મૂડની મોકળાશ: 'બિઝી' લાઈફમાં 'લેઝી' બનવાથી 'ઇઝી' થવાય!
સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
આરામમાં હોવું પણ એક અગત્યનું કામ છે. કોઈના કામમાં ખલેલ કે વિક્ષેપ જેવી જ ગુસ્તાખી કોઈની ફુરસદ પર આક્રમણની છે!
મૂળ આપણે ઉલઝનમાં રહેવું છે. ક્યાંય ગૂંથાયેલા રહેવું છે, જાત ગમતી નથી. એકાંત ગમતું નથી. ઠહરાવ ગમતો નથી. ઘોડો ગમે છે દોડતો, પણ અંગ સંકોરીને બેઠેલો કાચબો પસંદ નથી!
ક્લા ઉડ મોને ફ્રાન્સનો જાણીતો ચિત્રકાર. ૧૮૯૨થી ૧૮૯૪ એ બે વર્ષમાં એણે લગભગ ત્રીસ જેટલા પેઇન્ટિંગ બનાવ્યા. રોઉ કેથેડ્રલના. એક જ જગ્યાએ રહીને, એક જ એંગલથી એ બિલ્ડિંગ બનાવતા. બધું સરખું. માત્ર રંગો અને લાઈટિંગ અલગ-અલગ.
આવા ધુરંધર ચિત્રકારે બીજા આઈડિયાઝ અને દિમાગમાં ધક્કામુક્કી કરતા સેંકડો સબ્જેક્ટસ સાઈડમાં રાખીને વળી આવી બાદશાહી બે વર્ષની એક જ સબ્જેક્ટના આવા ચિત્રો દોરવામાં કેમ ભોગવી?
જવાબ છે : મૂડસ. એ ચિત્રો અલગ-અલગ મૂડનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈમાં સવાર છે, કોઈમાં બપોર, કોઈમાં સાંજ, કોઈમાં રાત. કોઈમાં પેશનેટ લવની છાંય ધબકે છે. તો કોઈમાં ઘોર બોઝિલ ઉદાસીની ઝાંય છલકે છે. ક્યાંય રિફ્રેશિંગ એથ્યુઝિઆઝમ છે. તો ક્યાંક પેઈન ઓફ ફેઈલ્યોર છે. માણસ એક જ છે. જગ્યા પણ એક છે. છતાં આપણા મૂડ બદલાતા રહે છે. એ મુજબ આસપાસનું જગત રૂડું કે ભૂંડું લાગતું રહે છે. મેનકાઈન્ડ ઈઝ સ્લેવ ઓફ મૂડસ.
એક જૂની બોધકથા છે. ત્રણ ચેલા જાત્રા કરવા નીકળ્યા. એમાં ભિક્ષામાં એમને વળી મજાનો કેસર બદામ કાજુ દ્રાક્ષવાળો શીરો મળ્યો. બધાની જીભ સળકી, મોંમાં પાણી આવ્યું. પણ સામસામો વિવેક રાખવો પડે. પરાણે પરાણે ઔપચારિક દેખાડાનો આગ્રહ કરવો પડે. શીરો એક વ્યક્તિને જ થાય એટલો હતો. એટલે અંદરોઅંદર હૂંસાતૂંસીએ ચડયા. એક કહે હું મોટો ભક્ત છું. રોજ ભગવાનની માળા કરું છું, માટે મારો હક છે. બીજો કહે, હું રોજ ધ્યાન સમાધિ લગાવી બેસું છું, મારો હક છે.
ત્રીજો કહે, મને ગરમ શીરો બહુ જ ભાવે છે, મારો હક છે. અંતે કંટાળીને ઠંડો થયેલો શીરો સવારે ભાગ પાડી ખાવાનું નક્કી કરીને ત્રણે સૂઈ ગયા. સવારે ઉઠીને જોયું તો શીરો સફાચટ! પેલો જેને બહુ ભાવતો હતો શીરો, એ પેટ પર હાથ ફેરવતા કહે - ગઈ કાલે રાતના મેં ધ્યાન કર્યું તો સપનામાં ભગવાને આવીને આજ્ઞાા કરી કે બેટા, અત્યારે શીરો ખાઈ જા! હવે તો પડી ગયો પેટમાં. નીકળશે નહિ, ને કાઢો તો ય ભાવશે નહિ.
સાર: બહુ બધી ફિલસૂફી ડહોળવામાં ને ઝાઝું વિચારવામાં દરેક બાબતમાં ભૂખ્યા રહી જવાય. એના કરતાં મોજ આવે એ ઘડીએ માણી લેવી, પછી જોયું જશે.
ઓશો રજનીશ જીવનસત્યોનો બોધ આપતાં વારંવાર કહેતા 'ખોજોં મત ઠહરો. તૈરોં મત, બકો.' સમજવા જેવું છે. એ કહેતા કે 'શાંતિની શોધ જ એક ભ્રમ છે. શાંતિ શોધવાથી, કોઈના પગ પકડવાથી, કોઈ ધર્મસ્થળે ભટકવાથી નહિ મળે. કારણ કે, શાંતિ તો સ્થાયી ભાવ છે. ગર્ભસ્થ શિશુની અવસ્થાથી માણસ શાંત જ છે. પણ અશાંત થવાનું બંધ કરી દે તો શાંતિ ભીતર જ પડેલી છે. પ્રકાશ માટે પ્રયાસ કરવો પડે, અંધકાર તો શાશ્વત છે, એના જેવું. લોકો હાથે કરીને કામના, કમાણીના, કોઠાકબાડાના, કાવાદાવાના, કષ્ટના સ્ટ્રેસ ઉભા કરે છે. પછી રાડારાડ કરે છે કે તહેવારોમાં ય ફુરસદ નથી.
અલ્યા, એ ફુરસદ છે જ. કોઈએ દોરડું પકડીને બાંધ્યા નથી કામ કરવા. કપાત પગારની રજા મળે. ક્લાયન્ટને વિવેકથી મક્કમ ના કહી વિદાય કરી શકાય. એ તો આપણી લાલચ છે, એટલે આપણે કામ કરવું પડે છે. આપણી જરૂરયિાત છે, માટે કામ કરવું પડે છે. બંધ દુકાનના પાટિયે સૂઈ જતાં ભિક્ષુકને નિરાંત છે. એને નવી જોડી, નવો મોબાઈલ, નવી ગાડી કશું જોઈતું નથી. એકાદ ટંક ખાવાનું ન મળે તો ય ચાલે છે. માટે એ કૂતરા, હોર્ન, ઘોંઘાટ, મચ્છર, ગટર વચ્ચે પણ આરામથી રોજ સૂઈ શકે છે!
દિવાળીના તહેવારો પૂરા થાય પછી ઘણા હરડે બંધાણીઓને એટલે જૂનું સૂનું લાગે છે કે, બે-ત્રણ દિવસ છાપું હાથમાં નથી આવતું. એ કોઈ સમાચાર સંવાદદાતાઓ નથી, કોઈ અઠંગ જ્ઞાાનપિપાસુઓ ય નથી. પણ એમના દિમાગને થોડો સમય ગૂંચવી નાખતી ચીજ નથી મળતી એનો ખાલીપો એમને નડે છે. સેમ ગોઝ વિથ ઈન્ટરનેટ કનેક્શન. મૂળ આપણે ઉલઝનમાં રહેવું છે. ક્યાંય ગૂંથાયેલા રહેવું છે, જાત ગમતી નથી. એકાંત ગમતું નથી. ઠહરાવ ગમતો નથી. ઘોડો ગમે છે દોડતો, પણ અંગ સંકોરીને બેઠેલો કાચબો પસંદ નથી!
કોઈ ધન પાછળ દોડે છે, કોઈ ભજન પાછળ દોડે છે. લેટેસ્ટ ક્રેઝ વિપશ્યનાનો છે. સારી પ્રવૃત્તિ છે. દસ દિવસ માણસને પોતાની જાત સાથે બેસાડે. માનસિક થાક વિચારોનો ઉતારે. પણ એની બબ્બે-ત્રણ ત્રણ શિબિરો પછી એ કર્યા બાદ થોડા દિવસો પૂરતી શાંતિ મળે એ સિવાય ઘણા લોકોમાં કોઈ મૂળભૂત બદલાવ આવતો નથી.
એ જ ધંધા રોજગાર, કારોબાર, એ જ પ્રોફેશનલ વર્ક ફરી શરૂ થઈ જાય છે. કોરી પાટીમાં નવા અક્ષરો પડવા લાગે છે. જૂજ અપવાદો સિવાય ફરી ઈમોશન્સ ઘેરી વળે છે. ક્રોધ, હતાશા, પ્રેમ, ઉત્તેજના, આનંદ, ધૃણા, વાસના બધું જ. જેમ ઉપવાસ કરો ને પેટ હલકું લાગે, પણ ફરી ખાવાનું શરૂ કરો ને હતું એનું એ!
માટે ટેમ્પરરી એસ્કેપ માત્ર જાત સાથેની છેતરપિંડી છે. જેમની અંદર રસના ઝરા ઘૂઘવાટા નાખે છે, એમને આવા ધરાર બ્રેકની જરૂર નથી. એ સરસ વાંચે, જોવે, સાંભળે, ફરે એ જ ધ્યાનયોગ છે. એકચિત્તે રમે કે કશુંક સર્જે એ એનો બ્રહ્મસાક્ષાત્કાર છે. આપણે એટલી બધી ઉતાવળમાં જીવીએ છીએ કે જે પેટ માટે આટલી દોડાદોડ કરીએ છીએ, એ સ્વાદ પણ સરખો માણતા નથી.
કોળિયો ચાવો તો લાળ ઝરે. એથી એ મધુર ને સુપાચ્ય બને. દાળની, ભાતની, ગરમ રોટલીની, શાકના વઘારની, તાજાં કચૂંબર-ચટણીની, ત્વરિત શેકાયેલા પાપડની ય સોડમ હોય છે. એ શ્વાસમાં ભરવાથી ભૂખ પ્રદીપ્ત થાય છે. પણ એ માટે આગલું જે ભાવતું ય ખાધું હોય, એ પચે એટલી ધીરજ જોઈએ. ટાઈમ થાય એટલે ખાઈ લેવું એમ નહિ, ભૂખ ન હોય તો ખાવાનું ટાળવાનો ઠહરાવ જોઈએ. તો નવો સ્વાદ પચે.
પગ વાળીને બેસવાની નિરાંતના હાશકારાને આપણે પવિત્ર નથી ગણતા. કોઈ ગમતી જગ્યાએ ટેસથી નિરીક્ષણ કરવાને બદલે ફોટો પાડી ચંદ મિનિટોમાં રવાના થઇ જઇએ છીએ. ક્યાંક પહોંચવાની ઉતાવળમાં ભૂલા પડી જઈએ, તો આસપાસના વૃક્ષો કે ત્યાં જમતા બાળકો નિહાળતા નથી. ઘડિયાળ સામે જોઈ ભાગીએ છીએ. હમણા કેરળના એક સાંસદપત્નીના સ્ટેટમેન્ટ પર વ્યર્થ વિવાદ થયો, જેમણે કહ્યું 'ઇફ રેપ ઇઝ ઇનએવિટેબલ, એન્જોય ઇટ.' એક સ્ત્રીએ કહ્યું, એમાં બહુ સળગ્યું નહિ. થેન્ક ગોડ. પણ આ અંગ્રેજીનું પ્રસિદ્ધ મેટાફોરિકલ ક્વોટ છે. એમાં બળાત્કારના બચાવ કે ટેકાની હરગીઝ વાત નથી.
કોઇક અણધારી દુર્ઘટના બને, અકસ્માત થાય, આપણા હાથમાં કશું હોય જ નહિ. ને ધડાકાભેર નુકસાન થાય, ભૂલ થાય, ઇજા થાય, મોડું થાય વોટએવર તો નેચરલી પહેલા જાત પર અને પછી જગત પર ગુસ્સો આવે. વેદનાની ચીસો પડે. ગુસ્સામાં ચિલ્લાહટ થાય. ફાઈન.
પણ એ ક્ષણિક ઉભરો ય આવવા દેવાનો. કુદરતી આવેગો દબાવવાથી તબિયત વધુ બગડે. માટે ક્રોધને ય ઘૂંટવાને બદલે વહેવા દેવાનો.
પોઇન્ટ ઇઝ વહેવા દેવાનો. મૂશળધાર વરસાદ આવે, થોડા બરાડા પાડે. ગાજે, નુકસાન પણ કરે. પણ પછી કલાકો બાદ વહી જાય. એટલે ઝાઝો ભેજ ન થાય. આપણે ક્રોધને મુશ્કેટાટ પકડી રાખીએ છીએ. ગાંઠ મારીને વેરઝેર પાળીએ છીએ. જરાક અમથો બરફ કે અંગારો બહુ અસર ન કરે. ઉલટુ જરૂર મુજબ ઠંડી કે તપારો આપે. પણ એક જ જગ્યાએ મૂકી રાખો તો ? કાં થીજાવીને નસો બધિર/નમ્બ કરી દે, કાં દઝાડીને ચામડી બાળી નાખે. માટે સહ ક્રોધ પણ બનાવટી સ્થિતપ્રજ્ઞાતાના દંભ કરતા સ્વાભાવિક છે. પણ એ આવે ને ઓસરે તો. ટકે તો તોડે.
પણ અણગમતી, અણધારી ઘટના બની. તો પછી એ ખંખેરીને આસપાસ છે, એમાં ચિત્ત પરોવવાની કોશિશ કરવી. ભૂલથી ખોટી ટ્રેનમાં બેસી ગયા, તો નવું સ્ટેશન જોવા મળ્યું, એ અનુભવનો આનંદ લેવો. આમ પણ બીજું કશું કરી શકો એમ છો ? નહિ ને ! તો જે ઇનએવિટેલ યાને અફર-અચળ છે, એવામાંથી ય થાય એટલો આનંદ લૂંટી લો. બાકી રડારોળ ને પીડાકકળાટ તો ફરજીયાત છે જ.
ડિજીટલયુગમાં બધાની મેમરી એટલે જે 'અફડાતફડી કા માહોલ'માં છે. ફોક્સ નથી. ડિસ્ટ્રેકશન વધ્યા છે. ફૂરસદે ફિલ્મ પણ નથી જોતા લોકો. એમાં ય ભેગી જવાબદારીઓ લઇને જાય છે અને મોબાઈલ જોયા કરે છે. પછી યાદ નથી રહેતું સરખું. અને વાતનો 'જીસ્ટ' મર્મ પકડવાને બદલે બાલ કી ખાલ નિકાલવાની કસરત આવા 'ઓર્ગેનાઇઝડ સોલ'નો ફેવરિટ ટાઈમપાસ છે. એમને ડાળીઓ પરના બધા પાંદડા પરફેક્ટ ગણી લેવા છે, પણ એના પર બેઠેલા પંખીનો ટહૂકો સાંભળવો નથી.
કોન્સ્ટન્ટ પ્રેશરમાં જ ફરવાનું, જોવા વાંચવાનું, વાત કરવાની. એટલે એક સાથે મલ્ટીટ્રેક પર દોડતા મનમાં મેમરીના ખાનાઓમાં સરખી ગડી વાળેલી થપ્પી થતી નથી. (આ સાહિત્યિક વાક્ય નથી, સાયન્ટિફિક વાક્ય છે !) ખુદના સિધ્ધાંતોની નાગચૂડમાં ક્યારેક માણસ પોતે જ પોતાને એનાકોન્ડા અજગરની જેમ ગળી જાય છે.
મોટી મોટી પંડિતાઈ અને રિલેકસેશનની વાતો કરનારા ય પાછા ઘડિયાળ જોઇને મજા આવતી હોય તો ય ઉઠીને ભાગવા લાગે છે. આ 'લિવ ઇન મોમેન્ટ' 'લેટ ઇટ ગો' 'બી યોરસેલ્ફ' બધા એવા વાક્યો છે, જે સાંભળનાર કરતા બોલનારને વધુ આનંદ આવે ! પોપટની જેમ એ બોલવાથી શું વળે ? આચરણમાં ઉતાર્યા બાદ બોલવું નહિ પડે. આપોઆપ એ અંદરનો જલસો બહારના લોકોને દેખાશે. કેટકેટલું અવનવું પડયું છે, ને રોજ બન્યા કરે છે આ જગતમાં શિશુસહજ આંખે મુગ્ધભાવથી એ માણવાનું.
ઘૃણા એમનું કોઈ પુસ્તક આવે કે ફિલ્મ આવે કે મેચ આવે કે પ્રોજેક્ટ આવે કે ઇલેકશન આવે તો જાણે પૃથ્વી પર બીજું બનતું જ ન હોય, એમ દિવસો સુધી એક જગ્યાએ પિન ચોંટાડી બેઠા રહે છે. અરે, સ્પેશ્યલ બાબતને જરૂર વાગોળો, સરસ રીતે બે પાંચ વાર યાદ કરો. પણ એમાં જ ન પડયા રહો. પાણીથી ન્હાઈને ફ્રેશ થવાનું હોય, ડોલમાં માથું ડૂબાડીને ગૂંગળાઈ જવાનું ન હોય! ઘટનામાં ફરક છે, કારણ કે માત્રામાં ફરક છે.
ડેનિલ બાર્મ્સ નામના એક કવિ-નાટયાકાર ભાઈ સોવિયેત સંઘ કહેવાતો એ રશિયામાં થઇ ગયેલા. સારું લખતાં. ૯મી નવેમ્બર, ૧૯૩૭ના રોજ એમણે માત્ર આટલું જ લખી છાપવા માટે મોકલ્યું 'ટુ ડે આઈ રોટ નથિંગ. ડઝન્ટ મેટર' (આજે મેં કશું ય લખ્યું નહિ. હોય એ તો. થયા કરે.). બોલો, દિવાળીની રજાઓને લીધે વહેલી પૂર્તિના લેખ લખવા બેસતા આ વાક્ય કેવું મજેદાર લાગે. હેંહેંહે. જો કે, દરેક વાતમાં બીજાની ટીકા જ શોધનારા કહેશે કે કશું ય નહોતું લખવું, તો આટલું ય શા માટે લખ્યું? વેલ, મેસેજ દેવા. વિચારને અન્ય સુધી પહોંચાડવાના કર્મથી તો મોહનથી મોહનદાસ સુધીના કોઈ મુક્ત નથી. સંસારનો શ્વાસ જ એ આસક્તિમાંથી ચાલે છે.
કનેકશન એન્ડ કોમ્યુનિકેશન વિથ અધર્સ. આ ડેનિલસાહેબે તો વળી ઘરમાં એક ઓરડો રાખેલો - અસ્તવ્યસ્ત. અમુક વાયરો, ખીલાઓ બધું એમાં પડયું રહેલું. મુલાકાતીઓ પૂછતા કે 'અહીં (ન ગોઠવેલા, ને એટલે અચરજ પમાડતા) રૂમમાં શું જોવા જેવું છે?' એ આજે જે કળા લુપ્ત થઇ રહી છે સમજનારના અભાવે - એવા કટાક્ષમાં કહેતા 'હું એક અફલાતૂન મશીન અહી બનાવું છું' વ્યંગ બાઉન્સ ગયો હોય એવા બાઘાઓ ફરી પૂછતાં 'એ મશીન શું કરશે?' ડેનિલ ખાર્મ્સ ઉવાચ : નથિંગ!
આપણા નિરંજન ભગતસાહેબ સ્પષ્ટ કહેતા એમ : હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં મારું કે તમારું કામ કરવા આવ્યો છું ! આખો દેશ મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની ચોવટ કરતો હોય, ત્યારે એ સૂફી બંદો પોતાની દીકરી જોડે નવી જીપગાડીને પોતું મારી સાફ કરતો હોય એવા વિડિયો શેર કરે! કાયમ થોડી પંચાતો કરવા, સ્ટેટમેન્ટસ દેવા, લોહીઉકાળા કરીને હૈયાવરાળો ઠાલવવા જ જીવ્યા કરવાનું હોય. જેમ બધા બોલ રમવાના હોય નહિ બેટિંગમાં (તો વહેલા આઉટ થાવ) એમ દરેક મુદ્દે અભિપ્રાયો ચરકવા એ ય મનોરોગ છે. નવરાશ એટલે નવરાશ.
સાચું વિચારજો (નહિ કહો તો ચાલશે. ક્યાં કોર્ટની જુબાની છે !) ટાઈ, સૂટ, સ્કિનટાઇટ જીન્સ, બ્રા, મોજાં, ચકચકિત લેધર શૂઝ, બેલ્ટ આ બધું પહેરી ફરવામાં ઇમ્પ્રેશન પડે એનો ય એક પારકા પર પ્રભાવનો આનંદ તો છે. એગ્રી. પણ ઘરના 'આપણા ખૂણા'માં એ બધું ઉતારીને મોકળા થવામાં બીજાઓની બાદબાકી કરીને ખુદનો આનંદ છે કે નહિ? હા કે ના? છે જ. બીજાઓને એ બતાવી ન શકાય તો ચાલે.
બધું જ બીજાઓને જ બતાવ્યા કરવા માટે નથી. થોડું પોતાના માટે હોય છે. દસ ટકા આવક દાન માટે એમ પચાસ ટકા ફોટો-એક્સપિરિયન્સ જાત માટે. અમિતાભ બચ્ચને હમણાં જ લખેલું એમ-બધાની બધી જ વાતો જાણવાનો અને નાની મોટી દરેક વાત શેર કરવાનો મોહ ટાળવા જેવો છે. તમામ શેર કરવા માટે નથી. એન્જોય કરવા માટે ય કશુંક હોય. સોશ્યલ મીડિયા પ્લેઝર છે, જોબ નથી.
માટે વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ બનાવીને જીવવું એ જીંદગી નથી, જેલ છે. નિયમનો અતિરેક એ યમ છે. જસ્ટ બી ફલેકસીબલ. રજાઓ પડે એટલે ફરવા જ નીકળી પડવું, કે કશુંક પ્રોડક્ટીવ કરી એનો 'સદુપયોગ' જ કરી નાખવો કે સમયને અતિ મૂલ્યવાન માનીને મિનિટે મિનિટ જાત નીચોવી મોટિવેટ થઈને દોડયા જ કરવું - ધેટ્સ નોટ લાઇફ. આર્ટ ઓફ વેસ્ટિંગ ટાઇમ પણ શીખવા જેવી છે.
પેલા આળસુ ગણાતા સ્લોથ પ્રાણીની જેમ ઝાડે ચડી ખાવું ને ઉઘવું. રોજ ન પોસાય આપણને પણ આવા ય દિવસો રાખવાના. મસ્ત પાણીમાં પડેલી ભેંસ-પાડાની જેમ ખાઈપીને કલાકો સુધી ઘોર્યા કરવું. બપોરે ય સૂઈ જવું. કોઈ પ્રવૃત્તિ નહિ, એ દિવસ પૂરતી કસરતે ય નહિ. આરામ એટલે સંપૂર્ણ આરામ.
સ્લો ડાઉન ફ્રેન્ડસ. પોસ્ટ દિવાળી રજાને ખરા અર્થમાં રજા રાખીને મજા માણો. લીવ ટુ લિવ. પરમાત્માએ જીવનસર્જનનો આધાર બનાવી મુકેલા સર્વશ્રેષ્ઠ આનંદ સેક્સમાં ય ચરમસીમાની એક ક્ષણ જ હોય છે. પણ જે ધીરે ધીરે એકબીજા સાથે મસ્તીથી રમતો-ચુંબનો-આલિંગનો કરી એને લંબાવે છે, એ જોયને એકસ્ટેન્ડ કરી શકે છે. માટે આપણા પૂર્વજો ભારતીયોએ બીજું કશું મોબાઈલ-ટીવી નહોતું, ત્યારે એની કળાઓ અને વિદ્યાઓ શોધી એના એકટસ જ્યાં પબ્લિક આવતી એ મંદિરોની દીવાલો પર ફ્રી ઓફ ચાર્જ વ્યૂઇંગ માટે મૂક્યા.
આમાં વાત આળસું કામચોર બનીને હાર્ડવર્ક, મહેનત ટાળવાની છે જ નહિ. જેણે મહેનત કરી છે, એ જ વિશ્રામ માણી શકે છે. બે રીતે : એક તો થાક લાગે તો જ આરામની મજા છે. નહિ તો ઉંઘવાથી ય માથું ભારે થાય, પડયા રહેવાથી બેચેની થાય. કંટાળો આવે. બીજું, મહેનતથી નામદામ એકઠાં કરો તો બ્રેક-વેકેશન લેવાની લકઝરી આસાનીથી ભોગવી શકો.
વાત છે, ક્યારેક બધી જંજાળ મૂકીને અઘોરીની જેમ અલગારી બનવાની. વાત છે, લહેર-લહેજતને વેઇટિંગ મોડ પર મૂકીને ઘાણીના બળદ ન બનવાની. વાત છે, 'એજેન્ડા ડ્રિવન માઈન્ડસેટ'ને મહાત્વાકાંક્ષાના બોજ અને તાણને હટાવી વધું સારું કામ કરવા તાજાંમાજાં થવાની. ફીલિંગ ફ્રેશની. પ્લેઝર ઓફ રેસ્ટની. ભીડથી, લેન્સથી દૂર બી સ્ટિલ, બી ચિલ થઈ એકાંતમાં શાંત થવાની.
ઉતાવળા-બહાવરા થવાને બદલે થોડો સમય વેડફતાં પણ શીખીએ, જો એ મોજમસ્તીમાં પસાર થાય તો. આજે ય લેન્ડમાર્ક ગણાતા ડાયરેક્ટર સ્ટેન્લી કુબ્રિકે મોટા ભાગની ફિલ્મો ચાર, પાંચ કે સાત વર્ષના ગેપ લઈને બનાવી છે. પણ બધી જ મેનોરેબલ ટ્રેન્ડસેટર. આવું નિરાંતજીવે ઓછું પણ અમર કામ કરવું. વીસ વર્ષ સુધી એક પ્રોજેક્ટ પર કામ કરનારા માર્સેલ ડુચેમ્પે એની કબર પર વાક્ય લખેલું, મહાભારતના યુધિષ્ઠિર જેવું : અને, આમ તો હંમેશા બીજાઓ જ છે, જે મરે છે!'' (આપણે તો જાણે કાયમ જીવવાના !) નૂતન વર્ષાભિનંદન.
ફાસ્ટ ફોરવર્ડ:
હાશ ! એકાંતનો તંબુ હું તાણી બેઠો
હું કેટલો નજીક - દૂર એ જાણી બેઠો.
મને મારી પોતાની પાછી મિલ્કત મળી!
મને મારી સાથે જીવવાની ફુરસદ મળી.
મારી અલગારી, કુંવારી સોબત મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
(સુરેશ દલાલ)