ચાલ મેકઅપ કાઢી લઉં છું હું હવે એક્ઝિટ થઇ
અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
કવિ પોતાને મડદું ગણાવે છે. શરીરમાં જીવ ન રહે - ઊર્જા ન રહે ત્યારે શરીર મડદું ગણાય છે. ઘણા લોકો આજેય સાવ ઊર્જાવીહિન જીવે છે. આવાં લોકો જીવતા હોવા છતાં મડદાથી વિશેષ નથી
લોગઇન
આવ પાસે બેસ ભીતર, હું હવે મડદું જ છું;
શત્રુ મારા મુજથી ના ડર, હું હવે મડદું જ છું.
ડૂબવું શું, ને શું તરવું, એ બધુંયે વ્યર્થ છે,
જિંદગીની વાત ના કર, હું હવે મડદું જ છું.
જગ ! રડાવ્યો તેં મને નિષ્ઠૂર થઇ આખું જીવન,
આજ તું રડ ને હું પથ્થર, હું હવે મડદું જ છું.
પૃથ્વી પર લાખો ખુદાઓ રોજ જન્મે ને મરે,
આભમાં છે એક ઈશ્વર, હું હવે મડદું જ છું.
આંખમાંથી જે વહે છે એ નથી મારું રુદન,
થઇ ગયાં આ અશ્રુ બેઘર,
હું હવે મડદું જ છું.
ચાલ મેકઅપ કાઢી લઉં છું
હું હવે એક્ઝિટ થઇ,
વેશ ભજવું કોઇ નવતર,
હું હવે મડદું જ છું.
- હેમલ ભટ્ટ
હેમલ ભટ્ટે માત્ર ૩૩ વર્ષની ઉંમરે જગતના મંચ પરથી એક્ઝિટ લઇ લીધી. જિંદગી નામનો મેકઅપ ઉતારી નાખ્યો. આપણે ત્યાં નાની ઉંમરે વિદાય લેનાર કવિઓ ઘણા છે. ૨૮ વર્ષની ઉંમરે રાવજી નામના કંકુનો સૂરજ આથમ્યો, ૨૬ વર્ષની ઉંમરે કલાપીનો કેકારવ શમ્યો, વળી ૨૬ વર્ષની ઉંમરે જ મણિલાલ દેસાઇ નામની પલ ગુજરાતી સાહિત્યના હાથમાંથી સરકી ગઇ ! માત્ર ૨૩ વર્ષની ઉંમરે પાર્થ પ્રજાપતિએ વિદાય લીધી. હિમાંશું ભટ્ટ, જગદીશ વ્યાસ, શીતલ જોશી જેવા ઘણા કવિઓ ઓછું જીવ્યા એમ કહેવા કરતાં ઝડપથી જીવી ગયા એમ કહેવું વધારે યોગ્ય છે.
સર્જક સમયપટ પર હરણફાળ ભરે છે. ઘણાં લોકો વર્ષો સુધી જીવે છે, પણ કશું ઉકાળતા નથી. તેમનું હોવું ન હોવા બરોબર છે. ઓછી ઉંમરે ચાલ્યા જનાર સર્જકો લાંબુ જીવનારા કરતા વધારે લાંબું જીવે છે. તે ટૂંકું નથી જીવતા, લાંબી જિંદગી જલદી જીવી જાય છે. હેમલ ભટ્ટ આવો ઝડપથી જીવી ગયેલો સર્જક છે. પોતાની ૩૩ વર્ષની ઉંમરમાં તેમણે જે સર્જન આપ્યું છે તે ધ્યાન ખેંચે તેવું છે.
ઉપરની ગઝલ તેમના મૃત્યુના અંતિમ દિવસોમાં લખાયેલી છે. ગઝલનો રદીફ તરત ધ્યાન ખેંચે છે. કવિ પોતાને મડદું ગણાવે છે. શરીરમાં જીવ ન રહે - ઊર્જા ન રહે ત્યારે શરીર મડદું ગણાય છે. ઘણા લોકો આજેય સાવ ઊર્જાવીહિન જીવે છે. આવાં લોકો જીવતા હોવા છતાં મડદાથી વિશેષ નથી. ગમે તેટલી ઊર્જાનો ધોધ તમારામાં વહેતો હોય પણ ક્યારેક તો આપણને નિરાશાનો સાપ વીંટળાઇ વળે જ છે. ત્યારે શરીર સાવ નિસ્તેજ થઇ જાય છે. એમ થાય છે કે જાણે હવે શરીર, શરીર નહીં પણ મડદું છે. હેમલ ભટ્ટ કંઇક આવીજ અવસ્થાની વાત કરે છે.
શત્રુને તે કહે છે મારાથી હવે ભયભીત થવાની જરૂર નથી, હું તો હવે સાવ મડદા જેવો થઇ ગયો છું. જ્યારે આવા નિર્જીવ થઇ ગયા હોઇએ ત્યારે ડૂબવું-તરવું, પામવું-ખોવું બધું વ્યર્થ છે. આખી જિંદગી માણસને દુનિયા રડાવે છે, પછી એ મરણ પામે ત્યારે તેની પાછળ સારી-સારી વાતો કરે છે. કહેવાતા રિવાજો પાળે છે. મરણ પછી કંઇ કરો ન કરો, શું ફેર પડે છે ? જીવતો જાગતો માણસ શબમાં ફેરવાઇ જાય ત્યાં સુધી આપણે તેની પર ધ્યાન પણ આપતા નથી.
ઘણા માણસ જીવતાં મડદાં જેવા નથી હોતા શું ? આપણને એમ જ લાગે આ માણસમાં એક લાશ જીવી રહી છે. નિરાશાની ચરમસીમા તમને મડદા જેવી બનાવી દે છે. રોજ લાખો લોકો જન્મે છે અને મરે છે. સેંકડો મડદાઓ અહીં હરેફરે છે, દફનાવાય છે. પૃથ્વીનો ગોળો એક મોટા કબ્રસ્તાન સિવાય બીજું કશું નથી. આંસુ આંખમાંથી નીકળતાની સાથે જ બેઘર થઇ જાય છે. જન્મ અને મરણ નામની બે ઘટના વચ્ચે જે છે તે જીવન છે.
શેક્સપિયરે કહેલું કે આખું વિશ્વ એક મોટો રંગમંચ છે અને આપણે વિશ્વ પરના રંગકર્મીઓ છીએ. આ કવિએ જગતમાંથી પોતાની ભૂમિકા ભજવીને વહેલા એક્ઝિટ લીધી. નાનો રોલ કર્યો, પણ કવિ અને નાટયકાર તરીકે ઉત્તમ ભૂમિકા ભજવી. તેમની જ ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
બધાથી જ સંતાઇને હું ઊભો છું,
પવન છું ને ફંટાઇને હું ઊભો છું.
ન ગોફણ ન પથ્થર હતી એ બે આંખો,
કે જેનાથી અંટાઇને ઊભો છું.
ભલે હોંઉ સૂરજ કે ચાંદો ફરક શું ?
કે વાદળથી ઢંકાઇને હું ઊભો છું.
જીવન ખો-રમત છે હું ખંભો ખૂણાનો,
લો બાજી સમેટાઇને હું ઊભો છું.
હતું માનતાનું તિલક ભાલે કાલે,
છું શ્રીફળ વધેરાઇને હું ઊભો છું.
જે આંખો કહી ના શકી એ લઇને,
ગઝલમાં સમેટાઇને હું ઊભો છું.
ગગનવાસી છું હું જીવન સૌને આપું,
મરણથી વગોવાઇને હું ઊભો છું.
- હેમલ ભટ્ટ