Get The App

'મહેનત કરો, પસીનો પાડો'

આજકાલ - પ્રીતિ શાહ .

Updated: Nov 2nd, 2019

GS TEAM

Google News
Google News
'મહેનત કરો, પસીનો પાડો' 1 - image


નિવૃત્તિ પછી વતનમાં આવીને કામ કરવાની રાહ જોવાને બદલે પતિ-પત્ની બધું છોડીને ૨૦૧૪માં માંડયા ગામમાં આવીને વસ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ શરૂ કર્યું

બેંગાલુરુ અને મૈસુરને જોડતા હાઇવે પર ઑર્ગેનિક માંડયા સ્ટોર આવેલો છે. આ સ્ટોરમાં એક ખેડૂતે ટામેટાં અને મરચાંનો થેલો મૂક્યો. ત્યાંના હિસાબનીશે વજન કરીને રકમ આપી. ખેડૂતે આ રકમ ખિસ્સામાં મૂકી અને ત્યાંથી બહાર નીકળ્યો. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર પાંચ-છ મિનિટમાં જ બન્યો. ન કોઇની રાહ જોવાની, ન કોઇ મધ્યસ્થી કે ન ભાવની કશી રકઝક ! પરંતુ માંડયા ગામમાં ત્રણ વર્ષ પહેલાં આવી પરિસ્થિતિ નહોતી. બેંગાલુરુથી સો કિમી. દૂર આવેલા માંડયાની વતની મધુચંદન ચિક્કાદેવૈયાહ ખેડૂતોની દુર્દશાથી હંમેશા વ્યથિત રહેતા હતા.

મધુચંદનનું બાળપણ બેંગાલુરુની ત્રણસો એકરમાં ફેલાયેલી યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચરમાં વીત્યું હતું, કારણ કે તેના પિતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને ત્યાંથી નિવૃત્ત થયા. મધુચંદન સોફ્ટવેર એન્જિનિયર થઇને અમેરિકા ગયા, ત્યાં કેલિફોર્નિયાના સાન જૉસ શહેરમાં તેની વેરિફ્યા નામની કંપની હતી, જે સમગ્ર વિશ્વમાં કામ કરતી હતી. એમણે જે ઇચ્છ્યું હતું તે મેળવ્યું. આ બધું હોવા છતાં તેમનાં મૂળિયા માંડયા ગામ સાથે જોડાયેલા હતા અને દિલથી  તે ખેડૂત જ રહ્યા હતા.

નિવૃત્તિ પછી વતનમાં આવીને કામ કરવાની રાહ જોવાને બદલે પતિ-પત્ની બધું છોડીને ૨૦૧૪માં માંડયા ગામમાં આવીને વસ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ શરૂ કર્યું. તેણે જોયું કે માંડયામાં જમીન છૂટીછવાઇ છે. કેટલાક ખેડૂતો ઑર્ગેનિક ખેતી કરતાં હતાં. બધા વચ્ચે માહિતીની આપ-લે કે વ્યવસ્થિત બજારનો અભાવ હતો, તેથી મધુચંદને સૌપ્રથમ મિત્રો અને અન્ય લોકો સાથે ભેગા મળીને એક કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને માંડયા ઑર્ગેનિક ફાર્મર્સ કો-ઓપરેટીવ સોસાયટીને રજીસ્ટર્ડ કરાવી. તેમાં પ્રથમ તબક્કામાં ૨૪૦ ખેડૂતો જોડાયા. એનાં ઉત્પાદનો ઑર્ગેનિક માંડયા સ્ટોરમાં વેચવા માટે મૂક્યાં.

ઑર્ગેનિક ઉત્પાદનો વેચાતાં હતાં, પરંતુ મધુચંદનનું માનવું હતું કે ખેડૂતો સીધા જ ગ્રાહકોને વેચે, કારણ કે જ્યાં સુધી ગ્રાહકોને ખેડૂતની મહેનતનું મૂલ્ય નહીં સમજાય અને ખેડૂતને ગ્રાહકની પ્રાથમિકતા શું છે તેની ખબર નહીં પડે ત્યાં સુધી તેના ઉત્પાદનો પ્રચલિત નહીં થાય. તેથી એમણે ઑર્ગેનિક માંડયા સ્ટોરની બાજુમાં એક રેસ્ટોરન્ટ કરી, જેથી લોકો હાઈવે પર નાસ્તો કરવા રેસ્ટોરન્ટમાં આવે અને દુકાનમાંથી કંઇક ખરીદતા જાય, પરંતુ થોડા જ વખતમાં બન્યું એવું કે લોકો દુકાનમાં પહેલાં ખરીદવા જતા અને પછી નાસ્તો કરતા હતા.

મધુચંદને ઑર્ગેનિક ટુરીઝમ વિકસાવ્યું છે, જેમાં તેઓએ 'સ્વેટ (મહેનત કરી પરસેવો પાડવો) ડોનેશન કેમ્પેઇન' શરૂ કર્યું. વીસ ટકા ખેડૂતો એવા હતા કે તેમને સમયસર મજૂર ન મળવાથી નુકસાન થતું હતું. કેટલાંક ખેડૂતો મજૂરી ચૂકવી શકતા નહીં, તેથી ફેસબુક પેજ પર અપીલ કરી અને ચોવીસ સ્વયંસેવકોએ અડધા દિવસમાં શ્રમદાન કરીને ખેતર ખેડી આપ્યું.

આ કેમ્પેઇન અંતર્ગત બેંગાલુરુમાંથી એક હજાર સ્વયંસેવકો કામ કરે છે, જેમાં કૉલેજના વિદ્યાર્થીથી માંડીને નિવૃત્ત દંપતી પણ જોવા મળે. બીજું મહત્ત્વનું કામ ખેતરમાં અડધાથી બે એકર જેટલી જમીન ત્રણ મહિનાના પાંત્રીસ હજાર લેખે ભાડા આપવાનું શરૂ કર્યું.

આ પેકેજમાં કોઇ કુટુંબ આઠ-નવ રાત્રિ ખેતર પર રહી શકે અને ખેતી કરી શકે. એમની ગેરહાજરીમાં ઑર્ગેનિક માંડયા ખેડૂત તેની દેખરેખ રાખે અને જ્યારે પાક તૈયાર થાય, ત્યારે ખેતર ભાડે રાખનાર કુટુંબે નક્કી કરવાનું હોય છે કે તે ખેતપેદાશો એમણે વાપરવી છે કે બજારમાં વેચી નાખવી છે. આ રીતે ખેડૂતને આવક મળતી રહે અને શહેરના લોકોને ખેતી કરવાનો આનંદ મળે છે.

આ ઉપરાંત કોઇ કંપની તેના કર્મચારીને એક દિવસ માટે ખેતીની આખી પ્રક્રિયા બતાવવા લાવી શકે. કબડ્ડી અને ગિલ્લી દંડા રમે અને અનોખા વાતાવરણનો અનુભવ કરે. એક દિવસના તેરસો રૂપિયા લેખે આવક પણ થાય. આજે મધુચંદનની કો-ઑપરેટિવ સોસાયટીમાં પાંચસો ખેડૂતો છે, જેમની બસો એકર જમીન પર સિત્તેરથી વધુ ઉત્પાદનો મળી રહ્યાં છે. મધુચંદને કંપની શરૂ કર્યાના ચાર મહિનામાં જ તેની આવક એક કરોડને આંબી ગઇ છે.

તેઓ રૂા. ૯૯૯, ૧૪૯૯ અને ૧૯૯૯ જેવી જુદી જુદી કિંમતની મહિનાની બાસ્કેટનું વેચાણ કરે છે. ઓનલાઇન ઑર્ડર લઇને ઘરે ડિલીવરી કરવામાં આવે છે. તેઓ કહે છે કે, 'દવા અને હોસ્પિટલ પાછળ હજારો રૂપિયા ખર્ચનારા લોકો ઑર્ગેનિક અનાજ માટે થોડા વધુ પૈસા ખર્ચવા કેમ તૈયાર થતા નથી ? હું એમને કહું છું કે તમે એક વર્ષ આ ઉત્પાદનો ખાવાનો પ્રયોગ કરો અને પછી મને કહેજો કે દવાના કેટલા બધા પૈસાની બચત થાય છે !'

તેમની નજર ભવિષ્યના ટકાઉ વિકાસ પર રહેલી છે અને તે પણ ખેડૂતો અને ગ્રાહકો બંનેના ! આશરે સત્તાવન જેટલા ખેડૂતો પોતાની જમીન પર પાછા ફર્યા છે. એને મધુચંદન પોતાની સૌથી મોટી સફળતા માને છે. ૨૦૨૦ સુધીમાં માંડયા જિલ્લો સંપૂર્ણ ઑર્ગેનિક ખેતી કરતો થાય તેવું તેમનું લક્ષ્ય છે.

'મહેનત કરો, પસીનો પાડો' 2 - image

હીરોકોએ રચ્યો શિક્ષણનો સેતુ

આશરે પચાસથી પણ વધુ વર્ષોથી ઈકેબાના શીખવતી હીરોકો કોબાયશી કહે છે, 'હું ફૂલો દ્વારા દુનિયાને શાંતિનો સંદેશ આપવા માગતી હતી, કારણ કે આનાથી વધારે સારું માધ્યમ બીજું કયું હોઇ શકે ?' 

બાંગ્લાદેશની જેસૉર પોલિટેકનિક ઈન્સ્ટિટયૂટમાંથી સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરતી રાયગ્રામ ગામની સોમા રાની દાસ કહે છે કે જો હીરોકો કોબાયાશીએ એનો હાથ ન પકડયો હોત, તો એને અભ્યાસ અધૂરો છોડવો પડયો હોત. એવી જ રીતે ઝૂમર ખાતૂન રોજ મનોમન કોબાયાશી માટે પ્રાર્થના કરે છે, કારણ કે જો એ ન હોત તો ઝૂમર અભ્યાસ ન કરી શકી હોત.

એવી જ રીતે ઈતિ બેનર્જી હીરોકોનું નામ પડતાં જ એકદમ ભાવુક થઇને કહે છે કે બે ટંક પૂરા ભોજનનાં સાસાં હતા, ત્યાં ભણવાની તો વાત જ ક્યાં ? પરંતુ હીરોકો કોબાયાશીની સ્કોલરશિપને કારણે તે અને તેના ભાઇબહેન અભ્યાસ કરી શક્યા.

આપણને પ્રશ્ન એ થાય કે આ હીરોકો કોબાયાશી છે કોણ ? જાપાનમાં જન્મેલી હીરોકો આજે નેવું વર્ષની ઉંમરે પણ થાક્યા વિના કામ કરે છે. જાપાનના લોકો માટે આની નવાઇ નથી, પરંતુ બાંગ્લાદેશ માટે તે પ્રેરણાદાયી વાત છે. આજથી પંદર-વીસ વર્ષ પહેલાં બાંગલાદેશની પરિસ્થિતિ અત્યંત વિકટ હતી. ભૂખમરો એની નિયતિ બની ચૂકી હતી, ત્યારે જાપાનની 'હંગર ફી વર્લ્ડ' નામની સંસ્થા સાથે જોડાયેલી હીરોકો કોબાયશીને આફ્રિકા અને એશિયાના દેશોની મુલાકાતે જવાનું થયું.

તે દરમિયાન એમને ઘણા દર્દનાક અનુભવો થયા, પરંતુ એક અનુભવે એમના  જીવનની દિશા બદલી નાખી. ઈ.સ. ૨૦૦૩માં હીરોકો હંગર ફ્રી વર્લ્ડના પ્રતિનિધિ તરીકે બાંગ્લાદેશમાં હતા, ત્યારે ત્યાંના પંચગઢ જિલ્લાની કાલીગંજ ગામની એક યુવતીએ આત્મહત્યા કરી, એવા સમાચાર મળ્યા. તપાસ કરતા ખબર પડી કે ખાદીજા બેગમ નામની આ યુવતીએ એટલા માટે આત્મહત્યા કરી કે એના માતા-પિતા પાસે એની બોર્ડની પરીક્ષાની ફી  ભરવાના પૈસા નહોતા.

આ સમાચાર સાંભળતા જ હીરોકો કોબાયાશીની આંખ સામે એનો આખો ય ભૂતકાળ તરવરી રહ્યો. એ વિચારવા લાગી કે છોકરીઓ કેટલી લાચાર હોય છે ! જેમની પાસે બે ટંક ખાવાના પૈસા નથી, એમને આગળ ભણવા માટે પૈસા પણ કોણ આપે ? હીરોકો પોતાના ભૂતકાળમાં સરી પડી. બીજા વિશ્વયુદ્ધે સમગ્ર વિશ્વને તબાહ કર્યું, ત્યારે તે સોળ વર્ષની હતી. જાપાને તો યુદ્ધની સૌથી વધુ પીડા ભોગવી હતી અને આજે પણ ભોગવી રહ્યું છે.

નાની ઉંમરમાં જ હીરોકોએ નક્કી કરી નાખ્યું હતું કે એ પોતાની આખી જિંદગી દરમિયાન માનવજાતને શાંતિનો સંદેશો પહોંચાડશે. કોબાયાશીનો જન્મ અત્યંત ગરીબ કુટુંબમાં થયો હતો અને તેમનું બાળપણ ખૂબ મુશ્કેલીઓ અને સંઘર્ષમાં વીત્યું, પરંતુ હિંમત હાર્યા વિના પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ રહી. એના માટે એને દેવું કરવું પડયું અને ઘણા પ્રકારના કામ પણ કરવા પડયા. એણે ઈકેબાના અર્થાત્ જાપાની ફૂલોની સજાવટની એક પારંપારિક કલામાં પોતાની કારકિર્દી બનાવી.

આશરે પચાસથી પણ વધુ વર્ષોથી ઈકેબાના શીખવતી હીરોકો કોબાયશી કહે છે, 'હું ફૂલો દ્વારા દુનિયાને શાંતિનો સંદેશ આપવા માગતી હતી, કારણ કે આનાથી વધારે સારું માધ્યમ બીજું કયું હોઇ શકે ?' આ ઉપરાંત તેને ફોટોગ્રાફીનો શોખ હતો, તેથી ફોટોગ્રાફી શીખી. તે વ્યવસાયી ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી સોસાયટી ઓફ જાપાનની સભ્ય છે. આફ્રિકા અને એશિયાની એવી સ્ત્રીઓ પર એમણે ફોટોગ્રાફી કેન્દ્રિત કરી કે જે મુશ્કેલમાં  મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ખુશ રહેતી હતી.

ખાદીજા બેગમની આત્મહત્યાથી વ્યથિત કોબાયાશીએ નક્કી કર્યું કે તે બાંગ્લાદેશના ગામડાઓમાં વસતી ગરીબ પ્રતિભાશાળી છોકરીઓને મરવા નહીં દે. હીરોકોએ જાપાન અને બાંગ્લાદેશ વચ્ચે શિક્ષણનો સેતુ રચ્યો અને ૨૦૦૩માં એમણે 'બાંગ્લાદેશ વુમેન સ્કૉલરશિપ'ની શરૂઆત કરી ત્યારથી આજ સુધીમાં એમણે આશરે સવાસો ગરીબ છોકરીઓને અભ્યાસમાં મદદ કરી છે. જોકે આ સ્કૉલપશિપની કેટલીક શરતો પણ છે.

સ્કૉલરશિપ મેળવનાર છોકરીઓએ એવી ખાતરી આપવી પડે છે કે જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભી ન રહે અર્થાત્ આર્થિક રીતે સ્વાવલંબી ન બને ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. તે ઉપરાંત અન્ય છોકરીઓને મદદ કરવા તત્પર રહે છે, જેથી તેમની જેમ જ બીજી સ્ત્રીઓ પણ સમાજમાં ભણી શકે. આજે નેવું વર્ષે પણ હીરોકો કોબાયાશી દર વર્ષે માર્ચ મહિનામાં આ છોકરાઓને મળવા બાંગ્લાદેશ આવે છે. આ વર્ષે બાંગ્લાદેશના 'નેશન બિલ્ડર્સ ઍવોર્ડ'નું સન્માન પામેલા હીરોકો કહે છે કે, 'હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આવી ગરીબ પ્રતિભાશાળી છોકરીઓને મદદ કરતી રહીશ.'

Tags :