માનવીને અમર બનાવવા નીકળ્યા છે બાયૉટેકના બાજીગરો
હોટલાઈન - ભાલચંદ્ર જાની
કેટલીક બાયોટેક કંપની માનવીની આવરદા વધારવા 'સેલ્યુલર ક્લિનઝીંગ'ની ટેક્નિકને ઉચિત કરાવે છે તો યુનિટિ કંપની યુવાનના શરીરમાંથી મેળવેલા બ્લડ પ્લાઝમાને વૃદ્ધના શરીરમાં ટ્રાન્સફોર્મ કરવાની વાત આગળ ધરે છે.
ભવિષ્યમાં માનવ મગજને રોબોમાં પ્રત્યાપિત કરવામાં આવશે, પણ સવાલ એ છે કે માનવી બાયોનિક ચીપની મદદથી અમર બની શકે ખરો?
દ્રોણપુત્ર અશ્વત્થામા અને રામભક્ત હનુમાન સામે ટૂંક સમયમાં સંખ્યાબંધ હરીફો ઊભા થવામાં છે. હિંદુ માન્યતા મુજબ અશ્વત્થામા અને હનુમાનજીને ભગવાન તરફથી અમરત્વનું વરદાન મળ્યું છે. તેઓ સેંકડો વર્ષોથી અમર થઈને પૃથ્વી ઉપર ફરે છે. શ્રદ્ધાળુઓ તો ત્યાં સુધી કહે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં રામભક્ત હનુમાન અચૂક હાજર હોય જ. જ્યારે ચાણોદ, નર્મદા નદીના કિનારે અમને અશ્વત્થામા જોવા મળ્યા હતા એવો દાવો કરનાર કેટલાય લોકો તમને ભરુચમાં ભેટી જશે.
ટૂંકમાં, આ બંને મહાનુભાવો પોતાના અમરત્વ માટે ફેમસ છે. બંને ક્યારેય મૃત્યુ પામ્યા જ નથી એવી લોકોની માન્યતા છે. જોેકે હવે અશ્વત્થામા અને બજરંગબલીની અમરત્વની મોનોપોલી તૂટવામાં છે. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીએ એક એવી સેલ ચીપ બનાવી છે જેની મદદથી માનવી કાયમ માટે યુવાન અને સ્વસ્થ રહેવા ઉપરાંત અમર પણ બની શકશે.
બોરિસ રુબિન્સ્કી નામના કેલિફોર્નિયા યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસરે માનવીને અમરત્વનું વરદાન આપતી આ ક્રાંતિકારી શોધ કરી છે. ઘેટાના બચ્ચાના ક્લોનિંગ બાદની આ સૌથી મહત્ત્વની વૈજ્ઞાાનિક શોધમાં હાથ લાગેલા સેલ ચીપ્સનું જથ્થાબંધ ઉત્પાદન થઈ શકે છે. નજીકનાં ભવિષ્યમાં બોરિસભાઈની ચીપ બજારમાં મળતી થઈ જાય તો નવાઈ નહીં. અમરત્વ કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ છે કે માનવી ચિરયુવાન અને સદાય નીરોગી રહી શકશે.
અશ્વત્થામા તો દ્રૌપદીના શાપને કારણે વિદ્રુપ શારીરિક અવસ્થા સાથે જીવી રહ્યો છે, પરંતુ બોરિસની બાયોનિક ચીપની મદદથી હવે સામાન્ય માનવી ટનાટન તબિયત સાથે જીવશે. આ ક્રાંતિકારી ચીપ કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઈન્સર્ટ કરી એના રોગના ટિસ્યુઓને દૂર અથવા રિપ્લેસ કરી શકાશે.
એક ઈંચના સોમા ભાગ જેટલી અતિ સૂક્ષ્મ એવી આ ચીપ વિકસાવતાં બોરિસને પૂરાં ત્રણ વર્ષ લાગ્યાં છે. આ ઐતિહાસિક શોધ પાછળ કરોડો ડૉલર ખર્ચનાર કેલિફોર્નિયા યુનિવર્સિટીને પોતાની ફોર્મ્યુલાની ઉઠાંતરી થવાની બીક લાગે છે, એટલે તેણે પેટન્ટ માટે અરજી પણ કરી નાખી છે. ટૂંક સમયમાં ચિરયુવાની અને અમરત્વ મેળવવા માટેના આ રામબાણ ઉપાયનું વેપારી ધોરણે ઉત્પાદન શરૂ થઈ જવાની શક્યતા છે.
બીજી તરફ વિશ્વના કેટલાંય દેશોમાં વિજ્ઞાાનીઓ ઘડપણની પ્રક્રિયા વિલંબીત કરવાના પ્રયોગો કરી રહ્યા છે. કેટલાકને આંશિક સફળતા પણ મળી છે. કેલિફોર્નિયાના એક સંશોધકે નવ વ્યક્તિ પર ક્લિનીકલ ટ્રાયલ હાથ ધરી હતી. તેણે આ નવ જણને ગ્રોથ હોર્મોન અને ડાયાબિટિસની બે અલગ દવા એમ કુલ ત્રણ મેડિસીનનાં મિશ્રણના સેવન પર રાખ્યા.
એક વર્ષના પ્રયોગો પછી જણાયું કે આ નવેય વ્યક્તિ તેમની બાયોલોજિકલ ઉંમર કરતા અઢીથી ત્રણ વર્ષ નાના જણાતા હતા. આ વાતની પ્રતિતિ કરવા તેમજ ચોક્સાઇ કરવા આ નવેય જણના જેનોમનો વિસ્તૃત અભ્યાસ થયો હતો. આ વ્યક્તિઓની પ્રતિકાર શક્તિમાં પણ ખાસ્સો સુધારો થયો હોવાનું જણાયું હતું.
જો કે માત્ર નવ જણ પર કરાયેલા આ પ્રયોગથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ ન શકાય. સંશોધકોએ એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો કે આ દવાઓના કોકટેલથી વ્યક્તિના વાર્ધક્ય (એજિંગ પ્રોસેસ)ને ધીમું પાડી શકાય પરંતુ સંપૂર્ણપણે અટકાવી ન શકાય. આમ છતાં વ્યક્તિને અમરત્વ પ્રદાન કરવાની દિશામાં આ સંશોધન મહત્વનું ગણાય.
કેલિફોર્નિયા યુનિ.ના વિજ્ઞાાનીઓ કહે છે કે જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ શરીરમાંના રસાયણોમાં પરિવર્તન થતું જાય છે. જેની સીધી અસર 'ડીએનએ'માં દેખાય છે.
વિશ્વના શ્રીમંતો હંમેશા એવી ઝંખના કરતા હોય છે કે બીમારી- મોત કદી તેમની નજીક ના ફરકે. અમરત્વ પામવાના ધખારામાં અસંખ્ય અમીરો લખલૂટ ખર્ચ કરે છે. અનેકવિધ દવા, ઓસડિયા અને સર્જરીનો આશરો સુદ્ધા લે છે. પુરાણ કાળથી માનવી એવી મહેચ્છા વ્યક્ત કરતો આવ્યો છે કે મોતનો પડછાયો પણ કદી તેની નજીક ન ફરકે. પેલી યયાતિની વાત તો સાંભળી જ હશે. રાજા યયાતિને તેનો પુત્ર પુરુ એ હજાર વર્ષ લાંબુ યૌવન પ્રદાન કર્યું હતું.
પ્રાચીન ઇજિપ્તમાં શાહી ઘરાનાની વ્યક્તિઓના શબ સાચવી રાખવામાં આવતા અને એવી કામના કરવામાં આવતી કે મૃત્યુ પછી પણ તેમને મસ્ત મસ્ત જીવન પ્રાપ્ત થાય! મધ્યકાલીન યુરોપમાં વૈદો, રસાયણ શાસ્ત્રીઓ દીર્ઘાયુ પ્રાપ્ત કરાવી આપવાના બહાને અમીરોને લૂંટતા હતા. વર્તમાન કાળમાં પણ આ સિલસિલો ચાલુ છે. શરીરનો ક્યારેય નાશ ન થાય તેવું ઇચ્છનારા શ્રીમંતો દીર્ઘાયું બક્ષનારી દવા-સર્જરીના સંશોધન પાછળ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. અમર કરી નાખનારા અમૃતની સૌને તલાશ છે.
દાખલા તરીકે એલિસન મેડિકલ ફાઉન્ડેશના ટ્રસ્ટી દર વર્ષે દીર્ઘાયું બક્ષતી અને વૃદ્ધાવસ્થાને પાછળ ઠેલતી દવાના સંશોધન માટે ચાર કરોડ ડોલરનું દાન આપે છે. યુ.એસ. વેન્ચર કેપિટલના ગ્લેન વર્ષે ૫૦ લાખ ડોલર ફાળવે છે. હાવર્ડ, પ્રિન્સ્ટૉન, એમ.આઇ.ટી., સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીમાં પણ વાર્ધક્યને લગત વિજ્ઞાાનમાં પુષ્કળ સંશોધન ચાલી રહ્યું છે. આમા કેટલાંક સંશોધકોએ તો એવો પણ દાવો કર્યો છે કે તેમની શોધખોળ થકી ૨૦૩૦ સુધીમાં માનવી ૯૦ વર્ષનો થાય ત્યારે તે ૫૦ વર્ષનો જણાશે.
જગતના જે અબજપતિઓ અમરત્વ પામવામં રસ લઇ રહ્યા છે તેમાં ટેસલાના ઇલોન મસ્ક, ફેસબુકના બોર્ડ મેમ્બર પીટર થીલ, એમેઝોન સંસ્થાપક જેફ બેઝોસ, ગુગલના સર્જી બ્રીન અને લૅરી પેડ વગેરેનો સમાવેશ થાય છે. આવા અનેક ધનવાનોએ અમરત્વ અંગેના સંશોધન થતા વાર્ધક્ય વિરુદ્ધની દવાઓના ઉત્પાદન માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી છે. સામે કેટલીક બાયોટેક્નાલોજી કંપનીઓએ મૃત્યુનો છેદ ઉડાડવા કમર કસી છે.
જો કે આ જ લગી કોઇને એ 'અમૃત' હાથ લાગ્યું નથી જે પીવાથી માણસ અમર બની શકે, પરંતુ એ હકીકત પણ સ્વીકારવી રહી કે આ બાયોટેક કંપનીના સંશોધનથી ઘણી વિષાણુજન્ય બીમારી સામે અસરકારક દવા- રસી શોધાતી જાય છે. માનવીની યુવાની વધુ વરસ તરોતાજા રહે એવા નુસ્ખા પણ શોધાતા જાય છે. એક એવો અંદાજ છે કે ૨૦૨૩ સુધીમાં 'એન્ટિ-એજિંગ' દવા- ટોનિકોનું વિશ્વ બજાર પંચાવન અબજ ડોલરનો આંકડો પાર કરી જશે.
ટેસલાના એલન મસ્કે તો ન્યુરાલિંક નામની કંપની સ્થાયી છે જે મગજ અને કમ્પ્યુટર વચ્ચેના ઇન્ટરફેસની ભૂમિકા ભજવી શકે તેવી ચીપ વિકસાવી રહી છે. વૃદ્ધાવસ્થામાં મગજ અને સ્નાયુ (તેમજ બીજા અંગો)ની કામગીરી શિથિલ થતી જાય ત્યારે તેમને સચેત, અને બળવત્તર બનાવી જોમવંતા રાખવાની કામગીરી આ ચીપ થકી પાર પાડી શકાશે.
મગજની કેટલીક બીમારીમાં સાવ પાંગળા બની જતા માણસને આ ચીપથી નવું જીવન પ્રાપ્ત થશે. આ ચીપ એક એવા પ્રકારની 'માઇન્ડ કન્ટ્રોલિંગ ડિવાઇઝ' હશે જે ઘરડા માણસ પાસે પણ જુવાન જેવું કામ કરાવશે. જો કે હમણાં તો ગુગલ સ્થાપિત કેલિકો કંપનીને ફક્ત નજીવી સફળતા મળી છે.
કેટલીક બાયોટેક કંપની માનવીની આવરદા વધારવા 'સેલ્યુલર ક્લિનઝીંગ'ની ટેક્નિકને ઉચિત કરાવે છે તો યુનિટિ કંપની યુવાનના શરીરમાંથી મેળવેલા બ્લડ પ્લાઝમાને વૃદ્ધના શરીરમાં ટ્રાન્સફોર્મ કરવાની વાત આગળ ધરે છે. આ કંપનીના સંશોધકો મુખ્યત્વે એવી ઔષધિ વિકસાવી રહ્યા છે જે બુઢાપા સાથે સંકળાયેલી બીમારીને અટકાવે અને મોટી ઉંમરે પણ શરીર તરોતાજા રાખે. આ કેંપની એવી દવા પણ વિકસાવી રહી છે જે શરીરમાં આડાઅવળા થઈ ગયેલા અને ભાંગફોડ મચાવતા કોષોને સુધારે.
મહત્ત્વની વાત તો એ છે કે 'ઇમ્મોર્ટીલિટી' અંગે સંશોધન કરતા નિષ્ણાતોને કેટલાક ચમત્કાર જોવા મળ્યા છે. જેમ કે 'ટાઇપ ટુ' ડાયાબિટિસની ટ્રિટમેન્ટ માટે વપરાતી સોંઘી જેનેરિક દવા મેટફોર્મિન (જેની કિંમત ભારતમાં એક ટેબ્લેટ દીઠ માત્ર એક રૂપિયો હોય) દીર્ઘાયુષ્ય તરફ દોરી જાય છે. એવી જ રીતે ઇમ્યુનોસપ્રેશન્ટ માટે વપરાતી ટેન્સીપમાયસિવ પણ શરીરના કોષો ઘરડા થવાની પ્રક્રિયા મંદ પાડે છે.
જોકે કેટલાક નિષ્ણાતો માને છે કેવાર્ધક્યને પાછળ ઠેલવાની દવા શોધવામાં લાંબો સમય નીકળી જશે. તેથી તેઓ બીજા ક્રાંતિકારી માર્ગ ખોળવાની વાતને સમર્થન આપે છે. તેઓ મૃત માનવીના મગજ અથવા સંપૂર્ણ શરીરને ક્રાયોજેનિક ટેક્નિકથી સાચવી રાખવાની વાત કરે છે. આ ટેક્નિકનો વપરાશ આમ તો પાંચ દાયકાથી થાય છે.
વિશ્વના આશરે ૩૫૦ માણસોએ પોતાના મૃત્યુ બાદ શરીરને 'ફ્રીજ' કરી દેવાની ઓફર માન્ય કરી છે. જોકે આ રીતે શરીરને અતિશય ઓછા તાપમાને સાચવી રાખવાની ટેક્નિક ખર્ચાળ છે. ૬૦,૦૦૦થી દોઢ લાખ પાઉન્ડ સુધીનો ખર્ચ આવે છે. અમેરિકાની એરિઝોના ખાતેની કંપનીએ ક્રાયોજેનિક ફેસિલિટી ઊભી કરીને આ દિશામાં ઘણું કામ કર્યું છે.
જોકે તમામ સંશોધનોમાં સૌથી વધુ ક્રાંતિકારી કહી શકાય તેવી ટેક્નિક છે. 'વિટરનિટી.' અથવા 'વર્ચ્યુઅલ એટરનિટી.' આ કેસમાં વ્યક્તિનું શરીર મૃત્યુ પામે પછી પણ તેનું ડિજિટલ અસ્તિત્વ જળવાઈ રહે છે. આ ટેક્નિક હેઠળ માણસ જીવતો હોય ત્યારે જ તેના મગજનું સ્કેનિંગ કરીને કોપી કરવામાં આવે છે. જેના પરથી મગજનું પ્રોટોટાઇપ બનાવી શકાય. જોકે હજુ સુધી આવું કોઈ યંત્ર શોધાયું નથી એ જુદી વાત છે!
અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં તો દિર્ધાયુ મેળવવા કે અમરત્વ પામવા માટેના સંશોધનોએ પૂર જોશ પકડયું છે પરંતુ રશિયા પણ આ દિશામાં ઘણું આગળ નીકળી ગયું છે. 'અવતાર ' નામના એક હાઇ ટેક સંશોધન પ્રકલ્પ ના આગેવાન રશિયન એન્ટરપ્રેન્યોર ઇટસકોવે દુનિયાના શ્રીમંતોને અમરત્ત્વ પ્રદાન કરવાની ઓફર કરી છે. તેઓ દાવો કરે છે તેમની સેવા લેનારા ગ્રાહકની ે અંગત રીતે અમરત્ત્વની પ્રક્રિયા પર ધ્યાન આપશે .જો કે આ માટેની ફીનો આંકડો બહાર પાડવામાં આવ્યો નથી.
મીડિયા એન્ટરપ્રેન્યોર ઇટસકોવ ૧૦ વર્ષની અંદર માનવ મગજને રોબોની બોડીમાં પ્રત્યારોપિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે અને આ ધ્યેયને હાંસલ કરવા તેમણે ૩૦ વિજ્ઞાાનીઓને કામે લગાડયા છે. અમરત્ત્વ પામવા માટે તમારી પાસે પૂરતું રોકાણ કરવાની ક્ષમતા હોવી જોઇએ .આવી ટેકનોલોજીનું સર્જન કરવાની ઘણી નજીક આપણે પહોંચી ગયા છીએ. આ કલ્પના કે સાયન્સ ફિકશનની વાત નથી. આ ધ્યેય હાંસલ કરવાનું તમારા હાથમાં છે એમ ઇટસકોવ કહે છે.
ઇટસકોવ પોતાના આ પ્રકલ્પને 'સાયબરનેટીક ઇમમોર્ટાલિટી 'અને 'આર્ટિફિશિયલ બોડી' તરીકે ઓળખાવે છે. આમાં ભંડોળ પૂરું પાડવા તેમણે કેટલાક અબજોપતિનો સંપર્ક કર્યો છે. આનો આરંભ તે સાનફ્રાન્સીસ્કોમાં ઓફિસ ખોલીને અને દુનિયાના તમામ વિજ્ઞાાનીઓને સાંકળી લેતાં સોશ્યલ મીડિયા પ્રકલ્પને લોન્ચ કર્યો છેે.
ઇટસકોવની સત્તાવાર સાઇટ પર એવી વિગતો છે કે તેમની ટીમ એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ સેન્ટર શરૂ કરવા માટે કામ કરી રહી છે જેમાં વિજ્ઞાાનીઓ માનવીની ચેતનાને કૃત્રિમ માધ્યમમાં પ્રત્યારોપિત કરવા વિશ ે સંશોધન કરશે અને સાયબરનેટીક ઇમમોર્ટાલિટી હાંસલ કરશે. આ સંશોધન સફળ થતાં વ્યક્તિ બીમારી ,વૃધ્ધાવસ્થા અને મૃત્યુથી મુકત થશે.
વિજ્ઞાાને જન્મ ઉપર દાયકાઓ પૂર્વે નિયંત્રણ મેળવી લીધું છે. હવે એણે યમરાજને પરાજય આપવાનો ઉપાય શોધી લીધો છે. જન્મની જેમ હવે મોત પણ માનવીના અંકુશમાં આવી જશે. એને પગલે સંસારના હજ્જારો આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે જબરદસ્ત વૈચારિક સંગ્રામ ફાટી નીકળવાનો છે. આજ સુધી માણસ મૃત્યુ અને વ્યાધિથી સૌથી વધુ ડરતો હતો. નાસ્તિકો કહે છે કે મૃત્યુની બીક જ માણસને મંદિર, મસ્જિદ અને ચર્ચ સુધી દોરી જાય છે.
રોગ અને મૃત્યુનો ભય જ માનવીને પહેલાં શ્રદ્ધાળુ અને પછી અંધશ્રધ્ધાળુ બનાવે છે એવી રેશનલિસ્ટોની દલીલ છે. એમને મતે મોટા ભાગના લોકો શ્રદ્ધાને કારણે નહીં, પણ બીકના માર્યા જ ભગવાનને ભજે છે. યુવાની, સ્વાસ્થ્ય અને અમરત્વનું વૈજ્ઞાાનિક ત્રેવડું વરદાન આપતી બાયોનિક ચીપ માર્કેટમાં મળતી થતાં ભગવાનના ભક્તોના મનમાં નાસ્તિકો અને વાસ્તવવાદીઓ (રેશનલિસ્ટો) પ્રત્યેની આભડછેટ ચોક્કસપણે દૂર થશે.
દુનિયા બની ત્યારથી ઈશ્વર છે કે નહીં એ વિશે વિવાદ ચાલ્યો આવે છે. શ્રદ્ધાળુઓ ઈશ્વરના અસ્તિત્વમાં સો ટકા શ્રદ્ધા રાખે છે, પણ ભગવાનનાં અસ્તિત્વનો કોઈ પુરાવો નથી આપી શકતા. સામે પક્ષે રેશનલિસ્ટો પણ ઈશ્વર નથી એની કોઈ સજ્જડ સાબિતી આપી નથી શકતા. તેઓ આસ્તિકો પાસે ઈશ્વરના હોવા વિશે વૈજ્ઞાાનિક પુરાવો માગી માગીને પોતાના નિરીશ્વરવાદને વધુ સુદ્દઢ બનાવે છે. બધી વાતનો સાર એ છે કે મનુષ્યની આ વરદા લંબાવી શકાય ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ તેને અમર બનાવી દેવાનો નુસખો કામિયાબ નીવડે તો સમાજમાં ઘણી ઉથલપાથલ મચી જાય.