ઇશ્વરની મરજી કે આપણી આત્મવંચના ?
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
જીવનના કાર્યો અંગે એક બીજી પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. આપણાં ઘણાં કાર્યોની મૂળ પ્રેરણા સદ્વૃત્તિને બદલે દુઃર્વૃત્તિ હોય છે.
માનવીના કર્મોની દુનિયા પણ જોવા જેવી છે. ક્યારેય કોઈ નિરાંતની ક્ષણે આપણે આપણાં કર્મો અને કાર્યોનું શાંત ચિત્તે અવગાહન કર્યું છે ખરું ? કાર્ય માનવીને માત્ર સપાટી પર રાખે છે. કાર્ય વિશેનો વિચાર જ એના હેતુ કે મર્મ સુધી લઈ જાય છે. મોટા ભાગની વ્યક્તિઓ કાર્યની સપાટી પર સતત તરતી કે બાથોડિયાં ભરતી હોય છે. એક પછી એક કાર્યની અવિરત પરંપરા સર્જે છે. કાર્ય વિના એ બેચેન છે. કાર્ય એ જ એના જીવનનો પ્રાણવાયુ. પરંતુ એ કાર્ય પાછળના મર્મ, હેતુ કે પ્રયોજન વિશે ભાગ્યે જ વિચારતી હોય છે.
સતત ફરતા ચગડોળની માફક એની કાર્યશીલતા ગતિ કરતી હોય છે. એ ચગડોળ થંભે તો જ એ આખા ચગડોળને ધારણ કરતા વચ્ચેના થાંભલાને જોઈ શકે છે. પ્રવૃત્તિના ચગડોળમાં ઘૂમતો માનવી પ્રવૃત્તિના પ્રયોજનને કઈ રીતે ઉપકારક બનશે કે પરમાત્મા પ્રત્યેની ગતિમાં કેટલું સહાયક બનશે એનો સ્વપ્ને ય ખ્યાલ કરતો નથી.
જિંદગીભર સપાટી પરનાં સ્થૂળ કાર્યો કરીને થાકી ગયેલા, હારીને હતાશ થયેલા, જીવતા છતાં નિર્જીવ માનવીઓનો સુમાર નથી. એમના કાર્યનું ચક્ર થંભે અને એમાંથી નિવૃત્ત થવાની પરિસ્થિતિ જાગે, ત્યારે જીવનમાં ધરતીકંપ સર્જાતો હોય છે. ગઈકાલ સુધી જે મહાસાગરમાં રાતદિવસ મહાલતા હતા, એ આખો ય પ્રવૃત્તિનો મહાસાગર નિવૃત્ત થતા અંતર્ધાન થઈ જાય છે, પછી કરવું શું ? બેંકમાં નોકરી કરતો ક્લાર્ક કે કંપનીના ઊંચા હોદ્દે રહેલા સેક્રેટરીની નિવૃત્તિ પછીના દિવસોનો વિચાર કરજો. એનું આખું જગત શૂન્ય થઈ ગયું હોય છે. નિષ્કર્મણ્યતા એને ઘેરાઈ વળે છે અને એ અનુભવે છે કે અત્યાર સુધી નજર સામે જે ચલચિત્ર જોતો હતો, એ આખું ય ચલચિત્ર એકાએક અદ્રશ્ય થઈ ગયું. આજ સુધી ધર અને સમાજમાં આદર- સન્માન મળતાં હતાં, તે અનાદર- ઉપેક્ષામાં પલટાવાં લાગ્યા છે.
પોતાનાં કર્મોનો હિસાબ કરનારી વ્યક્તિ પૂર્વકર્મના ચોપડા તપાસશે તો એને ખ્યાલ આવશે કે કેટલાક કર્મ કે કારસ્તાન વ્યક્તિ પોતાની પત્ની અને પરિવારને પસંદ પડે તે માટે કરે, કેટલા કાર્યો મિત્રો અને પરિચિતોને ગમે તે પ્રકારના તેમને ખાતર કરે. ઘણાં સાથી કાર્યકર્તાઓમાં પોતાનો આગવો પ્રભાવ પડે એવાં કાર્યો પણ કરતાં હોય છે. આ રીતે આ બધાં કર્મો અન્ય વ્યક્તિ અપેક્ષિત હોય છે અને તેથી એ અન્યલક્ષી અને બાહ્ય હોય છે. પોતાના આત્માના કલ્યાણ ખાતર કરેલાં કર્મની વાત તો દૂર- સુદૂર ગણાય, પણ નિજાનંદ માટે કરેલા કર્મો કેટલા તે વિચારવું જોઈએ.
જીવનના કાર્યો અંગે એક બીજી પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. આપણાં ઘણાં કાર્યોની મૂળ પ્રેરણા સદ્વૃત્તિને બદલે દુઃર્વૃત્તિ હોય છે. એ દુઃર્વૃત્તિના કારણે રાવણના પરાજય માટે રામને લંકા પર વિજય મેળવવા જવું પડયું કે કૌરવોને હરાવવા પાંડવોને કુરુક્ષેત્રની રણભૂમિ પર મહાભારત ખેલવું પડયું.
તમારી આસપાસના કોઈ માણસને 'સેમ્પલ' તરીકે જુઓ. એના કાર્યોનો વિચાર કરો અને પછી એ કાર્યો પાછળની એની વૃત્તિનો વિચાર કરો. આમ કરશો તો ખ્યાલ આવશે કે એ વ્યક્તિના પ્રત્યેક આચાર, વિચાર અને ઉચ્ચારણની પાછળ દ્વેષ અને ઇર્ષ્યા કારણભૂત હોય છે. કોઈ પણ અભિપ્રાય આપતી વખતે આ જ વૃત્તિ સપાટી પર તરી આવે છે.
જો તમને એના પ્રત્યે દ્વેષ હશે તો એની સારી વાત સ્વીકારવા પણ રાજી નહીં થાવ. એની સિદ્ધિની ઇર્ષા હશે તો તમારા અવાજમાં ઉમળકાને બદલે થોડી ઉપેક્ષાહશે. શક્ય હોય તો એ યશસ્વી સિદ્ધિ મેળવનારની ક્ષતિ કે સિદ્ધિની અર્થહીનતા કહેવા લાગશે.
કેટલાક કામ વ્યક્તિ કટુતાથી કરતી હોય છે, તો કેટલાંક તિરસ્કારથી કરતી હોય છે. ક્યારેક કોઈ કામ વેર કે બદલાની ભાવનાથી તો કોઈ દુશ્મનાવટને કારણે કરે છે.
આ રીતે મોટા ભાગના કાર્યોની પાછળ વ્યક્તિની દુર્વૃત્તિ કાર્યરત હોય છે. કાર્યના ઉદ્દીપનનું નિમિત્ત આ વૃત્તિ હોય છે અને એ વ્યક્તિને કાર્યગામી બનાવે છે અને પ્રમાણે વ્યક્તિ આચરણ કરે છે. દુર્યોધન, શકુનિ, દુઃશાસન પ્રત્યેક કાર્યની પાછળ એમની આ વૃત્તિ રહેલી છે. મંથરાના કાર્યની પાછળ એની ચડવણી કરવાની વૃત્તિ જ કારણભૂત છે અને દશરથના પતન પાછળ એમની કામવૃત્તિ જવાબદાર છે.
ચાલો, હવે મૂળમાં ઘા કરીએ અને આ મૂળ છે કાર્ય પાછળનું પ્રયોજન તપાસવાની જાગૃતિ. જો વ્યક્તિ પોતાનું પ્રયોજન પહેલાં જોશે તો એના જીવનમાંથી ઘણી વ્યર્થ, નકામી ને બિનજરૂરી પળોજણ દૂર થઈ જશે. જો એ કાર્યની પાછળનો હેતુ સદ્વૃત્તિ હોય, તો એ સદ્વૃત્તિનાં બીજમાંથી સેવા અને કરુણાનું વટવૃક્ષ ખીલશે. કાર્ય પાછળનો સદ્હેતુ એ 'સ્વ'ને માટે અને અન્યને માટે સુખદાયી નીવડે છે, માટે પહેલા હેતુની તપાસ કરો, પ્રયોજનની જાણ મેળવો અને પછી કાર્ય કરો.
આ સંદર્ભમાં કેથરીનનું જીવન યાદ આવે એના પતિ લેવિસની રીઢા, નિર્દય અને ખતરનાક હત્યારાઓ ધરાવતી સિંગસિંગ નામની જેલમાં વોર્ડન તરીકે નિમણુક થઈ. આ અત્યંત ભયાવહ જેલની નજીક લેવિસ, એની પત્ની કેથરીન અને એનાં ત્રણ બાળકો રહેવા લાગ્યા હતા. એમને ખાસ ચેતવણી આપવામાં આવી હતી કે કેથરીન અને નાના બાળકોએ ક્યારેય સિંગસિંગ જેલમાં પગ મૂકવો નહીં.
પરંતુ કેથરિને વિચાર્યું કે મારા પતિને જેલની અને જેલવાસીઓની સંભાળ લેવાનું કામ સોંપાયું છે. તો મારે પણ એ સહુની સંભાળ લેવી જોઈએ. આથી કેથરિન પોતાના ત્રણે બાળકોને લઈને કેદીઓ બાસ્કેટબોલ રમતા હોય ત્યાં આવીને બેસતી હતી. એણે જાણ્યું કે એક સજા પામેલો ગુનેગાર અંધ છે તો એણે વહાલથી એ અંધ કેદીનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, 'તમે બ્રેઇલ લિપિ વાંચી શકો છો ?'
કેદીએ વળતો સવાલ કર્યો, 'આ બ્રેઇલ લિપિ એ વળી શી ચીજ છે ?'
કેથરિને એને બ્રેઇલ લિપિ શીખવી. બીજો એક કેદી મૂક-બધિર જોયો. એને 'સાઇન લેંગ્વેજ'ની ખબર નહોતી. કેથરિન પોતે 'સાઇન લેંગ્વેજ' શીખવા સ્કૂલમાં ગઈ અને સાઇન લેંગ્વેજ શીખીને પેલા કેદીને શિખવાડી. મૂક-બધિર કેદીને ભાષા મળી. દુર્ભાગ્ય કેથરિનનું મોટર- અકસ્માતમાં અવસાન થયું. એ દિવસે કેદખાનાના લોખંડી દરવાજાની પાછળ જાણે કોઈ પ્રાણીઓનું ટોળું માથું નીચું રાખીને ઉભું હોય તેમ લેવિસે તમામ કેદીઓને ઉભેલા જોયાં. લેવિસ દરવાજો ખોલીને અંદર દાખલ થયા ત્યારે દરેક કેદીના ચહેરા પર દુઃખ અને શોકની ઘેરી છાયા જોઈ, કેટલાકની આંખોમાં આંસુ હતા, તો કોઈ ડૂસકાં ભરતાં હતા.
કેથરિનને અંતિમ વિદાય આપવાની તેમની ઇચ્છા હતી. લેવિસે જેલનો દરવાજો ખોલ્યો. એક પછી એક ખૂંખાર કેદીઓ બહાર નીકળ્યા. એમના પર કોઈ ચોકીપહેરો ન હતો. એ બધા જેલના દરવાજેથી પોણો માઇલ ચાલીને લેવિસના ઘરના દરવાજા પાસે આવ્યા. કેથરિનને અંતિમ વિદાય આપવા કતારમાં નતમસ્તકે ઉભા રહ્યા. એ પછી દરેકેદરેક કેદી પાછા જેલમાં ગયા. હા, એકે કેદી ઓછો થયો ન હતો.
કેટલીક વ્યક્તિઓનું જીવન રગશિયા ગાડાની માફક ચાલતું હોય છે. આવી વ્યક્તિઓને કદાચ તમે પૂછો તો એમના જીવનનો તો શું, કિંતુ એમના જીવવાનો પણ કોઈ હેતુ એમની પાસે હોતો નથી. આવા પાર વિનાના પ્રમાદી જોવા મળશે. શેરી, ઓટલા કે
બગીચામાં બેસીને ટોળટપ્પાં લગાવતાં, મોટી મોટી બડાશો હાંકતા અને કશું અર્થપૂર્ણ કાર્ય ન કરનારા આ લોકો છે. એ માત્ર શરીરથી જ નહીં, કિંતુ મનથી પણ પ્રમાદી હોય છે. આ પ્રમાદને કારણે માનવીની અંદરનો માનવી નિષ્પ્રાણ અને ચેતનહીન બની મરવાને વાંકે જીવતો હોય છે. એની કોઈ પ્રયોજન જ હોતું નથી.
કેટલીક વ્યક્તિઓનાં કાર્યની ચિકિત્સા કરો તો ખ્યાલ આવશે કે એમને જગતમાં સર્વત્ર ખોટું, ખરાબ અને નકારાત્મક દેખાતું હોય છે. તેઓ નિરાશા, હતાશા અને નિષ્ફળતાને કારણે કટુ સ્વભાવ ધરાવતા બની ગયા હોય છે તે સાચું, પણ સમય જતાં એ 'નેગેટિવ' બાબતોને જોઈને એની સતત અને સખત ટીકા કરીને પોતે કશું 'પોઝિટીવ' કરતા નથી. નોકરી મેળવવા માટે એકાદ સ્થળે લાગવગ ચાલતી જોઈને એ નોકરીના ઇન્ટરવ્યૂ તરફ તિરસ્કાર ધરાવતો થઈ જાય છે.
ગ્રેજ્યુએટની પરીક્ષામાં અણધાર્યા કારણોસર નિષ્ફળતા મળતા એ અભ્યાસ છોડી દે છે અને જીવનભર પોતાના કડવા, દુઃખદ કે આઘાતજનક અનુભવોના ગાણાં ઠેર ઠેર ગાતો ફરે છે. અનુભવની મજા એ છે કે પોઝિટીવ કે સકારાત્મક અનુભવો વ્યક્તિ એના મનમાં દોહરાવે જાય, તો એનો અભિગમ સકારાત્મક બનતો હોય છે, જ્યારે નકારાત્મક અનુભવ ધરાવનારે એના જીવનમાં અવરોધરૂપ બનનારી પરિસ્થિતિનો મૂળભૂત વિચાર કરવો જોઈએ. કઈ રીતે એ હતાશા, નિરાશા અને નકારાત્મકતાને દૂર હડસેલી શકાય ?
જેમ હેતુ વિનાની વ્યક્તિ નિષ્ફળ જાય છે, એમ ખરાબ આશય ધરાવનારી વ્યક્તિ પણ અંતે નિષ્ફળ જાય છે. ખરાબ આશયની પાછળ ખોટું પ્રયોજન હોય છે, મૂળે તો એ ખોટું પ્રયોજન જ વ્યક્તિને અવળી બાજુ લઈ જાય છે. આવું ખોટું પ્રયોજન ઘણું અનિષ્ટદાયી ગણાય.
આ રીતે સમગ્રતયા જોઈએ તો માનવીનાં કાર્યો જુદાં જુદાં પ્રયોજનોથી પ્રેરિત હોય છે. આમાં ભાગ્યે જ કોઈ કાર્ય ઇશ્વરની પ્રસન્નતા પામવાના પ્રયોજન પર થયું હોય છે. જ્યારે પ્રયોજન ન હોય, પ્રયાસ ન હોય, એ માટેનું કોઈ કાર્ય ન હોય ત્યારે કઈ રીતે આપણે એમ કહી શકીએ કે ઇશ્વરની મરજી પ્રમાણે અમે જીવીએ છીએ. શું આ એક આત્મવંચના કે પોતાની જાત સાથેની આત્મવિનાશક છેતરપિંડી નથી ?
ક્ષણનો સાક્ષાત્કાર
તમારી જાતને બાદશાહ માનીને ફૂલીને ફાળકો થઈ જાવ છો, પણ ત્યારે એ ખબર હોતી નથી કે ધીરે ધીરે તમે તમારી કહેવાતી બાદશાહત ગુમાવીને ગુલામીની બેડીના બંધનમાં જકડાતા જાવ છો. તમે સાચે જ ગુલામ છો. તમારી ગુલામીની વહેલી તકે ભાળ મેળવી લો, નહીં તો ભારે બૂરા હાલ થશે.
માણસને વળગેલી સૌથી મોટી ગુલામી છે. બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની તીવ્ર લાલસા. એ પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિનો સાહજિક આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે, એની ચાતકની પેઠે રાહ જોઈને બેઠો છે. પરિણામે એણે પોતાના જીવનની આનંદ- મસ્તી ગુમાવી છે.
કારણ કે એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે. બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિના ગુણગાન ગાયાં કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. એ પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે.
એ પોતાને વિશે જે કાંઈ કહે છે, તે બીજાની પ્રશંસાની ભીખ માગવાનું લક્ષ્ય રાખીને બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની સમૃદ્ધિનો ખ્યાલ આવે એ જ એનું મુખ્ય લક્ષ બને છે. આથી એની દ્રષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખું ય જીવન બીજાને કેવો લાગીશ, સામાને કેવો દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે, એમાં જ સમાઈ જાય છે.
એ ભીતરનો આનંદ ગુમાવીને બહાર ચકળવકળ આંખે અને સરવા કાન કરીને પોતાની પ્રશંસા સાંભળવા આતુર હોય છે. આમ કરવા જતા એ પોતીકી રીતે જીવતો નથી. પોતાનો આનંદ પોતે પામી શકતો નથી અને ક્ષણે ક્ષણે એ અન્યને નજરમાં રાખીને જીવનારનું જીવન પણ પોતાનું રહેતું નથી.
મનઝરૂખો
યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે યુનિવર્સિટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિતથયા હતા. કુલપતિશ્રીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓએ વ્યાખ્યાનો આપ્યા પછી દસેક મિનિટના વિરામ બાદ પુનઃ કાર્યક્રમનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ સજ્જને પોતાની બાજુમાં બેઠેલા યુવાનને પૂછ્યું ઃ 'કેમ, તમારે બહાર જવું નથી.'
યુવાને કહ્યું, 'ના સાહેબ, મારે કાર્યક્રમ માણવો છે. એની એક ક્ષણ પણ જવા દેવી નથી, તેથી બહાર જઈને પાછા આવતાં જો થોડું મોડું થઈ જાય તો શું ? વળી મને કોઈ આદત નથી. સિગારેટ તો શું, પણ ચા-કોફીયે પીતો નથી.'
પ્રૌઢ સજ્જને સ્નેહાળ સ્મિત કરતા કહ્યું, ''ભાઈ, તમારો સ્વભાવ મને પસંદ પડી ગયો. આપણે બંને સરખા છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો ? બરાબર ને ?''
આ યુવાન અને પ્રૌઢ વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, 'તમે શું કરો છો ? ક્યાં સુધી અભ્યાસ કર્યો ?'
યુવાને કહ્યું, 'મેં ? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એના અભ્યાસની પાછળ ખૂબમહેનત કરી છે. શું વાત કરું એની, પણ તમને ખ્યાલ નહીં આવે કે સ્નાતક કક્ષાએ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કેટલો કઠિન હોય છે !'
પ્રૌઢ સજ્જન એની વાત સાંભળતા રહ્યા અને યુવાને જરા અહંકારથી કહ્યું, 'સાહેબ, ખગોળશાસ્ત્રમાં હું સ્નાતક બન્યો અને તે પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને. અમારે ત્યાં ગણ્યા-ગાંઠયા વિદ્યાર્થીઓને આ વિષયમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત થાય છે.'
પ્રૌઢ સજ્જને પૂછ્યું, 'એમ ?'
યુવાને કહ્યું, 'અને આજે હવે હું ખગોળશાસ્ત્રમાં નિષ્ણાત બની ગયો છું.'
પ્રૌઢ સજ્જને કહ્યું, 'વાહ, તમે ખરા નસીબદાર ! આવા ગંભીર વિષયમાં તમે પારંગત બન્યા એ કેટલી મોટી વાત ! ખગોળશાસ્ત્રમાં મને રસ છે, પણ હજી તો હું પા- પા પગલી ભરી રહ્યો છું.'
યુવાને કહ્યું: 'અરે ! ખગોળશાસ્ત્રનું જ્ઞાાન એ તો એક વિશાળ સાગર જેવું છે. એમાં ડૂબકી મારી હોય એને જ ખબર પડે કે તજજ્ઞાકઈ રીતે થવાય ?'
યુવાનની વાત સ્વીકારતાં પ્રૌઢે કહ્યું, 'સાચી વાત. આ વિષયમાં જેમ હું ઊંડો અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ મને લાગે છે કે ખગોળશાસ્ત્ર તો જ્ઞાાનનો મહાસાગર છે. એના અભ્યાસ માટે આ જન્મ તો શું સાત જન્મ પણ ઓછા પડે.'
એણે આ પ્રૌઢ સજ્જનને પૂછ્યું, 'આપનું નામ શું ?'
'આર્થર ક્લાર્ક'
યુવાન બોલી ઉઠયો, 'અરે, તમે વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી આર્થર ક્લાર્ક !'