીમાં આ પ્રકારે બેચલર પ્રોગ્રામ ચાલે છે. જૂન ૨૦૧૩માં ખિસ્સામાં ત્રણસો રૂપિયા સાથે કાનપુર પહોંચ્યો. ત્યાં એના મિત્રે મદદ કરી, પરંતુ ફી પેટે ભરવાના ચોપન હજાર લાવવા ક્યાંથી ?
એણે એના પિતાને વાત કરી. પિતા પાકું મકાન બનાવવાના વિચારમાં હતા, પરંતુ તે માંડી વાળીને જમીનનો નાનો ટુકડો વેચીને ફીની વ્યવસ્થા કરી. તેના અનુભવના આધારે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો સોવોન માઇક્રોબાયોલોજીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના ટયુશન કરવા લાગ્યો. બીજા વર્ષે એણે આઇ.આઇ.ટી. કાનપુરમાં કામ કરતા પ્રો. પ્રદીપસિંહાને પત્ર લખીને તેનેે સંશોધનમાં રસ છે તેમ જણાવ્યું. કૅન્સરની દવા પર સંશોધન કરતા પ્રદીપસિંહા સાથે તે લેબ એટેન્ડન્ટ તરીકે જોડાયો. આગળ અભ્યાસ માટે માતાએ ઘરેણાં ગીરવે મૂક્યાં, પ્રોફેસરે ફી ભરી, વિદ્યાર્થીઓએ મદદ કરી. દિલ્હીની એઇમ્સમાં માસ્ટર્સની પ્રવેશ પરીક્ષામાં એ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો.
એના મનપસંદ ક્ષેત્ર કૅન્સર અને બ્લડ કૅન્સરમાં સંશોધન કરીને ૨૦૧૭માં માસ્ટર્સની ડિગ્રી મેળવી. જાપાનની સરકારની ફેલોશિપ મેળવીને છ મહિના જાપાન ગયો. ત્યાંથી આવીને કૉલકાતાથી પચાસ કિ.મી. દૂર કલ્યાણીમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ બાયોમેડિકલ જિનોમિક્સમાં સંશોધન કરી રહ્યો છે. કૅન્સરના રોગની વહેલી જાણકારી કેવી રીતે મળે તેના માટે અને ઓછી કિંમતે કેમોથેરપી કેવી રીતે આપી શકાય તેના માટે અને પ્રયત્નશીલ છે.
કારણ કે તે માને છે કે કૅન્સર એ માત્ર મેડિકલ રોગ નથી, આર્થિક રોગ પણ છે. એના માતા-પિતા ઇચ્છતા હતા કે એનું શિક્ષણ માનવ જાતને ઉપયોગી થાય તે શબ્દોને યાદ રાખીને સોવોન એવું સંશોધન કરવા માગે છે કે દવાની દુકાને જઈને તમે જેમ શરદી, તાવ કે અપચાની દવા લઈ શકો છો, તેમ કૅન્સરની દવા પણ લઈ શકાય. જો કે તે માને છે કે કદાચ આ બાબત તેના જીવનકાળ દરમિયાન શક્ય ન પણ બને, પરંતુ એ દિશામાં શરૂઆત કરી તેમાં પ્રદાન કરવા માગે છે.
મૂરઝાયેલી જિંદગીમાં આશાનો સંચાર
શરીફા એ સ્ત્રીઓની મૂરઝાઈ ગયેલી જિંદગીમાં આશાનું કિરણ બનીને આવી. એના સંગઠન દ્વારા એમને માહિતી મળવા લાગી કે તેમને ક્યાં નોકરી મળી શકે અથવા તો પોતાનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકે
મ્યાં મારમાં જન્મેલી શરીફા શકીરા પોતાના વિશે, જીવન વિશે કંઈ સમજે તે પહેલાં એણે ચોતરફ માત્ર ભયનું જ વાતાવરણ જોયું હતું. પાંચ વર્ષની નાની ઉંમરે પોતાનો દેશ છોડવો પડયો. તેને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે. દર થોડા દિવસે પાડોશમાંથી રડવાનો- ચીસો પાડવાનો અવાજ આવતો હતો અને આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ જતો. કેટલાક પુરુષો ગાયબ થઈ જતા, તો કેટલીક સ્ત્રીઓ પણ ! સ્ત્રીઓ પર અત્યાચાર થતા, પરંતુ આક્રમક અને શક્તિશાળી લશ્કર આગળ સહુ લાચાર હતા.
સહુ કોઈ અહીંથી કેવી રીતે ભાગીને નીકળી શકાય તેનો જ વિચાર કરતા હતા. શરીફા શકીરાના પિતા પણ ભાગીને મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચ્યા હતા. એમને ગયાને ત્રણ વર્ષ વીતી ગયા હતા, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર પડયો નહોતો. મ્યાંમારના રખાઈન સૂબામાં જ્યાં શરીફા શકીરા જન્મી હતી, ત્યાં લશ્કરનો જુલમ વધી ગયો હતો, તેથી શરીફાની માતાએ પણ પોતાના બાળકોને લઈને પતિ પાસે પહોંચવાનું નક્કી કર્યું. જો કે અહીંથી નીકળવું સહેલું ન હતું, પરંતુ પાડોશીઓ અને સગાંવહાલાંઓની મદદથી તેઓ ઘર છોડીને નીકળી પડયા.
તેઓનો પરિવાર ક્યારેક પગે ચાલીને તો ક્યારેક નાવમાં બેસીને ત્રણ સપ્તાહ સુધી ભાગતો રહ્યો. મ્યાંમાર અને થાઇલેન્ડના જંગલોમાં લપાતા- છૂપાતા છેવટે મલેશિયા પહોંચ્યા, પરંતુ અહીં જિંદગીના નવા પ્રશ્નોનો પડકાર ઝીલવાનો હતો. યુનાઇટેડ નેશન્સ હાઇકમિશનર ફોર રેફ્યુજીસના માન્યતા પ્રાપ્ત શરણાર્થી હો કે ન હો, પરંતુ તમને મલેશિયાની સ્કૂલમાં અભ્યાસ કરવાનો, હોસ્પિટલમાં સારવાર લેવાનો કે કાયદેસર રીતે કામ કરવાનો કોઈ અધિકાર મળતો નથી. શરીફા ભણવા માગતી હતી, પરંતુ સ્કૂલે જઈ શકતી નહોતી. એણે ઘણાં સંઘર્ષોનો સામનો કર્યો.
છ ભાઈ-બહેનોમાં સૌથી મોટી શરીફાને કોઈ માર્ગ મળ્યો નહીં, ત્યારે તે ટેલિવિઝન જોઈને અભ્યાસ કરવા લાગી. જ્યાં જે કાંઈ મળતું તે વાંચવા લાગી. એણે જોયું કે મ્યાંમાર કરતા જિંદગી થોડી આસાન છે, પરંતુ આ રીતે ભણવાથી કોઈ મોટું પરિવર્તન નહીં આવે. શરીફા કહે છે કે બહાર કોઈ કામની શોધ કરતાં, તો અપમાન થવાનો ભય સતાવતો રહેતો, પરંતુ પરિવારજનોને ખાવા માટે કંઈક તો જોઈએ, તેથી જે કામ મળતું તે કરી લેતા મોટા ભાગે પુરુષો મજૂરી કરતા અને સ્ત્રીઓ ઘરનું કામ, સફાઈનું કામ કરતી, પરંતુ ત્યાંના સ્થાનિક સત્તાધીશો કામ કરતા અટકાવતા. જ્યાં સુધી એમના ખિસ્સામાં કંઈ નાખવામાં ન આવે, ત્યાં સુધી કામ કરવા દેતા નહીં. આને કારણે ઘણાં રોહિંગ્યા શરણાર્થીઓ ભિખારી બની ગયા હતા.
આ રીતે જિંદગી જેમ- તેમ કરીને ચાલી રહી હતી. પરિસ્થિતિથી નાખુશ શરીફાને એક દિવસ રોહિંગ્યા મુસલમાનો માટે અમ્પાંગમાં આયોજિત એક એન.જી.ઓ.ના કાર્યક્રમમાં જવાની તક મળી. ત્યાં એણે પોતાના સમુદાયની ભલાઈ માટે સ્ત્રી- પુરુષોએ સાથે કામ કરવું જોઈએ એવી સલાહ આપી. તેથી એક રોહિંગ્યા પુરુષે એને બે કલાક સુધી ધમકાવી કે તે કેમ આવું
બોલી. આ પ્રસંગથી શરીફાને ખૂબ દુ:ખ થયું, પરંતુ એની સાથોસાથ એને પ્રતીતિ થઈ અને પ્રબળ રીતે માનવા લાગી કે સૌ પ્રથમ તો આ લોકોને શિક્ષિત કરવાની જરૂર છે. એ ઉપરાંત શરીફા પોતાની આટલી નાની ઉંમરમાં એ પણ જાણી ચૂકી હતી કે કોઈ પણ સ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલીઓ અને દુ:ખદર્દ સ્ત્રીઓના ભાગે જ આવે છે. તેથી એણે રોહિંગ્યા શરણાર્થી સ્ત્રીઓને માટે કામ કરવાનું નક્કી કર્યું.
૨૦૧૬માં શરીફાએ 'રોહિંગ્યા વુમન્સ ડેવલપમેન્ટ નેટવર્ક' નામના સંગઠનની સ્થાપના કરી. કુઆલાલંપુરમાં શરણાર્થી શિબિરોમાં શરીફા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા લાગી. જેમાં સ્ત્રીઓનું સ્વાસ્થ્ય, બાળવિવાહ અને લૈંગિક સમાનતા વિશે ચર્ચા કરતી હતી. જોતજોતામાં એના દરેક કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં રોહિંગ્યા સ્ત્રીઓ ભાગ લેવા લાગી.
શરીફા એ સ્ત્રીઓની મૂરઝાઈ ગયેલી જિંદગીમાં આશાનું કિરણ બનીને આવી. એના સંગઠન દ્વારા એમને માહિતી મળવા લાગી કે તેમને ક્યાં નોકરી મળી શકે અથવા તો પોતાનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકે. સંગઠનની વેબસાઇટ દ્વારા શરણાર્થી સ્ત્રીઓ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરીને હજારો રૂપિયા કમાવા લાગી. જો કે શરીફાને પોલીસ તરફથી ઘણી સતામણી થતી, જ્યારે જ્યારે એના ઘરે પોલીસ આવતી, ત્યારે તે અને તેના પતિ ગેસ્ટહાઉસમાં રહેતા.
આમ છતાં તેઓ પોતાના પીડિત સમુદાય માટે કામ કરતા રહ્યા. શરીફાએ આજ સુધીમાં હજારો સ્ત્રીઓની જિંદગીમાં પરિવર્તન આણ્યું છે. ૨૦૦૭માં અમેરિકામાં કોન્ડોલીસા રાઇસે શરૂ કરેલો 'ધ ઇન્ટરનેશનલ વીમેન ઓફ કરેજ એવોર્ડ' કે જે વિશ્વમાં હિંમત, શાંતિ, ન્યાય, માનવ અધિકાર, લૈંગિક સમાનતા અને સ્ત્રીસશક્તિકરણ માટે હિંમતથી કામ કરતી સ્ત્રીઓને આપવામાં આવે છે, તેના માટે શરીફા નામાંકિત, તે પહેલી ગેર-મલેશિયાઈ સ્ત્રી છે, જેને મલેશિયાથી આ સન્માન માટે નામાંકિત કરવામાં આવી.