શ્વાસને સાવ છુટ્ટા મેલી દે! તું હવાની હવેલી ખોલી નાખ
હોરાઈઝન - ભવેન કચ્છી
ચાલો નવા વર્ષે આડંબરના આવરણો હટાવી દઈએ
ઘણા લોકોને એવી ગંભીર ગેરસમજ હોય છે કે મેચ્યોરીટી એટલે ગંભીર મોં લઈને ફરવું
સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ
બંધ જીવતરની ડેલી ખોલી નાખ
બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ
તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ
શ્વાસને સાવ છુટ્ટા મેલી દે !
તું હવાની હવેલી ખોલી નાખ
બારની તડથી આવે મ્હેક હવે
કયાંક મ્હેકે ચમેલી ખોલી નાખ
બીજમાંથી સીધી પૂનમ દઈ દે !
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ
આ ગઝલ આપણા જીવન-તાંદુલ
પોટલી શરમ મેલી ખોલી નાખ
બાર વાસ્યું છે અમથું અડકાડી
સ્હેજ હડસેલી ખોલી નાખ
સ્વ. મનોજ ખંડેરિયાની આ કૃતિ 'ખોલી નાખ' કારણ વગર આપણે મુક્ત મને જીવન નથી જીવતા અને બંધિયાર માનસ ધારણ કરી આયખું પૂરું કરીએ છીએ તેની તરફ દર્પણ ધરી ઢંઢોળે છે. 'બંધ મુઠ્ઠીની સમસ્યા સહુ, તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ, શ્વાસને સાવ છુટ્ટા મેલી દે ! તું હવાની હવેલી ખોલી નાખ' પંક્તિ વાંચતા જ જો ખરેખર આપણે શ્વાસને છુટા મેલી દઈએ તો અહેસાસ થાય કે આપણે કેટલી નિરર્થક ગૂંગળામણ અનુભવતા હતા.
ઘણા લોકોને એવી ભયંકર ગેરસમજ હોય છે કે મેચ્યોરીટી એટલે ગંભીર મોં લઈને ફરવું. ઓફીસની ખુરશી પરનો પ્રોટોકોલ ઘેર ડાઈનિંગ ટેબલની ખુરશી પર પણ ગોઠવાઈ જાય ત્યારે તે જ ટેબલ પર પરિવારજનોના તુટવાની ફાઈલ પણ તેનું સ્થાન જમાવી દે છે. હવે મોટા થયા, અમુક હોદ્દો મેળવ્યો, શ્રીમંત થયા, ઠીક ઠીક સામાજિક નામના થઇ, આપણે જો આપણી અલગ હાજરીની નોંધ લેવડાવવી હોય તો કુટુંબ કે સમાજના મુખ્ય પ્રવાહથી દુર રહેવું તેવી માન્યતા સાથે આપણે અગાઉ ખુલ્લા રહેતા દિલના દરવાજા બંધ કરી દઈએ છીએ.. આ સાથે ખરેખર તો જીવતરને બંધ કરતા હોઈએ છીએ.
તેવી જ રીતે કોઈ સર્જક, સાધક કે કલાકાર ભલે દુનિયાને તેની કૃતિ કે સાધનાથી પ્રેરિત અને પ્રભાવિત કરતા હોય પણ તે પોતે બીજા કરતા કંઇક વિશિષ્ઠ મહાનુભાવ છે તે તેના દિલોદિમાગમાં સવાર કરીને બેઠા હોય તેવું બને અને તેના ફળ સ્વરૂપ તે પોતે જ રૂંધાતા હોય. ડીપ્રેશનનો ડોઝ ખુદ પોતે બની ગયા હોય. જ્ઞાાની તો હર હાલમેં મસ્તરામ હોય. આઝાદી માટે જંગ ખેલતા અને જેલવાસથી માંડી અસાધારણ પડકારો ઝીલતા ગાંધીજીની પણ રમૂજવૃત્તિ અવિરત રહેતી.
સમાજનો બહોળો વર્ગ હાથે કરીને બેચેની, હતાશા અને તનાવ વહોરી લે છે. કોઈ જ કારણ નથી હોતું બસ તે દરેકમાં નકારાત્મકતા જ શોધી લે છે. અંગત જીવનના એક પછી એક પ્રશ્નોને જન્મ આપે છે. તેમના રંધાતા પ્રેશર કુકરની સીટી વાગે અને વરાળ ઉડી જાય તો તરત ચિંતા અને પ્રશ્નનું બીજુ કુકર ચઢાવી દે છે.
જે રીતે દોરીના પિલ્લામાંથી દોરી નીકળતી જાય તે રીતે. એટલે સુધી કે સમાજ જે ખુશી માટે તરસતો હોય તે તેના જીવનમાં પ્રવેશે તો તેની તે કંઈક આવી પ્રતિક્રિયા આપે છે. 'જુઓને અમારા મોટાને ત્યાં બાબો આવ્યો પણ ડોકટરે ડીલીવરી અગાઉ કહ્યા હતા તેના કરતા ૧૨૦૦ રૂપિયા વધારે લીધા.
આ બાજુ મોટા બાબાના બાબાને હોસ્પીટલથી ઘેર લઇ આવ્યા ત્યાં જ નાના બાબાને જોવા આવેલા મહેમાનો બેઠા હતા. પાર્ટી મોટી હોય તો તેના ઘરની આમ ઓચિંતા આવી જવાય. નાના બાબાનું નક્કી પણ થઇ ગયું હવે તેણે લગ્ન ખર્ચના ખાડામાં ઉતારી દીધો... અને નાની બેબીને ભણવા માટે સ્કોલરશીપ અને અમેરિકાના વિઝા મળી ગયા .. ભાઈ અત્યારે તો ભણવા માટે અમેરિકા જવું ફેશન થઇ ગઈ છે.
જે હોય તે કહે અમારો બાબો કે બેબી અમેરિકામાં છે' તમે આવા લોકોને સુખ કે ખુશી આપી શકો જ નહીં. પોતાના પરિવારની એવી પ્રાપ્તિ જે ખરેખર પોતાનુ જ વાલી તરીકે ડ્રીમ સાફલ્ય કહેવાય તેમાં પણ તેને ઉપાધી દેખાતી હોય છે. આ લોકો બીજાનું સુખ તો ક્યાંથી જોઈ શકે. કોઈની સિદ્ધી કે સફળતાની વાત કરો એટલે બીજા પરિવારોના કે વ્યક્તિ વિશેષના તમારા જેવી સફળતાના ઉદાહરણોની લાંબી કતાર ખડી કરી દેશે.
તેઓ એવું પુરવાર કરવા માંગે છે કે તમે જે પણ કહો પણ 'હું તમારાથી પ્રભાવિત નથી થયો કે થઇ' મનોજ ખંડેરિયા આથી જ આવા લોકોને કહે છે કે 'બારની તડથી આવે મ્હેક હવે, ક્યાંક મ્હેકે ચમેલી ખોલી નાખ.' ગઝલ માશુકા માટે હોય તો પણ ખુલ્લા દ્વાર અને દિલ રાખવાની અર્જ સૌને લાગુ પડે છે.
પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે બેલેન્સ શીટ તો બનાવીએ છીએ પણ આપણે અને પરિવારજનોએ વર્ષ દરમ્યાન કઈ સુખની કે જવાબદારી પૂર્ણ કર્યાની સફળતા મેળવી તે યાદ કરીને ઈશ્વરનો આભાર માન્યો ખરો ? કે પછી આપેલું ભૂલીને નવી માંગણીઓનું લીસ્ટ તેમના સમક્ષ ધરી દેવાનું. જો અકસ્માત કે બીમારીમાંથી ઉગરી ગયા હો તો કે કઈ તેવું બન્યું જ નહીં તો બેવડા થેન્ક્સ ગીવીંગ પાઠવવા રહ્યા. કોઈ ફટકો પહોંચ્યો હોય તો બોધપાઠ અંગે ચિંતન કરવું જોઈએ.
કોઈને દોષ આપ્યા વગર દાદા ભગવાને કહ્યું છે તેમ 'ભોગવે તેની ભૂલ'નું તત્વ જ્ઞાાન જીવનમાં ઉતારવું હિતાવહ છે. જો નવા વર્ષે આપણે કટાઈ ગયેલી, ઘસાઈ ગયેલી એની એ જ માનસિકતા સાથે જીવન વ્યતિત કરવાના હોઈએ તો ઓલરેડી નિષ્ફળ અને નીરસ વીતેલા જીવનમાં ઓર એક વધુ વર્ષ ઉમેરવાથી વિશેષ કંઈ જ કરતા નથી તેમ માનવું. એક પછી એક આઉટ ડેટેડ ગેજેટસને પણ ફેંકી દઈએ છીએ ત્યારે આપણું પોતાનું જુનું મોડેલ જાળવી દુનિયા જીવીએ અને બધા જોડે તેવો વ્યવહાર કરીએ તે ન ચાલે.
ખરેખર તો નિખાલસતાથી જેઓ પ્રસન્ન છે, સફળ છે, સમાજમાં આદર ધરાવે છે અને ખરા અર્થમાં સુખી છે તેઓની તે પાછળની કઈ જીવન દ્રષ્ટિ છે તેનો અભ્યાસ કરી તેની પ્રેરણા લેવામાં નાનમ ન અનુભવવી જોઈએ.ખજાનાની શોધ હોય તો જોખમ સાથે જંગલોમાં જઈએ,દરિયા ઉલેચીએ પણ કોઈ સફળ કુટુંબના મોડેલના ખજાના કરતા પણ કિંમતી રોડમેપની પ્રેરણા કે તેઓ જોડે સંવાદ નથી કેળવી શકતા કેમ કે અહંકાર નડતો હોય છે.
કોઈપણ ગ્રંથીથી પીડાયા વગર મુક્ત બનીને જીવનને માણવાથી આપણે દુર થતા જઈએ છીએ. આપણે માનીએ છીએ એટલું કોઈ આપણા તરફ આમ પણ જોતું નથી હોતું. કોઈની પ્રસંશા થાય તે સાથે જ સ્થાન છોડી દેનારા કે સારું કામ કરો તો પણ બિરદાવે નહીં ઉલટી ચાલાકી કરે તેવા સમાજનો વ્યાપ વધતો જાય છે.
આવા નકારાત્મક લોકો જાતે જ પોતાના દિલ અને દિમાગ પર દાહ વહોરી લે છે.આત્મદાહ શબ્દનું પ્રયોજન પણ કરી શકાય. જીવનને એ હદે બિલોરી કાચથી પણ જોવાની જરૂર નથી. તમે જો મનોમન કોઈને કહી ન શકાય તેવી બહારથી ચમકતા દેખાતા બુટની અંદર અંગુઠા પરની પીડા અનુભવતા હો તો માનવું કે 'સમથિંગ ઈઝ રોંગ વિથ યુ..યોર થોટ પ્રોસેસ'
'આંખ' એ ઝાડ પર ફળ દેખ્યું..
લાલસા જાગી..
'આંખ' તો ફળ તોડી ન શકે તો
'પગ' ગયા ફળ તોડવા..
'પગ' તો ફળ તોડી ન શકે એટલે
'હાથ' એ ફળ તોડયું
અને
'મ્હો' એ તેને ખાધું..
'આમ, જેણે દેખ્યું એ ગયું નહિ,'
'જે ગયો તેણે તોડયું નહિ'
અને
'જેણે તોડયું તેણે ખાધું નહિ,'
'જેણે ખાધું તેણે રાખ્યું નહિ,'
'ફળ તો ગયું પેટ માં..'
હવે જ્યારે માળીએ દેખ્યું તો દંડા પડયા 'પીઠ' માં..
'પીઠ' કહે, હાય.. મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડયા 'પીઠ'માં તો આંસુ આવ્યા 'આંખ' માં..
કારણકે ફળ તો પહેલા 'આંખ' એ જ જોયું હતું ને....
'આ હોઈ શકે કર્મનો સિદ્ધાંત'?;