Get The App

આઈઝેક એસિમાવ હવાઈ સફરથી ડરતા લેખકનો બ્રહ્માંડ પ્રવાસ!

સમયાંતર - લલિત ખંભાયતા

Updated: Jan 5th, 2020

GS TEAM

Google News
Google News
આઈઝેક એસિમાવ હવાઈ સફરથી ડરતા લેખકનો બ્રહ્માંડ પ્રવાસ! 1 - image


સદી પહેલાં જન્મેલા લેખક આઈઝેક આસિમોવે ૫૦૦થી વધુ વિજ્ઞાાન કથા-ગ્રંથો લખ્યા. તેમનું સૌથી જાણીતું પ્રદાન એટલે આજે જેનો યુગ છે એ 'રોબોટિક્સ'!

દરેક સફળ લેખકને વાચક વધાવે અને વિવેચકો ટીકા કરે. આઈઝેકના કિસ્સામાં પણ એવુ જ હતું. એટલે આઈઝેકે લખ્યું હતું કે 'જો હું વિવેચક હોત તો ખુરશીમાં બેઠા બેઠા વાર્તાનું વિશ્લેષણ કર્યે રાખત. પણ હું એ નથી. માટે હું લખતો રહું છું, વિવેચકો ભલે મજેથી વિવેચન (મોટે ભાગે અઘરી ભાષામાં ટીકા અને ભૂલ શોધવાનું કામ) કર્યે રાખતાં.'

'રોબોટ વડે ઓપરેશન કરવામાં આવશે..' એવી સૂચના ઘણા ડૉક્ટરો-હોસ્પીટલની એડવર્ટાઈઝમેન્ટમાં જોવા મળે છે. એટલે આપણને રોબોટિક્સની ખાસ નવાઈ રહી નથી. એ રોબોટિક્સના ત્રણ સિદ્ધાંતો ૧૯૪૨માં આઈઝેક એસિમાવે આપ્યા હતા.

૧. રોબોટ્સ માણસોને ઈજા પહોંચાડશે નહીં. 

૨. રોબોટ્સને માણસો દ્વારા જે આદેશ આપવામાં આવે તેનું પાલન કરવું જોઈએ. સિવાય કે આદેશમાં પ્રથમ નિમનો ભંગ થતો હોય.

૩. રોબોટ્સે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું જોઈએ, પણ એમ કરવામાં પહેલા કે બીજા કાનૂનનો ભંગ થવો ન જોઈએ. 

આ સિદ્ધાંતો આજે પોણી સદી પછી કેટલા સાચા એ અલગ વિષય છે, કેમ કે આઈઝેકે એ જમાનાની સ્થિતિને આધારે લખ્યા હતા. વધુમાં આઈઝેકે લખેલા સિદ્ધાંતો વિજ્ઞાાન કરતા વધારે તો વિજ્ઞાાન કથા (સાયન્સ ફિક્શન) માટે હતા. એટલે કે કોઈએ રોબોટ્સ વિશે વિજ્ઞાાન કથા લખવી હોય તો આ ત્રણેય વાતો ધ્યાનમાં લેવી પડે. હકીકત એ છે આજે અમુક રોબોટ્સ તોફાની બની ચૂક્યા છે અને 'સંયુક્ત રાષ્ટ્રસંઘ' જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ બેકાબુ બનતાં રોબોટ્સ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. 

બીજી બાજુ આપણે રોબોટમય બનતા જઈએ છીએ. પોતાની રીતે કામ કરી શકે એ તમામ યંત્રો રોબોટિક્સની વ્યાખ્યામાં આવી જાય છે. એ રોબોટિક્સ શબ્દ આઈઝેકે જ આપ્યો હતો. સ્વસંચાલિત કાર, ઘરમાં મદદ કરતાં રોબોટ, ઓટોમેટિક ચાલતા વિવિધ પ્રકારના મશીન્સ વગેરે(એટલે કે રોબોટ)થી આપણે અજાણ નથી. સ્વાભાવિક રીતે રોબોટ સાથે કામ કરનારા સૌ કોઈ આઈઝેકને ઓળખતા-જાણતા ન હોય. ૧૯૨૦ના જાન્યુઆરીમાં જન્મેલા આઈઝેકને તેમના શતાબ્દી વર્ષે ઓળખવાનો પ્રયાસ કરીએ.  

જગતભરના પાંચ સાયન્સ ફિક્શન લેખકોના નામ લેવામાં આવે તો એમાં આઈઝેક આસિમોવ અચૂકપણે હોવાના. વિજ્ઞાાન કથા લેખનના ભીષ્મ જુલ્સ વર્ન, એ પછી આવ્યા હર્બટ જ્યોર્જ વેલ્સ અને એમના જ સમકાલીન એટલે આઈઝેક. જોકે આઈઝેકના નામે માત્ર વિજ્ઞાાન કથાઓ નથી. વિજ્ઞાાન કથાઓ એમની મુખ્ય ઓળખ છે, પરંતુ એ ઉપરાંત તેમણે રહસ્યકથાઓ, ઈતિહાસ, ફિક્શન વગરનું સાયન્સ... વગેરે લખ્યું  છે. એટલે જ એમના લખેલા-સંપાદિત કરેલા પુસ્તકોની સંખ્યા ૫૦૦ ઉપર થવા જાય છે.

તેઓ સતત લખતા રહ્યાં છે. અવિરત લખવા વિશેનો તેમનો પ્રેમ તેમના એક વિધાનમાંથી પણ સમજી શકાય એમ છે. એમણે કહ્યું હતું, 'કોઈ મને એમ કહે કે મારી પાસે છ મિનિટની જિંદગી બાકી છે, તો એ વાત પર લાંબો વિચાર કરવાને બદલે હું મારી લખવાની ઝડપ વધારી દઉં (એટલે જે લખતા હોય એ પુરું કરી શકાય).' આટલું બધુ લખ્યું એટલે એમ કહી શકાય કે વાચક એમની એક કથા પુરી કરે ત્યાં બીજી નવી કથા છપાઈને આવી પહોંચતી હતી!

ફ્રોમ રશિયા વિથ...
આઈઝેકનું મૂળ રશિયન. પેત્રોવાચી નગરમાં જન્મ થયો પરંતુ એ ૩ વર્ષના હતા ત્યારે જ પરિવાર અમેરિકા સ્થળાંતરીત થઈ ગયો હતો. અંગ્રેજી લખી કે વાંચી ન જાણતા પિતાએ બાળકોના ભવિષ્ય માટે નવાં દેશમાં આવીને સંઘર્ષ શરૂ કર્યો. ધીમે ધીમે કરીને ચોકલેટ-પિપરમીન્ટની દુકાન કરી શક્યા અને એ રીતે આસિમોવ પરિવાર અમેરિકામાં સ્થિર થયો. 

શરૂઆતમાં સ્કૂલ અને પછી કોલેજ.. એમ લગભગ અડધો ડઝન શૈક્ષણિક સંસ્થાઓએ એક યા બીજા કારણસર આઈઝેકને એડમિશન આપવાની ના પાડી. સ્કૂલોને કદાચ એ બાળકમાં તેજસ્વી તારલો દેખાતો ન હતો. આઈઝેક પિતાના આગ્રહથી નવ-દસ વર્ષની વયે સાથે દુકાને જતો થયો. દુકાનમાં કેન્ડી સાથે મેગેઝિન્સનું પણ વેચાણ શરૂ કર્યું હતું. એમાં વાર્તાઓ માટે જાણીતું 'પલ્પ મેગેઝિન' પણ હતું. 

નવરાશના સમયમાં મેગેઝિન વાંચ્યા અને એમાં જ આઈઝેકને વિજ્ઞાાનમાં રસ પડયો. ઘરે રહીને ભણ્યા પછી આગળ જતાં કોલેજ માટે 'કોલંબિયા યુનિવર્સિટી'માં અરજી કરી. યુનિવર્સિટીએ શરૂઆતમાં તો ના પાડી દીધી, પણ પછી આઈઝેકે બહુ આગ્રહ કર્યો એટલે શરતી એડમિશન આપ્યું, જો ભણવામાં ઢ સાબિત થઈશ તો બીજા વર્ષે એડમિશન કેન્સલ થશે! આઈઝેકે પહેલા જ વર્ષે બુદ્ધિના ચમકારા દેખાડી દીધા, શિક્ષણ ત્યાં ચાલ્યું અને ૧૯૪૧માં કેમેસ્ટ્રીમાં માસ્ટર ડીગ્રી પણ મળી ગઈ. એ વખતે (બીજા વિશ્વ) યુદ્ધનો માહોલ હતો. થોડો સમય નૌકાદળમાં કામ કર્યું. વળી કેટલાક વર્ષો પછી ડોક્ટરેટની ડીગ્રી પણ મેળવી. 

અભ્યાસના આધારે જ 'બોસ્ટન યુનિવર્સિટી'એ આઈઝેકને બાયોકેમેસ્ટ્રી વિભાગમાં નોકરી આપી. અહીં તેમણે મેલેરિયાની સારવાર પર સંશોધન આદર્યું. બીજી તરફ તેમની ભણવાની રીત પણ વિદ્યાર્થીઓને બહુ માફક આવી એટલે એ લોકપ્રિય બનતા ગયા. થોડા વર્ષો પછી ત્યાં જ તેમને આસિસ્ટન્ટ પ્રોફેસર અને પછી તો ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે પ્રમોશન આપી દેવાયું. જીવવા માટે જોઈએ એટલું શિક્ષણ, નોકરી, આર્થિક સગવડ થઈ ગયા હતા. બાયોકેમેસ્ટ્રીની માનવ શરીર પર અસર અંગે એક પુસ્તક પણ તેમણે બીજા પ્રોફેસર સાથે મળીને લખ્યું હતું. ચિંતાનું કોઈ કારણ ન હતું.

લેખનની શરૂઆત
આઈઝેકે પહેલી વાર્તા તો ૧૮ વર્ષની વયે લખી નાખી હતી. એ વાર્તા લઈને તેઓ એ વખતના જાણીતા મેગેઝિન 'એસ્ટોન્ડિંગ સાયન્સ ફિક્શન'માં આપવા ગયા. એ મેગેઝિનમાં અગાઉ આઈઝેકે વાચક તરીકે ઘણા પત્રો લખ્યા હતા. માટે તંત્રી જોન કેમ્પબેલ માટે આ નવોદિત લેખકનું નામ અજાણ્યું ન હતું. એમણે વાર્તા લઈ લીધી. શરૂઆતમાં ૬ વાર્તા તો ના પસંદ થઈ, પરંતુ સાતમી છપાઈ ખરાં. 

એ પછી ફરીથી લખવાની શરૂઆત બાળકોની વાર્તાથી કરી, 'પોલ ફ્રેન્ચ' એવુ ઉપનામ તેમણે વાપર્યું. આઈઝેકને એવો સંકોચ હતો કે મારા વિજ્ઞાાન જગતના મિત્રોને ખબર પડશે કે હું બાળ-વાર્તાઓ લખું છું, તો સારું નહીં લાગે! નામ બદલવાનું એક કારણ એ હતું.

લેખન સાથે અમેરિકામાં ચાલતા વિવિધ સંગઠન-સોસાયટીમાં તેઓ સભ્ય બનવા લાગ્યા. એક સંસ્થાનું નામ 'મેનસા ઈન્ટરનેશનલ'. ઊંચો ઈન્ટેલિજન્ટ ક્વૉશન્ટ (આઈક્યુ-બુદ્ધિઆંક) ધરાવતા સભ્યોનો જ તેમાં પ્રવેશ મળતો હતો. કેમ કે આઈઝેકનો બુદ્ધિઆંક ૧૫૦ ઉપર હતો. કેટલોક સમય આ સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ પણ આઈઝેક રહ્યા હતા. 

અનુવાદનું નામ અલ-કાયદા!
વિજ્ઞાાન કથા લેખક તરીકે આઈઝેકને ઓળખ ૧૯૫૧માં આવેલી સિરિઝ 'ફાઉન્ડેશન સ્ટોરી' અને એ જ સમયગાળામાં આવેલી 'રોબોટ' કથાથી મળી. ફાઉન્ડેશનનાં તેમણે ૩ ભાગ લખ્યા, જે વાર્તા મૂળ તો દૂર બ્રહ્માંડમાં આવેલા સામ્રાજ્યના ઉદય અને પતનની કથા હતી. થોડા વર્ષો પછી ફરીથી એ સિરિઝના બીજા ચાર ભાગ લખી કુલ સંખ્યા સાત કરી. પરમાણુ ઊર્જાનો ઉપયોગ કઈ રીતે સામ્રાજ્યના વિસ્તાર-વિકાસમાં થઈ શકે તેનો પ્રથમવાર કોઈ લેખકે ઉપયોગ કર્યો હોય તો એ આઈઝેક હતા. 

૧૯૫૦માં આઈઝેકે પ્રથમ નવલકથા 'પેબલ ઈન ધ સ્કાય' પ્રગટ કરી હતી. એ અગાઉ મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. પાછળથી તેને ફાઉન્ડેશન સિરિઝના ભાગ તરીકે શામેલ કરી દેવાઈ હતી. ફાઉન્ડેશન સિરિઝના દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદો થયા. ૧૯૫૧માં જ અરબી ભાષામાં અનુવાદ થયો ત્યારે ફાઉન્ડેશનનું નામ 'અલ-કાયદા' રાખવામાં આવ્યું હતું! કેમ કે અરબી શબ્દ અલ-કાયદાનો અર્થ 'પાયો' થાય, ફાઉન્ડેશનનો પણ એ જ અર્થ થાય. ૨૦૧૮માં 'ટેસ્લા મોટર્સ'ના સ્થાપક અને અવકાશ વિજ્ઞાાનના રસીક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે એક કાર અવકાશમાં મોકલી. અવકાશ પ્રવાસની તૈયારીરૂપે મોકલાયેલી કારમાં કેટલોક સામાન રાખ્યો અને એમાં ફાઉન્ડેશન સિરિઝની ચોપડીઓ પણ મુકી છે. 

રોબોટ સિરિઝ ૧૯૫૦માં શરૂ થઈ, ૧૯૮૫ સુધી ચાલી. આ સિરિઝમાં તેમણે ૩૭ ટૂંકી વાર્તા અને ૬ નવલકથા લખી જેના કેન્દ્રમાં રોબોટ્સ હતા. ત્યારે આજનાં જેટલું રોબોટ્સનું મહત્ત્વ ન હતુ. પરંતુ ભવિષ્યમાં રોબોટ્સ રાજ કરતાં થશે એ વાત આઈઝેકને ત્યારે દેખાતી હતી. એટલે જ તો એમણે રોબોટિક્સ શબ્દ આપ્યો અને રોબોટ્સના વર્તન અંગેના સિદ્ધાંત પણ રજૂ કર્યા.

રોબોટ પાસે જે ટેકનોલોજિ, જે કામ કરી શકે એ બધી બાબતોનો સમાવેશ કરતા વિષય માટે તેમણે રોબોટિક્સ શબ્દ આપ્યો હતો. જોકે રોબોટ શબ્દ અગાઉથી વપરાતો હતો. આઈઝેકે તેની વ્યાખ્યા વિસ્તારી હતી. 'આઈ રોબોટ' પરથી તો વર્ષો પછી હોલિવૂડમાં વિલ સ્મીથને લઈને સફળ ફિલ્મ પણ બની.

જુલ્સ વર્નની કથાઓમાં ભૂગોળનો 'રોલ' મહત્ત્વનો છે, તો આઈઝેકની કથાઓમાં ઈતિહાસ અને ભવિષ્ય. રોમન સામ્રાજ્ય કઈ રીતે પડી ભાંગ્યુ એ વાંચ્યા પછી એમણે ફાઉન્ડેશન સામ્રાજ્યનું પતન દર્શાવવામાં પણ પોતાના ઈતિહાસ જ્ઞાાનનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન પોતાની લેખન કારકિર્દી પર પુરતું ધ્યાન આપી શકાય એ માટે ૧૯૫૮માં તેમણે પ્રોફેસરની નોકરી મુકી દીધી હતી.

વિચાર એ જ હથિયાર
ફાઉન્ડેશન શ્રેણીની કથાઓમાં વિચારને જ આઈઝેકે હથિયાર બનાવ્યું છે. કથા તો દૂર બ્રહ્માંડના છેડે આવેલી આકાશગંગાઓ સુધી ફેલાયેલી છે. ત્યાં રહેતા, વિકસતા અને આથમતા સજીવો, તેમના સામ્રાજ્યોમાં કોઈ મુખ્ય પરિબળ હોય તો એ વૈચારીક લડાઈ છે. એટલે બે બળ વચ્ચેની ટક્કર તેમણે હથિયાર કે ઘાતક શસ્ત્રોને બદલે વૈચારિક મતભેદો દ્વારા દર્શાવી છે. તેમણે પોતે જ લખ્યું છે : 'પાંચ હજાર વર્ષનો માનવજાતનો ઇતિહાસ પુરવાર કરે છે કે કોઈ પણ વિચારને એથી વધુ બહેતર વિચાર જ મ્હાત કરી શકે.' 

એમની વાર્તામાં ભવિષ્યમાં શું થશે તેનો અંદાજ 'સાયકોહિસ્ટરી' દ્વારા લગાવામાં આવતો હતો. એટલે એમાં ગણિત અને સમાજશાસ્ત્રનું મિશ્રણ હતું. આ શાસ્ત્ર વાંચતાં વાંચતા જ એક અમેરિકનને ઈકોનોમિક્સમાં રસ પડયો અને છેવટે ઈકોનોમિક્સનું નોબેલ પણ મળ્યું. આઈઝેકથી પ્રભાવિત થયેલા એ અર્થશાસ્ત્રી પોલ ક્રૂગમેન! આઈઝેકની વાર્તા પરથી ટીવી શ્રેણી 'સ્ટાર ટ્રેક' બની હતી. એમાં પણ પાછળથી આઈઝેક સલાહકાર તરીકે જોડાયા હતા. 

કથા વગરનું વિજ્ઞાાન
વિજ્ઞાાનકથાઓ ઉપરાંત ગણિત, ખગોળ, બાયોલોજી, અમેરિકાનો ઈતિહાસ, જગતનો ઈતિહાસ, શેક્સપિયર, ધર્મ.. વગેરે વિષય પર પણ તેમણે લખ્યું છે.  પોતાને વિજ્ઞાાનકથા લેખક બનવા માટે જે મુશ્કેલીઓ પડી એ બીજા નવા લેખકોને ન પડે એટલા માટે ૧૯૭૭માં તેમણે 'આસિમોવ્સ સાયન્સ ફિક્શન મેગેઝિન' પણ શરૂ કર્યું હતું. તેમને લેખન ક્ષેત્રના વિવિધ એવોર્ડ્સ મળ્યાં. દુનિયાભરમાંથી માન-સન્માન હાંસલ થયા. ઉપરાંત તેમનું જે ક્ષેત્ર હતું એ અવકાશમાં પણ તેમનું નામ સદાકાળ માટે જળવાઈ રહે એવુ માન મળ્યું છે. ૩.૫ કિલોમીટરના કદના લઘુગ્રહને એસિમાવનું નામ અપાયું છે. 

એચઆઈવીથી મોત!
૧૯૪૨માં પહેલા લગ્ન કોર્ટરડ સાથે કર્યા હતા. દંપતિએ બે બાળકો પેદા કર્યા. ૧૯૭૦માં તેનાથી અલગ પડયા પછી આઈઝેકે ૧૯૭૩માં જેનેટ જેપસન સાથે બીજા લગ્ન કર્યા. જેનેટની મુલાકાત ઓટોગ્રાફ આપતી વખતે થઈ હતી. જેનેટ આઈઝેકના લખાણના ચાહકો હતા. ઓટોગ્રાફ લેવા આવ્યા અને પછી છેવટે મામલો લગ્નના સર્ટિફિકેટ પર ઓટોગ્રાફ કરવા સુધી પહોંચ્યો. જેનેટ ઘણા પુસ્તકોમાં તેમના સહ લેખિકા પણ રહી ચૂક્યા છે. આઈઝેકના અવસાન પછી તેમના ઘણા લખાણો, આત્મકથાનક અંશો એકઠા કરીને જેનેટ જ પ્રકાશિત કરાવ્યા હતા.

આઈઝેકનું મોત એચઆઈવીના ચેપથી થયું હતું! વાત એમ બની હતી કે ૧૯૮૩માં તેમને બાયપાસ સર્જરી કરવી પડી. સારવાર દરમિયાન તેમને કેટલુંક લોહી ચડાવવું પડયું. એમાં અજાણતા જ કોઈનું એચઆઈવીયુક્ત લોહી પણ આવી ગયું હતું. એ લોહી શરીરમાં પ્રવેશ્યું એટલે તેની અસર દેખાવી શરૂ થઈ. એ વખતે એચઆઈવી અને તેનાથી થતા એઈડ્સ અંગે લોકોને એટલી બધી જાણકારી પણ ન હતી. થોડા સમયમાં જ આઈઝેકના શરીરનો ભરડો એઈડ્સે લઈ લીધો અને ૧૯૯૨માં તેમનું અવસાન થયું. 

એઈડ્સને કારણે મોત થયું એ વાત ત્યારે ગુપ્ત રાખવામાં આવી હતી. મૃત્યુના એક દાયકા પછી ૨૦૦૨માં જાહેર કરવામાં આવ્યું કે આઈઝેકના મૃત્યુનું ખરું કારણ શું હતું!

બ્રહ્માંડમાં દૂર સુધી કલ્પના દ્વારા વાચકોને પ્રવાસ કરાવનારા આઈઝેક પોતે ઊંચાઈ અને હવાઈ મુસાફરીથી ડરતા હતા. ક્યાંક ઊંચે ચડવાનું હોય તો એવા સ્થળથી દૂર રહેતા. એક વખત વિમાન પ્રવાસ કરી લીધો પછી એમને પોતાનો ડર સમજાયો. એટલે એ પછીના બધા પ્રવાસો દેશમાં હોય તો રેલ-સડક માર્ગે કરતાં પરદેશ જવાનું હોય તો સ્ટીમરની સફર કરતાં હતા!

Tags :