પ્રજાબંધુએ ભારતીય ગૃહ ઉદ્યોગોને સજીવન કરવાની ભારે હિમાયત કરી હતી
પ્રજાબંધુએ આર્થિક રાષ્ટ્રવાદની ભાવના ફેલાવીને દેશના કારીગરો અને વેપારીઓને ઉત્તેજન પૂરું પાડયું હતું
૧૯ ૧૫ બાદ ગાંધીજીએ સ્વદેશી આંદોલન ઉપાડયું તે પહેલાંનું આ પ્રથમ સ્વદેશી આંદોલન હતું. હિંદનાં વાયસરોય લોર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાળનાં ભાગલા પાડયા બાદ સમગ્ર દેશમાં તેની સામે રાજકીય આંદોલન થયા હતા તેની સાથે સાથે સ્વદેશી આંદોલ પણ ભભૂકી ઊઠયું હતું. ઈંગ્લેંડનાં માલની હોળીઓ કરીને સ્વદેશી માલ વાપરવા માટે જે દેશવ્યાપી ઝૂંબેશ થઇ તે ગાંધીયુગ પહેલાનું પ્રથમ સ્વદેશી આંદોલન હતું. પણ પ્રજાબંધુ તો તેની સ્થાપનાથી જ (૧૮૯૮) આર્થિક રાષ્ટ્રવાદની નીતિને વરેલું હતું. તેણે સ્વદેશી આંદોલન પહેલાં સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાની લોકોને સલાહ આપી હતી. હરગોવીંદદાસ કાંટાવાલા અને અંબાલાલ સાકરલાલ દેસાઇ જેવા નેતાઓએ તો ગુજરાતનાં શહેરોમાં છેક ૧૮૮૦નાં દાયકાથી સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીઓ તથા સ્વદેશી સ્ટોર્સ સ્થાપીને સ્વદેશી આંદોલન ચલાવ્યું હતું. પ્રજાબંધુએ ૧૮૯૮ બાદ અગ્રલેખો, લેખો તથા જાહેરાતો છાપીને આ આંદોલનને વાચક વર્ગ અને વ્યાપક સમાજ સુધી પહોંચાડયું હતું. ૧૯૦૨માં જ્યારે કોંગ્રેસનું અમદાવાદમાં અધિવેશન મળ્યું ત્યારે પ્રજાબંધુએ એનાં ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ૧૯૦૨નાં તથા જાન્યુઆરી-ફેબુ્રઆરી ૧૯૦૩ના અંકોમાં ભારતીય ગૃહ ઉદ્યોગોને સજીવન કરવાની ભારે હીમાયત કરી હતી અને નવી ટેકનોલોજીને આધારે કેમીકલ, ઈલેક્ટ્રીકલ અને રંગ અને રસાયણ જેવા નવા ઉદ્યોગો સ્થાપવાની હીમાયત કરી હતી. વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે કોંગ્રેસનાં અધિવેશનનાં ભાગરૂપે ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું ત્યારે પ્રજાબંધુએ ફોટોગ્રાફો સહીત ઔદ્યોગિક પ્રદર્શનનું કવરેજ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કર્યું હતું. જે સમયે હિંદમાં બ્રિટીશ માલ ઢગલેબંધ ઠલવાતો હતો અને હિંદનાં જુના ઉદ્યોગો તૂટતા જતા હતા તે સમયે ૧૯૦૨નાં ઔદ્યોગિક પ્રદર્શનમાં પોરબંદરનું સૂર્યકૂકર, ચિત્રો અને ફોટોગ્રાફો, હાથીદાંતની કારીગરી, દીવાસળીની પેટીઓ, ગાલીચા અને શેતરંજી, માટીકામનાં નમૂનાઓ અને બાળકોને રમવા માટેનાં લાકડા અને માટીનાં રમકડાંઓ રજૂ કરવામાં આવ્યા હતા. આજે આપણને આ વાંચી - જાણીને હસવું આવે, પણ એ તો શું થાય ?! આપણાં બાપદાદાઓનો અને દાદીઓનો જમાનો એવો જ હતો. પણ એટલું તો ચોક્કસ છે કે પ્રજાબંધુએ આર્થિક રાષ્ટ્રવાદની ભાવના ફેલાવીને દેશનાં કારીગરો અને વેપારીઓને ઉત્તેજન પૂરૂં પાડયું હતું.
પ્રજાબંધુનો સ્વદેશી આંદોલન પરત્વેનો વ્યાપારી અભિગમ
આર્થિક રાષ્ટ્રવાદ સાથે મર્દાનગીનું ''સ્વદેશી રામબાણ ઔષધ'' સીફતપૂર્વક ભળી ગયું હતું !
સ્વ દેશી આંદોલન વખતે પ્રજાબંધુ તેનાં સમાચારો ઉપરાંત લેખો બદલ સમગ્ર ગુજરાતમાં છવાઇ ગયું હતું. હિંદુ, મુસલમાન, જૈન અને પારસી વેપારીઓ તેમનો માલ ખપાવવા તેમાં જાહેરાતો આપવા લાગ્યા. તે એટલે સુધી કે વૈદો, હકીમો અને ફાર્મસીવાળાઓ ફોટોગ્રાફો સાથે જાહેરાતો આપવા લાગ્યા કે ''નપુંસકતા અને કમજોરીને દૂર કરવા અમે બનાવેલી સ્વદેશી પીલ્સ, ગોળીઓ અને ટોનીકોનો જ આધાર રાખો. ફોટોગ્રાફોમાં યુવાન પુરૂષોના નિસ્તેજ, નિરાશ અને સાવ નખાઇ ગયેલી હાલતમાં ખુરશી અથવા તો પલંગ પર બેઠેલા દર્શાવવામાં આવતા અને સ્ત્રીને ભર જોબનવાળી કામૂક દશામાં દર્શાવવામાં આવતી હતી. મારા મિત્ર અને અમેરિકાના પ્રોફેસર ડગ્લાસ હેન્સને વર્ષો પહેલા હું ગુજરાત સમાચારની ઓફીસમાં લઇ ગયો હતો અને એનાં આર્કાઇવ્ઝમાં પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનાં ઢગલેબંધ જૂના અંકો બતાવ્યા હતા. તેને આધારે ડગ્લાસ હેન્સે ''પોટેન્સી એડવર્ટાઇઝમેન્ટ'' ઉપર લાંબો લેખ પ્રસિધ્ધ કરીને એક નવો જ થીમ ઉપસાવ્યો છે અને સાંસ્કૃતિક ઈતિહાસકારોમાં તે લોકપ્રિય બન્યો છે. આ ઉપરથી પ્રજાબંધુનો ''સ્વદેશી આંદોલન'' પરત્વેનો વ્યાપારી અભીગમ સમજાશે. આર્થિક રાષ્ટ્રવાદ સાથે મરદાનગીનું ''સ્વદેશી રામબાણ ઔષધ'' સીફતપૂર્વક ભળી ગયું હતું !
સપ્ટેમ્બર ૧૯૦૮ના અંકમાં સ્વદેશી માલ જ ખરીદવાની હિમાયત કરીને કહ્યું
'હાલની અધોગતિ ટાળવાનો એક જ માર્ગ છે
અને તે છે નાના મોટા ઉદ્યોગો સ્થાપવાનો'
સ્વ દેશી આંદોલનનું એપીસેન્ટર બંગાળ હતું. પણ તેના તરંગો સમગ્ર દેશમાં ફેલાયા. તે અંગેનો એક મહત્વનો મુદ્દો એ છે કે બંગાળમાં એની પરંપરા મુજબ સ્વદેશી આંદોલનનું રાજકીય સ્વરૂપ વિકસ્યું જ્યારે ગુજરાતે એની વ્યાપારી પરંપરા મુજબ આર્થિક સ્વરૂપ વિકસાવ્યું. તે મુજબ અમદાવાદનાં મિલ ઉદ્યોગનો ઝડપી વિકાસ થયો, સાબુ, કાગળ અને ખાંડનાં કારખાનાં ઊભાં થયાં. આપણાં મહાન કવિ દલપતરામે તો છેક ૧૮૫૧માં અમદાવાદથી સુરતમાં જઇને ત્યાંની એન્ડ્રુસ લાયબ્રેરીમાં ''હુન્નરખાનની ચડાઇ'' નામનું આર્થિક રાષ્ટ્રવાદની ભાવના ચરિતાર્થ કરતું કાવ્ય સંભળાવ્યું હતું.
પ્રજાબંધુએ એનાં ૧૯૦૮ સપ્ટેમબરના અંકમાં સ્વદેશી માલ જ ખરીદવાની હીમાયત કરીને કહ્યું ''વિલાયતી માલનો મોહ રાખીને તે જ ખરીદતા લોકોની વૃત્તિ ''ગાયને દોહીને કુતરીને પાવા સમાન છે. વિદેશી માલનો બહિષ્કાર કરીને દેશી માલ ખરીદવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. કેટલાક જણ કહે છે કે હિંદમાં સારો અને ટકાઉ માલ બનતો ન હોવાથી અમે ઈંગ્લેંડ, ચીન અને જાપાનનો માલ ખરીદીએ એમાં ખોટું શું છે ? પણ જો પોતાની જાત પર થોડો સંયમ રાખીને તેઓ સ્વદેશી માલને ઉત્તેજન આપે તો તેનાંથી દેશનાં ઉદ્યમને ચોક્કસ ઉત્તેજન મળશે. હાલની અધોગતિનો એક જ માર્ગ છે અને તે છે નાના મોટા ઉદ્યોગો સ્થાપવાનો.''
''ગુજરાતી યુવાનોનાં ગરમ લોહી''
સાથે જોડાયેલી હિંસક ક્રાંતિની ''અહિંસક રીતે'' છણાવટ કરી
સ્વ દેશી આંદોલન વખતે પ્રજાબંધુએ ''બંગાળી એનાર્કિસ્ટો'' શીર્ષક હેઠળ સમાચારો અને લેખો પ્રસિદ્ધ કર્યા હતા. તેનાં અહેવાલો મુજબ અમદાવાદનાં મોડરેટ નેતાઓ કોઈ પણ જાતની હિંસાનાં વિરોધી હતા. તેમ છતાં અમદાવાદનાં જ ખાડિયા વિસ્તારમાં બોમ્બ પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું હતું. ખાડિયાની ધોબીની પોળમાં વીસેક બંગાળી ક્રાંતિકારીઓ ભેગા થયા હતા અને એમણે નવયુવાન ગુજરાતી ક્રાંતિકારીઓની મદદથી ધોબીની પોળમાં ''યુનાઇટેડ બાંગ્લા હોમ'' સ્થાપ્યું હતું. આ સંસ્થાનાં આગેવાનો વેપારી નગરમાં છૂપી રીતે બોંબ બનાવતા હતા. તેનાં પરિપાક રૂપે ૧૯૦૯માં જ્યારે હિંદનાં વાયસરોય લોર્ડ મિન્ટો અમદાવાદમાં આવ્યા ત્યારે રાયપુર વિસ્તારમાંથી પસાર થએલી તેમની બગ્ગી ઉપર બોંબ નંખાયો હતો પણ વાયસરોય આબાદ રીતે બચી ગયા હતા અને તોફાનીઓ પોળોમાં ઘૂસીને તથા એક પોળમાંથી બીજી પોળમાં જઇને અમદાવાદની બહાર છૂમંતર થઇ ગયા હતા. પ્રજાબંધુએ આ વાતને ખુબ સારી રીતે ચગાવી હતી. એક તરફ તેણે ''ગુજરાતી યુવાનોનાં ગરમ લોહી'' સાથે જોડાયેલી હિંસક ક્રાંતિની ''અહિંસક રીતે'' છણાવટ કરી અને બીજી તરફ રાજકીય ખૂનોની ઘોર નિંદા કરી. પણ તેની સાથે તેણે 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે બીરદાવ્યું. અમદાવાદની અખાડા અને વ્યાયામ પ્રવૃત્તિ અને 'વંદે માતરમ્'ની ભાવનાથી યુક્ત રાષ્ટ્રવાદ સમાંતર ચાલ્યા હતા.
બ્રિટિશ સરકારની દમનકારી રંગભેદની શોષણખોર નીતિ તરફ વેધક પ્રશ્નો પૂછ્યા
હિંદના નવયુવાનો કેમ હિંસાને માર્ગે જાય છે? તેના શું કારણો છે?
સમાચારનું શીર્ષક : ''ખુદીરામ બોઝને ફાંસી. ફાંસીએ નીડરપણે ચડી પ્રાણ છોડયો.''
૧૧ ઓગસ્ટ ૧૯૦૯નાં રોજ જ્યારે કિંગ્સફર્ડ નામના ઘમંડી અંગ્રેજ મેજિસ્ટ્રેટની ૧૯૦૮માં હત્યા કરવા બદલ ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ અને પ્રફૂલ્લ ચાકીને ૧૧ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ ફાંસી આપવામાં આવી ત્યારે પણ પ્રજાબંધુએ એક તરફ શાંતિની હીમાયત કરી હતી, પણ બીજી તરફ વેધક પ્રશ્નો પૂછ્યા હતા : 'હિંદનાં નવયુવાનો કેમ હિંસાને માર્ગે જાય છે ? તેનાં શું કારણો છે ?' પ્રજાબંધુએ તેને માટે બ્રિટીશ રાજ્યની દમનકારી રંગભેદની નીતિ તેમજ દુકાળો અને તે દરમિયાન લાખોની સંખ્યામાં મરી ગયેલા માણસો માટે અંગ્રેજોની શોષણખોર નીતિને જવાબદાર ગણી હતી.
ખુદીરામ બોઝને આપવામાં આવેલી ફાંસીનું ૧૬ ઓગસ્ટ ૧૯૦૯ના અંકમાં પ્રજાબંધુએ કરેલું રીપોર્ટિંગ :
સમાચાર : ખુદીરામ બોઝને ગયે અઠવાડીયે તા. ૧૧મીના રોજ સવારના ૬ વાગે ફાંસી દઈ મારી નાંખવામાં આવ્યો છે. તે ફાંસીએ ટટારપણે નીડર થઇ ચડયો હતો અને આનંદી અને હસતો હોય એમ લાગતું હતું. 'વંદે માતરમ્' અને 'ક્રાન્તી'ના શબ્દો બોલ્યો હતો. તેનાં હાથ બાંધેલા અને આંખે પાટા હતા. બંગાળના વિદ્યાર્થીઓએ ઉપવાસ કરી ઉઘાડા પગે ચાલી કોલેજો છોડી શોક પાળ્યો હતો અને તેની અસર હેઠળ અમદાવાદની ગુજરાત કોલેજનાં વિદ્યાર્થીઓએ પણ કાળા બૂરખા ધારણ કરીને એલીસબ્રીજ સુધી સરઘસ કાઢ્યું હતું. એમણે 'વંદે માતરમ્'નાં નારા લગાવ્યા હતા. તેમણે સભા ભરવાનું શરૂ કરતાં જ પોલીસે એમની સામે લાઠીચાર્જ કર્યો હતો. આ પ્રસંગ અગાઉ પણ ગુજરાત કોલેજનાં વિદ્યાર્થીઓએ કોલેજનાં તૂંડમીજાજી પ્રિન્સીપાલ હર્સ્ટ સામે આંદોલન ગજવ્યું હતું.'
આમ પ્રજાબંધુ એની મોડરેટ (નરમ) વૈચારિક નીતિને અનુસરીને યુવા પેઢીની ગરમ લાગણીઓને વાચા આપતું હતું.(ક્રમશ:)
- મકરન્દ મહેતા