Get The App

સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની ગતિ તથા સ્થિતિ પ્રાણીઓના શરીર અને મન પર પ્રગાઢ અસર ઉત્પન્ન કરે

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની ગતિ તથા સ્થિતિ પ્રાણીઓના શરીર અને મન પર પ્રગાઢ અસર ઉત્પન્ન કરે 1 - image


ભૌતિક વિજ્ઞાાની જોન એલસને એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજૂ કર્યું હતું કે રેડિયો પ્રસારણમાં વિઘ્ન નાખનારા આયનમંડળથી આવનારા તોફાનોનો સૂર્યના સંદર્ભમાં ગ્રહોની સ્થિતિથી સીધો સંબંધ છે

અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના બાયોલોજિકલ સાયન્સિઝના પ્રાધ્યાપક, માસાચુસેટસમાં આવેલી મરિન બાયોલોજિકલ લેબોરેટરીના ટ્રસ્ટી અને 'બાયોલોજિકલ રીધમ્સ'ના સંશોધક વિજ્ઞાાની ફ્રેન્ક બ્રાઉને 'ધ બાયોલોજીકલ ક્લોક્સ' અને 'ધ કેસ ફોર એસ્ટ્રોલોજી' જેવા વિખ્યાત પુસ્તકોમાં એ સિદ્ધ કર્યું છે કે ગ્રહ- નક્ષત્રોનો પ્રભાવ પૃથ્વીના વાતાવરણ, પ્રાણીઓ અને વૃક્ષો- વનસ્પતિઓ પર પણ પ્રભાવ પડે છે. પ્રાણીઓ, જીવજંતુઓ, બટાકા, વટાણા અને છીપલા પણ સૂર્ય અને ચંદ્રની સ્થિતિથી પ્રભાવિત થાય છે. આ પ્રભાવોનો સૂર્ય પ્રકાશ કે ચંદ્ર પ્રકાશથી કોઈ સંબંધ નથી.

જીવજંતુઓને અંધારી ઓરડીમાં બંધ કરી દેવામાં આવે તો પણ એમની ક્રિયાઓ એ જ રીતે ચાલતી રહે છે જે રીતે પ્રકાશમય જગ્યાએ ચાલતી હોય છે. ફ્રેન્ક બ્રાઉન કહે છે કે સૂર્ય- ચંદ્રના પ્રકાશનો નહીં પણ તેમની અવકાશીય ગતિનો એમના ઉપર પ્રભાવ પડે છે. ફ્રેન્ક બ્રાઉને એક પ્રયોગ દરમિયાન છીપલાઓને સમુદ્રથી હજારો માઇલ દૂર એક અંધારી કોટડીમાં રાખ્યા તો પણ એમના ખુલવા અને બંધ થવાના ક્રમ અને સમયમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નહોતું.

રશિયન વિજ્ઞાાની ચિજેવેસ્કીએ છેલ્લા ચારસો વર્ષોથી દુનિયામાં ફેલાયેલી મહામારીઓનો ઇતિહાસ તૈયાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, સૂર્યમાં દેખાતા ધાબાઓ (સૂર્યકલંકો) સાથે એમનો સંબંધ રહ્યો છે. જેટલા દિવસો સુધી એ ધાબાઓ ગાઢા દેખાતા હતા એટલો પૃથ્વી પર મહામારીઓનો પ્રકોપ વધારે જોવા મળતો હતો. એ રીતે વિજ્ઞાાની માઇકલસન કહે છે કે અમાસ અને પૂનમના દિવસે પૃથ્વી પર પડનાર સૂર્ય- ચંદ્રના પ્રભાવથી અસર પામીને સમુદ્રમાં ભરતી ઓટ આવે છે એટલું જ નહિ પણ પૃથ્વી નવ ઇંચ જેટલી ફૂલે છે કે સંકોચાય છે ! પૃથ્વી પર જુદા જુદા સમયે આવેલા મોટા ભૂકંપોનો ઇતિહાસ એ બતાવે છે કે મોટા ભાગે એ પૂનમ કે અમાસની આસપાસ જ આવે છે.

ડોક્ટર બુડાઈ પણ કહે છે કે, ઉન્માદ, પાગલપન, વાઇ- એપિલેપ્સી વગેરેનો હુમલો આ તિથિઓમાં જ આવે છે. સૂર્ય અને ચંદ્રની સ્થિતિ સૂર્યની પિટયુટરી, થાઇરોઇડ, એડ્રીનલ વગેરે હોરમોન ગ્રંથિઓ પર પણ પડે છે, અને તે ઉત્તેજિત થઈને શરીર અને મનની સ્થિતિ પર અસર ઉત્પન્ન કરે છે.

સ્વીડનના વિજ્ઞાાની સેબેન્ટ અહેનિયસે લગભગ દસ હજાર જેટલા પ્રમાણે એકત્રિત કરીને એ સિદ્ધ કર્યું છે સમુદ્ર, મોસમ, તાપમાન, વિદ્યુત સ્થિતિ જેવા પ્રાકૃતિક ક્ષેત્રો પર જ નહી મનુષ્ય શરીર અને મન પર પણ સૂર્ય- ચંદ્ર અને ગ્રહોની ગતિની અસર પડે છે. સ્ત્રીઓના માસિક ધર્મ પર ચંદ્રની સ્થિતિનો અચૂક પ્રભાવ પડે છે. અમેરિકન ખગોળવેત્તા જોન હિલેરી નેલ્સનનું સંશોધન પણ દર્શાવે છે કે સૂર્ય- ચંદ્ર અને ગ્રહોની સ્થિતિ અને ગતિને કારણે મોસમી ઉથલપાથલ અને પ્રાણીઓની શારીરિક- માનસિક સ્થિતિમાં ચઢાવ ઉતાર આવે છે.

વેદની ઋચાઓથી એ ખ્યાલ આવે છે કે, પ્રાચીન કાળમાં ઋષિઓ પિણ્ડ અને બ્રહ્માણ્ડની એકતાથી તો પરિચિત હતા જ, એ સાથે એ પણ જાણતા હતા કે ગ્રહ- નક્ષત્રોની ગતિવિધિ અને એના પરિવર્તનો પૃથ્વીના વાતાવરણ અને પ્રાણી જગતના જીવનને પ્રભાવિત કરે છે. જ્યોતિષ વિજ્ઞાાન જ્ઞાાનની એક વિજ્ઞાાન સંમત શાખા હતી જેનો ઉપયોગ અંતગ્રહી ગતિવિધિઓ અને પ્રભાવોની શોધખોળ માટે કરાતો હતો એ વખતે જ્યોતિષ વિજ્ઞાાનને જ્યોતિર્વિજ્ઞાાન કહેવાતું. પ્રાચીન કાળના જ્યોતિષ વિજ્ઞાાનીઓએ જે તથ્યો રજૂ કર્યા હતા તે તરફ અર્વાચીન ખગોળવિજ્ઞાાનીઓ અને શરીર વિજ્ઞાાનીઓનું હમણાં ધ્યાન ગયું છે !

વરાહમિહિરની ગણના પ્રાચીન કાળના લબ્ધપ્રતિષ્ઠિત જ્યોતિષવિજ્ઞાાનીઓમાં થાય છે. એમણે એ સમયે જણાવ્યું હતું કે, ચંદ્રની ગતિ અનેે સ્થિતિનો મનુષ્યના મન સાથે ગાઢ સંબંધ છે. ચંદ્રની કળાઓના ઉતાર- ચઢાવથી મનની સ્થિતિ પ્રભાવિત થાય છે. આ જ વાત અત્યારના વૈજ્ઞાાનિક સંશોધકો પણ કરે છે.

અમેરિકાના માયામી (miami)  ના મનોચિકિત્સક ડો. લીવરે પણ આ વિષય પર સંશોધન કરી પ્રમાણિત કર્યું હતું કે માનવીના મનની ઉગ્રતાનો ચંદ્રની કળાઓ સાથે સંબંધ છે. માનવીના શરીરમાં લગભગ એંસી ટકા પ્રવાહી અને વીસ ટકા સખત પદાર્થો છે. જેમ પૃથ્વીના એંસી ટકા ભાગમાં આચ્છાદિત સમુદ્રોમાં ચંદ્રના કારણે ભરતી- ઓટ આવે છે તે રીતે માનવીના શરીરમાં રહેલા એંસી ટકા જેટલા પ્રવાહી પર ચંદ્રની કળાઓની અસર પડે છે.

અમેરિકન પરમાણુ ઊર્જા આયોગની પ્રયોગશાળાના વિજ્ઞાાનીઓએ પણ સૌર-મંડળની ગતિવિધિઓનો પૃથ્વી પર કેવો પ્રભાવ પડે છે એ જાણવા વિસ્તૃત અધ્યયન કર્યું હતું. તેમણે અપરાધો અને દુર્ઘટનાઓ સંબંધિત વીસ વર્ષના આંકડાઓ એકત્રિત કર્યા. ૮૮ પૃષ્ઠોનો લાંબો રિપોર્ટ તૈયાર કર્યો. એમાં એ જ નિષ્કર્ષ નિકળ્યો કે સૌર-ક્રિયાઓ (સૂર્યની ગતિવિધિ) અને ચંદ્રની કળાઓનો માનવ વ્યવહાર અને દુર્ઘટનાઓ પર વિશેષ પ્રભાવ પડે છે.

એ વિજ્ઞાાનીઓએ એ સૂર્યના ફરવાને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થનારી ૨૭ દિવસના ચક્રની ગરબડને પણ દુર્ઘટનાઓ સાથે સંબંધ હોવાની વાત રજૂ કરી છે. આ બાબતમાં ગહન સંશોધન કર્યા બાદ એ જાણવા મળ્યું હતું કે, એ ચક્રના પહેલા સાત દિવસ, તેરમા, ચૌદમા તથા પચ્ચીસમા દિવસે વધારે દુર્ઘટનાઓ થઈ હતી.

ભૌતિક વિજ્ઞાાની જોન એલસને એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજૂ કર્યું હતું કે રેડિયો પ્રસારણમાં વિઘ્ન નાખનારા આયનમંડળથી આવનારા તોફાનોનો સૂર્યના સંદર્ભમાં ગ્રહોની સ્થિતિથી સીધો સંબંધ છે. જ્યારે બે કે બેથી વધારે ગ્રહ સૂર્યની રાશિમાં હોય છે તો એમનામાં ૧૮૦ અંશ અને ૯૦ અંશ દૂરની રાશિમાં આવા જ તોફાનો આવે છે. અને જ્યારે ગ્રહ સૂર્યની રાશિથી ૬૦ અંશ કે ૧૨૦ અંશના અંતરે હોય છે ત્યારે આયનમંડળ શાંત રહે છે.

પાશ્ચાત્ય જ્યોતિષ પણ દર્શાવે છે કે ૯૦ અંશ અને ૧૮૦ અંશનો સંબંધ કઠોર બાબતો સાથે જોડાયેલો અને ૬૦ અંશ કે ૧૨૦ અંશનો સંબંધ કોમળ બાબતો સાથે જોડાયેલો જોવા મળે છે. ઇટાલીના રસાયણશાસ્ત્રી પિચ્ચાદિએ પણ સાબિત કર્યું કે રાસાયણિક ક્રિયાઓ પણ સૂર્ય અને ચંદ્રની ગતિથી પ્રભાવિત થાય છે. વનસ્પતિ, પાક, ફળોની અંદર રહેલા જીવન તત્ત્વો પર પણ એની ગતિથી પ્રતિક્રિયા પડે છે, મૌસમને અનુરૂપ પેદા થનારા ફળો અને ખાદ્ય અન્નોને એટલે જ સ્વાસ્થ્યવર્ધક કહેવામાં આવ્યા છે એનું કારણ એ જ છે કે સૂર્ય- રાશિનો કોમળ પ્રભાવ એમના પર પડે છે !

Tags :