ઘડપણ ભગવાનની પૂજા કરવા માટે નહીં પણ ભગવાનના માણસ બનવા માટે છે
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
નગરપાલિકાની શાળામાં લકઝુરિયસ ફેસિલિટી માણવા ઇચ્છતાં અમીરોનાં સંતાનો ભલે આવતાં ન હોય, પણ 'સુદામાઓ'ના સંતાનોના ઘડતરનું અમે નિમિત્ત બનીએ, તેનો અમને આનંદ છે.
નિકષ પાણી માગે તો એને દૂધ મળતું, રૂપીઓ માગે તો દસની નોટ મળતી, ચૉકલેટ માગે તો એને રસગુલ્લાં મળતાં. ઘરના નોકર શાન્તુને નિકષના દાદા ગજેન્દ્રરાયે કહી દીધું હતું : ''જો, સાંભળ, ઘરનાં કામ પછી, પહેલાં મારા નિકષને સાચવવાનું કામ. ભગવાને એને મારા લાડ માટે ઘડયો છે. ગોરો-ગોરો દેહ, ભૂરી આંખો, ચહેરા પર સદાય રમતું રહેતું સ્મિત અને બોલવામાં મિઠાશનો રણકાર. અમારી પાંચ પેઢીઓમાં પુત્રીઓના જન્મ બાદ છઠ્ઠી પેઢીએ પુત્રને પારણામાં ઝુલાવવાનું સુખ અમને પ્રાપ્ત થયું છે. હું એને એટલો બધો પ્રેમ આપીશ કે એ જીવનભર મારો પડતો બોલ ઉપાડે. તારે પણ એને છણકો-છાકોટો કરવાનો નથી, એનો પડતો બોલ પાળવાનો છે, સમજ્યો ? નિકષનું અપમાન કરશે એ મારું જ અપમાન કરી રહ્યો છે, એમ માનીશ. જો, મારા માટે પૂજાની તૈયારી કર.''
નોકર શાન્તુ દાદાજી માટે પૂજાની તૈયારી કરવા ગયો, પણ પૌત્ર નિકષ માટે દાદાજીના હૃદયમાં ધૂધવાતો દરિયો એની નજર સામેથી ખસતો નહોતો.
શાન્તુને પોતાના પુત્ર ચંદનનું સ્મરણ થયું...ચંદનને પોતે અંગ્રેજી નિશાળમાં ભણાવવા ઇચ્છતો હતો, પણ ફી, યુનિફોર્મ, પુસ્તકો વગેરેનું ખર્ચ એને પોસાતું નહોતું...એને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
શાન્તુને નોકર તરીકે મળતો હતો પગાર માત્ર રૂપીઆ છ હજાર. એમાં પચ્ચીસો રૂપીયા તો ઘરભાડામાં જતા હતા. એની પત્ની શ્યામલી બે ઘરનાં કામ કરી ચાર હજાર રૂપીયા મેળવતી હતી. વૃદ્ધ મા-બાપ અને ત્રણ બાળકો સાથે પોતે અને પત્ની શ્યામલી સહિત સાત માણસોનું ભરણપોષણ કરવાનું.
ગઈકાલે સાંજે ચંદન સ્કૂલેથી રડતો-રડતો ઘેર આવ્યો. વર્ગશિક્ષકે એને મેલાં કપડાં અને નખની સફાઈ નહીં હોવાને કારણે શાળામાંથી કાઢી મૂક્યો હતો. જ્યાં સુધી નવાં કપડાં નહીં મળે ત્યાં સુધી ચંદને શાળાએ નહીં જવાની જીદ પકડી હતી. આર્થિક તકલીફોથી તંગ આવી ગએલો શાન્તુ પોતે ઉશ્કેરાઈ ગયો હતો અને ચંદનને ધીબી નાખ્યો હતો.
કામ પર જવાનો સમય થતાં શાન્તુ તેને રડતો મૂકી દાદાજીને બંગલે પહોંચ્યો હતો. દાદાજી ગજેન્દ્રરાય શાન્તુને પૌત્ર નિકષની કાળજી રાખવાની આચાર સંહિતા સમજાવી રહ્યા હતા. પૂજા દરમ્યાન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બીજા લોકોનાં બાળકોનું તું ભલું કરે કે ન કરે પણ મારા પૌત્ર નિકષ પર તો તું આશીર્વાદની ઝડી વરસાવજે.
નિકર્ષ દાદાજીની ગોદમાં ડાહ્યો-ડમરો થઈને બેઠો હતો એટલે તેમનો આનંદ બેવડાઈ રહ્યો હતો.
દાદા ગજેન્દ્રરાયનાં શબ્દો સાંભળી શાંતુની આંખો ભીની થઈ ગઈ. મનોમન વિચારવા લાગ્યો : ''ભગવાનના ઘેર પણ ન્યાય નથી. એક બાળકના નશીબે અઢળક સુખો લખી દે છે અને મારા જેવા અભાગીઓને ઘેર ભૂખે-તરસે મરવા ચંદન જેવા નિર્દોષ બાળકોને જન્મ આપે છે.
રાત્રે ચેનલના એક કાર્યક્રમમાં કથાકાર ઉપદેશ આપી રહ્યા હતા કે 'કર્મ પ્રમાણે જ દરેકને સુખ-દુ:ખ મળે છે.' પણ ગરીબીમાં સબડતાં લાખ્ખો કુટુંબનાં બધાં જ બાળકો શું ગયા જન્મનાં 'પાપો'નું ફળ ભોગવી રહ્યા છે ? ગજેન્દ્રરાય જેવા અમીરો કોઈ ગરીબના એકાદ બાળકને દત્તક લઈ એની બધી જ જવાબદારીઓ નિભાવે તો કાંઈ લક્ષ્મી માતા રિસાઈ જવાની નહોતી.''
દાદાજીની પૂજા પૂરી થઈ ત્યાં સુધી શાંતુ ત્યાં જ ઉભો રહ્યો. એને જોઈને દાદાજીના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે શાંતુનો ઉધડો લેતાં કહ્યું : ''કામચોર, હરામખોર, તમે લોકો તમારી ખોટી દાનતને કારણે જ ગરીબીમાં સબડયા કરો છો. જા હવે, નિકષભાઈ માટે નાસ્તો અને દૂધ લઈ આવ.''
શાન્તુ નહોતો કામચોર કે નહોતો હરામખોર એની નજર પોતે ઘેર રડતો મૂકીને આવેલા પુત્ર ચંદન પર પહોંચી ગઈ હતી. ચંદન માટે સેકંડહેન્ડ કપડાં લાવવા દાદાજી પાસે 'ઉપાડ' માગવા એ રાહ જોઈ રહ્યો હતો. પણ એની જીભ ઉપડતી નહોતી ! દાદાજી ભગવાનને ભોગ ધરાવવા માટે આંધળું ખર્ચ કરતાં ખચકાતા નહોતા. પૌત્ર નિકષ માટે કપડાંનો ખડકલો કરી દેતાં પાછું વાળીને જોતા નહોતા, પણ નોકર 'ઉપાડ'ની માગણી કરે તો તેમનો ક્રોધ સાતમા આસમાને પહોંચી જતો.
છતાં શાન્તુએ હિંમત કરી સો રૂપીઆના ઉપાડની વાત કરી. એટલે દાદાજી તાડૂક્યા : ''દર મહિને 'ઉપાડ'ની ટેવ પાડીશ તો બરબાદ થઈ જઈશ. તમને લોકોને કરકસરથી જીવતાં કેમ આવડતું નથી ? અઠવાડિયા પછી મારા પૌત્ર નિકષનાં ઉતરેલાં કપડાં લઈ જજે. ઉપાડ-બૂપાડ નહીં મળે !''
શાન્તુ દાદાજીના અપમાનભર્યા શબ્દોથી ભાંગી પડયો હતો. સાંજે પોતે ઘેર પહોંચશે ત્યારે પુત્ર ચંદનને કેવી રીતે મોં દેખાડશે એની એને ચિંતા હતી ! કામમાં મન ચોંટતું નહોતું....નિકષ માટે ચા-દૂધ લાવતાં એના હાથમાંથી ટ્રે પડી ગઈ અને દાદાજીએ ગાળોનો વરસાદ વરસાવ્યો. નુકસાનની રકમ પગારમાંથી કાપી લેવાની ધમકી આપી. શાન્તુએ ફૂટેલાં કપ-રકાબી ઉપાડી સાફ-સફાઈ કરી.
પણ ચક્કર આવતાં તે ભોંય પટકાયો. દાદાજીએ કહ્યું : ''બદમાશ નાટકીઓ ! પોતાની બેદરકારી છૂપાવવા નાટક કરે છે ! શિવ..શિવ ! શિવ ! શું જમાનો આવ્યો છે ! પહેલાંના નોકરોને આયાઓ શેઠ કે સ્વામી માટે જાન આપી દેતા આજે તો નોકરો શેઠ પર રોફ જમાવતા થઈ ગયા છે ! ભગવાન પણ એમને સદ્બુદ્ધિ આપતો નથી-' કહી દાદાજીએ માળાના મણકા ફેરવવાનું ચાલુ રાખ્યું ! માણસને દુભાવીને ઇશ્વરને રિઝવવાનું કામ શું ઇશ્વરને પસંદ પડતું હશે ? શાંતુની મૂંગી આંખો પૂછી રહી હતી.
એને યાદ આવ્યા પોતાના વૃદ્ધ પિતા. તેઓ ગરીબ છે, પણ નથી એમનામાં ક્રોધ કે નથી કશો અસંતોષ ! દાદાજી ગજેન્દ્રરાયને વૃદ્ધ થતાં પણ કેમ નહીં આવડતું હોય ! ઘડપણ માત્ર ભગવાનની પૂજા કરવા માટે નહીં પણ 'ભગવાનના માણસ' બનવા માટે છે ! 'પોતાનાં' અને 'પારકાં'નો ભેદ' ટકાવી ભક્તિ કરવી એ ભગવાનનું અપમાન છે !'
તે દિવસે સ્કૂલમાં પર્યાવરણ દિવસની ઉજવણી હતી. મુખ્ય મહેમાન તરીકે શાસનાધિકારી શ્રી એલ.ડી. દેસાઈ પધારીને વૃક્ષારોપણ કરાવવાના હતા. શિક્ષકોએ સત્ય, નીતિ, ધર્મ, ન્યાય, અહિંસા, પ્રેમ અને ક્ષમાનું નામ આપી વૃક્ષારોપણ સંપન્ન કરાવ્યું. ત્યાર બાદ મુખ્ય મહેમાનને હસ્તે એક દાતાએ આપેલાં હાફપેન્ટ અને શર્ટ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યાં. હવે છેલ્લે એક ડ્રેસ વધ્યો હતો, તે લેવા માટે જાગૃત નામના વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યો....પણ એણે કહ્યું, 'મને એક નહીં બે ડ્રેસ આપો.'
શિક્ષકે કહ્યું: ''હવે બીજો ડ્રેસ સ્ટોકમાં નથી.''
'તો પછી મને આ ડ્રેસ લઈ ઘેર જવાની રજા આપો. અહીંથી હું સીધો મારા મિત્ર ચંદનને ઘેર જઈશ. બે દિવસ પહેલાં એણે મેલાં કપડાં પહેર્યાં હોવાને કારણે એને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મારો ડ્રેસ હું એને આપીશ, જેથી કાલથી એ શાળાએ આવી શકે !' વિદ્યાર્થીની વાત સાંભળી શાસનાધિકારી આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે શાળાના આચાર્યને કહ્યું : ''સાંજે તમે બીજા બે ડ્રેસ લઈ ચંદનને ઘેર જજો અને તેને આશ્વાસન આપજો.'' પણ આચાર્યે તેને વહાલથી પોતાની પાસે બોલાવ્યો.
એટલામાં શાન્તુ પણ કામ પરથી રજા લઈ ઘેર આવી પહોંચ્યો. આચાર્યને પોતાને ઘેર આવેલા જોઈ તેને ધ્રાસકો પડયો. એણે કહ્યું : ''સાહેબ, મારા દીકરાનો વાંક નથી, વાંક મારી ગરીબીનો છે. ચંદન પાસે એક જોડ કપડાં જ છે, અને તે પણ ગુર્જરી બજારમાંથી લાવેલાં ઘાટ-ઘૂટ વગરનાં સેકંડહેન્ડ કપડાં ! મારા દીકરાનું શાળામાંથી નામ કમી ન કરશો. બે-ચાર દિવસમાં પૈસાની જોગવાઈ થતાં હું એને માટે બેજોડ કપડાં ખરીદી લાવીશ.'' બોલતાં-બોલતાં શાન્તુ રડી પડયો.
આચાર્ય ભાલચંદ્રભાઈએ તેને છાનો રાખતાં કહ્યું : 'તમે ચંદનની ચિંતા છોડી દો. એને માટે હું બે જોડ કપડાં લાવ્યો છું. મારી શાળામાં લક્ષ્મી જીતે અને સરસ્વતી હારે એવું વાતાવરણ મને મંજૂર નથી ! મારે કોઈ સંતાન નથી એટલે આજથી હું ચંદનને પુત્ર તરીકે સ્વીકારું છું. મા સરસ્વતીની શાખે. હું એને ભણાવી, ગણાવીને તૈયાર કરીશ. મારે મન નગરપાલિકાની શાળા એ 'ગુરૂકુળ' છે. એમાં લકઝરિયસ ફેસિલિટી માણવા ઇચ્છતા અમીરોનાં સંતાનો ભલે ભણવા ન આવતાં હોય, પણ 'સુદામા'ઓના સંતાનોનાં ઘડતરનું અમે નિમિત્ત બનીએ તેનો આનંદ છે. ચંદન બેટા, કાલે તને સ્કૂલે તેડી જવા માટે હું તારે ઘેર આવીશ. આજથી તારા કલાસનો તું મોનિટર, હવે તો ખુશ ને ?'
ચંદન ખુશખુશાલ થઈ ગયો. એણે આચાર્યના ચરણમાં વંદન કર્યાં. શાન્તુએ આભાર માની આચાર્યને ભાવભીની વિદાય આપી.
અને આચાર્ય ભાલચંદ્રનો શિષ્ય પ્રેમ યજ્ઞા શરૂ થયો. તેઓ શાળા છૂટયા બાદ ચંદનને પોતાની સાથે પોતાને ઘેર લઈ જતા. એકાદ કલાક ભણાવી નાસ્તો કરવા તેને પ્રેમપૂર્વક પોતાને ઘેર મોકલતા.
પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં આચાર્યે એક ગ્રાન્ટેન્ડ હાઈસ્કૂલમાં ચંદનને દાખલ કરાવ્યો. યુનિફોર્મ, પુસ્તકો વગેરે ખર્ચની જોગવાઈ પણ તેમણે જાતે જ કરી. રાબેતા મુજબ ચંદનને પોતાને ઘેર બોલાવી અભ્યાસ કરાવવાનું ચાલુ રાખ્યું વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધા, રમત-ગમત વગેરેમાં ભાગ લેવા તેઓ ચંદનને તૈયાર કરતા રહ્યા.
સ્પર્ધાઓમાં વિજેતા બનવાને કારણે ચંદનનો ઉત્સાહ વધતો રહ્યો. સાયંસ સ્ટ્રીમ સાથે સેકંડરી-હાયર સેકંડરીનું શિક્ષણ પૂરું કરી ચંદને મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો. આચાર્ય ભાલચંદ્ર તેને હૂંફ આપી તેના વિકાસમાં ભાગીદાર બનતા જ રહ્યા. ચંદને પોસ્ટ ગ્રેજ્યૂએટ અભ્યાસ પૂરો કરી એમ.ડી.ની પદવી પણ મેળવી લીધી.
આચાર્ય ભાલચંદ્ર નિ:સંતાન હતાં. ચંદને તેમની સેવા કરી તેમનું દિલ જીતી લીધું હતું. આચાર્યે વીલ કરી પોતાની તમામ સંપત્તિ ચંદનને નામે કરી દીધી અને ચંદનને પોતાની હોસ્પિટલ શરૂ કરવામાં મદદ કરી. ડૉ. ચંદન રાતદિવસ દર્દીઓની સેવામાં ગુજારતો હતો. ગરીબ દર્દીઓને તે તમામ પ્રકારની સારવાર નિ:શુલ્ક આપતો હતો.
દર્દી હોસ્પિટલમાંથી વિદાય થાય ત્યારે પૌષ્ટિક આહાર અને ફળફળાદિ માટે તેને પૈસાની પણ મદદ કરતો. ટૂંક સમયમાં જ ડૉ. ચંદનની પ્રતિષ્ઠા ખૂબ જ વધી ગઈ. ગરીબો જ નહીં, અમીર લોકો પણ સારવાર માટે ડૉ. ચંદનની હોસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરતા. પોતાને પુત્રની જેમ ચાહનાર આચાર્ય ભાલચંદ્રના ઉપકારોનું સ્મરણ કરી પોતાની હોસ્પિટલનું નામ ''ભાલચંદ્ર ચિકિત્સા સેવાતીર્થ'' રાખ્યું હતું..
શાન્તુએ પણ હવે દાદાજીના ઘરની નોકરી છોડી પુત્ર ચંદન સાથે હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આચાર્ય ભાલચંદ્રભાઈ પણ દર્દીઓની સેવામાં જોતરાઈ ગયા હતા. ડૉ. ચંદન હૉસ્પિટલ સ્ટાફની મીટિંગ કરી તેમને વારંવાર એક જ સૂચના આપતા : ''આપણી હોસ્પિટલમાં દર્દીનું પૂરું માન જળવાવું જોઈએ, અમીર દર્દીઓને કોઈ વિશેષાધિકાર નહીં અને ગરીબ દર્દીઓની લેશમાત્ર ઉપેક્ષા નહીં. આપણી હોસ્પિટલ 'સેવા તીર્થ' છે. એને મંદિરની પવિત્રતા અર્પવી એ આપણા સહુનું કામ છે. પૈસો હસે અને માનવતા રડે તો આપણી સેવાનું પુણ્ય ખતમ થઈ જાય. એટલું યાદ રાખજો.''
ડૉ. ચંદન સ્ટાફ સાથે પણ એટલી જ આત્મીયતા રાખતો. દર રવિવાર એક સ્ટાફ મેમ્બરને સપરિવાર પોતાને ઘેર જમવા બોલાવતો. એમના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતો. પરિણામે હોસ્પિટલનો સ્ટાફ પણ હોસ્પિટલની પ્રતિષ્ઠા વધે એ માટે દિલથી મહેનત કરતો.
એક સાંજે શાન્તુએ પુત્ર ચંદનને કહ્યું: ''મારી આખી જિંદગી ઢસરડા કરવામાં વીતી છે. હું એક યાત્રાળુ સંઘમાં જોડાઈ તારી મમ્મી સાથે તીર્થયાત્રાએ જવા ધારું છું..જો તું રજા આપે તો....''
ડૉ. ચંદને કહ્યું: ''બે દિવસ પછી હું તમને જવાબ આપીશ.''
બે દિવસ પછી ચંદને પોતાના પપ્પાજીને કહ્યું: ''મારે તમને મફતના યાત્રા સંઘમાં મોકલવા નથી. નથી તમે કદી કોઈ હોટલમાં રહ્યા કે નથી વિમાનમાં બેઠા. મેં તમારા પ્રવાસની બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી છે. તમે અને મમ્મી તથા મારા પાલક પિતા ભાલચંદ્ર સર. લો, આ વિમાન-મુસાફરીની ત્રણ ટિકિટો અને હોટલ બુકિંગ કાગળો. તમારા ત્રણે જણનું ઋણ ચૂકવવા મારી પાસે શબ્દો નથીૃૃ-'' કહી ચંદને મમ્મી-પપ્પા તથા આચાર્ય ભાલચંદ્રના આશીર્વાદ લીધા.
અને બીજે દિવસે એ ત્રિપુટી તીર્થયાત્રાએ જવા વિદાય થઈ.
સાંજના સમયે ડૉ. ચંદન પોતાની ચૅમ્બરમાં બેસી દર્દીઓના રિપોર્ટ્સ તપાસી રહ્યો હતો કેજ્યુઆલિટીના ડૉક્ટરે કહ્યું : 'કોઈ અત્યંત વયોવૃદ્ધ ગજેન્દ્રદાદાને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. અમે સારવાર શરૂ કરી દીધી છે.' દાદા ગજેન્દ્રરાયનું નામ પડતાં જ ડૉ. ચંદનને ભૂતકાળનું સ્મરણ થયું..પોતાના પિતા તેમના બંગલે નોકરનું કામ કરતા હતા અને દરરોજ ઘેર આવ્યા બાદ દાદાજી દ્વારા કરવામાં આવેલા અપમાનનું વર્ણન મમ્મી પાસે કરતા હતા, તે બધી યાદો તાજી થવા માંડી.
દાદાજી સાથે મોંઘા ટી-શર્ટ અને જીન્સમાં સજ્જ થયેલો એક યુવક હાજર હતો ડૉ. ચંદનને જોઈ એણે કહ્યંત : 'આ 'ડોસા' મારા દાદા છે. બે દિવસ પછી મારી સગાઈ થવાની હતી, પણ દાદાજીએ રંગમાં ભંગ પાડયો. લો, એક લાખ રૂપિયાનો ચેક. બાકી બધી વ્યવસ્થા ગોઠવી લેજો. મારે એક પાર્ટીમાં જવાનું છે.
હું બહુ 'ઇમોશનલ' થવામાં માનતો નથી. બીજાની ચિંતામાં અટવાયેલા રહીએ, તો પછી આપણે માટે જીવવાનો સમય ક્યાંથી રહે ? આજનો લહાવો લેવામાં હું માનું છું.'
ડૉ. ચંદને પૂછ્યું: 'બાય ધ વે, તમારું નામ ?'
''મારું નામ નિકષ છે. દાદાજીએ મને બહુ લાડ લડાવ્યાં અને પૈસા ખર્ચવાની સ્વતંત્રતા આપી એટલે મેં આગળ ભણવાનું છોડી દીધું ! દાદાજીની સંપત્તિનો એક માત્ર વારસદાર હું છું. ઓ.કે.-'' કહી નિકષ વિદાય થયો.
ડૉ. ચંદનની સૂચનાથી હોસ્પિટલના તમામ સ્ટાફે ખડેપગે દાદા ગજેન્દ્રરાયની સેવા કરી. બે દિવસ પછી તેઓ ભાનમાં આવ્યાં.
નિકષ દિવસમાં એકાદ વાર ઉભે-ઉભે દાદાજીની ખબર જોવા આવી જતો. એણે અહંકાર સાથે કહ્યું : ''મેં ડૉક્ટરને એક લાખનો ચેક આપ્યો છે અને આજે બીજો કોરો ચેક આપું છું..કદાચ એટલે જ બધા તમારી ઉત્સાહપૂર્વક સેવા કરી રહ્યા છે. દાદાજી, હું જાઉં છું મારે એક અગત્યની મીટિંગ એટેન્ડ કરવાની છે.''
થોડીક વાર પછી દાદાજીએ પૂછ્યું: ''ડૉ. તમારું નામ શું ?''
મારું નામ ''ડૉ. ચંદન શાન્તુ કશ્યપ.''
''ઓહ ! મારે ઘેર નોકર તરીકે કામ કરતો હતો, તે શાન્તુનો તમે પુત્ર છો ?''
''નોકર નહીં, આ હોસ્પિટલના માલિક શાન્તુભાઈ શેઠ કહો : ''આજે એમનો હરિદ્વારથી ફોન હતો કે તમારું હોસ્પિટલ ખર્ચનું બીલ મારે માફ કરવું.'
દાદા ગજેન્દ્રરાયનું મસ્તક શરમથી ઝૂંકી ગયું.