ઉદ્યોગ સાહસિક બનવા ખાસ લક્ષણો જરૂરી
મેનેજમેન્ટ - ધવલ મહેતા
વેપારીઓ કે ઉદ્યોગકારો બાપદાદાનો ધંધો ટકાવી રાખે છે અને કુટુંબની જરૂરિયાત પૂરતો જ નફો કરવા માગે છે અને તેમ કરીને જોખમને ટાળવા માગે છે તેમને ઉદ્યોગસાહસિકો ગણી શકાય નહિ
ભારતમા જ્ઞાાતિ આધારિત વ્યાપાર-ઉદ્યોગ : ભારતમા નવા નવા લાકો ઉદ્યોગકારો (જેમાં વ્યાપારીઓનો પણ સમાવેશ થાય છે) ઊભા થાય તો આર્થિક વિકાસ ઝડપી બને અને ખેતી પરથી લોકોનું જબરજસ્ત ભારણ ઓછુ થાય. હવે 'ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ'મા ભારતની સરકારે ધ્યાન આપવા માંડયું છે તે સારી નિશાની છે. હજી તેમા એવી પ્રગતિ થવી જોઇએ કે નવો ધંધો સ્થાપવામા સીંગાપોરે કે હોંગકોંગમા અઠવાડિયામા જ તે પ્રક્રિયા પૂરી થઇ જાય છે તેમ ભારતમાં થવુ જોઇએ. ભારતમા ઉદ્યોગસ્થાપકોનો વર્ગ બહોળો નથી કારણ કે ભારતમા અમુક જ્ઞાાતિઓ જ નવો ઉદ્યોગ કે વ્યાપાર સ્થાપવામા રસ લે છે .
ઉદ્યોગ સાહસિકતા માટેના લક્ષણો
ગમે તે માણસ ઉદ્યોગ સાહસિક બની શક્તો નથી. તે માટે વ્યક્તિત્વમા અમુક લક્ષણો જોઇએ. આ માટે મુખ્ય ત્રણ લક્ષણો જરૂરી છે તેવું મેનેજમેન્ટના વિદ્વાનો માને છે (૧) સિદ્ધી પ્રેરણા : અંગ્રેજીમાં તેને એચીવમેન્ટ નીડ અથવા એચીવમેન્ટ મોટીવેશન કહે છે. ભાવિ ઉદ્યોગકારમાં કશુંક સિદ્ધ કરવાની તાલાવેલી જોઈએ. ઉદ્યોગકારો પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા બહુ મહેનત કરે છે. ધંધામાં ઊભા થતાં પડકારો તેઓ ઝીલી લે છે. ધંધામાં શરૂઆતમાં નફો ન મળે તો ગભરાઈ જતા નથી. ભારતમાં ઉપર જોયું તેમ નવો ધંધો કે વ્યાપાર શરૂ કરવાની પરંપરા માત્ર અમુક જ જ્ઞાાતિઓ પૂરતી મર્યાદિત છે તે ચિંતાજનક બાબત છે.
(૨) લોક્સ ઓફ કન્ટ્રોલ : એચીવમેન્ટ મોટીવેશનની ઓળખ આપનાર અને તેને માપનાર ડેવીડ મેકલીલેડ હતા. જ્યારે લોક્સ ઓફ કન્ટ્રોલના કન્સેપ્ટના જન્મદાતા જે.બી. રોટર હતા. લોક્સ ઓફ કન્ટ્રોલ એક વિચાર (કન્સેપ્ટ કે કન્સ્ટ્રકટ) ગણાય તે અનુસાર ઉદ્યોગસાહસિકો પોતાની સફળતા કે નિષ્ફળતા માટે નસીબને ગણતા નથી. તે માટે પોતે જ જવાબદાર છે તેમ માને છે. તેમનો લોક્સ ઓફ કન્ટ્રોલ એટલે કે ખાસ પરિબળો પર તેમનો પોતાનો કાબુ છે.
તેઓ ગ્રહોને પણ પોતાની સારી કે ખરાબ કામગીરી માટે દોષ દેતા નથી. પોતાની કુશળતા પર તેમને વિશ્વાસ હોય છે. (૩) જોખમ લેવાની તૈયારી : દરેક ધંધા સ્થાપકે જોખમ લેવું જ પડે. જો તમે જોખમથી ગભરાતા હોવ તો ઉદ્યોગ શરૂ ના કરતાં કશું નવું નિર્માણ કરવામાં ગણતરીપૂર્વકનું જોખમ લેવું જ પડે. પરંતુ આ જોખમ જુગારીનું જોખમ નથી. જુગારીઓ બાજી જીતવા માત્ર નશીબ કે 'ચાન્સ' પર આધાર રાખે છે. કશા નવાનું સર્જન કરતા નથી. જ્યારે ઉદ્યોગસાહસિક કશાક નવાનું સર્જન કરી નફો કરવા માગે છે. તેથી કોઈ વ્યક્તિ જોખમ લઈને જુગારમાં સફળ થઈ કરોડપતિ બની જાય તો પણ તેમને ઉદ્યોગસાહસિક ગણી ના શકાય. જુગારીઓ કશું નવું ઊભું કરતા નથી.
ઉદ્યોગસાહસિક થવા માટે વ્યક્તિમાં ઉપરના ત્રણ લક્ષણો જરૂરી છે તેમ હવે મનાય છે. ઉદ્યોગસાહસિકોને નવા પડકારો ગમે છે અને તેઓને તદ્દન નાના જોખમો લેવામાં પડકાર લાગતો નથી અને તેમને અત્યંત ઉંચા જોખમ લેવામાં પણ રસ હોતો નથી. કારણ કે તેઓ માત્ર એક જ નિર્ણય ખોટો હોય તો પાયમાલ થવા માગતા નથી. તેમના જોખમ લેવા અંગેના નિર્ણય તેમના જજમેન્ટ પર આધાર રાખે છે. ઉદ્યોગસાહસિકો જોખમને ઓછું કરવા માટે પુષ્કળ રેલેવન્ટ માહિતી ભેગી કરે છે અને ક્યાં ઉદ્યોગમાં કે વ્યાપારમાં ઝંપલાવવું અને કઈ રીતે ઝંપલાવું તે અંગેના વિકલ્પોની મનમાં ને મનમાં જ કલ્પના કરે છે. તેમનો નિર્ણય ખોટો પડે તો તેમને વધારેમાં વધારે કેટલું નુકશાન જશે તેની પણ પરિકલ્પના પણ કરે છે.
ઈનોવેશન્સ : ઉદ્યોગકારોએ નવી શોધો કરવી જ જોઈએ અને તો જ તેમને ઉદ્યોગસાહસિક કહી શકાય. તેવો મત જર્મન અર્થશાસ્ત્રી (જેઓ અમેરીકામાં વસ્યા હતા) શુમ્પીટરનો હતો. તેમણે એચીવમેન્ટ મોટીવેશન કે લોક્સ ઓફ કન્ટ્રોલ વગેરેની શબ્દાવલીમાં પડવાને બદલે કહ્યું કે દરેક ઔદ્યોગિક કે વાણીજયીક સાહસિકની વ્યાખ્યામાં ઈનોવેશન્સ એટલે કે કંઈક નવું શોધવાની તાલાવેલી હોવી જોઈએ. તમે માત્ર ધંધામાં કરોડપતિ કે અબજપતિ થયા એટલે તમને ઉદ્યોગસાહસિક ના કહી શકાય. ઉદ્યોગસાહસિક ગણાવા માટે, પ્રો. શુમ્પીટરના મત મુજબ, નીચેની એક કે વધુ સિદ્ધિ તમારે પુરવાર કરવી પડે.
(૧) નવી પ્રોડક્ટ કે તેના પાટર્સ કે નવી સર્વીસ (જેમ કે સ્વીગીકે ઓનલાઇન બેંકીંગ કે ઈન્ટરનેટ કે ફેસબુક)ની શોધ કરવી પડે. (૨) નવી ઉત્પાદન પદ્ધતિની શોધ કરવી પડે જેમ કે વરાળથી ચાલતા એન્જીન કે કોમ્પ્યુટર માટે નવું અલ્ગોરીધમ ૈં વીજળીથી ચાલતી મોટરકાર કે નાયલોન, પેનીસીલીનની શોધ વગેરે તેના જમાનામાં તદ્દન નવી શોધો હતી. (૩) નવા બજારોની શોધ કરવી પડે. જેમ કે ઈ.સ. ૧૪૯૨માં અને ૧૪૯૮માં અનુક્રમે અમેરિકા અને ભારત જવાના માર્ગોની શોધ થઈ અને વિદેશી વ્યાપારમાં અપ્રતિમ વધારો થયો. (૪) નવા વ્યવસ્થાતંત્રોની શોધ કરવી. દા.ત. પશ્ચિમ જગતે લીમીટેડ લાયેબીલીટી વાળી જોઈન્ટ સ્ટોક કંપની નામે ઓળખાતા વ્યવસ્થાતંત્રની અદ્ભુત શોધ કરી. અત્યારે સોશીયલ નેટવર્કીંગ (ફેસબુક અને વોટ્સઅપ) એ અદ્ભુત સામાજીક શોધ છે જેણે જગતભરમાં કનેક્ટીવીટી વધારી છે.
(૫) સપ્લાયના નવા સ્ત્રોતો ખોળવા. જે વેપારીઓ કે ઉદ્યોગકારો બાપદાદાનો ધંધો ટકાવી રાખે છે અને કુટુંબની જરૂરિયાત પૂરતો જ નફો કરવા માગે છે અને તેમ કરીને જોખમને ટાળવા માગે છે તેમને ઉદ્યોગસાહસિકો ગણી શકાય નહિ. ઉદ્યોગસાહસિકો નવી પ્રોડક્ટ કે સર્વીસની શોધ દ્વારા, નવી ઉત્પાદન પદ્ધતિની શોધ દ્વારા કે સપ્લાયના નવા સ્ત્રોતો ખોળીને અને વ્યવસ્થાતંત્રમાં નવા નવા પ્રયોગો (જેમ કે મેટ્રીક્ષ કે શેમરોક ઓર્ગેનાઈઝેશન) કરીને વ્યાપારનો વિસ્તાર કરે છે. તેમાં તેઓ જોખમ ખેડે છે. સંભવિત બજારનો ઊંડો અભ્યાસ કરે છે. ધંધો શરૂ કરતા પહેલાં તેઓ ઊંડુ બજાર સંશોધન કરીને પોતાના સંભવિત બજારોનો ઊંડો ક્યાસ કાઢે છે. સેલ્સ ફોર કાસ્ટીંગ કરીને અને બીઝનેસ પ્લાન ઘડીને તેઓ પોતાનું જોખમ ઘટાડે છે.
બાહ્ય વાતાવરણમાં તકો ખોળવાની આવડત : ધંધો સ્થાપવા તેના સ્થાપકોમાં એચીવમેન્ટ મોટીવેશન (સીધી પ્રેરણા), લોક્સ ઓફ કન્ટ્રોલ અને જોખમ લેવાની તૈયારી જોઈએ. તે ઉપરાંત બાહ્ય વાતાવરણમાં કઈ તકો પડેલી છે તેને ઓળખવાની અને ઝડપી લેવાની પણ આવડત (કે બુદ્ધિશક્તિ) જોઈએ. વાતાવરણમાં ઊભી થતી ધંધાકીય તકો તે વ્યક્તિનું મૂળભૂત લક્ષણ (txait) છે કે તે વ્યક્તિની શીખેલી (લર્નીંગની) કુશળતા છે તે બાબતમાં
સંશોધકોમાં એકમત નથી. નવી તકો ખોળવા કે તેમને ઉદ્યોગમાં પરિવર્તન કરવા માટેની સાવધતા (ચનીટાટીજજ) માટે ઉદ્યોગકારોમાં તેને લગતા મૂળભૂત વિષયનું સાધારણ જ્ઞાાન જરૂરી છે. વિમાનને હવામાં સુરક્ષિત રાખવા કોઈ નવા પ્રકારની વોર્નીંગ સીસ્ટમ જરૂરી છે અને તેને બનાવવી શક્ય છે તેની તકોની ઉદ્યોગકાર ઓળખ કરે. (આઈડેન્ટીફાય) તે માટે ઉદ્યોગકારમાં વીમાન ઉડ્ડયન વિષે પ્રાથમિક માહિતી કે પ્રાથમિક જ્ઞાાન જરૂરી છે.
ઉદ્યોગકાર કે વૈજ્ઞાાનિક નવી પ્રક્રિયા કે નવા ઉદ્યોગ માટે સાવધ હોય તો જ તેને નવા વિચારો ઝબૂકે છે. તે વિના નવા વિચારો સાયન્સ ફીકશનની વાર્તાઓ બની જાય છે. આમાં બે વિરોધાભાસી મતો છે. એક મત એવો છે કે બાહ્ય વાતાવરણમાં અનેક તકો પડેલી જ હોય છે. તમારે તેને ઓળખીને તેને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાની છે. આનાથી વિરૂદ્ધ મત એવો છે કે બાહ્ય વાતાવરણમાં તકો હોતી નથી. તમારે નવી તકો ઉભી કરવી પડે છે. આ બન્ને દ્રષ્ટિબિંદુઓ પોતપોતાની રીતે સાચા છે. કેટલીક તકો બહારના વાતાવરણમાં હોય છે અને કેટલીક તમારે જાતે ઉભી કરવી પડે છે.
ઉપસંહાર : ભારતનું ઔદ્યોગીક માનવબળ મોટેભાગે જ્ઞાાતિજનિત કે પ્રદેશજનિત છે. યાદ રહે કે ભારતની દરેક વ્યક્તિ ધંધો સ્થાપવા સક્ષમ નથી. અમુક લાક્ષણિકતાઓ વિના તમે ધંધો સ્થાપી શકો નહીં. જેનામાં ધંધાને લગતી લાક્ષણિકતાઓ ના હોય તેમને ટ્રેનીંગ દ્વારા ધંધા સાહસિક બનાવી શકાય કે નહીં તેનો સો ટકા સાચો જવાબ હજી મળતો નથી.