Get The App

વામન દેશોનાં ડિજિટલ જગતમાં વિરાટ પગલાં

સમયાંતર - લલિત ખંભાયતા

Updated: Nov 3rd, 2019

GS TEAM

Google News
Google News
વામન દેશોનાં ડિજિટલ જગતમાં વિરાટ પગલાં 1 - image


હવે પછીના તમામ વિકાસકાર્યો ઈન્ટરનેટ-ડિજિટલ જગતને સપોર્ટ કરે એ પ્રકારે જ થવા જોઈએ. ટેકનોલોજિમાં જંગી રોકાણ કરનારા દેશોના નામ સરપ્રાઈઝિંગ છે.

યુરોપમાં ઈસ્ટોનિયા નામે દેશ છે. ક્ષેત્રફળ ગુજરાત કરતાં ચોથા ભાગનું, ૪૫ હજાર ચોરસ કિલોમીટર. વસતી તેર લાખ જેટલી. દુનિયાના નકશામાં તો ઠીક, યુરોપના નકશામાં પણ એ દેશ શોધવો મુશ્કેલ છે. ઈસ્ટોનિયા નામની ભૂમિ તો સદીઓથી છે, પણ ૧૯૪૪થી ૧૯૯૧ સુધી એ સોવિયેત યુનિયનનો ભાગ હતો. એનાથી અલગ પડયા પછી એ દેશે સૌથી વધુ વિકાસ કોઈ ક્ષેત્રમાં કર્યો હોય તો એ ડિજિટલ વર્લ્ડ છે.

એટલે આજે ૨૦૧૯માં સ્થિતિ એવી છે, કે ઈસ્ટોનિયાને 'ધ મોસ્ટ એડવાન્સ ડિજિટલ સોસાયટી ઈન ધ વર્લ્ડ' તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ઈસ્ટોનિયાનો સ્પેલિંગ Estonia થાય છે, પરંતુ હવે એ દેશ e-Estonia  તરીકે ઓળખાય છે. ટેકનોલોજિ જગતમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતા સામયિક 'વાયર્ડે' પણ ઈસ્ટોનિયાને 'મોસ્ટ ડિજિટાઈઝ્ડ નેશન'નું સન્માન આપ્યું છે. 

વિકાસ માટે માળખાગત (ઈન્ફાસ્ટ્રક્ચર) બાંધકામો કરવા પડે. રોડ-રસ્તા, દવાખાના, સ્કૂલ બાંધવી પડે. જે દેશો આ કામ સારી રીતે કરી શકે એ વિકસીત ગણાય. હવે સમય બદલાયો છે. એટલે માત્ર ઈન્ફાસ્ટ્રક્ચર ઉભું કરવાથી કામ પતી જતું નથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એવું તૈયાર કરવું પડે કે જેથી એ ડિજિટલ દુનિયાને સપોર્ટ કરે, ડિજિટલ જગતમાં ટકી શકે. ડિજિટલ-ઈન્ટરનેટ જગતમાં રસ ધરાવતા વિદ્વાનોએ ભેગા થઈને ૨૦૦૭માં 'ઈન્ટરનેશન્સ- IterNations (ઈન્ટરનેટનું બનેલું નેશન-રાષ્ટ્ર)' નામનું સંગઠન શરૂ કર્યું. 

દુનિયાભરમાં ઈન્ટરનેટની, ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સુવિધાઓની સ્થિતિ કેવી છે, તેનો રિપોર્ટ આ સંગઠન દર વર્ષે બહાર પાડે છે. ૨૦૧૯નો રિપોર્ટ રજૂ થયો જેમાં ૨૦૧૮ સુધીની વિગત આપવામાં આવી છે. તેમાં સૌથી વધુ ડિજિટાઈઝ્ડ થયેલા દેશોની યાદી પણ છે. આ લિસ્ટ માટે પાંચ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે.

દેશમાં કેટલી સરકારી સવલતો ઓનલાઈન ઉપલબ્ધ છે, નવો મોબાઈલ નંબર મેળવવામાં કેટલી મુશ્કેલી પડે છે, ઘરેલું ઈન્ટરનેટની સ્પીડ કેવી છે, ઓનલાઈન પેમેન્ટનું ચલણ કેવું છે અને ઓનલાઈન મળતી સર્વિસ પર સરકારના કેટલા પ્રતિબંધો છે? આ પાંચેય મુદ્દા તપાસ્યા પછી જે-તે દેશનો ક્રમ નક્કી થાય છે. ઈસ્ટોનિયા પાંચેય મુદ્દે આગળપડતો સાબિત થયો છે.

ઈસ્ટોનિયાએ શું કર્યું છે?
આખી દુનિયા હજુ ઈન્ટરનેટ વિશ્વમાં પ્રવેશ કરવા લાઈનમાં ઉભી હતી ત્યારે ઈસ્ટોનિયાએ ૧૯૯૭માં ઈ-ગવર્નન્સની શરૂઆત કરી દીધી હતી. શરૂઆત ક્લાસરૂમથી કરી. ૨૦૦૦ની સાલમાં આખા દેશની શાળાઓમાં કમ્પ્યુટરો પહોંચાડી દેવાયા. વિદ્યાર્થીઓ ક્લાસમાં કમ્પ્યુટર શીખે અને જેમણે ભણી લીધું છે, તેઓ બહાર શીખી શકે એ માટે વ્યવસ્થા આખા દેશમાં ઉભી કરી દેવાઈ. એ પછી ૨૦૦૦ની સાલમાં ઈ-ટેક્સ એટલે કે ઓનલાઈન ટેક્સ ભરવાની સગવડ, ૨૦૦૨માં ડિજિટલ આઈ-કાર્ડની શરૂઆત કરી દીધી. ૨૦૦૫માં ઈસ્ટોનિયા ઓનલાઈન વૉટિંગ કરાવનારો જગતનો પ્રથમ દેશ બન્યો. 

મતદાનમાં સફળતા મળી એટલે સરકારે બાકીની તમામ સુવિધાઓ ઓનલાઈન કરી દીધી. દરેક નાગરિકને આરોગ્ય-પાણી-ખોરાક સાથે ઈન્ટરનેટની સુવિધા પણ મળવી જોઈએ. માટે હવે ઈન્ટરનેટને અહીં નાગરિકોના મૂળભૂત અધિકારોમાં શામેલ કરી દેવાયું છે. કોઈને કંપની ખોલવી હોય તો એક પણ સરકારી ઑફિસમાં ધક્કો ખાવો પડતો નથી, લેપટોપ ખોલીને ગણતરીની મિનિટોમાં એ કામ કરી શકાય છે. 

આપણે ત્યાં આધાર આવી રહ્યા છે એ રીતે ઈસ્ટોનિયાએ આખા દેશના નાગરિકોને ઈ-આઈ-કાર્ડ આપી દીધા છે. દરેક નાગરિક પોતાના આઈ-ડી નંબરનો ઉપયોગ કરીને સરકારી વેબ પોર્ટલ ખોલીને પોતાને જોઈતી સુવિધા મેળવી શકે છે. સરકારે તમામ જરૂરી ડેટા ભેગો કરીને 'એક્સ-રોડ' પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન મુકી દીધો છે. એક્સ-રોડમાં ૨૩૦૦થી વધારે સુવિધા મળી રહે છે.

ત્યાં ઈન્કમ ટેક્સ રિટર્ન તો ઓનલાઈન ભરાય છે, સાથે સાથે દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ ઓનલાઈન જ તૈયાર થાય છે. કોઈ પણ વ્યક્તિનો મેડિકલ રેકોર્ડ ડૉક્ટરે ચેક કરવો હોય તો એ ઓનલાઈન ઉપલબ્ધ હોય એટલે ઘરેથી ફલાણી-ઢીંકણી હોસ્પિટલ લખેલી ફાઈલ લઈને જવું પડતું નથી. મોટા ભાગની વસતી એવી છે, જે છેલ્લે બેન્કમાં ક્યારે ગઈ હતી એ યાદ નથી! વર્ષે એક વખત પણ ધક્કો ખાવાની સ્થિતિ ઉભી થતી નથી. 

આ દેશ ખરેખર રસપ્રદ હોવાનો વધુ એક પૂરાવો એ પણ છે કે મુકેશ અંબાણીએ ત્યાં ઓનલાઈન સર્વિસ આપતી કંપની સ્થાપવાની તૈયારી આરંભી દીધી છે. હવે તો વૉટ્સએપ કોલની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ થોડા વર્ષો પહેલા વીડિયો કોલ કરવા માટે 'સ્કાયપી'નો સહારો લેવો પડતો હતો. તેની સ્થાપના ઈસ્ટોનિયામાં જ ૨૦૦૫માં થઈ હતી. ઇન્ટરનેટ આધારિત બધા કામમાં ઈન્ટરનેટની સ્પીડનો પ્રશ્ન આવતો નથી, કેમ કે એ ઘર દીઠ ૧૦ ગિગાબાઈટ પર સેકન્ડ (જીબીપીએસ)ના હિસાબે મળી રહે છે. ૨૦૧૮માં જ ત્યાં 'ફાઈવ-જી' ઈન્ટરનેટનું પદાર્પણ થઈ ચૂક્યું છે. 

ઓનલાઈન સુવિધાઓના દેખિતા લાભ ઉપરાંત દેશના અર્થતંત્રને ફાયદો થાય છે. કોઈક સરકારી કામ માટે ઘરેથી વાહન લઈને સરકારી ઑફિસ સુધી જવું પડતું નથી. એટલે વાહનનું બળતણ બચે અને પ્રદૂષણ ફેલાતું અટકે. એ સમય બચે તેનો વધારે સારો ઉપયોગ કરી શકાય. ઈસ્ટોનિયા સરકારનો દાવો છે કે આ સિસ્ટમ અપનાવાથી વર્ષે જીડીપીની ૨ ટકા જેટલી રકમ બચી જાય છે. ઠેર ઠેર ખોલવી પડતી સરકારી ઑફિસો, દસ્તાવેજો સાચવવા માટે રેકર્ડ રૂમ સહિતની સુવિધાઓ પાછળ ખર્ચો ઓછો થઈ ગયો છે. 

ડિજિટાઈઝેશનનો ગેરફાયદો પણ હોય ને! છે જ. ઈસ્ટોનિયા પર ૨૦૦૭માં જ સાઈબર ક્રિમિનલોએ વાઈરસ એટેક કરીને દેશનું તંત્ર ખોરવવા પ્રયાસ કર્યો હતો. એ હુમલા વખતે આખો દેશ બાનમાં લેવાયો હોય એવી સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ પછી એમાંથી શીખ લઈને ઈસ્ટોનિયાએ સાઈબર હુમલાઓ સામે લડવા લશ્કર પણ તૈયાર કર્યું.

એ દેશને સરહદની સુરક્ષા માટે આર્મી પાછળ ખર્ચ કરવો પડતો નથી, પરંતુ ઓનલાઈન દુશ્મનોને અટકાવવા માટે મોટું સૈન્ય તૈયાર રાખવું પડે છે. ઓનલાઈન રહેવાનું કે નેટવર્કનો ભાગ બનવાનું એ ભયસ્થાન છે, જેનો સામનો દરેકે કરવો જ પડે. સરકારે તેમાંથી ધડો લઈને આખા દેશનો ડેટા બેક-અપ પોતાના દેશમાં રાખવાને બદલે પડોશી દેશ લક્ઝમ્બર્ગમાં શિફ્ટ કરી દીધો છે. ઈસ્ટોનિયાએ ત્યાં પોતાની ડિજિટલ એમ્બેસી સ્થાપી છે.

ભારતમાં જેમ આધાર કાર્ડ યોગ્ય કે અયોગ્ય તેના કોર્ટમાં કેસ થયા હતા, એ રીતે ઈસ્ટોનિયાના જિડિટાઈઝેશનને પણ કોર્ટમાં પડકારાયું હતું. પણ છેવટે સરકારના પ્રયાસો સફળ રહ્યા છે. આ દેશ આ બધું કરી શક્યો, કરી રહ્યો છે તેનું કારણ તેનું ખોબા જેવડું કદ પણ છે. અલબત્ત, એ એકમાત્ર કારણ નથી. સરકારની ઈચ્છાશક્તિ અને દાનત વધારે મહત્ત્વની છે. 

ઓનલાઈન સરકાર ચલાવતા દેશો

ઈન્ટરનેશનના રિપોર્ટ પ્રમાણે જ્યાં મહત્તમ સરકારી સેવાઓ ઓનલાઈન મળી શકતી હોય એવા પ્રથમ ૧૦ દેશો આ મુજબ છે.

૧. ઈસ્ટોનિયા

૨. ફિનલેન્ડ

૩. નોર્વે

૪. ડેન્માર્ક

૫. ન્યુઝિલેન્ડ

૬. ઈઝરાયેલ

૭. કેનેડા

૮. સિંગાપોર

૯. નેધરલેન્ડ્સ

૧૦. અમેરિકા

ઈન્ટરનેશનનું એક જ લિસ્ટ ફાઈનલ નથી. એ સિવાય પણ ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ડિજિટલ નેશનના લિસ્ટ તૈયાર કરે છે. એ લિસ્ટમાં પોતે ક્યાં છે એ જાણીને વિવિધ દેશ પોતાની રીતે આગેકૂચનો નિર્ણય લઈ શકે છે. આ લિસ્ટમાં જે દશ છે એમાં કેનેડા, અમેરિકા વગેરે પણ છે. આ દેશો બધી વાતે આગળ પડતાં હોવાથી અહીં પણ આગેકૂચ કરે એમાં નવાઈ નથી. પરંતુ મોટા ભાગના દેશો કદમાં વામન હોવા છતાં તેમના પગલાં વિરાટ સાબિત થઈ રહ્યાં છે.

બર્ફિલા દેશોની નેટ ક્રાંતિ

લિસ્ટમાં બીજા નંબરે ફિનલેન્ડ છે. ૨૦૧૦માં ફિનલેન્ડ એવો પહેલો દેશ બન્યો હતો જેણે ઈન્ટરનેટને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો. દરેક ઘરમાં ઈન્ટરનેટની આજે નવાઈ નથી. યુરોપના ઉત્તર છેડે આવેલા બર્ફિલા દેશેમાં ફિનિશ ભાષા બોલાય છે. અંગ્રેજી કરતાં સાવ અલગ પડતી ભાષા અહીં આગંતુકો માટે મુશ્કેલી સર્જે છે. એટલે સરકારે ટ્રાન્સલેશન સોફ્ટવેર તૈયાર કરી નાખ્યો છે. એ પછી તમામ જરૂરી વિગતો અંગ્રેજી કરી ઓનલાઈન મુકી દેવાઈ. એટલે બહારથી આવનારા માટે હવે અહીં અંગ્રેજી ભાષા માર્ગદર્શકનું કામ કરવા તૈયાર છે. 

જીવનધોરણ, પ્રાથમિક સુવિધાઓ, સ્વચ્છતા, સરકારી વહિવટની અસરકારકતા, શિક્ષણ.. વગેરે મુદ્દે તો આ દેશ બહુ પહેલેથી આખી દુનિયામાં નામના ધરાવે છે. સતત ઇન્ટરનેટની ઉપલબ્ધી છતાં આ દેશની પ્રજા ગમે ત્યારે નેટ બંધ કરીને શાંતિથી પોતાની રજા પસાર કરી શકે છે. માટે એ દુનિયાનો સૌથી ફીટ-હેલ્થી દેશ પણ હોવાનું સર્ટિફિકેટ 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ'ને આપી રાખ્યું છે.  એ પછીના દેશો પણ 'સ્કેન્ડેવિયન કન્ટ્રીઝ' તરીકે ઓળખાતા નોર્વે-ડેન્માર્ક છે. યુરોપના આ બધા દેશો સમૃદ્ધ છે અને ત્યાંની સરકારોએ જંગી રોકાણ ડિજિટલ સુવિધાઓ વિસ્તારવા પાછળ કર્યું છે.

જેમ કે ૨૦૦૫માં શરૂ થયેલી 'નોર્વે ડિજિટલ' નામની યોજના હેઠળ આખા દેશની મ્યુનિસિપાલિટી, સરકારી કંપનીઓ, સરકારી સવલતો.. બધું ઓનલાઈન કરી દેવાયું છે. ડેન્માર્ક પણ એ પ્રકારના જ ડિજિટલ હાઈવે પર આગેકૂચ કરતો દેશ છે. એટલે ફેસબૂક, એપલ, ગૂગલ જેવી ટેકનોલોજિ જાયન્ટ કંપનીઓએ પોતાના ડેટા સેન્ટર ડેન્માર્કમાં ઉભા કર્યાં છે.

દુનિયાના દેશો બીજા દેશમાં પોતાના પ્રતિનિધિરૂપે એમ્બેસેડરની નિમણૂંક કરતા હોય છે. ડેન્માર્ક એવો પહેલો દેશ છે, જેમણે કેસ્પર ક્લીન્ગે નામના પોતાના ડિપ્લોમેટની નિમણૂંક 'ટેકનોલોજિ એમ્બેસેડર' તરીકે કરી છે. કેસ્પર સિલિકોન વેલી જેવા ટેકનોલોજિના હબ ગણાતા દુનિયાભરના સ્થળોમાં ફરતાં રહે છે. 

ભારત ક્યાં છે?
ઈન્ટરનેશનના લિસ્ટમાં ભારતનો ક્રમ છેલ્લા દસ દેશોમાં આવે છે. લિસ્ટમાં કુલ ૬૮ દેશો સમાવાયા છે. એમાં ભારતનો નંબર ૬૪મો છે. ભારત કરતાં ખરાબ ડિજિટલ સુવિધા હોય એવા દેશોમાં માત્ર વિએટનામ, ઈન્ડોનેશિયા, મ્યાનમાર અને ઈજિપ્તનો સમાવેશ થાય છે.

બધી ડિજિટલ સુવિધાને બદલે માત્ર મોબાઈલ નંબર મેળવવાની વાત કરીએ તો ભારતમાં આખી દુનિયામાં સૌથી મુશ્કેલ સ્થિતિ છે. નવો મોબાઈલ નંબર મેળવવો આખા જગતમાં ભારતમાં સૌથી અઘરો છે, એટલે ભારતનો ક્રમ ૬૮મો છે. હાઈ-સ્પીડ ઈન્ટરનેટમાં ભારતનો નંબર જરા સારો છે, એટલે કે ૬૦મો છે. 

એક સમયે દૂરદર્શનમાં મોટા ભાગનો સમય ઝરમરિયા આવતાં અને ઝરમરિયાં જ આખા દેશમાં સૌથી વધુ જોવાતો 'કાર્યક્રમ' બની જતો હતો. એમ ભારતમાં અત્યારે મોટા શહેરોને બાદ કરતા સરકારી ઑફિસોમાં 'સર્વર ડાઉન' છે, એ સૌથી વધુ બોલાતું અને ઘણી વખત બાંગા-ત્રાંગા અક્ષર વડે લખ્યુ હોવાથી વંચાતુ બોર્ડ બની રહે છે. 

રિપોર્ટ પ્રમાણે ભારતમાં સરકારી તંત્ર ખાડે ગયેલું હોવાથી ડિજિટલ સોસાયટીની આગેકૂચ અટકી પડે છે. ઓનલાઈન સુવિધાઓ વધે તો વહિવટમાં પારદર્શિતા પણ વધે. ભારતમાં સરકારી તંત્રને પારદર્શિતા પણ બહુ ઓછી પસંદ છે એ સૌ કોઈ જાણે છે. ભારતમાં ઈન્ટરનેટ પ્રોવાઈડ કરનારી બધી જ કંપનીઓ ભારતીય ગ્રાહકોની મજબૂરીનો લાભ લેવાનું વલણ ધરાવે છે.

એટલે કોઈ પણ એક ઈન્ટરનેટ પ્રોવાઈડર પસંદ કર્યા પછી સતત લધુતમ સ્પીડ ધરાવતું નેટ મળતું રહેશે એવી ખાતરી થઈ શકતી નથી. બે મુદ્દે ભારતની સ્થિતિ સારી છે, ડિજિટલ પેમેન્ટ અને ઈન્ટરનેટ પર રિસ્ટ્રીક્શન. એટલે એ બન્નેના લિસ્ટમાં ભારત પહેલા દસ-વીસમાં તો નથી, પરંતુ છેલ્લા દસમાં પણ નથી. 

બાકીના દેશોએ શું કર્યું?
ન્યુઝિલેન્ડમાં ૨૦૦૭થી ડિજિટલ ટેલિવિઝન કામ કરે છે. હવે આપણે મોબાઈલમાં મનપસંદ ટીવી સિરિયલ કે વેબ સિરિઝ કે ફિલ્મ જોઈએ છીએ. ન્યુઝિલેન્ડે એ પ્રથા સવા દાયકા પહેલા આરંભી દીધી હતી. ડિજિટલ સેક્ટર એ ન્યુઝિલેન્ડના અર્થતંત્રમાં ફાળો આપનારી ત્રીજી સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝ છે. પાસપોર્ટ રિન્યુ કરવો હોય તો તમામ કાર્યવાહી ઓનલાઈન થઈ શકે છે. એવું કરનારો ન્યુઝિલેન્ડ જગતનો પહેલો દેશ છે. 

ડિજિટલ જગતમાં આગેકૂચને કારણે ઈઝરાયેલનું નામ 'સ્ટાર્ટપઅ નેશન' પડી ગયું છે. કેમ કે એકલા તેલ-અવીવમાં ૧૦૦૦થી વધારે સ્ટાર્ટઅપ શરૂ થયા છે. ઈન્ટરનેટ ઝડપી, વિશ્વાસપાત્ર હોવા ઉપરાંત લોકો ઘરે બેસીને જ કામ કરી શકે એવી સુવિધા આખા દેશમાં ઠેર ઠેર ઉભી થઈ રહી છે.

Tags :