Get The App

જહાં શૌચાલય, વહાં સોચ...

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
જહાં શૌચાલય, વહાં સોચ... 1 - image


શૌચાલય એવી જગ્યા છે જ્યાં ઊંચનીચનાં ભેદ ન હોવા જોઈએ. જો બોસ એનાં કર્મચારીનાં ટોઈલેટ ઉપયોગ કરે તો સ્વાભાવિક છે કે એ ચોખ્ખા જ રહે

થેન્ક્સ ટૂ સ્વચ્છ ભારત મિશન, હવે ઠેર ઠેર શૌચાલય બની ગયા છે. સુધરેલા ગુજરાતીઓ જો કે શૌચાલય શબ્દ બોલતા નથી. હવે આપણે 'સંડાસ'ની જગ્યાએ 'ટોઈલેટ' અથવા તો 'વોશરૂમ' જવાની વાત કરતા હોઈએ છીએ. ગુજરાતી ભાષામાં 'ઝાડે ફરવું' એવો રૂઢિપ્રયોગ તો હજી છે જ. ભગવદ્ગોમંડલ અનુસાર એનો અર્થ થાય છે : જંગલ જવું, પાદર જવું,  મલોત્સર્ગ કરવો, કળસીએ જવું, જંગલમાં, પાદરે કે ખેતરોમાં જઈ ઝાડ નીચે ખરચું બેસવાની રીત ઉપરથી ઝાડે ફરવું પ્રયોગ થયો લાગે છે.

આ ભગવદ્ગોમંડલમાં લખ્યું છે. એ અર્થમાં 'ઝાડે ફરવું' અલબત્ત હવે અઘરું છે. મ્યુનિસિપાલિટીવાળા પકડે છે, દંડે છે. અને એ પણ તો છે કે ખૂબ સારા સ્વચ્છ સુગંધી ટોઈલેટ હોય તો ઝાડે શા માટે ફરવું પડે? પણ પછી નવાં પ્રોબ્લેમ્સ થાય છે. કર્મચારી ટોઈલેટમાં જાય અને પછી લાંબા સમય સુધી ત્યાં જ બેસી રહે. એને મઝા આવે. એ વિચાર કરી શકે. મોબાઈલ ફોન લઈને જાય તો તો ત્યાં બેઠાં બેઠાં કાંઈ કેટલી પ્રવૃત્તિઓ થઈ શકે. કામ પછી ટલ્લે ચઢે. હવે ટોઈલેટ જવાની ના પણ શી રીતે પાડી શકાય? પણ દરેક પ્રોબ્લેમનાં ઉકેલ તો હોય જ છે.

સમાચાર છે કે ભારતીય મૂળનાં એક બ્રિટિશ ડીઝાઈનર મહાબીર ગીલે એક નવી ટોઈલેટ સીટ ડીઝાઈન કરી છે જે સામાન્ય ટોઈલેટ કરતા ૧૩ ડીગ્રીનાં ખૂણે ઝૂકેલી છે. એની ઉપર શૌચ કરવા બેઠેલી વ્યક્તિનાં પગ ઉપર વધારે જોર પડે છે. પાંચ મિનિટથી વધારે બેસવું અઘરું થઈ જાય. મહાબીરભાઈએ જોયું કે જાહેર શૌચાલયોમાં લાંબી લાઈન એટલે થઈ જાય છે કારણ કે તેમાં જનારા ઝાઝો સમય ટોઈલેટ સીટ ઉપર બેસી રહે છે. કામકાજનાં સ્થળોએ પણ કર્મચારીઓ પણ ટોઈલેટમાં વધારે સમય વ્યતિત કરતા જોવા મળે છે. એનાથી પ્રોડક્ટિવિટી ઘટે છે. આ વળી નવો પ્રોબ્લેમ...

જાહેર જગ્યાએ જ્યાં ઝાઝા લોકો લાઈન લગાડતા હોય ત્યાં સમયસર શૌચક્રિયા પૂર્ણ કરીને બહાર નીકળી જવું આવશ્યક છે. જ્યારે કર્યુંકારવ્યું પર પાણી ફેરવી દેવાની ઘડી આવે ત્યારે ટોઈલેટ સીટનું ઢાંકણ બંધ રાખો તો બેક્ટેરિયા ફેલાતા અટકે છે. પણ પછી જોઈ લેવું કે સઘળો મળ સાફ થયો છે કે કેમ? પોખરો ગંદો ય ન છોડવો. તમારા પછી જે આવે એને ય પોંખાવું હોય ને ભાઈ! જો બરાબર ફ્લશ ન થતું હોય તો શૌચાલયનાં એટેન્ડન્ટને જાણ કરવી.

એ પણ જોવું કે પાણી નીચે ન ઢોળાય અને કોઈ લપસી ન પડે. અને હા, દીવાલ પર થૂંકવું કે લખવું પ્રતિબંધિત છે. ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ શૌચાલયમાં ધુમ્રપાન કરવું અન્યનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઇગ્ઝૉસ્ટ ફેન હોય તો સ્વિચ ઓન કરી શકાય. ટીસ્યૂ પેપર કે સેનેટરી નેપકિન નિર્ધારિત જગ્યાએ નાંખવા. વોશબેસીનનાં નળ જરૂર પૂરતાં જ વાપરવા. જાહેર શૌચાલયની જગ્યાએ કોઈ ઓળખીતા મળી જાય તો ડોકી ધૂણાવવી પણ હસ્તમેળાપ જરૂરી નથી. શૌચાલયમાં શાંતિ રાખવી. શૌચાલય ગપસપાલય નથી.

શૌચાલય એવી જગ્યા છે જ્યાં ઊંચનીચનાં ભેદ ન હોવા જોઈએ. જો બોસ એનાં કર્મચારીનાં ટોઈલેટ ઉપયોગ કરે તો સ્વાભાવિક છે કે એ ચોખ્ખા જ રહે. બોસને ખબર પણ પડે કે કોણ છે એ કર્મચારી, જે ઝાઝો સમય શૌચાલયગ્રસ્ત રહે છે. એવું કહે છે કે કોઈ પણ સરકારી કે ગેરસરકારી સંસ્થા કેટલી સારી રીતે ચાલે છે, એ જોવું હોય તો એનાં ટોઈલેટની મુલાકાત અવશ્ય લેવી. ટોઈલેટ ચોખ્ખા હોય તો વહીવટ સારો ગણાય. પણ આપણા શૌચાલયો જોઈએ તેવા ચોખ્ખા હોતા નથી.

જાહેર શૌચાલયો નિર્માણ કરવા સહેલા છે પણ એને ચલાવવા, એની નિભાવ મરામત દુષ્કર છે. ગંધાતા ટોઈલેટમાં કોઈ ઝાઝો સમય વિતાવતા નથી. ભારત દેશમાં ૧૩ ડીગ્રી ઝૂકેલા ટોઈલેટ મુકવાની ઘડી હજી આવી નથી. અમેરિકન સ્ટેન્ડ-અપ-કોમેડિયન જ્યોર્જ કાર્લીને કહ્યું હતું કે સૌથી વિચિત્ર કઈ ફિલિંગ હોઈ શકે? તમે ટોઈલેટમાં બેઠાં બેઠાં ચોકલેટ કેન્ડી ખાતા હો! ના હોં, એવી રળિયામણી ઘડી હજી આવી નથી...

Tags :