Get The App

નિ:સહાય નારીદેહ પર ખેલાતું બળાત્કારનું યુદ્ધ

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
નિ:સહાય નારીદેહ પર ખેલાતું બળાત્કારનું યુદ્ધ 1 - image


કોણે કહ્યું કે, યુદ્ધની કથા રમ્ય હોય છે ? વર્ષોથી આ સુક્તિ સાંભળીએ છીએ. પરંતુ વાસ્તવિકતામાં તો એ છે કે યુદ્ધ એ માનવતાનો ભીષણ હત્યાકાંડ હોય છે. વર્ષોથી કોઈ સમાજે સંચિત કરેલી એની માનવતાની મૂડી યુદ્ધના મેદાનમાં થોડાક સમયમાં જ દાનવતામાં પરિવર્તિત થઈ જાય છે. ઇતિહાસ આજ સુધી માનવજાતે ખેલેલા યુદ્ધોની કથા આપે છે, પણ એ યુદ્ધની કથામાં માત્ર સમરાંગણ પર ખેલાયેલા યુદ્ધની વાત હોય છે.

જ્યાં પોતાના પક્ષના સૈનિકો કેટલા મર્યા અને શત્રુપક્ષના સૈનિકો કેટલા મર્યા, એના આંકડાઓનો ફરેબી ખેલ હોય છે. કોણે કોની કેટલી ભૂમિ પચાવી પાડી, એના પર વિજયના લેખાજોખા મંડાતા હોય છે, પરંતુ આ ઇતિહાસ એ હકીકતોને દર્શાવતો નથી કે જ્યાં યુદ્ધને કારણે કેટલા વિસ્થાપિત બન્યા કે કેટલા પરિવારથી સાવ વિખૂટા પડી ગયા કે પછી નિર્વાસિતો માટેની છાવણીમાં કઈ રીતે ફટેહાલ ગરીબીમાં દિવસો પસાર કર્યા.

હકીકતમાં ઇતિહાસમાં યુદ્ધના મેદાનની બહાર થયેલી માનવતાની ખુવારીની વાત મળતી નથી. હકીકતે આ ઇતિહાસ અધૂરો ગણાય. કોઈ પણ પ્રજા, જાતિ કે સમાજ એ ઇતિહાસનો અભ્યાસ કરે. તો તેને માત્ર એક જ બાબત જાણવા મળે છે. યુદ્ધને કારણે થતી હિંસા અને લૂંટફાટની ઘટનાઓ જાણીતી હોય છે, પરંતુ રહેંસી નાખવામાં આવેલા નાગરિકો, અંધારિયા કારાવાસમાં જુલમ સહેતા લોકો, સામુહિક બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ, પેટની આગ ઠારવા માટે કાકલુદી કરીને ભોજન માગનારને પડતી લશ્કરી બુટની લાતો.

એ બધું ક્યાં યુદ્ધના ઇતિહાસમાં નોંધાતું હોય છે. યુદ્ધના સમયે સૌથી વધુ દુર્દશા સ્ત્રીઓ એને બાળકોની થતી હોય છે. ક્યાં તો એમની કૂખ ઉજાડવામાં આવે છે અથવા તો એને બળજબરીથી ગર્ભ ધારણ કરાવવામાં આવે છે. યુદ્ધ મેદાન પર ખેલાય છે, તેના કરતા વિશેષ તો માસૂમ બાળકોની લાશ પર અને નિ:સહાય નારીઓના દેહ પર ખેલાતું હોય છે.

આપણા યુદ્ધના ઇતિહાસોમાં સ્ત્રીઓએ અનુભવેલી પારાવાર વેદના એનું એ શોષણ, એમના પર થયેલી યાતનાઓ અને બળાત્કારોની ક્યાંય નોંધ મળે છે ખરી ? ભારત- પાકિસ્તાનના વિભાજન સમયે એક કરોડ ને વીસલાખ લોકો વિસ્થાપિત થયા. આમાંથી લગભગ પંચોતેર હજારસ્ત્રીઓ શોષણ અને જબરજસ્તીનો શિકાર બની હતી.

દેશ- વિભાજનનો ઇતિહાસ લખનારાઓને આ સ્ત્રીઓની વેદના સાથે અનુસંધાન સાધ્યું છે ખરું ? અને યુદ્ધ શરૂ થાય તે પહેલાં જનસમુદાયમાં જાગતી બેચેની, ફેલાતો ભય, બેબાકળાપણું, બચાવ માટે ભાગી છૂટવું - એ બધું તો હોય જ છે, પરંતુ એથીય વધુ યુદ્ધ પૂર્ણ થયા પછી પણ કેટકેટલી વેદનાઓ પ્રજાજીવનને સહેવી પડે છે !

તાજેતરમાં બોસ્નિયા પરના યુદ્ધ સમયે એક સ્ત્રીને પંદર વર્ષ બાદ ફોકા શહેરના વેશ્યાગૃહમાંથી પોતાની વિખૂટી પડેલી બે દીકરીઓ મળી. યુદ્ધ પૂર્ણ થયા બાદ કેટલાય વખત પછી કબ્રસ્તાનમાં જઈને દાટેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને એમાં કોઈ પોતાના સ્વજનનો દેહ નથી ને, એની ખોજ કરવામાં આવી. યુદ્ધના સમયે શત્રુદેશ પહેલાં તો ભયનું વાતાવરણ સર્જાવે છે. આ ભયના કારણે નાગરિકો કુટુંબ અને માલમિલ્કત બચાવવા માટે એક પોટલામાં સઘળી ઘરવખરી લઈને નાસી છૂટતા હોય છે.

ટેલિવિઝન પર આવી રીતે એક પોટલામાં કે બેગમાં પોતાની જીવનભરની કમાઈ કહો તો કમાઈ કે કીંમતી વસ્તુઓ કહો તો કીંમતી વસ્તુઓ લઈને જતા દ્રશ્યો વારંવાર જોવા મળે છે, પરંતુ આ દ્રશ્યો બુઠ્ઠી બની ગયેલી માનવ સંવેદનાને કશી અસર કરતા નથી. ભાગેલા લોકો ભયના માર્યા અહીંતહીં છૂપાઈ જાય છે. ક્યાંક જીવ મુઠ્ઠીમાં લઈને દોડે છે અને વિરોધી દળોને આવે સમયે નિર્દયી બળાત્કાર કરે છે.

કેટલા વિસ્થાપિત થયા, છાવણીઓમાં કેટલા નિર્વાસિતો રહે છે, કેટલાના પુનર્વાસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ બધાના આંકડા એકઠા કરવાની પાછળ સરકાર ઘણો મોટો ખર્ચ કરે છે. અરે ! જ્યાં ભયાનક નરસંહાર થયો હોય, ત્યાં મોટા સ્મારકો રચવામાં આવે છે અને પ્રવાસીઓને માટે ભયાનક નરસંહારના એ સ્મારકો 'જોવાલાયક સ્થળ'માં ફેરવાઈ જાય છે.

કહે છે કે આનાથી પ્રવાસન ઉદ્યોગને લાભ મળે છે. એ સમયે યુદ્ધની સર્વવ્યાપી ક્રૂરતાની કથાઓ સંભળાતી નથી, પરંતુ નજર સામે સ્મારકો પરની માત્ર નામાવલિ જ આવે છે. એમાં નાના બાળકો, અનાથો વિકલાંગોની વાત ક્યાંય સાંભળવા મળે છે ખરી ? આ યુદ્ધને કારણે સર્જાતા આર્થિક સંકટો વેશ્યાલયોમાં વધતી સંખ્યાનું કારણ બને છે. બ્રેડના ટુકડાને માટે ચોરી કરતા બાળકને માર મારીને બેભાન કરી દેતા દુકાનદારનું દ્રશ્ય ઘણીવાર જોવા મળે છે.

ઇતિહાસના પૃષ્ઠો પર થયેલા યુદ્ધોની કથા મળે છે, પરંતુ પ્રજાએ સહેલા યુદ્ધની કથા મળતી નથી. હિટલરના ગેસ ચેમ્બરમાં હજારો યહૂદીઓને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા. આજ સુધી ઇતિહાસ એના આંકડાઓ આપતો હતો પણ ધીરે ધીરે ઇન્ટરનેટ વગેરે ઉપલબ્ધ થતાં આ હોલોકાસ્ટમાં સહન કરનારા લોકોએ પોતાની આપવીતી લખી છે. એ આપવીતી વાંચો ત્યારે જ હોલોકાસ્ટે સર્જેલી ભયાનકતાનો સાચો અહેસાસ થાય. ઇતિહાસમાં યુદ્ધની ઘટના નોંધાયેલી હોય એ વાત સાચી, પરંતુ એ યુદ્ધે એ સમયની સ્ત્રી પર કેવો પ્રભાવ પાડે છે અને કેવી પરિસ્થિતિ સર્જે છે અને એ સ્ત્રીના જીવનનો કરુણ અંજામ આવે છે. એની વાત તો યુદ્ધના અંગત અનુભવોમાંથી જ મળે.

બોસ્નિયામાં ૧૯૯૫માં થયેલા યુદ્ધ સમયે જ્યારે બોસ્નિયા અને ક્રોઆતીની સેના સરહદ પર ગઈ ત્યારે એ દેશમાં વસતી સ્ત્રીઓ પર સર્બ સૈનિકોએ પિશાચી બળાત્કાર કર્યા. પચાસ હજાર સ્ત્રીઓ એનો ભોગ બની. શોષણ, હિંસા અને લાચારીની ભયાનક ઘટનાઓ બની અને નારીદેહ પર જુલમ કરવો, તે યુદ્ધનીતિનો એક ભાગ બન્યો. સ્ત્રીઓ પર અત્યાચારના પરંપરાગત અને નવા - એમ બંને પ્રકારો અપનાવવામાં આવ્યા. એના શરીરને તો સાવ ખતમ કર્યું, પરંતુ એના આત્માને પણ સદાને માટે હણી નાખ્યો. આજે યુદ્ધમાં બળાત્કારને એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

એ માત્ર વાસનાપૂર્તિ માટેનું સાધન નથી, બલ્કે સ્ત્રીના શરીર, મન, આત્માઅને એના ભવિષ્ય પર કરવામાં આવેલો પ્રાણહારક પ્રહાર છે, જે આઘાતનો પછીની પેઢીઓ સુધી પડછાયો પડતો રહે છે. આમાં નારીદેહ પર થયેલા જુલમની ધુ્રજારી દે તેવી ઘટનાઓની નોંધ ગરિમા શ્રીવાસ્તવે 'દેહ હી દેશ' નામની ક્રિઓશિયાની પોતાની પ્રવાસ ડાયરીમાં લખી છે. ક્રોએશિયન સમાજ સાથે આ લેખિકા એકરૂપ બની ગઈ અને એને પીડિતાઓના ભયાવહ અનુભવો જાણવા મળ્યા. યુરોપનો એક બીજો ચહેરો પણ બતાવ્યો છે. એક બાજુ યુરોપ આધુનિક લોકતંત્ર અને વૈજ્ઞાાનિક ચેતનાથી સમૃદ્ધ બની રહ્યું છે તો બીજી બાજુ દુનિયાને સૌથી વધુ જખમ આપી રહ્યું છે.

આમાં સામુહિક બળાત્કારનો શિકાર બનેલી માનસિક સંતુલન ગુમાવનારી સ્ત્રીઓની આપવીતી છે તો ચીસો પાડતા માસુમ બાળકને બચાવવા માટે નિર્વસ્ત્ર થતી નારીની કથા છે, આમાં આલેખાયેલી નારીની યાતનાની કથાઓ ભલભલા નિર્દયી માનવીને પણ હચમચાવી મુકે તેવી છે. એમાં ઉગ્ર રાષ્ટ્રવાદને નામે થતા યુદ્ધો અને બળાત્કારની વિભિષિકા છે. આ પુસ્તકની પ્રત્યેક આપવીતી આપણને કહી જાય છે કે માત્ર ઇતિહાસ જોનારી દ્રષ્ટિમાં જ બદલાની જરૂર નથી, પરંતુ આધુનિક મનુષ્યએ એની જીવનપ્રણાલિ અને વિચારધારામાં કેટલું પરિવર્તન લાવવાની જરૂર છે, તે અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.

મનઝરૂખો

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્કસવાદી વિચારસરણીના પ્રવર્તક વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિને (ઇ.સ. ૧૮૭૦થી ૧૯૨૪) આમ તો રશિયાની પોલીસને થાપ આપવા માટે 'લેનિન' નામ ધારણ કર્યું હતું, પરંતુ સમય જતા એ જ નામથી ખ્યાતનામ બન્યા. ૧૯૧૭ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું.

રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર આપ્યું કે 'જે શ્રમ કરશે નહી, તેને ખાવા પણ મળશે નહીં.'

આવા સોવિયેટ સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિન એક રવિવારે વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. એમણે જોયું કે સલૂનમાં તો ઘણી લાંબી લાઇન હતી. ઘણા લોકો એમનો વારો ક્યારે આવે, તેની રાહ જોઈને બેઠા હતા. સોવિયેટ સંઘના આ સર્વસત્તાધીશને જોઈને કેટલાક લોકો ઊભા થઈ ગયા અને દુકાનના માલિકે સામે ચાલીને એમનું અભિવાદન કર્યું.

દેશના સર્વોચ્ચ સત્તાધીશ લેનિન તો અત્યંત વ્યસ્ત જ હોય, તેથી અન્ય ગ્રાહકોએ વાળંદને કહ્યું, 'અમે પછી વાળ કપાવીશું, પહેલાં કોમરેડ લેનિનને બેસાડો.'

લેનિને મક્કમતાથી કહ્યું, 'ના, હું કતાર નહીં તોડું. મારો વારો આવે ત્યારે હું વાળ કપાવીશ.'

આ સાંભળી બીજા ગ્રાહકોએ કહ્યું, 'અરે, તમારી તો એક એક પળ કીંમતી હોય. દેશની કેટલી મોટી જવાબદારી છે તમારા પર. માટે તમે પહેલા વાળ કપાવી લો.'

મહાન ક્રાંતિકારી, શ્રમજીવીઓના રાહબર અને વ્વયહારકુશળ લોકનેતા લેનિને કહ્યું, 'જુઓ, આ સમાજમાં કોઈનું ય કામ બીજાથી ચઢિયાતું નથી કે બીજાથી ઉતરતું નથી. મજૂર, શિક્ષક, એન્જિનિયર કે ડોક્ટર - બધા જ દેશને માટે મહત્ત્વનું કામ કરે છે. મારા આ સિદ્ધાંતની વિરૂદ્ધમાં હું કઈ રીતે  તમારાથી પહેલા વાળ કપાવવા બેસી શકું?'

ક્ષણનો સાક્ષાત્કાર

કોઈ કહે કે, 'આજનો દિવસ મારે માટે વ્યસ્ત રહ્યો' એ વાતને બીજી રીતે કોઈ એમ પણ કહે કે, 'આજના દિવસે હું ઘણો થાકી ગયો.' હકીકત એક હોવા છતાં આ બંને વાક્ય સાંભળનાર પર ભિન્ન પ્રભાવ પાડે છે. જ્યારે તમે વ્યસ્તતાની વાત કરો ત્યારે કામમાં ખૂબ ડૂબેલા રહીને તમે કોઈ ઉપલબ્ધિ હાંસલ કરી હોય, એવો ભાવ સાંભળનારને થાય છે અને જ્યારે તમે એમ કહો કે 'હું ઘણો થાકી ગયો છું.' એનો અર્થ એ થાય કે તમારો સમય નકામો ગયો અને વધારામાં તમને થાક મળ્યો ! એકમાં વિચારનું પોઝિટીવ પ્રગટીકરણ છે, જેમાં વીતેલા સમય અંગે સંતોષ છે. બીજામાં એનું નેગેટિવ પાસું પ્રગટ થાય છે અને એ બાબત સામી વ્યક્તિ પર કોઈ પ્રભાવ પાડતી નથી.

આપણી વાતચીતના શબ્દો આપણા જીવનની દિશા નિર્ધારણ કરે છે. કેટલીક વ્યક્તિઓ વારંવાર 'આ મુશ્કેલ છે', 'આ નહીં થઈ શકે', 'હવે શું થશે ?', 'આ તો અસંભવ જ' એવા શબ્દોનો પ્રયોગ કરે છે. આની પાછળ એના જીવનમાં નેગેટિવ વલણનું પ્રતિબિંબ જોવા મળે છે.

આવી વ્યક્તિને કોઈ પણ કામ સોંપવામાં આવે એટલે પહેલાં એ એનો જાકારો કરશે, અવજ્ઞાા કરશે અને તત્ક્ષણ એવો પ્રતિભાવ આપશે કે મારાથી આ નહીં થઈ શકે. વ્યક્તિ પોતાની વાતચીતમાં જેવા શબ્દોનો ઉપયોગ કરે છે, એવું એને જીવન લાગે છે. આથી વાતચીતમાં જે શબ્દો પ્રયોજવામાં આવે, તે તમારા માનસના પ્રતિનિધિ છે. વળી તમારા શબ્દો તમારા પોતાના ભીતરના સકારાત્મક કે નકારાત્મક ભાવોને અને તમારા અનુભવોને પ્રભાવિત કરે છે.

વ્યક્તિ વાતચીતમાં જે પ્રકારના શબ્દો પ્રયોજે છે એની પાછળના મનોભાવને પારખવા જોઈએ. એ જવાબ સામેની વ્યક્તિને ઉત્સાહપ્રેરક લાગે છે કે નિરાશાજનક - એ જોવું જોઈએ. જેમ પશ્ચિમના દેશોમાં આપણે જોઈએ છીએ કે કોઈ કામ મુશ્કેલ હોય તો એ તત્કાળ એમ નહીં કહે કે, 'આ કામ મુશ્કેલ છે', પરંતુ એ સમજાવશે કે આ કામમાં આવા આવા અવરોધ આવવાની સંભાવના હોવાથી એ મુશ્કેલ છે. આવી વાતચીતની કલાથી વ્યક્તિ બીજા પર તો પોતાનો આગવો પ્રભાવ પાડી શકે છે, પરંતુ આ અંગેનો સભાન પ્રયત્ન કરીને એ પોતાની જાતને વધુ સકારાત્મક બનાવી શકે છે.

Tags :