ઠંડીનો ઠાઠમાઠ .
આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
ઘઉં ધરતી ફાડીને વાંસના અંકુરની જેમ બહાર ફૂટી નીકળ્યા હોય ! કાનટોપી, મફલર અને સ્વેટરની માયામાં માનવદેહ થરથરતો હોય...
પોષ મહિનાના દિવસો આપણને ઠારી દેવાનો પ્રયત્ન કરે છે. સવારે સૂસવાટાભેર આવતી પવનની લહેરો આપણને દઝાડવાનું બીડું ઝડપી લે છે. તડકો ય દુર્વાશાપણાથી દૂર થઈ જાય છે. એની ભીતરમાં પણ ઠંડી પ્રવેશી ચૂકે છે. કાચના ઝીણા ભુક્કા જેવું તળાવનું પાણી ત્યારે લોભાવતું નથી, અને નાક અને કાન બંને અવયવો સૌથી વધારે ડરી જાય છે.
હાથને બગલ માફક આવી જાય છે અને શરીર રજાઈથી વિખૂટું પડવાની ના પાડે છે. આકાશમાં સૂર્ય નામનો ગ્રહ પણ ઠંડો પડી જાય છે કે પછી ઠંડી એને પણ પોતાની પકડમાં લઈ લે છે ! વહેલી સવારે આંખમાંથી કારણ વગરના પાણી નીતરે છે. નાક પણ ટપકતા નળની ઉપમા ધારણ કરે છે. કવિઓની કલ્પના પણ થથરે છે - કવિતા ટુકડે ટુકડે જન્મે છે. ઠંડી જાણે કે કુદરતી કરફ્યુ અને પ્રેમ કરવાનું પર્વ !
આંગણે ઊભેલાં શ્વાનનાં સંતાનોને થથરતાં જોઈએ અને રણકતાં કાંસાની ધુ્રજારી યાદ આવે છે. એમની કંપિત અવસ્થા સંવેદનાને સ્પર્શે છે. ખુલ્લામાં ઊભેલાં પ્રાણીઓ અને પશુઓ પણ પરિસ્થિતિને વશ થઈ ગયાં છે. ગરમ કપડાની સમીપ દોડી જવાનું મન થાય છે. સ્વેટર અને મફલર, શાલ અને ધાબળાનું સામ્રાજ્ય છવાતું જાય છે. ઠંડી જાણે કુદરતી કરફ્યુ લઈને આવી રહી છે.
શિયાળો નથી માનતો તાપણાનું કહ્યું નથી ગાંઠતો ઊની ધાબળાઓને. શિયાળો એની મસ્તીમાં લયલીન છે. નદીઓનાં જળ પણ વિચારશૂન્ય થઈ ગયાં છે. શિયાળાએ સર્વે પ્રવૃત્તિઓ ઉપર લગામ લગાવી દીધી છે. શિયાળાની સવારનો વાયરો આકરો લાગે છે. પંખીઓને શું થતું હશે ? વૃક્ષ, વેલી, શાખા, પર્ણો કેવળ ઠરી જતાં નથી, અંદરથી થથરે છે. તડકાનું મૂલ્ય વધે છે અને છાંયાના ભાવો ગગડી જાય છે.
સમાજ ક્યાંક-ક્યાંક લગ્નોત્સવો ઉજવે છે - એ ઉત્સવમાં વરરાજા સિવાય કોઈનામાં ગરમી દેખાતી નથી અને થોડીઘણી દેખાય છે, એ કૃત્રિમ હોય છે. ઘર એ દર બની જાય છે. સાંજ પડતામાં ઘણાં ખરા માણસો ઘરમાં ભરાઈ જાય છે. દુકાનો વહેલી- વહેલી બંધ થઈ જાય છે. સૂર્ય પણ વહેલો- વહેલો પોતાના ઘરે ચાલ્યો જાય છે. શિયાળામાં મૂળા, મેથી અને લીલા લસણને ભોજનની રસથાળમાં અગ્રીમ સ્થાન મળતું જાય છે.
મેથી અને મૂળાની સિંહ રાશિ અને શિયાળાની કુંભ રાશિ.. કુંભમાંથી નીકળતી ઠંડી સિંહથી પણ ડરતી નથી. રીંગણનો ઓળો અને વિવિધપાકો (અડદિયા પાક, સાલમ પાક, કૌચા પાક, ગુંદર પાક) બાંયો ચઢાવીને શિયાળા સામે જંગે ચઢી રહ્યા છે.- તેમ છતાં ય શિયાળો કોઈથી પરાશ્ત થતો નથી, એ તો એની ધૂનમાં મસ્ત બનીને મ્હાલે છે. શિયાળાના ચહેરા ઉપર સમયની લાલીમા ઉઘડી આવી છે, ષોડશી જેવી લજ્જા એના પ્રત્યેક અંગમાં ડોકાય છે.
ગામડામાં શિયાળાનો મહિમા મોટો છે - એની વાતો કરનારો અને એનું સ્વાગત કરનારો એક વર્ગ સમૂહમાં તાપણા કરીને ત્યાં તમને જોવા મળે... જાણે કે શિયાળાના સ્વાગતમાં મશાલ સળગાવી ! ઠેર ઠેર ધાબળા અને તાપણાંના જ દર્શન થાય... વહુવારુઓ બિચારી કામ કરતી હોય અને બાકીનો વર્ગ નવરો પડી તાપતો હોય, અથવા રજાઈમાં દેહને વીંટાળી ઓર્ડરો જ કરતો હોય. એટલે તો એક કહેવત આવી છે : 'ટાઢ વાય સહુને ન વાય વહુને.' કેટલાક પતંગ રસિયાઓ ઉત્તરાયણની તૈયારીમાં હોય તો કેટલાક વીર ખેડૂતો ખેતરમાં ઘઉંમાં પાણી વાળતા હોય.. ખેતરોમાં રાયડો ઝૂમી રહ્યો હોય અને વરિયાળી લહેરાતી હોય.
ઘઉં ધરતી ફાડીને વાંસના અંકુરની જેમ બહાર ફૂટી નીકળ્યા હોય ! કાનટોપી, મફલર અને સ્વેટરની માયામાં માનવદેહ થરથરતો હોય... માણસ એનાથી એનું દુબળાપણું છુપાવતો હોય છે ! બેઠેલા માણસો શહેરની ગલીઓ- ચાલીઓની જેમ નજીક નજીકમાં ગોઠવાઈ જાય છે. ગામડાનાં છાપરાં અને નળિયાંવાળાં ઘરોમાં શિયાળાનો આતંક ઓછો કેર વર્તાવતો નથી. બાળકો તો બિચારાં !! તેમ છતાં બાળકોમાં એમની ચાંચલ્યવૃત્તિની ચમક શિયાળો અછતી કરી શકતો નથી. ખાટામીઠાં બોર, લાલ-સફેદ ઝમરૂખ, મીઠા પપૈયાં અને શેરડી ઊતરી આવે છે થોકેથોક...
શિયાળામાં સ્કુટરો રિસાઈ જતા હોય છે અને રિસાયેલી પત્નીને મનાવવા જેટલું માન માગતા હોય છે. સવારો રહસ્યમય રીતે ઉઘડે છે. શ્વાસોચ્છવાસમાં વાયુ નહિ, હિમ વરતાય છે. વિક્સ વેપોરબનું વેચાણ વધે છે. ઝાકળ પથરાય છે. બધી જ સજીવસૃષ્ટિ આખલાની આળસ ઓઢી લેતી જણાય છે. ધરતીના દેહ ઉપર આતંક વરતાય છે ઠંડીનો. આકાશના તારા ધરતીની દયા ખાતા નજરે પડે છે. વૃક્ષો પણ આંખો મીંચીને ઠંડીનો સામનો કરતા નજરે ચઢે છે.
છોકરીને ઉંમર ફૂટે એમ આંબાને મંજરી ફૂટુ-ફૂટું થઈ રહી છે. ચોર પગલે વસંત આવી રહી છે ને શિશિરને હટી જવા માટે દૂર થવા માટે પડકાર ફેંકવા જઈ રહી છે, શિશિરના સહારે કેળવાયેલું સૌષ્ઠવ બીજી ઋતુઓ સામે ઝીંક ઝીલતું હોય છે.
ઠંડીના દિવસોમાં પ્રેમ કરવાની મોસમ !! ઠંડીમાં બીજું બધું ઠરી જાય તો ભલે પણ પ્રેમ તો પ્રજ્વલિત થતો હોય છે. કવિતા બની કેળવાતો હોય છે, પુસ્તકોના પાનામાં ભેળવાતો હોય છે. ફૂલોની જેમ ખીલતો-ખૂલતો હોય છે. ઝરણાંની જેમ ફૂટતો હોય છે. સવારે શિયાળાના દિવસોમાં કૉલેજ કેમ્પસ જોવા જેવાં છે ! સૌથી વધુ ને વધુ રંગીન !! આ જ દિવસોમાં કોલેજના છાત્રો ચોકલેટ ડે, સાડી ડે, ટ્રેડિશનલ ડે જેવા વિવિધ દિવસોની ઉજવણીમાં હોય છે, તો ક્યારેક પ્રવાસના આયોજનોમાં !! ટોળે વળેલા વિદ્યાર્થીઓને ખબર પણ ન પડે એમ એમનામાં પ્રેમ પ્રગટ થતો હોય છે, પ્રેમ પાંગરતો હોય છે. એ બધો જ પ્રતાપ ઠંડીનો... શિયાળાનો !! શિયાળો જાણે કે પ્રેમ કરવાનું જ પર્વ !!
શિયાળો સવારમાં વધુમાં વધુ વસ્ત્રો ધારણ કરીને, પછી તડકાના વસ્ત્રો સજીને. ખરા બપોરે મૂળા, મોગરીની કૂણાશ ધારણ કરીને પૃથ્વી ઉપર ફર્યા કરે છે. પવન એની છેડતી કરે તો પણ એનો એ વિરોધ કરતો નથી. સાંજે આકાશને ઓઢીને સૂતાં- સૂતાં થથરે છે - એની એ ધુ્રજારીમાંથી ઘઉં, રાઈ, મકાઈ, ડાંગર જેવા ધાન્યનું સર્જન થતું હોય છે. કેટલો ઠાઠમાઠ !