Get The App

ધનવાન નંબર વન આ ખોબા જેવડા ગામના મહેમાન

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

Updated: Nov 2nd, 2019

GS TEAM

Google News
Google News
ધનવાન નંબર વન આ ખોબા જેવડા ગામના મહેમાન 1 - image


અત્યંત રૂપાળી ઇશાની સાથે મારાં લગ્ન થયાં. પણ અફસોસ, દસ વર્ષ જીવી ને ઇશાની છ મહિના પહેલાં જ કેન્સરને કારણે મોતની ગોદમાં પોઢી ગઈ.

'મિ. પાયલોટ શાહ આવી રહ્યા છે !'

'કોણ છે આ પાયલોટ શાહ ?'

'અલ્યા, એટલી ય ખબર નથી ? ભારતના ડાયમંડ માર્કેટમાં સૌથી મોટું નામ છે પાયલોટ શાહનું ! આ દેશના ખર્વોપતિઓના લીસ્ટમાં પ્રથમ નામ આવે છે પાયલોટ શાહનું ! અરે, વિશ્વના ટોચના ધનવાનોમાં પણ એમનું આગવું સ્થાન છે ! ને તું પાયલોટ શાહના નામથી અજાણ છે ?' 'હા, ભૈં, હા !'

'શું હા હા કરે છે ? પાયલોટ શાહ બોલે છે ને રૂપિયા ખરી પડે છે ! પાયલોટ શાહનું મોઢું બગડે છે, ને દેશમાં મંદીનું મોજું ફરી વળે છે. પાયલોટ શાહનાં પગલાં પડે છે ને સાક્ષાત્ લક્ષ્મીદેવી પ્રગટ થાય છે. પાયલોટ શાહ હસી પડે છે, ને વિશ્વના બજારમાં તેજીનો પવન ફુંકાવા લાગે છે. બોલ, આવા છે પાયલોટ શાહ ! છે કોઇ પાયલોટ શાહના પેંગડામાં પગ ઘાલે એવો ?'

'ના ! આવો તો કોઇ નોં મળે !' 'ના મળે ને ? તો બસ, સમજી લે કે આ ગામનાં ભાગ્ય ખુલી ગયાં ! સમજી લે કે આ ગામના લોકોના કિસ્મતના તમામ દરવાજા ખુલી ગયા. સમજી લે કે આ ગામની ધરતીનાં પુણ્ય જાગ્યા છે. અહીની માટીને મધ મધવાનો સમય આવી ગયો છે.'

'એમ ?' 'હા.' 'પણ એક વાત નથી સમજાતી, ભિયા ?' 'કઇ ?' 'આવડો મોટો માણસ એટલે કે પાયલોટ શાહ આપણા આ ખોબા જેવડા સોનધરા ગામમાં કેમ આવી રહ્યા છે ?' 'મોટા માણસ છે... ને મોટા માણસની વાતો ય હોય મોટી ! ધૂન આવે ત્યાં ઊપડી જાય. હશે કંઇ કારણ.' 'તમને ખબર નથી ?'

'ના ! ખબર બધી એમના પર્સનલ સેક્રેટરીને હોય, આપણને ક્યાંથી ખબર પડે ?' સોનાધરા છે તો નાનકડું ગામ. નાના નાના મહોલ્લા છે, ને નાની નાની શેરીઓ છે. નાના નાના ખેડૂતો છે. બીજાય ઘણા છે. નોકરિયાતો છે, તો વેપારીઓ પણ છે. ત્રાજવે તોળાય છે જરૂરિયાતો ! બિચ્ચારાઓ તો પાયલોટ શાહનું નામ પડતાં જ ચોંકી ઊઠયા હતા : 'હે ? પાયલોટ શાહ આવે છે ?'

'ઓવ્વે !' 'ક્યારે આવે છે ?' 'આવતીકાલે.'

મુખીએ ગામના ધૂળિયા રસ્તા વળાવ્યા. કયાંય ગંદકી રહેવી ન જોઈએ. રસ્તાઓ પર પાણીનો છંટકાવ કર્યો. ધૂળ ન ઊડવી જોઈએ. બહુ મોટો માણસ આવે છે. સરકાર જેવી સરકાર પણ એની ટચલી આંગળીએ રમે છે. ડાયમંડ માર્કેટ ઉપરાંત મસમોટી ફાર્મા કંપનીના માલિક છે પાયલોટ શાહ, જેની બ્રાન્ચો વિદેશોમાં પણ છે. પાયલોટ શાહ પાસે જાદૂ છે, રૂપિયાનો ઢગલો કરવાનો. જાણે ઘટાદાર વૃક્ષ છે, ને મિ. શાહ રૂપિયા ખંખેરી લે છે. ડાળી હલાવે છે ને રૂપિયાનો ઢગલો થઇ જાય છે. રૂપિયાની રેલમ છેલ !

ને આવા પાયલોટ શાહ ખોબા જેવડા સોનધરા ગામમાં આવવાના છે... એય આવતીકાલે... બરાબર બાર ને ચાલીસ મિનિટે. સમયના પાબંદ છે મિ. શાહ ! મિનિટ કાંટાની ગતિએ ચાલે છે એમની જિંદગી. બાર ને ચાલીસ એટલે ચાલીસ. એક મિનિટ ઓછી પણ નહિ, ને એક મિનિટ વધારે પણ નહિ. ટાઇમ ઇઝ ટાઇમ. એન્ડ ટાઇમ ઇઝ મની ! સૌ એલર્ટ થઇ ગયા છે. ઉપરથી ઓર્ડરો છુટયા છે.

બીજો દિવસ પણ ઊગ્યો...

જિલ્લા કલેકટર હાજર થઇ ગયા છે. મામલતદારે તો ગઇકાલથી જ આ ગામમાં પડાવ નાખ્યો છે. ખુદ જિલ્લા પોલીસ વડા પણ હાજર છે. પોલીસોની ફોજ ઊતરી પડી છે આ નાનકડા ગામમાં !

પાયલોટ શાહ આવે છે .

આજે બપોરે બારને ચાલીસ મિનિટે !

ક્યાંક ક્યાંક સવાલ પણ ઊઠે છે : 'પણ આવડો માણસ આ ગામમાં આવે છે શું કામ ? કોઇ કારણ છે ? એવું તે શું કામ હશે કે તેને ખુદને આ ગામમાં આવવું પડયું ?' 

નથી જવાબ. માત્ર સવાલ છે.

બારતો આ વાગ્યા. સૌ રેડી થઇ ગયા... એલર્ટ બની ગયા. સરકારી ઓફિસરો આવી ગયા છે. ધારાસભ્ય આવી પહોંચ્યા છે. શાળાના આચાર્ય, સરપંચ અને મુખીય આવી પહોંચ્યા છે. પાયલોટ શાહનાં વધામણાં કરવા ગોર મહારાજ પણ આવી પહોંચ્યા છે. બારના ડંકા તો ક્યારનાય વાગી ગયા. ઉપર પંદર મિનિટ પણ થઇ ગઇ. સૌની આંખો મારગ પર ખોડાઇ ગઇ છે. દૂર દૂર સુધી નજરને દોડાવે છે. અને ત્યાં જ -

પાણીના રેલાની જેમ દોડતી એક ફોરચ્યુનર કાર આવી પહોંચે છે ગામના પાદરમાં. સેક્રેટરી બહાર આવીને ને કારનું બારણું ખોલે છે પાયલોટ શાહ હસતા હસતા બહાર નીકળે છે. હાથ જોડેલા છે. ઝુકેલું મસ્તક છે. ગૌરવર્ણ કાયા ઝગમગે છે. ને થોડાંક ડગલાં માંડે છે ત્યાં જ હવામાં શબ્દો ઉછળવા લાગે છે : 'વેલકમ, મિ. પાયલોટ શાહ ! ગામ આપને આવકારે છે !'

ગોર મહારાજે મંત્રગાન કર્યું. પાયલોટ શાહના લલાટ પર તિલક કર્યું.

'પાયલોટ શાહની... જય હો !'

'પાયલોટ શાહ... ઘણું જીવો !'

બસ, આખા પાદરમાં માનવ મહેરામણ મોજા ઉછાળી રહ્યો હતો. આખુંય ગામ ગામના પાદરમાં ઠલવાઇ ગયું હતું !

પોલીસોએ સલામી આપી !

અફસરોએ હાથ મિલાવ્યા !

ત્યાં જ પાયલોટ શાહ અચાનક જ બોલી ઊઠયાં : 'મને ઇશાનીના ઘેર લઇ જાવ !'

'કઇ ઇશાની ?'

'હા, ઈશાની ! આ ગામના જેઠાલાલ મનજીના ઘેર !'

'જેઠા મનજીની વાત કરો છો ?'

'હા.' 'એ... તો...'

'શું એ તો ?'

'જોઇએ... તપાસ કરીએ - ઘેર હશે તો મળશે !'

'ચાલો.'

ને સૌ જેઠા મનજીના છાપરા જેવા ઘર આગળ જઈને ઊભા રહ્યા ! સાવ ઝૂંપડું જ જોઇ લો. માટી અને ઘાસફુસનું ઝૂપડું !

'આમાં રહે છે જેઠાલાલ ?'

'હા, શેઠ !'

'એ ક્યાં છે ?' 'એ... તો...'

'એટલે ?'

'સૌને પેટ તો હોયને, શેઠ સાહેબ ! પેટમાં નાખવા કશુંક તો હોવું જોઇએ ? ને જેઠા પાસે તો કશું જ નથી ! બૈરી મરી ગઇ... ને એક છોકરો શહેરમાં જઇને કોક શેઠિયાની છોકરી હાર્યે પરણી ગયો છે ! ને બિચારો જેઠો !'

'શું કરે છે જેઠાલાલ ?'

'એ તો...' 'એ તો એમ છે ને કે શેઠ, પેટ ભૂખ્યું થાય ને ખાવા ન હોય તો માણસ ભીખ પણ માગે !'

'એટલે જેઠાલાલ ભીખ માગે છે !'

'હોવ્વે શેઠ !'

'એ છે ક્યાં ?'

'પેલ્લા ઘર આગળ ઊભા છે એ જ !'

'શું કરે છે ?'

'ખાવાનું માગે છે... ભૂખ્યો માણસ કોઇ માર્ગ જ ન હોય પછી શું કરે ? ભીખ જ માગે ને ? કોઇ નથી બિચ્ચારાનું ! પૈસા નથી. છોકરો આવતો નથી ! ને એક દીકરી હતી તેય કોઇની હાર્યે મુંબઇ ભાગી ગઈ !'

'એ ઇશાની હતી ?' 'તમે ક્યાંથી ઓળખો, શેઠ ?'

'કારણ કે એને ભગાડી જનાર માણસે એને છોડી દીધી હતી... ને મારા બંગલા આગળ જ તે પડી હતી. મારી એના પર નજર પડી. ને તે હસી પડી ! બસ, એનું એ હાસ્ય મારા પર જાદૂ કરી ગયું... ને હું એને મારા 

બંગલામાં લઇ ગયો એને નવાં કપડાં પહેરાવ્યાં. તે અપ્સરા જેવી લાગતી હતી. ને મેં મારા પિતાજીને કહ્યું : 'પપ્પા, મારા માટે કન્યાની શોધ ન ચલાવશો.' એમણે પણ ઇશાનીને જોઇ ને અત્યંત રૂપાળી ઇશાની સાથે મારાં લગ્ન પણ થઇ ગયાં. પણ અફસોસ, દસ વર્ષ જીવી ને ઇશાની છ મહિના પહેલાં જ કેન્સરને કારણે મોતની ગોદમાં પોઢી ગઈ. મરતાં મરતાં તેણે આ ગામનું નામ આપ્યું... તેના બાપની વાત કરી. ને તેમને મદદ કરવાનું વચન લઇ તેણે શ્વાસને સંકેલી લીધા.'

'લો, આ આવ્યા જેઠાલાલ...'

ને જેઠાલાલને જોતાં જ પાયલોટ શાહ તેમના પગમાં પડી ગયા. બોલ્યા : 'પપ્પાજી, તમારે ભીખ માગવાની જરૂર નથી  હવેથી... ચાલો, બેસી જાવ મારી ગાડીમાં !' ને સરપંચના હાથમાં રૂ. એક કરોડનો ચેક મૂકી : 'જરૂરત મંદ સંસ્થાઓને આપજો !' કહીને ગાડી પાસે આવ્યા.

ને એક સાવ ગરીબડો મેલોઘેલો માણસ નામે જેઠાલાલ વૈભવી ગાડીમાં બેસી ગયો. ગાડી ઉપડી. દોડી. ને ગામ લોકોએ આ દ્રશ્યને જોઇને આંખમાં ધસી આવેલા અશ્રુ લૂંછવાં માંડયાં...!

Tags :