Get The App

અહંકારી માણસ પોતાની એકલતાને ગળે વળગાડીને રીબાયા કરતો હોય છે !

ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
અહંકારી માણસ પોતાની એકલતાને ગળે વળગાડીને રીબાયા કરતો હોય છે ! 1 - image


જેમ અહંકાર ઝાઝુ ટકતો નથી તેમ લૂચ્ચાઈ અને ચબરાકો પણ ઝાઝી ટકતી નથી ! સદગૃહસ્થ માણસને નીચો પાડવામાં એ સફળ તો થાય છે પણ એની એ સફળતા ભ્રામક હોય છે

માણસે પોતાની ક્ષમતા બહારનું વિચારવું જોઇએ બનાવટ પણ ન કરવી જોઇએ. પોતે જેવા હોઇએ એવા જ દેખાઇએ તો કયારેય મુઝવણમાં મૂકવું ન પડે! તમે શું છો? તમે કયાં છો?

સામાન્ય માણસ તરીકે જીવવું કોઈ અઘરી વાત નથી. સામાન્ય માણસ તરીકે જીવવામાં કશી મુશ્કેલી પણ નથી ! પણ કોણ જાણે કેમ માણસને સામાન્ય માણસ તરીકે જીવવાનું પસંદ નથી. દરેકને સામાન્ય માણસોમાં નોખા તરી આવવાની ખેવના હોય છે. ને એમાંથી જ હું કંઈક છું (આઈ એમ સમથિંગ) એવી અહંકારી ભાવના જન્મે છે ! આપણે શારીરિક ડિસેબિલિટી (ખોડખાપણ)ને દયનીય દ્રષ્ટિએ જોઈએ છીએ ! પણ માણસમાં સૌથી મોટી ખોડખાપણ કોઈ હોય તો તે અહંકાર છે. સમાજમાં સૌથી દુ:ખી કોઈ હોય તો તે અહંકારી માણસ છે.

કારણ કે એની અહંકારિતા સુખેથી જીવવા દેતી નથી ! ક્યાંક કોઈનાથી નીચા પડી જવાની ચિંતા એને પજવતી રહે છે ! એનો અહંકાર એને સામાન્ય માણસ થી દૂર રાખે છે. એ સામાન્ય માણસો સાથે સહજ રીતે ભળી શકતો  નથી.  જ્યાં સામાન્ય માણસો ટોળે વળીને હસી મજાક કરતા જીવનનો આનંદ માણતા બેઠા હોય ત્યાં એે દુર ઊભો ઊભો પોતાની એકલતાને ગળે વળગાડીને રીબાયા કરતો હોય છે !

અહંકારી માણસમાં સૌથી મોટો દુર્ગુણ એ છે કે એ પોતાને સર્વસંપન્ન માને છે અને બીજાઓને અડધા અધૂરા સમજે છે! એ એની માન્યતા છે. પરંતુ પ્રેકટિકલ (વહેવારૂ) રીતે કર્તવ્ય વિનાની માન્યતા ઝાઝી ટકતી નથી ! માન્યતા તૂટે છે ત્યારે એ અકથ્ય મૂંઝવણ અનુભવે છે. કારણ કે તૂટવાની તો એને કલ્પના પણ નહિ હોય. એટલે જ જ્યારે એનો અહંકાર ભાંગીને ભુક્કો થઈ જાય છે ત્યારે પાણી વિના તરફડતી માછલીની જેમ  એને તરફડતાં ય આવડતું નથી !

અહંકાર પછી બીજી ડિસેબિલિટીનું નામ છે ઈર્ષા ! ઈષાળુ માણસ હંમેશા બીજાને નીચે પાડવાની કોશિશમાં જ રચ્યો પચ્યો રહે છે એમાં એના જીવનનો અમૂલ્ય સમય એ વેડફી નાખતો હોય છે. બુધ્ધિ જેવું તત્વ ઓછાવત્તા અંશે દરેક માણસમાં હોય છે. પણ મૂળ પ્રશ્ન એની ઉપયોગીતાનો છે. કારણ કે બુદ્ધિ એક એવું તત્વ છે કે જેનો સદુપયોગ પણ થઈ શકે ને દૂર ઉપયોગ પણ થઈ શકે ! જે બુધ્ધિ તમને માણસાઈના શિખરે પહોંચાડી દેતી હોય છે એજ બુધ્ધિ તમને લુચ્ચાઈ પણ શીખવાડે છે !

લૂચ્ચાઈ કરનાર માણસ પોતાની જાતે જ પોતાની માણસાઈનું પતન કરીને શેતાનનો સજજાદાનશીન બની જતો હોય છે. એની શેતાનિયત ઘણા નિખાલસ માણસોને પણ પજવે છે. એ ઘણાને લડાવી મારે છે. કૌટુંમ્બિક ઝગડા કરાવે છે. કોઈના સંસારમાં આગ ચાંપે છે. કોઈના ઘર ભંગાવે છે. ને કોઈના પારસ્પારિક સંબંધોમાં તિરાડો પાડે છે. આ બધું સહજતાથી એ એટલા માટે પાર પાડી શકે છે કે એને વાતમાં લાગણીનું મોણ નાંખીને વાતને ચીકણી કરવાની આવડત એણે કેળવી લીધી છે. એના કારણ એની  વાણીમાં પણ મીઠાસ આવી જતી હોય છે.

આ મીઠાસ જ જોખમકારક છે. લોકો એની વાત માનીને છેતરાઈ જતા હોય છે. એ નીચો પાડવા માગતો હોય એના વિશે અત્યંત ઠાવકાઈથી લાગણીપૂર્વક બીજાને કહેશે, ફલાણો માણસ આવું બોલતો હોય છે. ફલાણાએ ઢીકણા સાથે આવું કર્યું ! અને સામેવાળો એની ભીની ભીંની વાતોથી પ્રભાવિત થઈને પેલા નિર્દોષ અને નિખાલસ માણસથી છાનુછપનું અંતર રાખતા થઈ જાય છે. અને પેલો લૂચ્ચો માણસ સૌને વહાલો લાગતો હોય છે.

લોકો એની પાસે બેસવાનું પણ પસંદ કરતા હોય છે. અને પેલો પ્રિતનાખોર માણસ પણ સૌની વચ્ચે બેસીને પોરસાતો હોય છે. સમાજમાં જેનું માન સન્માન જળવાતું હતુ એને સમાજમાં નીચે પાડી દેવામાં એને સફળતા મળી હોય છે. સન્માનિત માણસનો કોઈ વાંક ગુનો ન હોય, પરંતુ આ માણસ આગળ મારી પ્રતિભા ઝાંખી પડે છે. એનું જ એને દુ:ખ હોય છે. અને એટલે જ એ કોઈ સદ્ગૃહસ્થને પણ નીચો પાડવા મથે છે. લુચ્ચા લોકો વાતચીત કરવામાં બહુ ચબરાક હોય છે.

જેમ અહંકાર ઝાઝુ ટકતો નથી તેમ લૂચ્ચાઈ અને ચબરાકો પણ ઝાઝી ટકતી નથી! સદગૃહસ્થ માણસને નીચો પાડવામાં એ સફળ તો થાય છે પણ એની એ સફળતા ભ્રામક હોય છે. ક્યારેક ભ્રમ તૂટે છે. અને જ્યારે ભ્રમ તૂટે છે ત્યારે એને પાંચ માણસ વચ્ચે બેસવાની જગ્યા તો શું, મોઢું સંતાડવાની જગ્યા પણ નથી મળતી ! લોકોમાં એ અળખામણો થઈ જાય છે ! સમાજમાં એ જૂઠો અને કિન્નાખોર પુરવાર થાય છે ! એનું સત્ય પણ લોકોને સાચુ લાગતું નથી ! ભૂતકાળમાં જ્યાં જ્યાં કૌટુંમ્બિક ઝગડા થયા હોય, જ્યાં જ્યાં કોઈના પારસ્પારિક સંબંધોમાંથી તિરાડો પડી હોય એ બધી જ ઘટનાઓમાં એનો જ હાથ હોવાનું લોકો માનતા થઈ જાય છે !

એની વાતથી પ્રભાવિત થઈને સમાજના અમુક લોકોએ જે સદ્ગૃહસ્થથી છાનુછપનું અંતર રાખ્યું હતુ એજ લોકો સદ્ગૃહસ્થને અગાઉ કરતાં વધુ સન્માનિત દ્રષ્ટિએ જોતા થઈ જાય છે ! તમે કોઈની વિરૂધ્ધ પ્રચાર કરો છો ત્યારે તમારો સામેના તમામ લોકો તમારા જ છે એમ માની લેવાય નહિ એમાના જ એક બે માણસ સામેવાળા સદ્ગૃહસ્થની તરફદારીના પણ હોઈ શકે છે ને એ લોકો તમારી વાતો સદ્ગૃહસ્થ સુધી પહોંચાડે છે ત્યારે એના જવાબમાં 'હા, એ મારી વિરૂધ્ધ આવો પ્રપંચ કરે છે એ હું જાણું છું, પણ મને એથી કંઈ ફરક પડવાનો નથી !' એમ કહીને એ સદ્ગૃહસ્થ ખામોશ થઈ જાય છે ! સદ્ગૃહસ્થની આ ખામોશી જ સદગૃહસ્થને બુધ્ધિશાળી અને વધુ સમજદાર પુરવાર કરે છે ! અને સમાજમાં અગાઉ કરતાં બમણું માન એને મળે છે !

આપણો સમાજ ભિન્ન ભિન્ન વિચારો, ભિન્ન ભિન્ન સ્વભાવ, અલગ અલગ આદતો અને કુટેવો ધરાવતા લોકોનો વિશાળ સમાજ છે. આવડા મોટા સમાજમાં બધા લોકોને બધા ઓળખતા નથી ! તમારી જ વાત કરો, તમારા શહેરમાં તમે કેટલાને ઓળખો છો? થોડાક માણસને આપણે ઓળખતા હોઇએ છીએ. આ ઓળખ શબ્દ પણ ભ્રામક લાગે છે! કારણ કે આજકાલના માણસને પૂરેપૂરો ઓળખવો મુશ્કેલ છે. કારણ કે લોકો જેવા દેખાય છે એવા નથી હોતા અને જેવા હોય છે તેવા દેખાતા નથી. દરેકના ચહેરા પર એના અંતરાત્માના ભાવ સ્પષ્ટ રીતે ભાગ્યે જ દેખાતા હોય છે!

બહુ ઓછા માણસો જેવા અંદર છે એવા જ બહાર દેખાય છે મોટા ભાગના લોકો અંદર કંઇ હોય છે ને બહાર કંઇ હોય છે. આવા માણસોને જતે દા'ડે પોતે ઊભી કરેલી કૃત્રિમ સ્થિતિ યથાવત જાળવી રાખવાનું મુશ્કેલ થઇ પડે છે. જેવો છે એવો જ દેખાયા કરતા માણસમાં સ્થિતિ મુજબ બદલાવ આવતો નથી. કારણ કે જયાં હોઇએ એવા જ જીવીએ, એ સ્વાભાવિક છે. પણ પોતે હોઇએ તે કરતાં સમાજમાં કંઇક જૂદા હોવાનું પુરવાર કરવામાં સ્વાભાવિકતા મરી પરવારે છે અને એના સ્થાને અભિનયનો આશરો લેવો પડતો હોય છે. અભિનયને યાદ પણ રાખવો પડે છે અને યથાવત જાળવી રાખવો પડતો હોય છે. એ શક્ય નથી. સ્વાભાવિકતા જ્યારે જોઇએ ત્યારે એવીને એવી જ હોય છે.

અભિનયમાં દર વખતે થોડોકે ય ફરક આવી જતો હોય છે અને એ ફરક કેટલાકની નજરે ઝીલાઇ પણ જતો હોય છે. ને એને એ પણ સમજાઇ જતું હોય છે કે આ માણસ પોતાના વિશે જ બોલે છે, એ માત્ર ડંફાસો છે, ખરેખર એ બોલે છે એવો અથવા એ જેવો દેખાવા માગે છે એવો નથી! વર્તમાન ભૌતિક યાદમાં પૈસા પાત્ર માણસનો જ ભાવ પૂછાય છે એવી માન્યતા વિસ્તરી હોવાથી ઘણાલોકો પૈસા પાત્ર છે. ઘણાને પૈસા પાત્ર હોવાનો અભિનય કરવો પડે છે! અને અભિનય હમેશાં એકસરખો જળવાતો નથી. એ બનાવટને જાળવી રાખવામાં માણસ પોતાની અસલીયત પણ ગુમાવી બેસે છે ત્યારે જીવનના પાછલા વર્ષોમાં એને જીવવું અઘરૂં પડી જતું હોય છે!

ઘણા લોકોને મિત્રમંડળના પ્રમુખ તરીકે વર્તવાનો શોખ હોય છે. મિત્રોમાં સૌનું ધ્યાન એના પ્રત્યે રહે એવા પ્રયાસો કરતો રહે છે. પોતે સૌથી વધુ સમજદાર છે. પોતે સૌથી વધુ જાણકાર છે. સૌથી વધુ અને ઝડપી નિર્ણાયક શક્તિની કાબેલિયત ધરાવતો હોવાની ભ્રામકતાથી પ્રભાવિત થઇને મિત્રમંડળ પણ એના નિર્ણયની રાહ જોવા ટેવાઇ જતું હોય છે. મિત્ર મંડળને પ્રભાવિત કરવામાં સફળ થનાર માણસ અન્ય લોકો પર પણ પોતાની પ્રતિભા જમાવવાની તક શોધતો રહે છે. જ્યારે જ્યારે મિત્રમંડળ સિવાય પણ અન્ય લોકોની ચર્ચા ટોળીમાં પણ સૌથી વધારે એજ બોલ્યા કરતો હોય છે. એ દરેક ક્ષેત્રે સમજ ધરાવતા હોવાનું પુરવાર કરવા સમાજથી ધર્મ સુધી અને ધર્મથી રાજકારણ સુધીના કોઇ પણ ક્ષેત્રની વાતમાં માથુ મારવાનું ચુકતો નથી.

'ના, તમે કહો છો એવું નથી, આની પાછળ મુદ્દો આ છે ને એની પાછળ કોનો હાથ છે, એવું કહીને પોતે વધુ જાણકાર હોવાનું સાબિત કરીને બીજાને બોલતો બંધ કરી દેતો હોય છે, કેટલાક એનાથી પ્રભાવિત થઇને બોલતા બંધ થઇ જતા હોય છે તે મોટા ભાગના સમજુ લોકો- 'જવા દે ને, કોણ પથ્થર સાથે માથુ પછાડે!' સમજીને બોલવાનું ટાળતા હોય છે. આ માણસનો કોઇ બાબતે ઊંડો અભ્યાસ નથી. કોઇ ઊડું ચિંતન નથી. એની પાસે એની પોતાની આગવી અને અંગત કહી શકાય એવી કોઇ વૈચારિક ભૂમિકા પણ નથી હોતી!

ક્યાંકથી સાંભળી લાવેલી વાતોને તમારૂં માનવું એમ છે કે...! કહીને એનો પોતાનો વિચાર હોય એ રીતે રજુ કરે છે અને અલ્પ જ્ઞાાન ધરાવતા લોકો પર રૂવાબ છાંટતો ફરે છે! એક પત્રકાર મિત્ર હતા, એ તો એટલી ઊંચી વાતો કરે કે એ ઊંચાઇ પર આપણો હાથ તો શું, આપણી કલ્પના પણ ન પહોંચે- એ કહે હું તમારા જેવડો હતો ત્યારે પંડિત જવાહરલાલ નહેરૂને મળ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેના એમના નિર્ણય સામે મેં સવાલ ઉઠાવતા પૂછ્યું હતું ત્યારે નહેરૂજી એ કહેલં  કે જુઓ, અમારે ગાંધીજીના વિચારોને અનુસરવાનું હોય છે. ગાંધીજીની કેટલીક વાતો સમજાતી ન હોવા છતાં ગાંધીજી કભી ગલત નહિ હો સકતે! એમ સમજીને અમે એમની બધી જ વાતો સ્વીકારી લીધી છે!

મોરારજી દેસાઇ મારા એક પ્રશ્નનો ઉત્તર નહોતા આપી શક્યા! વળી ક્યારેક લખે..'અમૃતસરના ઓપરેશન બ્લ્યુસ્ટાર પછી મેં ઇન્દિરા ગાંધીને ચેતવ્યા હતા કે હવે તમારા માટે જાનનું જોખમ ઊભું થયું છે. તમારે સાવધાન રહેવું જોઇએ!' ત્યારે ઇન્દિરાગાંધીએ મારી વાત માની નહિ અને કહ્યું.. 'આપ ઇતને ડરતે કયું હૈ? મુઝે કોઇ નહિ માર ડાલેગા!' અને ત્યારે મેં એમને અંગરક્ષકો પર પણ ભરોસો ન રખાય એવી ચેતવણી આપી હતી!' રાજકારણની વાત પતે પછી બોલીવુડમા પહોંચી જાય અને લખે કે ફિલ્મ 'પાકિઝા' ના શુટીંગ દરમ્યાન મીનાકુમારી અને કમાલ અમરોહી જબરદસ્ત મતભેદ ચાલતો હતો અને એને કારણે કયારેક ક્યારેક શુટીંગ પણ અટકી જતું હતું. અને ત્યારે મેં એ બંને વચ્ચે સમાધાન કરાવવા કેવા કેવા પ્રયાસો કર્યા, એ વિશે એક આખો લેખ લખી નાખે!' 

આ માણસઆવી મોટીમોટી હસ્તીઓ સાથેની મુલાકાત વિશે લેખો લખે. અને નવાઇની વાત એ કે જે દુનિયામાં હયાત ન હોય એવા લોકો વિશેજ લખે! એટલે એમની વાત સાચી છે કે ખોટી એ વિશે કોને પૂછવા જાય! છેલ્લા દિવસોમાં એવી સ્થિતિ થઇ ગઇ કે એમના સાથી પત્રકારો એમને 'ફાડુ' કહેતા થઇ ગયા હતા.

માણસે પોતાની ક્ષમતા બહારનું વિચારવું જોઇએ બનાવટ પણ ન કરવી જોઇએ. પોતે જેવા હોઇએ એવા જ દેખાઇએ તો કયારેય મુઝવણમાં મૂકવું ન પડે! તમે શું છો? તમે કયાં છો? એ બધું તમારા કરતાં લોકો તમારા વિશે વધુ જાણતા હોય છે. તમે સાચું બોલો છો કે ડંફાસ મારો છો. એ લોકો સમજી જતા હોય છે. સચ્ચાઇ ક્યારેય છુપાવી શકાય નહિ. અને તમને ખબર ન પડે એ રીતે લોકો તમારા વિશે જાણકારી મેળવી લેતા હોય છે! તમે લોકોમાં મઝાકરૂપ બની જતા હોવ છો. લોકો તમારો મઝાક ઉડાવી તમારા પર હસતા હોય છે. અને તમારે મન મોટું રાખીને એ બધું સાંખી લેવું પડતું હોય છે. એટલે જેવા હોઇએ, એવા દેખાઇએ, એમાં જ મઝા છે!

તારી આંખોમાંથી કચરો સાફ કર,

એ પછી દિલનો અરીસો સાફ કર!''

Tags :